લઘુકથા :
‘પપ્પા, મને ચાડિયો જોવા ક્યારે લઇ જશો? ’
‘બેટા, એક દિવસ લઇ જઈશ, પછી વાત.’
‘શું પછી વાત?’ પત્ની સહેજ ઊંચા અવાજે બોલી. ‘તમારો એ એક દિવસ ક્યારે આવશે! તમે દર વખતે ‘’પછી, પછી’’ કહીને બિચારાને ટટળાવો છો. એક વાર લઇ જાવ ને! આપણો રઘુ દૂધવાળો પણ ઘણીવાર વાડીએ આવવાનું કહ્યા કરે છે. ને આમે ય ચિંતનને આ વખતે ભણવામાં ચાડિયાનો પાઠ આવે છે. એ પ્રત્યક્ષ જોશે ને તમે સમજાવશો એટલે પાઠે ય પાકો થશે.’ ને રવિવારે બધાં સાથે ગયાં. ચિંતન હરખભેર પૂછી રહ્યો. ‘પપ્પા, આ ચાડિયો ખેતરમાં શું કામ રાખ્યો છે? કસરત કરવા?’
‘ના બેટા, એ તો કસરત કરાવે. જો ધ્યાનથી સાંભળ. ખેતરમાં પશુપંખી આવીને પાક સાફ ન કરી જાય એટલે ચાડિયો રાખ્યો છે. કાંટાળી વાડ હોય એટલે ગાયભેંસ તો કદાચ ન આવી શકે, પણ પંખીને થોડું પહોંચાય છે? એ તો ફરરર કરતાં આકાશમાંથી ટપ દઈને ઊતરી પડે ને પાક સફાચટ … પણ આ ચાડિયો જોઈને એને એમ લાગે કે કોઈ માણસ ચોકી કરવા ઊભો છે એટલે ડરના માર્યાં ઊડી જાય, ને પાક બચી જાય.’
‘પણ પપ્પા, એવું થોડું કરાય? એને ભૂખ ન લાગે?’
‘બેટા ચિંતન, ખેડૂતે આખું વરસ મહેનત કરીને ઘઉં, ચણા વગેરે ઊગાડ્યું હોય, એ સાફ થઇ જાય તો એ ને આપણે બધા ખાઈએ શું?’
‘પપ્પા, સાચુકલો માણસ ઊભો કેમ નથી રાખ્યો?’
‘બેટા, રાત ને દિવસ માણસ ઊભો કેમ રહે? થાકી ન જાય? એટલે માણસ નહીં, પણ માણસ લાગે એવું પૂતળું ગોઠવી દેવાય એનું નામ ચાડિયો.’
‘પપ્પા, એટલે પંખીની ચાડી ફૂંકી તેને ઉડાડી મૂકે એનું નામ ચાડિયો, બરાબર ને?’
‘અરે વાહ, તને તો આવડી ગયું! હવે તને પાઠે ય બરાબરનો પાકો થઇ જશે. ચાલો હવે ઘરે ..’
….. ઘણા વખતથી નોટબુકની માંગણી કરી રહેલો ચિંતન ચમક્યો. ‘પપ્પા, આટલાં બધાં કોરાં પાનાં? આમાંથી તો આટલી બધી નોટ બનશે. કેટલાનાં આવ્યાં, પપ્પા? ’
‘સાવ મફતમાં. હવે તો રાજી ને? એટલે તો કહેતો’તો કે થોડી ધીરજ ધર. મારી ઓફિસમાં આવાં તો કેટલાં ય પાનાં છે. પણ સાંભળ, કોઈ પૂછે તો બાફી ન મારતો કે પપ્પા ઓફિસમાંથી લાવ્યા છે. આજ લાગ મળ્યો કે ..’
આવાં પાનાં લેવાની ધડ ના પાડતો ચિંતન પોતાની વાતને વળગી રહી ઊલટું મને નીતિનો પાઠ ભણાવવા બેઠો એટલે મેં બે ધોલ મારી એને બરાબરનો પાઠ ભણાવ્યો એટલે પત્ની બોલી ઊઠી, ‘શું કામ એને મારો છો? તમે ઓફિસમાંથી શા માટે પાનાં લઇ આવ્યા?’
હું બોલું એ પહેલાં જ રડમસ અવાજે ચિંતન કહી રહ્યો, ‘મમ્મી મમ્મી, એની ઓફિસમાં ચાડિયો નથી રાખ્યો ને એટલે.’
સૌજન્ય: ‘નવચેતન ’ સામયિક અને લેખક દુર્ગેશ ઓઝાના લઘુકથાસંગ્રહ ‘અક્ષત’માંથી
e.mail : durgeshoza@yahoo.com.in