મિ. સંતૃપ્ત વોરા, તમે તમારી એસ.જી. રોડ પરની તમારી ઇન્સ્ટિટ્યૂટ પરથી તમારા ઘર તરફ પ્રયાણ કરો છો. ઓનેસ્ટ રેસ્ટોરેન્ટ પસાર કરતા એસ.જી. હાઇવે પર તમારી સ્વીફ્ટ કાર પર કોઇ જોરદાર પથ્થર ફેંકવાનો અવાજ આવે છે. તમારા ડ્રાયવરની સમયસૂચકતાથી બ્રેક મારતા પથ્થર તમારી કાર પર ન વાગતા, તમારી ગાડીની ડાબી બાજુએ ચાલતા પેલા વૃદ્ધ રાહદારીને વાગતાં વૃદ્ધ રાહદારીને માથામાં સખત ઇજા થઈ. લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડી જતાં અનેક લોકો તેની મદદમાં પડી ગયાં. તમે તમારી સ્વીફ્ટ ગાડીમાંથી ઊતરી એક મિનિટ માટે થોભ્યા પછી અનેક લોકો પેલા વૃદ્ધ રાહદારીની મદદે આવેલા, તેથી તમે પાછા ગાડીમાં બેસી, ડ્રાઇવરને સૂચના આપો છો કે, જલદી ગાડી ચલાવ પેલા દાઢીધારી યુવકનો પીછો કરો, અને તેને ગમે તેમ કરીને પકડવો છે.
‘દિવ્ય ભાસ્કર’થી પણ આગળ, ડાબી બાજુમાં આવેલા અદાણી પેટ્રોલ પંપ પાસે એ અર્ધપાગલ મનોદશાવાળો મેલાંઘેલાં કપડાં પહેરેલા યુવાન કે જેણે આ પથ્થર ફેંકેલો તેને પકડવામાં તમે સફળ થાવ છો. અને તમારી સ્વીફ્ટ મારૂતિ કારમાંથી નીકળી તમે તેને પ્રેમપૂર્વક પૂછો છો. સંતૃપ્ત વોરા, કે દોસ્ત આવો પથ્થર ફેંકવાનો વિચાર તને કેમ આવ્યો. અર્ધપાગલ યુવાન ગાળો બોલતો બોલતો કહે છે કે બધા જ મારા દુશ્મન છે. હું બધાને મારવાનો – મને કોઇ નોકરી નથી આપતું અને મારે આજે ખાવાના ફાંફા છે. ચાર દિવસથી હું ભૂખ્યો છું.
તમે, સંતૃપ્ત વોરા, સમાજશાસ્ત્રી છો. સમાજના પ્રશ્નોને સમજવાની કોઠાસૂઝ અને આવા અનેક પ્રશ્નો ઉકેલવાની તમારી આવડતના સંદર્ભમાં તે યુવાનને તમે જરા પણ ઠપકો આપ્યા વિના, તેની સાથે સહાનુભૂતિપૂર્વકનો વર્તાવ કરી તેને પૂછો છો કે દોસ્ત ચા પીવી છેને ? ચાલ, હું તને ચા પીવરાવું, એમ કહી તમે સાણંદ ચોકડી પરની એક રેસ્ટોરન્ટમાં એ યુવાનને લઇ જાવ છો. ચા પીતાં પીતાં તમે એને પૂછો છો કે દોસ્ત શું ભણ્યો છો, ઘરમાં કોણ કોણ છે, વગેરે પ્રશ્નો પૂછી તેની સાથે એક સહૃદયી વર્તાવ કરી તેની પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયત્ન કરો છો. અને પછી પૂછો છો કે દોસ્ત, હું તને નોકરી આપું તો તું નોકરી કરીશ – પેલો યુવાન આવા અણધાર્યા સવાલથી એક વખત તો અચંબામાં પડી જાય છે, અને ખૂબ જ રાજી થતો કહે છે કે હા, સાહેબ હું ચોક્કસ આવીશ. તમે તેને કહો છો કે તને અત્યારે ૩,૦૦૦/- રૂપિયા પગાર મળશે તેમ કહી તમે તેને તમારું વિઝીટીંગ કાર્ડ આપી, તેને કહો છો કે કાલે સવારે દસ વાગ્યા પછી મારી ઓફિસ પર આવજે તેમ કહી તમારા ખિસ્સામાંથી રૂા. ૫૦૦/-ની નોટ આપી, તેને કહો છો કે કાલે દાઢી વગેરે કાઢી સાફસૂથરો થઇ ઓફિસ પર આવજે અને પહેલાં કંઇક જમી લે. યુવાન રાજી થતો થતો, મિ. સંતૃપ્ત વોરા આપના પગમાં પડે છે. તમે સલાહ આપો છો કે પગમાં પડવાની જરૂર નથી દોસ્ત, આપણે હાથ મીલાવીએ.
આ યુવાનના આનંદનો પાર ન રહ્યો. તે બિલકુલ સમયસર મિ. સંતૃપ્ત વોરા, તમારી ઓફિસ પર દસ વાગે પહોંચી જાય છે. તમને નમસ્તે કરીને કહે છે કે સાહેબ, હું આવી ગયો. બોલો મારે શું કામ કરવાનું. મિ. સંતૃપ્ત વોરા, તમે અનેક પ્રશ્નો લઇને આવનારા લોકોના પ્રશ્નો સોલ્વ કરવા કાઉન્સેલિંગ કરો છો, સલાહ આપો છો અને મોટેભાગે ડિપ્રેશનમાં રહેતા લોકોને સૂચના આપી તેમને નવા જીવનના રાહ પર મૂકી દો છો. તમે સમાજશાસ્ત્રી હોવાના નાતે સમાજચિંતક છો, તમારી વિદ્વતા તમારી કામયાબીનું એક જમાપાસું છે. તમે એ યુવાનને શાંતિથી બાજુમાં બેસાડીને કહો છો કે ભાઇ, તારે કંઇ કરવાનું નથી આ રજિસ્ટરમાં, જે કોઇ અહીં મને મળવા આવે તેનું નામ, સરનામું અને ફોન નંબર લખવાનાં. પછી મારી ઓફિસમાં તેનું નામ લખી મને મળવા મોકલવા. આ નવયુવાન આ રીતે આ વ્યવસ્થાની સાથે નોકરી કરે છે. દરરોજ ૧૫/૨૦ જણા મુલાકાતીઓ આવે છે તને નિયમિત રીતે મોકલવા નામ વગેરે લખવું અને ચુસ્ત ડિસિપ્લીન સાથે કામ કરવાની ધગશ સાથે કામ શરૂ કરે છે. આમ ને આમ, એકાદ વર્ષ પૂરું થઇ જતાં આ નવયુવાન જરા સ્થિર થઇ ગયો હોય તેવો અહેસાસ થાય છે.
એક વખત નવયુવાન તમને પૂછીને સાહેબ આવું ? કહીને તમને મળવા આવે છે અને પૂછે કે સાહેબ, હું બી.કોમ. થયેલો ગ્રેજ્યુએટ છું મારે આગળ ભણવું છે તો સલાહ આપો કેવી રીતે ભણી શકું. આ યુવાનની વાત સાંભળી તમે, મિ. સંતૃપ્ત વોરા એકદમ શાંતિથી બાજુમાં બેસાડીને કહો છો કે હા ભાઇ, તારે આગળ ભણવું હોય તો ભણી શકાય બહારથી એક્સ્ટર્નલ પણ થવાય. તારે શેનો કોર્સ કરવો છે. યુવાન કહે છે કે સાહેબ, મારે સી.એ. ચાર્ટર્ડ એકાઉન્ટનો કોર્સ કરવો છે. મિ. સંતૃપ્ત વોરા, તમે કહો છો કે આ માટે મારા મિત્ર પ્રોફેસર ડૉ. મહેતા પાસે તને મોકલું છું – તે તને આ બાબતમાં વધારે સલાહ આપી શકશે.
યુવાન બીજે દિવસે ડૉ. મહેતા જે યુનિવર્સિટીમાં ઉચ્ચા હોદ્દા પર છે અને અર્થશાસ્ત્ર વિભાગના વડા છે તેની પાસે પહોંચે છે. ડૉ. મહેતાની સલાહ મુજબ સાંજના ચાર વાગ્યા પછી, તમારી ફરજ પૂરી થયા પછી, સી.એ.ના કોર્સમાં આ યુવાન આગળ અભ્યાસ શરૂ કરે છે – યુવાનની ધગશ અને ભણવાની લગની એ તેને એક પછી એક સી.એ.ના બધા જ અભ્યાસ કામ પૂરા કરી નાખે છે. સી.એ. ફાઇનલમાં સારા માર્કથી તે ઉતીર્ણ થતાં મિ. સંતૃપ્ત વોરા, એક દિવસ તે કહે છે કે સાહેબ, આજ હું સી.એ.ની અંતિમ પરીક્ષા પાસ કરી ઉતીર્ણ થયો છું. આ બધું જ તમારી, મારા તરફની લાગણી અને સલાહયુક્ત પ્રેરણાથી જ થયું છે. હું તમને પ્રણામ કરવાની સાથે સાથે આજે વિદાય લેવા આવ્યો છું. મારી સાથે ભણતા એક યુવાને મારી જેમ જ સી.એ.ની પરીક્ષા પાસ કરી છે, અને તેણે મને ઓફર કરી છે કે આપણે બન્ને એક નાનકડી ઓફિસ ખોલી ચાર્ટડ એકાઉન્ટની કન્સલ્ટન્સીઝ કરીએ. સાહેબ, આપ શું સલાહ આપો છો ? મિ. સંતૃપ્ત વોરા, તમે રાજીખુશીથી તેને કહો કે ભાઇ આ પ્રપોઝલ સારી છે, અને તું ચોક્કસથી આ રીતે ઓફિસ શરૂ કરી પ્રેક્ટીસ ચાલુ કર. તને મારી હાર્દિક શુભેચ્છા છે.
આ નવયુવાન તેના અત્યંત ધગશ અને અભ્યાસમાં સતત નિયમિત હોવાને નાતે અર્ધપાગલ જેવી પરિસ્થિતિમાંથી આજે ચાર્ટડ એકાઉન્ટ બની જાય છે અને તેની નવી ઓફિસનું ઉદ્ઘાટન મિ. સંતૃપ્ત વોરા, તમારા હાથે થાય છે.
મિ. સંતૃપ્ત વોરા, જ્યારે તમે તેની ઓફિસ પર જાવ છો અને જુઓ છો કે મિ. વિનય શર્મા એન્ડ એસોસિયેટના બોર્ડ સાથે તરત જ ડાબી બાજુમાં પૂજાના રૂમ પાસે મોટી ફ્રેમમાં ડૉ. સંતૃપ્ત વોરા, તમારો ફોટો લગાડેલો જુઓ છો. જેના નીચે લખ્યું છે કે મારા જીવનના નવા, રાહ પરના પ્રણેતા – અને તમે આ ફોટો અને નીચેનું વાક્ય જોઇને સ્તબ્ધ બની જાવ છો. મિ. સંતૃપ્ત વોરા, આંખોમાં આનંદના ઝળઝળિયાં સાથે હાશકારો અનુભવો છો કે, એસ.જી. રોડ પરનો પેલો પથ્થર ફેંકતો એ અર્ધપાગલ આજે તેના વિકાસના પંથ પર પહોંચે છે, તેનો તમને ભરપૂર આનંદ સાથે સંતોષ થાય છે. મિ. સંતૃપ્ત વોરા, આ સાથે તમે તેના ઉદ્ઘાટનની વિધિ પતાવી તમારી સ્વીફ્ટ કારમાં તમારા ઘર તરફ જતાં ગાડીમાં બેઠા બેઠા, વિચારોના વમળમાં ખોવાઇ જાવ છો કે આ દેશના આવા અસંખ્ય અર્ધપાગલ, દિશાહીન છતાં વફાદાર અને મૂલ્યનિષ્ઠ યુવાનાને જો સમયસર સાચી સલાહ અને હમદર્દી મળે, તો કેટકેટલા યુવાનોના જીવનમાં નવચેતન લાવી શકાય. તે સાથે તમારી પાસે તૈયાર થયેલા એ વિનય શર્માને ફોન કરીને કહો છો કે દોસ્ત, સમય કાઢીને કાલે મારી ઓફિસ પર આવજે. બીજા દિવસે પેલો ચાર્ટડ એકાઉન્ટન્ટ વિનય શર્મા તેની નાનકડી ઇન્ડીકા સાથે મિ. સંતૃપ્ત વોરા, તમારી ઇન્સ્ટિટ્યૂટ પર આવે છે અને પૂછે છે કે સાહેબ, આવું કે ?
મિ. સંતૃપ્ત વોરા તમે તેને તમારી બાજુમાં બેસાડી, ને શાંતિથી તેને એક અપીલ કરો છો કે જો દોસ્ત, તારી ભૂતકાળની અર્ધપાગલ અવસ્થાથી આજ સુધીની તારી જીવનયાત્રામાં તું સફળ થયો છો, તો તેમાં તારી ધગશ, વફાદારી, ડિસિપ્લીન, ભણવાની ઉત્કંઠાનો અવશ્ય ફાળો છે. આ જ રીતે તું બીજા કેટલાક યુવાનો જે આજે દિશાહીન છે તેમને કંઇક સલાહ સૂચના અને જરૂર પડે આર્થિક મદદ કરીને કેમ તેના જીવનમાં બદલાવ ન લાવી શકે ?
આ વાત સાંભળી યુવાન મિ. વિનય શર્મા, એકદમ પ્રફુલ્લિત થઇને જવાબ આપે છે કે હા, સાહેબ, હું આવા દર વર્ષે બે યુવાનોને દત્તક લઇ તેના જીવનમાં બદલાવ લાવવાની, તેના જીવનચક્રમાં નવો સંચાર કરવાનું કામ જરૂર કરીશ. સાહેબ, હું આજથી તમને વચન આપું છું કે આવું ઉમદા કૃત્ય જરૂર કરીશ.
મિ. સંતૃપ્ત વોરા, આ સાંભળી તમે વિનય શર્માને હાથ મિલાવી શાબાશી આપી એક, નવા માનવધર્મના નવા રાહ પર વિનય શર્માને મૂકી અનેક યુવાનોના જીવનમાં બદલાવ લાવવાનો અનેરો માર્ગ મોકળો કરી ધન્ય ધન્ય અનુભવો છો, મિ. સંતૃપ્ત વોરા.
મિ. સંતૃપ્ત વોરા, સલામ તમને અને તમારી સમાજશાસ્ત્રીય ચિંતન વડે એક અર્ધપાગલ યુવાનને ચાર્ટડ એકાઉન્ટન્ટ સુધીની જીવનયાત્રાને સફળ બનાવવાના અનેરા કામ બદલ. તમારી સમાજમાં ઊભા થતા પ્રશ્નોને સમજવાની અનેરી કુનેહને સલામ અને સલામ પેલા અર્ધપાગલ યુવાનમાંથી ચાર્ટડ એકાઉન્ટન્ટ સુધી પહોંચતા વિનય શર્માને પણ સલામ. સાથે સાથે સલામ વિનય શર્મા, તમને. દર વર્ષે બે છોકરાઓને દત્તક લઇ તેને ભણાવવાના ભગીરથ કાર્ય દ્વારા એ યુવાનોમાં તેના જીવનમાં, નવો રાહ અપાવી તેમના જીવનમાં એક ચોક્કસ દિશા તરફ વાળવાના મહાયજ્ઞ બદલ સલામ વિનય શર્મા તમને લાખ લાખ સલામ.
[21 January 2020]
e.mail : koza7024@gmail.com