લગભગ સિત્તેર જેટલાં વર્ષ સુધી જે એક અવાજે ભારતીય શાસ્ત્રીય સંગીતના શ્રોતાઓને મંત્રમુગ્ધ રાખ્યાં એ અવાજ અચાનક ૧૭મી સપ્ટેમ્બરના દિવસે થંભી ગયો. કહો કે નાદબ્રહ્યમાં વિલીન થઈ ગયો. પંડિત જશરાજનું અવસાન બધા સંગીતરસિકોને એક દર્દ આપી ગયું. હવે આ અવાજ નહીં સંભળાય.
પંડિત જશરાજનો જન્મ બ્રિટિશ પંજાબના હિસ્સાર(હાલનું હરિયાણા)ના પીલી મન્ડોરી ગામમાં એક બ્રાહ્મણ કુટુંબમાં ર૮ જાન્યુઆરી ૧૯૩૦ના રોજ થયો હતો. ચાર ભાઈઓમાં જશરાજજી સૌથી નાના હતા. મોટા ભાઈઓ પંડિત પ્રતાપનારાયણ, મોતીરામ, મણિરામ. જશરાજજીની પ્રારંભિક તાલીમ તબલાવાદક તરીકે થઈ હતી અને તેઓ તેમના મોટા ભાઈ ખાસ કરીને પંડિત પ્રતાપનારાયણની સાથે તબલાં વગાડતા હતા. પણ એક દિવસ એક કાર્યક્રમમાં આયોજકે તેમને બેસવાની બાબતમાં અપમાન કરી લેતા ગાયક બનવાનું નક્કી કરેલું. ત્યારથી એમણે ગાયનની તાલીમ એમના મોટા ભાઈઓ પાસેથી લેવી શરૂ કરેલી. અને એક ગાયક તરીકે જ પછી તેઓ ઓળખાવા લાગેલા. એમની નિમણૂક રાજગાયક તરીકે મીર ઓસમાણ અલીખાનના દરબારમાં થયેલી. પણ દેશને સ્વતંત્રતા મળતાં તેઓ એક સ્વતંત્ર ગાયક તરીકે કાર્યક્રમ આપવા લાગ્યા. ૧૯૪૬માં તેઓ કોલકાતા રેડિયોમાં ગાયક તરીકે જોડાય છે. અને પછી કેટલાંક વર્ષ તેઓ ત્યાં જ રહે છે. અને ૧૯૬૩માં તેઓ કોલકાતા છોડીને મુંબઈને રહેઠાણ તરીકે પસંદ કરે છે. આ દરમ્યાન વિખ્યાત ફિલ્મ – દિગ્દર્શક વી. શાંતારામની પુત્રી મધુરા જોડે ૧૯૬રમાં લગ્ન કરે છે.
એ સમયે તેઓ બેગમ અખતરની ગાયકીથી ખૂબ આકર્ષાયેલા. અને બેગમને તેઓ પ્રેરણાસ્રોત માનવા લાગેલા. તેઓ પોતે ઉસ્તાદ અમીરખાં સાહેબ અને પંડિત ભીમસેન જોશીને ઉચ્ચ કક્ષાના ગાયક માનતા હતા. એ માન જીવનપર્યંત જળવાઈ રહ્યું. યુવાનીનો સમય એમણે હૈદરાબાદમાં ગાળેલો અને એ સમયે તેઓ અવારનવાર સાણંદ આવીને મહારાજા જશવંતસિંહ વાઘેલા પાસે મેવાતી ઘરાનાની તાલીમ લેવા લાગે છે.
એક ગાયક તરીકેનો પંડિત જશરાજનો પ્રવૃત્તિસમય લગભગ સિત્તેર વર્ષનો રહ્યો છે. આ દરમિયાન એમણે અનેક કાર્યક્રમો અનેક જગ્યાએ, અનેક શહેરોમાં, દેશ અને વિદેશમાં આપ્યા છે. એમની સાદગી અનેરી હતી. અપેક્ષાઓ પણ ખાસ નહીં. મને યાદ છે કે પહેલી વખત અમે એમનો કાર્યક્રમ કરેલો ત્યારે એમને કાર્યક્રમના સમયે હોટલ પર તેડવા જઈએ તે પહેલાં તો તેઓ હાથમાં સ્વરમંડલ લઈને ચાલીને હૉલ પર પહોંચી ગયા. અમને તેડવા જવામાં વિલંબ થયો તેની દિલગીરી વ્યક્ત કરી તો કહે, એમાં શું, ’પાસ હી થા, તો ચલા આયા -.’ આજે તો આવી કલ્પના પણ કરી શકાય નહીં, તેવી આજના કલાકારોની માંગણીઓ હોય છે.
પંડિત જશરાજે અનેક રાગોની રજૂઆત કરી. એમણે અનેક જાણીતા – પ્રચલિત તથા અપ્રચલિત રાગોની પ્રસ્તુતિ કરી છે. અહીંની હવેલીમાં જ્યારે કાર્યક્રમ આપ્યો. ત્યારે અત્યંત અપ્રચલિત એવા રાગ ’ચંપક’ની રજૂઆત પણ પ્રભાવક કરી હતી. સામાન્ય રીતે ઘણા કલાકારો અપ્રચલિત રાગને જમાવી શકતા નથી, પણ જશરાજજીમાં એવું ક્યારે ય જોયું નથી. દ્વારકાના મંદિરમાં, જ્યારે એમણે પ્રસ્તુતિ કરેલી, ત્યારની એમની ધ્યાનસ્થ મુદ્રા મનમાં અંકિત થઈ ગઈ છે.
પંડિત જશરાજે ભક્તિસંગીતમાં અનેરી રજૂઆત કરી છે. તેમાં પણ હવેલીસંગીતનાં એમનાં પદો અનન્ય છે. એમની હવેલીસંગીતની એક રેકૉર્ડ પણ છે. એમની લગભગ ર૯ જેટલી રેકૉર્ડ પ્રગટ થઈ છે, જેમાં અનેક રાગોની પ્રસ્તુતિ કરેલી છે. જશરાજજીએ ફિલ્મોમાં પણ ગાયું છે. બે અંગ્રેજી ફિલ્મમાં – ’લાઇફ ઓફ પાઇ’ (રાગ આહિરભૈરવ) અને ’બિરબલ માય બ્રધર’(આ ફિલ્મમાં એમણે પંડિત ભીમસેન જોશીની સાથે જુગલબંધીમાં રાગ માલકૌંસની રજૂઆત કરેલી છે.)માં એમની પ્રસ્તુતિ સાંભળવા મળે છે. એમણે ત્રણેક હિન્દી ફિલ્મોમાં પણ પ્રસ્તુતિ કરી છે. ગુજરાતમાં એમના કેટલાક શિષ્યો છે, જે એમની ગાયનશૈલીને અને મેવાતી ઘરાનાને રજૂ કરે છે. ખાસ ઉલ્લેખનીય ગાયકોમાં નીરજ પરીખ અને શ્વેતા ઝવેરીનો અહીં ઉલ્લેઅ કરી શકાય.
પંડિત જશરાજની એક ગાયક તરીકેની પ્રસિદ્ધિને કારણે એમને અનેક માનસન્માન અપાવ્યાં છે જેમાં ઉલ્લેખ કરવો ગમે તેવાં પારિતોષિકોમાં – પદ્મશ્રી (૧૮૭પ), સંગીત નાટક એકૅડેમી ઍવૉ ર્ડ(૧૯૮૭), પદ્મભૂષણ (૧૯૯૦), પદ્મવિભૂષણ (ર૦૦૦), સવાઈ ગાંધર્વ પુરસ્કાર (ર૦૦૮), સંગીતનાટક ફેલોશિપ (ર૦૧૦), પુ.લ. દેશપાંડે લાઇફટાઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ (ર૦૧ર), ભારતરત્ન ભીમસેન જોશી કલાસિકલ મ્યુઝિક લાઇફ એચિવમેન્ટ ઍવૉર્ડ (ર૦૧૩), ગંગુબાઈ હંગલ લાઇફટાઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ (ર૦૧૬), મહારાષ્ટ્ર ગૌરવપુરસ્કાર અને માસ્ટર દીનાનાથ મંગેશકર ઍવૉર્ડ આપવામાં આવેલા છે.
સપ્ટેમ્બર, ર૦૧૯માં મંગળ અને ગુરુની વચ્ચેના નવા શોધાયેલા ગ્રહને પંડિત જશરાજનું નામ આપવામાં આવ્યું છે. આવું બહુમાન મેળવનાર એ એકમાત્ર ભારતીય સંગીતકાર અને ગાયક છે. એટલે પંડિત જસરાજનું નામ સમગ્ર બ્રહ્માંડમાં ગુંજતું રહેશે.
પંડિત જશરાજનું ૧૭મી ઑગસ્ટના રોજ અમેરિકાના ન્યુજર્સીની એક હૉસ્પિટલમાં અવસાન થયું. એમના અગ્નિસંસ્કાર ર૦ ઑગસ્ટના રોજ મુંબઈમાં થયા ત્યારે અનેક શિષ્યો અને શ્રોતાઓ એમની યાદમાં અશ્રુ સારતા હતા. મહાકાલીના આ ઉપાસક કાળમાં વિલીન થઈ ગયા. પણ એમના ગાયનની ધ્વનિમુદ્રિત થયેલી અનેક રેકૉડ્ર્સ અને કૅસેટ્સમાં એઓ સદા જીવંત રહેશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2020; પૃ. 13