ગાંધીવિચારના અભ્યાસી, શિક્ષક, લેખક અને અનુવાદક મોહનભાઈ દાંડીકરનું ૨૧મી ઑગસ્ટની વહેલી સવારે અવસાન થયું. છેલ્લા એક અઠવાડિયામાં તેમને હૃદયની બીમારીનાં લક્ષણો દેખાયા હતાં.
મોહનભાઈ લોકભારતી સણોસરાના ૧૯૫૭ની સાલના સ્નાતક હતા. સાવરકુંડલામાં લાંબી શૈક્ષણિક કામગીરી અને કારકિર્દી પછી તે વતન છેલ્લાં ઘણા વરસોથી તે નવસારી જિલ્લાના દાંડીમાં વસ્યા હતા. આ વરસોમાં તેમણે ઘણાં મહત્ત્વનાં પુસ્તકોનો અનુવાદ કરીને ગુજરાતી ભાષા-સાહિત્યને સમૃદ્ધ કર્યું. અનુવાદ-લેખન વગેરે મળીને તેમનાં કુલ ૭૦થી વધુ પુસ્તકો પ્રગટ થયાં છે.
એમના લેખન અને અનુલેખનમાં કોમી સૌહાર્દ અને બિનસાંપ્રદાયિક્તા પરનો ભાર અને ભાવ તરત ધ્યાન ખેંચતો. નાસિરા શર્માનો ગુજરાતી પરિચય કરાવ્યાનું શ્રેય એમને નામે જમા બોલે છે. સોપાન જોશીની કીર્તિદા કિતાબ જલ થલ મલનો એમનો ગુજરાતી અનુવાદ પ્રેસમાં જવાની ક્ષણોમાં છે ત્યારે તે વિદાય થયા. તેમના જીવનકાર્યને અને તેમની શબ્દસ્મૃતિને સલામ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2020; પૃ. 14