અમે છીએ તો તમે છો
છતાં ય તમે જ અમને પૂછો છો : 'તમે કોણ ? સાબિતી આલો ..'
તારી ત્તો !
એક બે ને સાડાત્રણ !
અમે તમને માથે બેસાડ્યા
ને તમે જ અમારા માથે ટપલી મારી પૂછો છો : 'તમે કોણ ? પૂરાવા આપો !'
તારી ત્તો!
એક બે ને સાડાત્રણ !
આમ તો સાચેસાચ દુ:ખી છીએ,
વોટર કાર્ડ કહો કે મતદાર કાર્ડ કહો,
બધેય હસતાં મોઢા ચપોચપ ચોંટાડીને,
આગંળીએ ટીલાં ટપકાં તાણી ને,
તમોને મતો વરસોવરસ આલ્યા કર્યા
ને તમો તો મતોના પહાડ પર ઊંચે ઊંચે જઈ ને બેઠા,
ઠેઠમ ઠેઠ દિલ્લી જઈને બેઠા
ને હવે તમે અમને પૂછો છો:
'નાગરિક છો ? કાગળ કાઢો, સાબિતી આલો, પૂરાવા આપો ..'
તારી ત્તો !
એક બે ને સાડાત્રણ !
કબ્રસ્તાન હોય કે સમશાણ
જોતાં તો આંખે બોર જેવડાં આંસુ છલકે,
છલકતાં આંસુમાં, અમ્મી દેખાય, બાપા દેખાય,
દાદા દેખાય, નાની દેખાય ..!
આંસુ ના તે કંઈ ફોટા પડે ?
તો ય તમે તો મંડ્યા છો :
'મા-બાપ ક્યાં જન્મ્યાં? દાખલા લાવો, સાબિતી આલો'
તારી ત્તો !
એક બે ને સાડાત્રણ !
સમશાન કે કબ્રસ્તાન!
ચારેકોર માટી-માટી!
આ જ માટીમાં ઊગ્યાં,
આ જ માટીમાં મહેંક્યાં,
આ જ માટીમાં મહેનત વાવી
ને
તમે છેકમછેક દિલ્લીમાં બેઠા કરંટના બટન દબાવો:
'આ માટી તમારી છે, પૂરાવા લાવો, સાબિતી આલો ..!'
તારી ત્તો !
એક બે ને સાડાત્રણ !
આ માટીમાં ઊભા થયા, આ માટીમાં ખપી જવાનાં,
કાળ ચકરડું ચાલ્યા કરશે,
લાખો આંખો, ચમકતી આંખો, સહિયારી આંખો,
એક સાથે બોલી ઊઠશે,
ગાજી ઊઠશે :
"થાય તે એ કરી લેવાનું,
થાય ભડાકા એ કરી લેવાનાં !"
તારી ત્તો !
એક બે ને હાડા તઈણ !
(19 ફેબ્રુઆરી 2020; શાહીન બાગ મહિલા ધરણાં, અવિરત ચાલુ)