ઉમેશ સોલંકીનો તાજેતરમાં પ્રગટ થયેલો કાવ્યસંગ્રહ ‘28 પ્રેમકાવ્યો’ અજાણી પ્રણયભૂમિની ઓળખ આપે છે. મેળામાં, બાગમાં, હોટલમાં મળતાં પ્રેમીઓની અહીં વાત નથી. ઉમેશ સોલંકીના પ્રેમીજનો ઉજ્જડ વગડામાં દેખાય છે, નિર્જન વોંઘામાં દેખાય છે. ધોવાતી જમીન અને નદી વચ્ચે ઊંડા વહેળા રચાતા હોય છે. એનો ઉપયોગ કુદરતી હાજત તેમ જ મળવા માટે થતો હોય છે એ વિશે વધુ નિખાલસતાથી ઉમેશ સોલંકી નોંધ મૂકે છે. તળના માણસની વાત કરવી છે અને અગવડોથી દૂર રહેતા ભાવક સુધી એનો ભાવ પહોંચાડવો છે.
સાપને પણ લાગે થાક
એવા વળાંક …
વળાંક પર વાડ
દૂધથી ફાટ ફાટ
થોરનો ઠાઠ,
કાંટા પણ લાગે વણબોટાયેલા જંગલ વચ્ચે
આદિવાસી સ્ત્રીઓનો જાણે હઠીલો શણગાર.
ઉમેશ સોલંકીએ વ્યક્ત કરવો છે ધરતીના સ્પર્શ સાથેનો અનુભવ પણ એમની કાવ્યકલા વિષયક જાણકારી એમને દૂરવર્તી કલ્પન રચવા પ્રેરે છે.
પ્રથમ રચના ‘વોંઘું’નો આરંભ વાંચતાં લાગે છે કે આ કંઈક નોખો અવાજ છે, અરૂઢ સર્જકતા છે. થોરની વાડને દૂધથી ફાટ ફાટ થતી કહેવા માટે આત્મીય નિરીક્ષણ જોઈએ. આદિવાસી સ્ત્રીઓ માટે કાંટા પણ હઠીલો શણગાર બની જાય એની જાણ છે, આ જાણકારીમાં કલ્પનાનો સંયોગ સધાયેલો છે. પછી સાથ-સંયોગનું વર્ણન છે. ત્યાં પણ એક કલ્પન ધ્યાન ખેંચે છે,
કોણીનો ટેકો લઈ
લટ તારી, આંગળ પર વીંટી
અને શરમાઈને મીઠું તેં
સહેજ ફેરવ્યું મોઢું તેં
તારી અનોખી આંખને મેં,
મોઢું દૂરથી દેખાય ખાલી,
સફેદ પહાડની ગુફામાં
શાંત બેઠેલી વાઘણ કહી.
ખખડીને તું હસી પડી …
ઉમેશ સોલંકીએ વ્યક્ત કરવો છે ધરતીના સ્પર્શ સાથેનો અનુભવ પણ એમની કાવ્યકલા વિષયક જાણકારી એમને દૂરવર્તી કલ્પન રચવા પ્રેરે છે. ‘સફેદ પહાડની ગુફામાં શાંત બેઠેલી વાઘણ’ કહેતા નાયકને કવિ દૂર લઈ જઈને નજીક લાવે છે. કવિએ અમર પ્રેમની વાત નથી કરવી, કાલિવાસ ‘ભાવસ્થિરાવલિ જન્માંતર સૌહાધનિ’ના કરુણ મૃદુ સ્મરણનો શ્લોક રચી દુષ્યંતની મન:સ્થિતિની ઓળખ આપે ત્યારે એ સાચા લાગે છે. અહીં તળ ભાવભૂમિનો કવિ મિલનની ક્ષણિકતાનો નિર્દેશ કરી આગળ વધે છે,
ટેરવાંને ટેરવાંની માયા છૂટી,
એનાં ટેરવે ટેરવાં ફૂટ્યાં.
ટેરવાં મારાં હથેળીમાં ઘૂસ્યાં
અને એ એના રસ્તે હું મારા રસ્તે.
(પૃ. 5, 28 પ્રેમકાવ્યો)
મિલનના ઉપર્યુક્ત સંકેત પછી ઠોકર, ઝરણું, નદીના નિર્દેશ રૂપે સર્રિયલ – અતિ વાસ્તવની દિશામાં રચના આગળ વધે છે. અંતે વળી ઠોકર સરખી થાય છે અને ‘એ એના રસ્તે હું મારા રસ્તે …’ ‘ફૂદું’ રચતા એના લાઘવ, લયાત્મકતા અને સંકેતને કારણે કવિતા-સમૃદ્ધિમાં ઉમેરો કરે છે.
ગીતની ગેયતા ઉપાડમાં અનુભવાય છે,
ધૂળિયા ગામનું લીંપેલું ઘર.
ઘરના બારણે અલ્લડ શી સાંકળનું મીઠુંમધ ખટખટ,
ખટખટમાં ભળતું લાલ-લીલી બંગડીનું ખનખન.
ખનખન પર છલકાતું હસવાનું કલકલ
અને આંગળથી ચાંદરણું પંપાળી પંપાળી,
ફાટેલી ચોપડીમાં ડૂબવાનો ખાલીખમ ડોળ.
(પૃ. 11)
અહીં સમજાવવા જઈએ તો આસ્વાદમાં અવરોધ બને એવી વિશદતા છે. પ્રેમનું આનંદ સ્વરૂપ અહીં ઊઘડે છે અને કાવ્યને અંતે કરુણ ઘટનાનો સંકેત છે : ‘જાળીમાં ફસાઈ મર્યું નાનકડું ફૂદું.’
કવિ ક્યાંક અવળવાણી પ્રયોજે છે તો ક્યાંક પોતાની સામાજિક નિસ્બત જાહેર કરે છે,
તને તો ખબર છે
પ્રેમમાં પીડા છે,
તો ચાલને
સાથે મળીને
પીડાને
આપણી કને રાખીને
વગર વાંકે પીડાતીને પ્રેમ આપીએ.
(પૃ. 16)
આપણી પીડા અને વગર વાંકે પીડાતાની સંવેદના એક થાય એ પ્રેમમાં પછી પીડા જેવું ન હોય. બાવળના રૂમાલથી
તડકાને ગાળીને
ગટગટ ગળા લગી એવો પીધો માણીને
કે આખોયે મગરો ઘેરાયો આંખમાં.
(પૃ. 32)
મગરો એટલે ડુંગર. એક વિશાળ દૃશ્ય થોડાક શબ્દોમાં પ્રત્યક્ષ થાય છે. ઉત્તર ગુજરાતના કવિને બાવળ-લીંબડા વહાલા હોવાના. પૂનાના મેહુલ માવજીભાઈએ આ સંગ્રહના પ્રકાશનમાં સાથ આપ્યો છે અને નિર્ધાર પ્રતિબદ્ધ સાહિત્ય મંચે એનું પ્રકાશન કર્યું છે.
કવિનો ઈ-મેઇલ છે : umeshsol@gmail com
(પ્રકાશન તારીખ 19 August 2018, 'દિવ્ય ભાસ્કર')