જેણે મને આ સમાચારનો ફોટો મોકલ્યો એને લાગ્યું કે આ ‘નોનસેન્સ’ સમાચાર છે તો મેં પણ “પગની પાનીએથી કરી આ ‘વુમનસેન્સ’ અભિવ્યક્તિ! ‘જેણે આ મેસેજ મને Forward કર્યો તે એક સમયે બિન્દાસ, નફકરી, માસુમ પ્રગલ્ભા, ફરફરતી પંખિણી હતી અને હવે ડાહીડમરી ગૃહિણી છે!
માતેલો બળદ ને ગવરી ગાય!
હે! ભૂખ્યા, તરસ્યા, ડાંસ યોનિજિયા ……
લે ખાઈ લે આ રોટલો મારા હાથ કેરો
આમ તું મારો વહાલો યોનિજિયો !
ક્યારેક મારા રક્તથી સિંચાયેલો
પાળેલો, પોષેલો ને માનો આશાજનક
પણ તાતેલો ને માતેલો ….
કોણ જાણે ક્યાં
આવ્યો ભણીગણી
તે મેરો બિલ્લો કરે મુઝ સે હી મ્યાઉ …..
ને હે મારી ગવરી ગાય …..
મારી જેમ જ હોંશ તને
પણવાની, જણવાની ને
હડધૂત થવાની?
તનમનઆત્માપ્રાણથી
રક્ત સીંચીને ઉછેર્યાં બાળ
કેટકેટલાં કર્યાં લાડપ્યાર
ને તોયે રહી બિચ્ચારી તું
આપતી અગ્નિપરીક્ષા, ત્યજાતી વનરાવને
લૂંટાતી ભરદરબારે ને વેચાતી ભરબજારે
રાંકડી ને લાચાર ગવરી ગાય …..
કોણ જાણે કિયા જનમનાં મળ્યાં આ વરદાન …..
ને ધરમકરમનાં લાગ્યાં આ બાણ
જો ખાય તું આપનાર તને જીવતદાન હસ્તક
તો થાય તું આગલે જનમે બળદ!
ને ન ખાય તો થશે ગવરી ગાય?
જો રહે જગતની રીત આવી તો
નથી ખોટનો ધંધો બળદ થવા જેવો …..
ગવરી ગાય થઈ બંધાવા ગમાણ કરતાં
ડાહીડમરી એકવ્રતા દેખાવાં કરતાં
ફરવું જગત દરબારે થઈ માતેલા આખલા …..
* યોનિજ પરથી યોનિજિયા : યોનિથી જન્મનાર