વિગનિઝમઃ આ વિચાર ધર્મના પ્રચાર અને પ્રાણી ક્રૂરતા નિવારણ સુધી સીમિત નથી
ડેરી અને માંસ ઉદ્યોગ માટે થતું પશુપાલન કુદરતી સ્રોતનો સૌથી વધુ ઉપયોગ કરે છે
આપણાં દેશમાં અત્યારે એક સાથે ઘણું બધું ચાલી રહ્યું છે. ક્યાંક પૂર, તો ક્યાંક પાણીની તંગી, તો ક્યાંક હોટેલ્સમાં મંત્રીઓના મેળાવડા, તો ક્યાંક લિન્ચીંગ, તો ક્યાંક ઓનર કિલીંગ, તો ક્યાંક ટ્રમ્પ કાશ્મીરનું શું કરશે, એવી બધી ચર્ચા.
આ બધાંની સમાંતર આપણાં દેશમાં જ નહીં, પણ આખી દુનિયામાં એક અહિંસક યુદ્ધ ચાલી રહ્યું છે જેનો હેતુ પર્યાવરણને સંતુલિત કરવાનો છે. પર્યાવરણમાં આવેલું અસંતુલન, ગ્રીનહાઉસ ગેસ અને કાર્બન ડાયોક્સાઇડનાં ઉત્સર્જન, જંગલોનો સફાયો આ બધું જ ચેતવણીની નિશાનીને પાર કરી ચૂક્યું છે. પર્યાવરણવાદીઓ આગવી રીતે તેની સામે યુદ્ધ લડી જ રહ્યાં છે, અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે એક એવાં અહિંસક શસ્ત્રની ધાર કાઢી છે જે લાઇફસ્ટાઇલ ચેન્જીઝ પર આધારિત છે.
‘વિગનીઝમ’ શબ્દ વિશે આપણને જાણ છે. વિગન એટલે એવાં લોકો જેઓ શાકાહારી તો છે જ પણ તેઓ કોઇપણ ડેરી પ્રોડક્ટનો ઉપયોગ નથી કરતાં, જેમાં દૂધ, દહીં, ઘી, પનીરનો સમાવેશ થાય છે, વળી સિલ્ક, ફર, મધ જેવાં એકેય પ્રાણીજ ઉત્પાદનો તેમની રોજિંદી જિંદગીનો ભાગ નથી હોતાં. થોડા વખત પહેલાં વર્લ્ડ વિગન ઓર્ગેનાઇઝેશનની ચોથી આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ અને ભારતની સૌપ્રથમ વિગન ઇન્ડિયા કૉન્ફરન્સનું આયોજન દિલ્હીમાં કરાયું હતું. પર્યાવરણનાં અસંતુલન સામે વિગનિઝમ કેવી રીતે શસ્ત્ર હોઇ શકે, શું આ ધર્મને લગતો અને પ્રાણી સાથે આચરાતી ક્રૂરતા પૂરતો જ વિચાર નથી? આ માનવું સાવ ખોટું છે કારણ કે વિગનિઝમની સાદગીનો ફોર્સ ધાર્યા કરતાં કંઇક ગણો વધારે છે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીનાં સંશોધન અનુસાર જો ડાયેટમાંથી માંસ અને ડેરી ઉત્પાદનો બાદ કરવામાં આવે, તો દરેક વ્યક્તિની કાર્બન ફૂટપ્રિન્ટમાં ૭૩ ટકા ઘટાડો થઇ શકે. ૨૦૧૪માં બનેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘કાઉસ્પિરસીઃ ધી સસ્ટેનેબલિટી સિક્રેટ’માં પશુ પાલનનાં ઉદ્યોગનું કડવું સત્ય ઉઘાડું પાડવામાં આવ્યું છે. ગ્લોબલ વૉર્મિંગ, પાણીનો ઉપયોગ, જંગલોનો સફાયો, મહાસાગરોમાં વિકસેલાં ડેડ ઝોન્સ જેવાં વિષયો પર આ ડૉક્યુમેન્ટરી વાત કરે છે. ક્રાઉડ ફંડિગ દ્વારા બનાવાયેલી તથા કિમ એન્ડરસન અને કીગન કુન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ગ્રીનપીસ, સિએરા ક્લબ અને સર્ફરાઇડર જેવી પર્યાવરણ માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓની કામગીરી અને અભિગમ પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. આ ફિલ્મને કારણે અને પ્રાણી તથા પર્યાવરણની તરફેણમાં કામ કરનારાઓને પગલે ઘણી હકીકતો છતી થઇ છે. આ ફિલ્મ નેટ-ફ્લિક્સ પર ઉપલબ્ધ છે.
ક્લાઇમેટ ચેન્જમાં કાર્બન ડાયોક્સાઇડ અને ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન સૌથી મોટો ફાળો ભજવે છે. ક્લાઇમેટ સાયન્ટિસ્ટના મતે કાર્બન ડાયોક્સાઇડ અને ગ્રીન હાઉસ ગેસીઝનાં ઉત્સર્જનનું સલામત સ્તર આપણે ક્યારનાં ય વટાવી ચૂક્યાં છીએ. પશુપાલન ઉદ્યોગ વાહનોનાં પ્રદૂષણ કરતાં ગ્રીન હાઉસ ગેસીઝનું વધારે ઉત્સર્જન કરે છે. ૧૮ ટકા ગ્રીન હાઉસ ગેસીઝ પશુ પાલન ઉદ્યોગને આભારી છે. પશુ પાલન ઉદ્યોગ અને તેમનાં મળ મૂત્ર વગેરે દર વર્ષે ૩૨,૦૦૦ મિલિયન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, જે આખા વિશ્વનાં ગ્રીન હાઉસ ગેસનાં ૫૧ ટકા છે. ગાય, ભેંસ, ડુક્કર વગેરેનાં મળમાંથી મિથેન પેદા થાય છે જે કાર્બન ડાયોક્સાઇડ કરતાં સો ગણો વધુ નુકસાનકારક છે અને તે ગ્લોબલ વોર્મિંગ માટે કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૮૬ ગણી વધારી ક્ષમતા ધરાવે છે. આ સાબિત કરે છે કે ક્લાઇમેટ ચેન્જ એ ફોસિલ ફ્યુઅલની બચતથી કંઇકગણું વધારે છે. ‘કાઉસ્પિરસી’માં આપેલા અનેક ઉદાહરણોમાંનું એક છે; અમેરિકામાં કુદરતી રીતે ગેસ મેળવવા માટે હાઇડ્રોલિક ફેક્ચરિંગનો ઉપયોગ થાય છે જેમાં દર વર્ષે ૧૦૦ બિલિયન ગેલન્સ પાણીનો ઉપયોગ થાય છે, પરંતુ અમેરિકામાં જ પશુ પાલન ઉદ્યોગ માટે ૩૪ ટ્રિલિયન ગેલન્સ પાણી વપરાય છે અને બંન્નેમાંથી મિથેનનું ઉત્સર્જન એક જ સરખું થાય છે. એક હેમ્બર્ગર બનીને ડિશમાં પહોંચે ત્યાં સુધીમાં તેની પાછળ ૬૬૦ ગેલન પાણી વપરાય છે.
વાત માત્ર પાણી પર નથી અટકતી. વિશ્વની ૮૩ ટકા ખેતી લાયક જમીન પશુપાલન ઉદ્યોગમાં વપરાય તો છે પણ પ્રાણીજ ઉત્પાદનો ખાનારાની કુલ ૧૮ ટકા કેલરિઝ જ તે ઉત્પન્ન કરે છે. વનસ્પતિજ ઉત્પાદનોનો ઉપયોગ જમીનના ઉપયોગમાં ૭૬ ટકા ઘટાડો કરે છે અને પ્રાણીજ ખાદ્ય ઉત્પાદનો બનાવવામાં ઉત્સર્જિત થતાં ગ્રીનહાઉસ ગેસીઝ અને અન્ય પ્રદૂષણોનું પ્રમાણ અડધું કરી દે છે. ઇંડા, માંસ, ડેરી અને માછલીઓમાં સોયા ઉમેરવા માટે જે રીતે તેની ખેતી થાય છે, તેમાં જંગલો અને માર્શલેન્ડ સાફ થઈ જાય છે. સોયાનું પ્રોટીન જો સીધું જ લેવામાં આવે અને આ પ્રાણીજ ઉત્પાદનો દ્વારા ન લેવાય તો તેની ખેતી માટે જરૂરી જમીનનું પ્રમાણ પણ ઘટી જાય. વળી ફ્રી રેન્જ મીટનો વિચાર પણ પર્યાવરણ માટે હાનિકારક છે. ઘાસને માંસમાં ફેરવવાની આ રીત જંગલો માટે નુકસાનકારક છે. છૂટાં ફરીને ચરનારાં પશુને માટે મોટો વિસ્તાર જરૂરી છે, જેને માટે જંગલો કાપી નંખાય છે. આખી દુનિયામાં પાક ઊગાડવા માટે જેટલી જમીન વપરાય છે, તેનાં કરતાં બમણી જમીન ઢોરો ચરી શકે તે માટે વપરાય છે. આ જમીનનો ઉપયોગ પાણીનાં નાનાં સ્રોતો, અન્ય જીવોનાં સંવર્ધન વગેરે માટે કરીને કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય છે. બીજી તરફ ઢોરાં ઉછેરતાં હોય ત્યારે તેનું એક કિલો વજન વધે તે માટે તેને દસ કિલો ધાન ખવડાવવું પડે છે, સ્વાભાવિક છે આ ધાન ઊગાડવા માટે પણ જમીન, પાણી, ફોસીલ ફ્યુઅલ, પેસ્ટીસાઇડ્ઝ, હર્બીસાઇડ્ઝ અને ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.
આ બધાં ઉપરાંત દૂધ માટે ગાયો કે ભેંસોનો થતો દુરુપયોગ, માંસ માટે માંડ બે મહિનાનાં વાછરડાની થતી કતલ, ડુક્કર, મરઘાં સાથે આચરાતી ક્રૂરતા વિષે જેટલું કહેવાય એટલું ઓછું છે. વનસ્પતિ આધારિત જીવનશૈલી હશે તો મોટાભાગનાં કઠોળ કે દ્વીદળી ધાન જેમાંથી પ્રોટીન (પ્રોટીનને નામે જ ડેરી અને માંસ ઉદ્યોગ ચાલે છે) મળી શકે છે તે હવામાંથી નાઇટ્રોજન મેળવી જાતને ખાતર પૂરું પાડશે, જમીનનું નાઇટ્રેટ સ્તર વધારશે જેથી તે લણણી બાદ જે પણ પાક ઊગાડાશે તેને કામ લાગશે. આ સંતુલન કેળવવાનું શ્રેય આપણે શા માટે જતું કરવું? માત્ર સ્વિચીઝ બંધ કરવાથી કે ઓછું પાણી વાપરવાથી કે સાઇકલિંગ કરવાથી ફેર નથી પડવાનો. પર્યાવરણની ખરેખર ચિંતા હોય તો વનસ્પતિજ ઉત્પાદનો આધારિત જીવનશૈલી અનુસરવી સૌથી હિતકારી પગલું બનશે.
બાય ધી વેઃ
માંસ અને ડેરી ઉદ્યોગ એવો ખર્ચો બની રહ્યાં છે જે આપણને કે આપણાં પર્યાવરણને પોષાય એમ નથી. પશુઓ ઉછેરમાં બેફામ વપરાતાં પાણી અને જમીન આપણને દિવસમાં જરૂર પડતાં આઠ ટકા પ્રોટીનથી કંઇક ગણાં વધારે છે. વનસ્પતિ આધારિત ડાયેટ અને જીવનશૈલી માત્ર પૃથ્વીનાં જ નહીં પણ તમારાં સ્વાસ્થ્યનાં હિત માટે પણ અનિવાર્ય છે. માંસ અને ડેરી ઉત્પાદનોનો ઉપયોગ જો અટકી જાય, તો વૈશ્વિક ખેતી લાયક જમીનનો ઉપયોગ ૭૫ ટકા ઘટી શકે છે – આ વિસ્તાર અમેરિકા, ચીન, યુરોપિયન યુનિયન અને ઑસ્ટ્રેલિયાને ભેગાં કરીએ તો જેટલો પ્રદેશ થાય એટલો મોટો થાય અને છતાં ય દુનિયા ભૂખે તો નહીં જ મરે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2019