બંધન
બંધન
અને બંધન
મને પસંદ નથી
આ બંધન.
અહીં જવું નહીં
ત્યાં જવું નહીં
આ કરવું નહીં
પેલું કરવું નહીં.
હું શું કરવા માંગું છું?
હું શું ઈચ્છું છું?
કોઈ પૂછશે જરા?
પ્રેમનું બંધન
માતા-પિતાના પ્રેમનું
ભાઈ-ભાભી, બહેનના પ્રેમનું
પ્રેમીનું
અરે મિત્રતાનું પણ બંધન.
મારા શ્વાસોને શા માટે કોઈ બંધન નથી?
મારા હૃદયને ધડકવા શા માટે કોઈ બંધન નથી?
મારી આંખોની પલકને શા માટે કોઈ બંધન નથી?
મારાં સ્વપ્નાંઓ પર શા માટે કોઈ બંધન નથી?
તું કહે છે એ બધું જ સાચું
તો પણ મારા આ વિચારોના વમળોને શા માટે કોઈ બંધન નથી?
તું શું ઈચ્છે છે જરા કહે?
મેં તો તારા પ્રેમમાં રહીને પણ તારા બંધનની કદર કરી
તારા બંધનમાં પણ મને ખુદને મુક્ત માની
ક્યારેક તારી પાસે દોડી આવવાનું મન થાય
તો ક્યારેક તારાથી દૂર જવાનું મન
આ પણ પ્રેમના આવેગોનું બંધન જ છે ને?
મારી માની આંખો સામે રહેલા ભગવાનને હું બધું જ કહી શકું છું
કારણ કે તે સંભાળતો નથી
સમાજને કહી શકાતું નથી
કારણ તે બરદાસ્ત કરી શકતો નથી
બધા બંધનો તો તૂટતા નથી
તો પણ હું ભાગું છું
મને ખુદને ચાહું છું, મારી આઝાદીને ચાહું છું
એટલે ગામથી ભાગું છું, સમાજથી ભાગું છું
પરિવારથી ભાગું છું
હું તને ચાહું છું
આમ છતાં હું તારાથી પણ દૂર ભાગું છું
માત્ર એક મારી આઝાદી માટે.
આ પ્રેમ અને આઝાદી વચ્ચે
હું થોડીવાર
તારા પ્રેમમય હૃદયમાં આઝાદી સાથે રહી શકું?
Email : navyadarsh67@gmail.com