ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ નિકોલાસ સારકોઝી આમ તો છેલછોગાળા અને રંગીલા હતા, પરંતુ એવા માણસને પણ મનમાં સવાલ થયો હતો કે આ જી.ડી.પી. (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) શું છે? આ એવું ઝભલું છે જે લાંબા માણસો લાંબુ કરીને પહેરી શકે છે, અને ઠીંગણાંઓ ઈચ્છે ત્યારે ટૂંકાવી શકે છે. વળી પાછું ભગવત્ ગીતા કે બાયબલના વચનની જેમ દરેક જગ્યાએ તેને જીવનની સાર્થકતા કે નિષ્ફળતાનાં પ્રમાણ તરીકે ટાંકવામાં આવે છે. ફ્રાન્સના પ્રમુખ તરીકે લહેર કરતા હતા ત્યારે તેમના વિરોધીઓ જી.ડી.પી.ના હથોડા મારીને તેમનો મૂડ બગાડતા હતા એ કદાચ તેમનું કુતૂહલનું કારણ હશે. આમ અકળાયેલા સારકોઝીએ અર્થશાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક મેળવનારા ત્રણ ત્રણ અર્થશાસ્ત્રીઓને કહ્યું કે આ જી.ડી.પી.નું રહસ્ય ખોલી આપો. એ ત્રણ અર્થશાસ્ત્રી હતા; અમર્ત્ય સેન, જોસેફ સ્ટીલગિત્ઝ અને જિન પોલ ફિતોસ્સી.
એક શાસક તરીકે સારકોઝી ભલે ગંભીર નહોતા, પણ જી.ડી.પી.ના લાંબા-ટૂંકા થતાં માપનું રહસ્ય ઉકેલવાની કે સમજવાની બાબતમાં તેઓ પૂરા ગંભીર હતા, એનો સ્વીકાર કરવો જોઈએ. ઉપર કહ્યા એ ત્રણ અર્થશાસ્ત્રીઓનું વ્યવસ્થિત પંચ બેસાડવામાં આવ્યું અને તેને કહેવામાં આવ્યું કે અત્યારના જી.ડી.પી.ના માપદંડ કેટલા ભરોસાપાત્ર છે? એમાં કઈ રીતના ફેરફાર કરવા જોઈએ? શું એ વિકાસનું સાચું અને સમગ્ર ચિત્ર આપે છે? શું વિકાસનું સાચું અને સમગ્ર ચિત્ર શક્ય છે ખરું? જી.ડી.પી. સ્ત્રીની ઉંમર જેવો સવાલ છે. જેમ દરેક પુરુષ સ્ત્રીને જોઇને ઉંમરનો આંકડો મનમાં વિચારે છે એવું જી.ડી.પી.નું છે.
જેમ સારકોઝીએ ગંભીરતાપૂર્વક આ ત્રણ અર્થશાસ્ત્રીઓને જી.ડી.પી.નું રહસ્ય શોધી કાઢવાનું કામ સોંપ્યું હતું, એટલી જ ગંભીરતાથી આ ત્રણ અર્થશાસ્ત્રીઓએ પણ ચંચળ જી.ડી.પી.ને પકડવાનો પ્રયાસ કર્યો હતો. એ પ્રયાસનું પરિણામ એટલે ‘મિસ-મેઝરિંગ અવર લાઈવ્ઝ: વ્હાઈ જી.ડી.પી. ડઝ નોટ એડ અપ’ આ અહેવાલ પુસ્તકરૂપે પ્રકાશિત થયો છે અને હવે તો ઈન્ટરનેટ પર પણ ઉપલબ્ધ છે. અહેવાલ થોડી હળવી શૈલીમાં લખાયેલો છે એટલે રમૂજનો લાભ પણ મળશે. વિશ્વવિખ્યાત ત્રણ અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે જાણીબૂજીને જી.ડી.પી.ને સંદિગ્ધત રાખવામાં આવે છે કે જેથી ભ્રમ પેદા કરી શકાય. એની સાથે ઘાલમેલ કરીને દરેક શાસક સોમાંથી ૯૦ માર્ક્સ લાવીને ફુલ્લી પાસ થઈ જાય છે. છેલછોગાળાઓ પણ ફુલ્લી પાસ થઈ જાય છે. તેમના કહેવા મુજબ જે છે તેને મોટું બતાવવામાં આવે છે, જે નથી તેને પણ કોઈક ખૂણે સ્થાન આપવામાં આવે છે, પણ જે હોવું જોઈએ એના વિષે વાત જ થતી નથી.
શું હોવું જોઈએ? સુખાકારી. એના માપદંડ ક્યાં? માપદંડ કેમ નથી? આખરે જી.ડી.પી. છે કોના માટે? શાસકો પોતાની સફળતાના દાવા કરતા હોય, વિપક્ષો શાસકોની નિષ્ફળતાના દાવા કરતા હોય, અર્થશાસ્ત્રીઓ બન્નેને અનુમોદન આપતા હોય અને સામાન્ય નાગરિક રસ્તા પર ઊતરીને રોજગારી માગતો હોય અથવા ખેડૂત આત્મહત્યા કરતો હોય તો જી.ડી.પી.ની ગણતરીમાં ક્યાં ય કોઈક ખામી છે. દાવાઓ કાલ્પનિક, હવાઈ, છેતરામણા હોય શકે છે; પરંતુ રામલીલા મેદાનમાં ખેડૂત કરજમાફીની કે યુવાન રોજગારીની માંગણી કરી રહ્યો છે એ તો નકારી ન શકાય એવી નક્કર હકીકત છે. તો જી.ડી.પી.માં સુખાકારી ક્યાં આવે છે? એને કઈ રીતે માપી શકાય? માપી શકાય કે કેમ? એટલે તો ત્રણ અર્થશાસ્ત્રીઓએ તેમના અહેવાલને શીર્ષક આપ્યું છે; મિસ-મેઝરિંગ અવર લાઈવ્ઝ (અર્થતંત્ર નહીં, જિંદગી) અને પછી ઉમેરવામાં આવ્યું છે; વ્હાય જી.ડી.પી. ડઝ નોટ એડ અપ.
પણ આ તો વિચારનારાઓ માટેના, સમાજ માટે સરોકાર ધરાવનારાઓ માટેના, સમાજની સુખાકારી માટે જદ્દોજહદ કરનારાઓ માટેના, સંવેદના ધરાવનારાઓ માટેના પ્રશ્નો છે. લહેર કરનારાઓને શું ફરક પડે છે. આમાં નરેન્દ્ર મોદી તો અનોખા શાસક છે. અત્યાર સુધી જગતના ઘણાં શાસકો જી.ડી.પી. સાથે નાની-મોટી ઘાલમેલ કરતા આવ્યા છે, પરંતુ એ એક દિશાના હતા. સિફતપૂર્વક ઘાલમેલ કરીને પોતાનું રિપોર્ટ કાર્ડ સુધારી લે. નરેન્દ્ર મોદીએ બે વરસ પહેલાં જી.ડી.પી.ની ગણતરીના માપદંડો સાથે ઘાલમેલ કરીને મોદી શાસનનાં વર્ષોનો વિકાસદર સુધારી લીધો હતો. સુધારી લીધો હતો એટલે વધારી દીધો હતો. એમાં માસ્તરને શું પૂછવાનું, જ્યારે વિદ્યાર્થી તેજસ્વી હોય. ‘હું ભણું છું કે તમે? પાસ એટલે પાસ. એમાં વચ્ચે માસ્તરગીરી કરવાની નહીં.’ માસ્તરે બિચારાએ હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં, હા ભાઈ, તમે પાસ.
થોડા દિવસ પછી તેજસ્વી વિદ્યાર્થીને થયું કે આગલા વિદ્યાર્થીની માર્કશીટમાં વધારે માર્ક્સ છે. તો એને ઘટાડી નાખો. કોઈકે કહ્યું કે એ તો ભણીને જતો રહ્યો છે અને તેણે મેળવેલા માર્ક્સ ઇતિહાસમાં જમા થઈ ગયા છે. તો ઇતિહાસ બદલો અને માફક આવે એમ ઇતિહાસ બદલવાની અમારી હથ્રોટી છે એ તો તમે જાણતા જ હશો. યાદ છે ને રાજસ્થાનના પાઠ્યપુસ્કોમાં અમે રાણા પ્રતાપને વિજેતા જાહેર કર્યો છે? હલ્દીઘાટીના યુદ્ધમાં અકબર સામે રાણા પ્રતાપનો પરાજય થયો હતો એમ ઇતિહાસકારો કહે એ અમારે માની લેવાનું? સાચો હિન્દુ ક્યારે ય પરાજિત થાય નહીં, નિષ્ફળ નીવડે નહીં, કોઈની પાછળ રહે નહીં, કોઈ તેનાથી આગળ નીકળી શકે નહીં, કારણ કે એ સાચો હિન્દુ છે. ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોમાં કહેવાયેલાં સનાતન સત્યો, અરે, તમારી સગી આંખ કાંઈ પણ કહે; અમે નિષ્ફળ નીવડીએ નહીં અને પાછળ રહીએ નહીં, કારણ કે અમે સાચા હિન્દુ છીએ.
તો આગલા વિદ્યાર્થીના માર્ક્સ ઘટાડી નાખો. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સ્ટેટિસ્ટીકલ ડિપાર્ટમેન્ટને આદેશ આપવામાં આવ્યો, ડિપાર્ટમેન્ટે જી.ડી.પી.ના માપદંડોમાં બીજી દિશામાં ઘાલમેલ કરી અને મંજૂરી માટે નીતિ આયોગને મોકલવામાં આવ્યો, નીતિ આયોગે તેને માન્યતા આપી અને વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રીને નાપસ જાહેર કરવામાં આવ્યો અને સાહેબને ડિસ્ટિંકશન અને ગોલ્ડ મેડલ સાથે પાસ જાહેર કરવામાં આવ્યા.
કયા બાત હૈ. જીગર હોય તો આવી. આગળ કહ્યું એમ નરેન્દ્ર મોદી જગતના પહેલા શાસક છે જેમણે જી.ડી.પી. સાથે બન્ને દિશામાં ઘાલમેલ કરી છે. પોતાનો વર્તમાન સુધારવા માટે અને એ ઓછો પડ્યો તો બીજાનો ઇતિહાસ બગાડીને પોતાનો વર્તમાન સુધારવા માટે. આવું આજ સુધી બન્યું નથી. પેલા ત્રણેય અર્થશાસ્ત્રીઓ હયાત છે અને તેમને એમ થતું હશે કે તેમણે તેમના અહેવાલનું શીર્ષક મિસ-મેઝરિંગની જગ્યાએ ‘મોદી-મેઝરિંગ’ રાખવું જોઈતું હતું.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 01 ડિસેમ્બર 2018