પ્રજા હજુ છાવણીઓ વિના જીવતાં શીખી નથી. આપઓળખ હજુ નવી નવી થઈ છે એટલે તેનો મોહ છે અને મોહ છે, માટે આગ્રહો છે. ધર્મગુરુઓ અને રાજકારણીઓ તેનો લાભ લે છે. દુઃખ એ વાતનું છે કે વિદ્વાનો પણ ઓળખના આગ્રહોની થીસિસો રચે છે. અહીં ગાંધીજીનું તાવીજ કામમાં આવે એવું છે. જ્યાં અસત્ય અને અન્યાય હોય એ નિંદનીય તેમ જ ત્યાજ્ય છે અને જે શુભ છે એ આપણું છે. તેનાં સમાજિક-ભૌગોલિક મૂળ તપાસવાની જરૂર નથી.
ફેસબુકની મારી વૉલ પરની મારી ‘સાર્ધ-શતાબ્દી વંદના’ શ્રેણી માટે હું ગાંધીજીના વિચારો શોધી રહ્યો હતો, ત્યારે તેમનું એક લખાણ મારા હાથમાં આવ્યું. એ લખાણ હતું તો પ્રતિવાદના સ્વરૂપનું, પણ પ્રતિવાદના જાણીતા આવિર્ભાવ વિનાનું. કોઈ આકરી ભાષા નહીં, મહેણાં-ટોણાં નહીં, કાન આમળવાની ચેષ્ટા નહીં; માત્ર ધ્યાન દોરનારું, સીધુંસાદું. મને ખબર નથી કે ભારતમાં કોઈએ લૉર્ડ કર્ઝનનો પ્રતિવાદ કર્યો હતો કે નહીં, પરંતુ દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા ગાંધીજીએ પ્રતિવાદ કર્યો હતો. પડકાર્યા વિના અસત્યને જવા ન દેવાય એટલી ચીવટ ગાંધીજી ધરાવતા હતા.
વાત એમ હતી કે ભારતમાંના બ્રિટિશ વાઈસરૉય લૉર્ડ કર્ઝને ૧૯૦૫ની સાલમાં કલકતાની યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં વ્યાખ્યાન આપ્યું હતું. એ વ્યાખ્યાનમાં તેમણે કહ્યું હતું કે સત્યનું મહાન મૂલ્ય પશ્ચિમમાં વિકસ્યું છે. પશ્ચિમની પ્રજા પૂર્વની પ્રજા કરતાં વધારે સત્યાનુરાગી છે. પૂર્વની પ્રજા તો હવે સત્ય સમજતી થઈ છે, બાકી પૂર્વમાં તો લુચ્ચાઈ, કૂટનીતિ અને કરામતોને જ જીવનવ્યવહારમાં વધારે સ્થાન આપવામાં આવ્યું છે.
‘ઇન્ડિયન ઓપીનિયન’ના પહેલી એપ્રિલ ૧૯૦૫ના અંકમાં ગાંધીજી લૉર્ડ કર્ઝનને ટાંકીને નીચે મુજબ પ્રતિવાદ કરે છે:
“લૉર્ડ કર્ઝને પદવીદાન સમારંભના ભાષણમાં કહ્યું છે કે ‘સત્યનો સૌથી ઊંચો આદર્શ એ મોટે ભાગે પાશ્ચાત્ય કલ્પના છે,’ અને ‘એમાં શંકા નથી કે પશ્ચિમની નીતિ અંગેની સંહિતાઓમાં, પૂર્વના દેશો કરતાં પહેલેથી જ, સત્યને ઊંચું સ્થાન મળી ચૂકેલું છે. પૂર્વના દેશોમાં સત્યને એવું સ્થાન તો પાછળથી મળેલું છે; ત્યાં તો લુચ્ચાઈ અને કૂટનીતિભરી કરામતને જ હંમેશાં વિશેષ માન અપાતું રહ્યું છે.’
“અમે વાઈસરૉય સાહેબને ભલામણ કરીએ છીએ કે તેઓ કૃપા કરીને સત્ય અને અસત્યની બાબતમાં પ્રાચ્ય શાસ્ત્રો, મહાકાવ્યો અને અન્ય ધાર્મિક તથા નીતિવિષયક ગ્રંથોમાંથી લીધેલાં નીચે ઉતારેલાં લખાણો ધ્યાનપૂર્વક જોઈ જાય; અને તેમને સત્ય પ્રત્યે તથા દેશના લોકો પ્રત્યે કંઈ પણ આદર હોય—જે અમે નિ:સંદેહ માનીએ છીએ કે તેમને છે—તો, તેઓ હિંદુસ્તાનના વાઈસરૉય તરીકે, કલકત્તા યુનિવર્સિટીના કુલપતિ તરીકે તથા એક અંગ્રેજ સજ્જન તરીકે તેમના પાયા વગરના અને અપમાનજનક આક્ષેપો પાછા ખેંચી લેવાને માનપૂર્વક બંધાયેલા છે.”(‘ઇન્ડિયન ઓપીનિયન’, ૧-૪-૧૯૦૫. ગાંધીજીનો અક્ષરદેહ ભાગ-૪, પૃષ્ઠ, ૪૪૪-૪૪૯)
એ પછી ગાંધીજીએ લૉર્ડ કર્ઝનનો પ્રતિવાદ કરતાં અનેક પ્રમાણો ટાંક્યાં છે જેમાં ઉપનિષદો, રામાયણ, મહાભારત, મનુસ્મૃતિ, હિતોપદેશ, ગીતા, સીખ, બૌદ્ધ અને કબીરનાં વચનો અને મેક્સમૂલરનો અભિપ્રાય વગેરેનો સમાવેશ થાય છે. ગાંધીજીના અક્ષરદેહમાં ચાર પાનાંમાં પથરાયેલા લાંબા લેખમાં મૂળ સૂક્તો, મંત્રો, વચનો અને અભિપ્રાય ઉદ્ધૃત કર્યાં છે.
ગાંધીજીનું આ લખાણ વાંચ્યા પછી મારા મનમાં બે સવાલ ઉપસ્થિત થયા હતા. એક તો એ કે ટકોરાબંધ પુરાવાઓનો ઘંટારવ કરવાની જગ્યાએ આવો સાવ હળવો રણકાર! ‘જોઈ જુઓ સાહેબ, અમારે ત્યાં સત્ય વિષે આવું આવું કહેવામાં આવ્યું છે. આ થાળમાં એકાદ ડઝન પ્રમાણોની વાટકીઓ મૂકી છે, ચાખી જુઓ અને ખાતરી કરી લો.’ લૉર્ડ કર્ઝન અસત્યનો ઘંટારવ કરે છે અને ગાંધીજી સત્યનો સંયત રણકાર કરે છે. આમ છતાં ગાંધીજી લૉર્ડ કર્ઝનને એ કહેવાનું ચૂકતા નથી કે “કલકત્તા યુનિવર્સિટીના કુલપતિ તરીકે તથા એક અંગ્રેજ સજ્જન તરીકે તેમના પાયા વગરના અને અપમાનજનક આક્ષેપો પાછા ખેંચી લેવાને માનપૂર્વક બંધાયેલા છે.” શબ્દપ્રયોગ ધ્યાનમાં આવ્યો? બંધાયેલા છે. યુ કાન્ટ એસ્કેપ. યુ કાન્ટ રન અવે. જુઠ્ઠું બોલીને હાથ ખંખેરીને જતા ન રહી શકો. સાચી જિગરનો નમ્રતા અને સંયમ સાથે નાભીનાળ સંબંધ હોવો જોઈએ.
બીજો સવાલ એ કે ગાંધીજી અહીં અટકી કેમ ગયા? ધારત તો ગાંધીજી અહીંથી આગળ વધી શક્યા હોત. હજુ વધુ દલીલો કરવા માટે ઘણી જગ્યા હતી. પાશ્ચાત્ય જીવનમૂલ્યો વિષે તેમ જ પશ્ચિમના કહેવાતા શ્રેષ્ઠત્વને પડકારનારી દલીલો થતી આવી છે. ત્યારે પણ થતી હતી અને અત્યારે પણ થાય છે, પણ ગાંધીજી અટકી જાય છે. શા માટે? પણ એનો જવાબ શોધતા પહેલાં પશ્ચિમના શ્રેષ્ઠત્વને પડકારનારી જે દલીલો થાય છે એ જોઈ લઈએ.
બે રીતની દલીલો જોવા મળે છે:
કેટલાક લોકો દલીલ કરે છે કે પશ્ચિમનું કહેવાતું શ્રેષ્ઠત્વ એ એક પ્રકારનો સાંકૃતિક સામ્રાજ્યવાદ છે. સામે પક્ષે પશ્ચિમમાં પણ ઘણાં લોકો દલીલ કરતા હતા કે પુનર્જાગરણ યુરોપમાં થયું એ અકસ્માત નહોતો. પશ્ચિમની પ્રજા તેને લાયક હતી અથવા ઈશ્વરકૃપા ધરાવતી પ્રજા છે. આમાં બે પ્રકારનું શેષ્ઠત્વ નજરે પડે છે. એક પાશ્ચાત્ય સભ્યતાકીય અને બીજી ઈસાઈ ધાર્મિક. ત્યારે તેઓ એવી પણ દલીલ કરતા હતા કે પશ્ચિમના દેશોએ સંસ્થાનો કબજે કર્યા એ સ્વાભાવિક ક્રમ છે અથવા ઈશ્વરીય (ઈસાઈ) યોજના છે. આપણું દાયિત્વ સંસ્થાનોની પ્રજાને ઈસાઈ બનાવવાનું છે અથવા તેમને ‘સભ્ય’ બનાવવાનું છે. કેટલાક ધાર્મિક ખ્રિસ્તીઓ તેમ જ મિશનરીઓ પહેલા પ્રકારની અને લૉર્ડ મેકોલે જેવા બીજા પ્રકારની દલીલ કરતા હતા.
આની સામે પૂર્વની પ્રજા ઊહાપોહ કરે એ સ્વાભાવિક હતું. તેઓ આને આગળ કહ્યું એમ સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ તરીકે જોતા હતા. સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ રાજકીય સામ્રાજ્યવાદમાં પરિણમ્યો હતો અને આગળ જતા સંસ્થાનવાદમાં પરિણમ્યો હતો. આનો અર્થ એવો પણ થાય કે સાંસ્થાનિક સામ્રાજ્યવાદ સાંસ્થાનિક શોષણમાં પરિણમ્યો હતો. શ્રેષ્ઠત્વના નામે શોષણને અને ઈતર પ્રજાની ગુલામીને ન્યાયી ઠેરવવામાં આવતાં હતાં. સંસ્થાનોમાં આની સામે ઊહાપોહ પેદા થયો હતો અને પશ્ચિમના શ્રેષ્ઠત્વને પડકારવામાં આવ્યું હતું. આનો એક ફાયદો એ થયો હતો કે સંસ્થાનોમાં આપઓળખ વિકસી હતી અને દરેક ગુલામ દેશમાં રાષ્ટ્રવાદ વિકસ્યો હતો. રાષ્ટ્રવાદ બહુમતી કોમવાદ અર્થાત્ ફાસીવાદ તરફ દોરી જાય છે અને એ અર્થમાં ખતરનાક છે, પરંતુ ત્યારે શોષિત અને ગુલામ પ્રજામાં ચેતના પેદા કરવા માટે તેની ઉપયોગીતા હતી. આઝાદી માટે જે તે દેશોમાં વિકસેલા રાષ્ટ્રવાદે ભૂમિકા ભજવી હતી. મારી સમજ મુજબ પશ્ચિમના શ્ર્ષ્ઠત્વના જવાબરૂપે પૌર્વાત્યવાદ (ઓરિયેન્ટલિઝમ) ની થીસિસ વિકસી હતી.
હવે પ્રતિવાદનો બીજો પ્રકાર જોઈએ. પૂર્વમાં અને આફ્રિકા તેમ જ દક્ષિણ અમેરિકાના દેશોમાં કેટલાક લોકો પશ્ચિમી સંસ્કૃતિવાદ સામેનો પ્રતિવાદ હજુ આગળ લઈ ગયા હતા. તેઓ દલીલ કરે છે કે રેનેસાંજનક મૂલ્યો કે પાશ્ચાત્ય મૂલ્યો અંતિમ છે અને સાર્વત્રિક છે એવો પશ્ચિમના લોકોનો અને આધુનિકોનો આગ્રહ ક્ષતિગ્રસ્ત છે. અમારી સમૃદ્ધ પરંપરામાંથી ઉદ્દભવેલાં અને અમારાં સમાજમાં સ્થાયી થયેલાં અમારાં પોતીકાં દેશી મૂલ્યો એટલાં જ ચિરંતન છે, જેટલાં પાશ્ચાત્ય મૂલ્યો અને કદાચ તેનાથી પણ વધુ. આવી દલીલો કરવામાં પશ્ચિમના વિદ્વાનો પણ જોડાયા હતા, બલકે તેઓ એમાં અગ્રેસર હતા. પશ્ચિમી સભ્યતાએ વિકસાવેલાં જીવનમૂલ્યો અને રાજ્ય વ્યવસ્થા આબેહૂબ બાકીની પ્રજાએ અપનાવવાં જોઈએ એ દુરાગ્રહ છે. જેમ કે પશ્ચિમની અથવા તો કહેવાતા સભ્ય સમાજની લેન્ગિક સમાનતા કરતાં આદિવાસીઓની લેન્ગિક સમાનતા વધારે મોકળી છે. એ નિર્દંભ છે. આદિવાસીઓના સમાજ નિયમનના કાયદાઓ (કસ્ટમરી લૉઝ) વધારે સરળ અને વ્યવહારુ છે. ભારતની પંચાયત વ્યવસ્થા આધુનિક ન્યાયતંત્ર કરતાં વધારે ઝડપી, સ્વીકાર્ય અને માનવીય છે. પાશ્ચાત્ય મૂલ્યોની તરફેણમાં અમારાં પરંપરાગત મૂલ્યોને નેવે મૂકવાનો આગ્રહ એ આગ્રહ નથી, દુરાગ્રહ છે.
શા માટે પશ્ચિમમાં વિકસેલ લોકતંત્ર અને સેકયુલરિઝમ એના એ સ્વરૂપમાં જગત આખાએ અપનાવવા જોઈએ? તમે વિકસાવેલાં મૂલ્યો અને વ્યવસ્થા આધુનિક અને અમારાં મૂલ્યો અને વ્યવસ્થા પ્રાગ-આધુનિક એવો ચુકાદો આપવાનો અધિકાર તમને કોણે આપ્યો? અમારા દેશમાં સેક્યુલરિઝમનું સ્વરૂપ અમારું પોતાનું હશે. અમારી ધરતીની સાંસ્કૃતિક આબોહવાને માફક આવે એવું હશે. આપણે ત્યાં હિન્દુત્વવાદીઓ સેક્યુલરિઝમને પાશ્ચાત્ય કહીને નકારે છે એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ. મુસ્લિમ દેશોમાં પણ લોકતંત્ર, સેક્યુલરિઝમ અને સરવાળે આધુનિકતાને નકારવામાં આવે છે.
ટૂંકમાં પશ્ચિમી સભ્યતાએ વિકસાવેલાં જીવનમૂલ્યો અને રાજ્યવ્યવસ્થા સ્વયંસંપૂર્ણ અને સાર્વત્રિક છે એ વાતને નકારવામાં આવે છે. આધુનિકતાને નામે પશ્ચિમી દેશો સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક આધિપત્ય જમાવવા અને ટકાવી રાખવા માંગે છે એવો આરોપ કરવામાં આવે છે. આધુનિકતાનો વિરોધ કરનારાઓની આ દલીલ મૂળભૂતવાદીઓને તેમ જ કોમવાદીઓને માફક આવે એવી છે એટલે તેઓ પોતાનો અસલી ચહેરો છુપાવવા તેનો આશ્રય લે છે.
ઘણી વાર એવું પણ જોવા મળ્યું છે કે પશ્ચિમી આધુનિકતાના આલોચકોની અને મૂળભૂતવાદીઓની વેવલેંગ્થ એક જગ્યાએ ભેગી થઈ જાય છે. મુસોલિનીની, હિટલરની, ઈરાનના ખૌમેનીની, ૧૯૮૭માં રાજસ્થાનમાં રૂપકુંવર સતી થઈ એ ઘટનાની, બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી એ ઘટનાની, મુસ્લિમ મૂળભૂતવાદીઓની તરફેણ કરનારી થીસિસો તૈયાર થઈ છે. તેને પશ્ચિમી રેડારની બહાર જીવવા માંગતા લોકોના આધિકાર અને જદ્દોજહદ તરીકે જોવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેને પશ્ચિમના નકાર તરીકે જોવામાં આવે છે.
પણ ગાંધીજી આમાંની કોઈ દલીલ કરતા નથી. શા માટે?
કારણ કે આ બન્ને પ્રકારની દલીલો ‘અમે’ અને ‘તમે’ની છાવણીઓ રચે છે અને ગાંધીજી સત્યને તેમ જ કરુણાને છાવણીથી ઉપર જુએ છે. જેમ કે સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતાનો વ્યવહાર હોવો જોઈએ. આ વાત પહેલાં તમે કહી કે અમે પહેલાં કહી એનું કોઈ મૂલ્ય નથી, મૂલ્ય મૂલ્યનું છે. જો અમે અને તમે બન્ને આ બાબતે સમંત હોઈએ તો એ આપણું થઈ ગયું. કોઈ પણ માણસનું શોષણ ન કરવું જોઈએ અને શોષણરહિત સમાજની રચના કરવી જોઈએ એ મૂળભૂત માનવીય મૂલ્ય છે. એ વાત કોણે પહેલાં શીખવી એનું મૂલ્ય નથી. જો જગતની દરેક પ્રજા આને સ્વીકારતી થઈ જશે ત્યારે એ આપણું મૂલ્ય થઈ જશે. ધર્મ એ માણસની અંગત બાબત છે અને તેને સંખ્યાથી, રાજકારણથી, ચોક્કસ પ્રકારની જીવનશૈલીના આગ્રહોથી મુક્ત રાખવો જોઈએ એમ જો તમે માનતા હોય તો એ આપણું સહિયારું સેક્યુલરિઝમ થઈ ગયું.
દરેક સમાજમાં એવું કેટલુંક હોય છે જેને માટે એ ગર્વ લઈ શકે અને એવું પણ કેટલુંક હોય છે જેનાં માટે શરમાવું પડે. ગાંધીજી હિન્દુ ધર્મ માટે અને પોતે હિન્દુ હોવા માટે ગર્વ લેતા હતા, પરંતુ એ સાથે અસ્પૃશ્યતા માટે શરમ પણ અનુભવતા હતા. માનવીય ગૌરવની સ્થાપના કરે એ અપનાવવું જોઈએ અને શરમાવે એવી ચીજો છોડવી જોઈએ પછી એ ગમે તેની હોય. એટલે તો તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન ભાષણમાં બ્રિટિશ ગવર્નરને કહ્યું હતું કે જો ડરતા હો તો તમારે માટે શરમાવા જેવું છે અને અમારાથી ડરતા હો તો અમારા માટે શરમાવા જેવું છે. ડરવું અને ડરાવવું એ બન્ને શરમ છે. નિર્ભયતા અને દરેકનું પોષણ તેમ જ રક્ષણ આપણાં છે.
ટૂંકમાં, છાવણીઓ રચવાની જરૂર જ શું છે જ્યારે સરોકાર સહિયારો હોય? ઊલટું છાવણીઓ નિસબતને નિરસ્ત કરે છે, જેની કિંમત દબાયેલાઓને અને છેવાડેના માણસોને ચૂકવવી પડતી હોય છે. એટલે તો ગાંધીજી લૉર્ડ કર્ઝનને મહેણાંટોણાં માર્યા વિના અત્યંત નમ્રતાથી કહે છે કે સાહેબ, તમારી વાત ખોટી છે; આ રહ્યા પુરાવા. હવે જ્યારે એક અંગ્રેજ તરીકે સત્યાનુરાગી હોવાનો દાવો કરો તો તમારે ભૂલ સ્વીકારવી જોઈએ.
પણ પ્રજા હજુ છાવણીઓ વિના જીવતાં શીખી નથી. આપઓળખ હજુ નવી નવી થઈ છે એટલે તેનો મોહ છે અને મોહ છે માટે આગ્રહો છે. ધર્મગુરુઓ અને રાજકારણીઓ તેનો લાભ લે છે. દુઃખ એ વાતનું છે કે વિદ્વાનો પણ ઓળખના આગ્રહોની થીસિસો રચે છે. અહીં ગાંધીજીનું તાવીજ કામમાં આવે એવું છે. જ્યાં અસત્ય અને અન્યાય હોય એ નિંદનીય તેમ જ ત્યાજ્ય છે અને જે શુભ છે એ આપણું છે. તેનાં સમાજિક-ભૌગોલિક મૂળ તપાસવાની જરૂર નથી.
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 09 ડિસેમ્બર 2018