ઠક્કરબાપાના પ્રેમ અને આદરભર્યા નામે જાણીતા અમૃતલાલ ઠક્કરનું સાર્ધ શતાબ્દી વરસ આવતીકાલથી [29 નવેમ્બરથી] આરંભાશે. ગાંધીજીના સમવયસ્ક એવા ઠક્કરબાપાને ગાંધીજીએ “દલિતો અને આદિવાસીઓના ગોર” તરીકે નવાજ્યા હતા. ૨૯મી નવેમ્બર ૧૮૬૯ના રોજ ભાવનગરમાં જન્મેલા ઠક્કરબાપાનું આરંભિક જીવન અભાવોમાં પસાર થયું હતું. માતાપિતાના સેવાના સંસ્કાર તો બાળપણમાં જ મળેલા. પરંતુ કુટુંબની આર્થિક સ્થિતિ તેમને યુવાનીમાં જ સેવાના ક્ષેત્રે ધસી જતી રોકતી હતી. પ્રથમ વર્ગમાં મેટ્રિક થયેલો આ યુવાન પૂનાની એંજિનિયરીંગ કોલેજમાં ભણી ઈ.સ. ૧૮૯૦માં ઈજનેર થાય છે. અનેક શહેરોમાં ઈજનેર તરીકે સફળતાપૂર્વક નોકરી કરે છે. નોકરી દરમિયાન જ તેમને દલિતોની અને કામદારોની બદતર સ્થિતિનો પરિચય થયો હતો. બાળપણમાં શેરી સાફ કરતાં દલિત સફાઈ કામદારને હડધૂત થતો સગી આંખે જોઈને મનમાં પ્રશ્નો જ નહીં સંવેદના પણ જાગી હતી, જે મોટપણે વધુ તીવ્ર બનેલી. મુંબઈમાં ગંદકી અને કચરો ઉપાડવાનું કામ કરતાં દલિતોની જિંદગીની વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો. દલિત કામદારોનો કરજબોજ ઓછો કરવા સહકારી મંડળી અને બાળકોના શિક્ષણનું કામ તો એ કરતા જ હતા. ગોખલેની ‘સર્વન્ટસ ઓફ ઇન્ડિયા સોસાયટી’નાં કામથી પ્રભાવિત હતા, એટલે ૧૯૧૪માં સરકારી નોકરીને રામરામ કરી તેમાં જોડાયા. ૪૫ વરસની વયે તેમણે સારા દાપાદરમાયાની નોકરી છોડી સેવાકાર્ય સ્વીકાર્યું અને પછી ઠક્કરસાહેબ મટી ઠક્કરબાપા બન્યા હતા.
વીસમી સદીના એ આરંભના દિવસો ભારોભાર આભડછેટના હતા. તેવા સમયે દલિત પ્રશ્ને વિચારનાર અને કાર્ય કરનારા તરીકે ઠક્કરબાપા ગાંધીજીના પણ પુરોગામી ગણી શકાય. દૂદાભાઈના “ગરીબ અને પ્રામાણિક અંત્યજ કુટુંબ”ને કોચરબ આશ્રમમાં દાખલ કરવાનો પત્ર ગાંધીજીને લખનાર ઠક્કરબાપા જ હતા. મુંબઈમાં ઈજનેર તરીકે કાર્યરત હતા ત્યારે જ, ઈ.સ.૧૯૧૨માં, “આર્યન બ્રધરહુડ”ના નેજા હેઠળ દલિતો સાથેનું સર્વ જ્ઞાતિ ભોજન યોજાયું હતું. ઠક્કરબાપા તેમાં સામેલ થયા હોવાનું જાણી મુંબઈના તેમના જ્ઞાતિ સમાજે તેમને નાતબહાર મૂકવાનો નિર્ણય કર્યો હતો. પિતા એ સમયે આજાર અવસ્થામાં હતા. તેથી કમને ઠક્કરબાપાએ જ્ઞાતિનો દંડ ભરી, મૂંછ મૂંડાવી, પ્રાયશ્ચિત કર્યું હતું. આ જ અમૃતલાલ ઠક્કર પછી “દલિતોના પુરોહિત” તરીકે પંકાયા, ત્યારે તેમનું જ્ઞાતિના સમર્થ પુરુષ તરીકે, જ્ઞાતિ અભિમાન અને જ્ઞાતિ ગૌરવ વ્યક્ત કરતું માનપત્ર તેમની જ્ઞાતિએ આપ્યું હતું.
ઠક્કરબાપા જેમ દલિત સેવા તેમ આદિવાસી સેવાને પણ પૂર્ણપણે વરેલા હતા. દલિતો કરતાં પણ આદિવાસીઓની ઉન્નતિ તેમની પ્રાથમિકતા હતી. દાહોદ, ઝાલોદ, પંચમહાલના આદિવાસી પટ્ટામાં એ દુકાળનો તાગ મેળવવા ગયા હતા. એબ ઢાંકવા શરીર પર ચીંથરું ન હોય અને ઝૂંપડૂં આઢીને બેઠી હોય તેવી આદિવાસી સ્ત્રીઓનો તેમને સાક્ષાત્કાર થયેલો. આદિવાસીઓની આ ગરીબી અને લાચારી જોઈ તેમણે ત્યાં કાયમી થાણું નાંખ્યું. “ભીલ સેવા મંડળ” સ્થાપી ઠક્કરબાપાએ દલિતોની માફક આદિવાસીઓ માટે શાળાઓ અને છાત્રાલયો શરૂ કર્યા હતા. આજે તે વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે જોવા મળતો ફેરફાર ઠક્કરબાપાને આભારી છે.
રૂઢ અર્થમાં આપણે જેમને સ્વાતંત્ર્ય સૈનિક કહીએ છીએ તે ઠક્કરબાપા નહોતા. પંડિત નહેરુના શબ્દોમાં, “ઠક્કરબાપાને મેં કોઈપણ વખતે રાજકીય ક્ષેત્રના માન્યા નથી.” એ સાચું છે. એમણે આઝાદીની લડતમાં કદી ભાગ લીધો નથી. અપવાદરૂપે ૧૯૩૦માં ખેડા જિલ્લાના મહેમદાવાદમાં દૂરથી દારુનું પિકેટિંગ કરતા કાર્યકરોનું તે નિરીક્ષણ કરતા હતા ત્યારે તેમની ધરપકડ થયેલી અને બે માસ જેલમાં રહેવું પડેલું. જ્યારે ૧૯૩૦-૩૨ની લડતમાં જોડાવા એમના સાથીઓએ અનુમતી માંગી ત્યારે, “જે લોકો વિશિષ્ટ કાર્યને વરેલા છે, અને તેની જવાબદારી માથે લીધી છે તેમનાથી આ કામ રેઢુ મૂકીને જવાય નહીં” તેવું તેમનું વલણ હતું. જો કે આ જ ઠક્કરબાપા ભાવનગર પ્રજા પરિષદ (૧૯૨૬) અને કાઠિયાવાડ પ્રજા પરિષદ(૧૯૨૮)ના પ્રમુખ થયા હતા !
ઠક્કરબાપાનું સેવાકાર્ય ભારે અઘરું અને કઠણાઈઓથી ભરેલું હતું. દલિત આદિવાસી કામનો પણ એ આરંભ હતો. પૂરતા સેવાભાવી કાર્યકરોનો અને નાણાંનો અભાવ, ખુદ દલિત આદિવાસી સમાજની અણસમજ અને વિરોધ – જેવી મુશ્કેલીઓ હતી. ઠક્કરબાપાને સેવાનું વળગણ એવું કે તેઓ કોઈ સંસ્થા સ્થાપે તો તેના નામમાં “સેવા” શબ્દ રાખવાની એમને ન માત્ર હોંશ રહેતી હઠ પણ રહેતી. દેશસેવા ફુરસદે અને શહેરોમાં કરવાની ચીજ નથી પણ ગામડાંઓમાં અને સાતત્યપૂર્ણ રીતે કરવાની પ્રવૃતિ છે તેમ તેઓ માનતા. વળી કોઈ સંસ્થા આર્થિક રીતે પગભર બનવા ધન એકઠું કરે તેના તે વિરોધી હતા. તે કહેતા કે આમ કરવાથી તો સંસ્થા “મઠ” બની જશે.
દલિતોના અલગ મતાધિકારના મુદ્દે ૧૯૩૨માં ગાંધીજીના ઉપવાસ અને ડો. આંબેડકર સાથે થયેલા પૂના કરારમાં ઠક્કરબાપાનો મોટો ફાળો રહ્યો છે. અલગ મતાધિકારના વિકલ્પે જે રાજકીય અનામત બેઠકો આપવાની હતી તેનો અભ્યાસ અને ગણતરી તેમની હતી. પૂના કરાર પછી અસ્પૃશ્યતા નિવારણ માટે ગાંધીજીએ સંસ્થા ઊભી કરી હતી. જે પાછળથી “હરિજન સેવક સંઘ” કહેવાઈ. ઠક્કરબાપા તેના સ્થાપક મહામંત્રી હતા. તેમણે જ ગાંધીજીની “હરિજનયાત્રા”નું આયોજન કરેલું. “ભીલ સેવા મંડળ” અને અન્ય સંસ્થાઓનું સંપૂર્ણ સંચાલન અને વહીવટ આદિવાસીઓ હસ્તક રહે અને બિનઅદિવાસીઓ તેમાંથી ક્રમશ: ખસી ગયા તેમ ઠક્કરબાપાએ કર્યું હતું. પરંતુ “હરિજન સેવક સંઘ”માં તેમ થઈ શક્યું નહીં. આરંભે “હરિજન સેવક સંઘ”ની ૮ વ્યક્તિઓની કારોબારીમાં ડો. આંબેડકર સહિત ૩ દલિત આગેવાનો હતા. સંસ્થાના ઉદ્દેશો અંગે ડો. આંબેડકરે ઠક્કરબાપાને એક દીર્ઘ પત્ર લખ્યો હતો. ડો. આંબેડકરને તે પત્રની પહોંચ પણ મળી નહોતી. એટલે તેમણે રાજીનામુ આપી દીધું. તે પછી “હરિજન સેવક સંઘ” સંપૂર્ણપણે બિનદલિતોના આધિપત્યવાળી સંસ્થા જ બની રહી.
૨૯મી નવેમ્બર ૧૯૩૭ના રોજ ભત્રીજા અનંત પરના પત્રમાં ઠક્કરબાપાએ આગ્રાની સેન્ટ જોન્સ કોલેજના છાત્રો સાથેના સંવાદનો ઉલ્લેખ કરી એ મતલબનું લખ્યું હતું કે, મેં વર્ણવેલી હરિજન કલ્યાણની પ્રવૃતિ છાત્રોને બહુ મોળી લાગી. વિધ્યાર્થીઓનો મત હતો કે કાયદો કરીને આભડછેટનો નાશ કરવો એ જ ઉપાય છે. ઠક્કરબાપાએ તેમને સમજાવેલું કે આભડછેટ એકલા કાયદાથી જશે નહીં તે માટે લોકો સાથે સમજાવટથી, માથાકૂટથી, લમણાઝીંકથી કામ કરવું પડે.
ભારતના બંધારણનો આદર્શ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા છે. સ્વતંત્રતા અને સમાનતા તો કાયદાથી સ્થાપી દીધી છે. કાયદાથી આભડછેટ પણ દૂર કરી દીધી પણ પેલી બંધુતા ક્યાં છે ? તે માટે સમજાવટ, માથાકૂટ અને લમણાઝીંક કરી શકે તેવા ઠક્કરબાપા ક્યાં ? એવો સવાલ સાર્ધ શતાબ્દીએ ઊભો છે.
e.mail : maheriyachandu @gmail.com