‘બાળદિન’ રૂપે જવાહરલાલ નહેરુનો આજે (14 નવેમ્બર) એક ઓર જન્મદિન, થોડો સરકારી અને ઝાઝો પક્ષીય ધોરણે મનાવાશે. એક જમાનાના આ અજોડ લોકનાયકના અવસાન સમયે રાજાજીએ, “મારાથી અગિયાર વરસ નાનો, અગિયારગણો લોકપ્રિય અને અગિયારગણો આવશ્યક”, એમ કહીને ભવ્ય અંજલિ આપી હતી, તે નહેરુ હવે કૉન્ગ્રેસી નેતા બની રહે કે તેમના અવમાન માટે જ શાયદ ગુજરાતમાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થપાય તે સમયની બલિહારી છે.
ગાંધીજી ૧૯૧૫માં ભારતમાં આવ્યા તે પૂર્વેના નહેરુ કૉન્ગ્રેસમાં સક્રિય હતા. પિતા મોતીલાલ નહેરુ સાથે, “એઝ એ વિઝિટર” ૧૯૦૪માં, ચૌદ વરસના જવાહર કૉન્ગ્રેસ મહાસભામાં ગયા હતા. તો ૧૯૧૨માં યુવાન નહેરુ કૉન્ગ્રેસ ડેલિગેટ તરીકે વિધિવત્ કૉન્ગ્રેસમાં ગયા અને જીવનના અંત સુધી તેને જ વળગી રહ્યા. ગાંધીજીથી ઉમરમાં ૨૦ વરસ નાના નહેરુ, ૧૯૨૯માં, લાહોર કૉન્ગ્રેસના પ્રમુખ બન્યા, ત્યારે ગાંધીજીએ, એમના હાથમાં રાષ્ટ્ર સુરક્ષિત હોવાની ઘોષણા કરી દીધી હતી. એ પછીના સવા દાયકે વર્ધા કૉન્ગ્રેસમાં નહેરુને પોતાના રાજકીય વારસ ઘોષિત કરતાં ગાંધીજીએ કહ્યું હતું, “મારા વારસ નથી સરદાર કે નથી રાજાજી. જવાહરલાલ એક વિશુદ્ધ આત્મા છે. તેનું હ્રદય સ્ફટિકમણિ જેવું સ્વચ્છ છે. તે ભૂલ કરે, પણ ભારતના ગરીબોનું હિત તેના હાથમાં હંમેશાં સલામત રહેશે. મારા ગયા પછી પણ તે મારું જ કામ કરવાનો છે અને મારી જ ભાષા બોલશે.”
ભારતમાં લોકશાહી, ખાસ કરીને સંસદીય લોકશાહીનું સ્થાપન અને સંવર્ધન એ નહેરુની દેન છે. તેઓ હાડે જ સ્વતંત્રતાના ચાહક અને પુરસ્કર્તા હતા. લોકશાહી સંસ્કારો તેમની રગેરગમાં વ્યાપી ગયેલા હતા. ૧૯૪૭માં એ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા પછી ૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨ની ત્રણત્રણ સંસદીય ચૂંટણીઓ દ્વારા પૂરો દોઢ દાયકો એ ભારતના રાજકારણ પર છવાયેલા રહ્યા.૧૯૬૨ના ચીની આક્રમણ છતાં એ સત્તા પર ટકી રહ્યા, તેનું કારણ ન માત્ર તેમની લોકપ્રિયતા પણ લોકશાહી માનસ હતું.
નહેરુએ જ ભારતમાં પુખ્તવય મતાધિકારનો આગ્રહ રાખ્યો હતો. બંધારણ મારફતે તેમણે ભારતને પ્રજાસત્તાક બનાવ્યું. આ એ જ નહેરુ છે જેમણે ૧૯૩૫માં ત્રીજી વાર કૉન્ગ્રેસ પ્રમુખ બનવાનું થયું ત્યારે કલકત્તાથી પ્રગટ થતાં સામયિક “મોર્ડન રિવ્યુ”માં “ચાણક્ય”ના ઉપનામે લેખ લખીને, લોકોને નહેરુ બાબતે સાવધ કર્યા હતા. આત્મખોજના અદ્દભુત નમૂનારૂપ એ લેખમાં નહેરુએ લખેલું, “જવાહરલાલ ફાસીવાદી ન બની શકે, અને તેમ છતાં તેમને સરમુખત્યાર બનાવે તેવા ઘણાં લક્ષણો તેમનામાં છે.”
જવાહરલાલ સરમુખત્યાર ન બની બેઠા, પણ તેમનાં પુત્રી ઈન્દિરા ગાંધીએ ૧૯૭૫માં આંતરિક કટોકટી લાદી ભારતની લોકશાહીને ખતરામાં મૂકી, તેમાં નહેરુનો ફાળો પણ વાંચી શકાય તેમ છે. ગાંધીજીએ તેમના ઉત્તરાધિકારી તરીકે નહેરુને સ્થાપ્યા હતા, તેમ નહેરુએ લાલબહાદુર શાસ્ત્રીની પસંદગી જરૂર કરી, પણ એ પુત્રીમોહ ત્યજી શક્યા નહોતા. ૧૯૫૯માં માંડ ૪૨ વરસના ઇન્દિરાજીને કૉન્ગ્રેસ પ્રમુખ બનાવવાની ચર્ચા વખતના પંડિત નહેરુના બોલ તેમની પસંદગી ઇન્દિરાની જ હતી, તે સ્પષ્ટ કરનારા હતા. વડાપ્રધાનની પસંદગીના અને તેમના વળના પક્ષપ્રમુખનો સિલસિલો ત્યાંથી શરૂ થયો હતો. (જેને આજે ભારતીય જનતા પક્ષ પણ અપનાવી રહ્યો છે.) બેટી કૉન્ગ્રેસ પ્રમુખ અને બાપ વડાપ્રધાન હોય એવા એ અદ્દભુત જમાનામાં કૉન્ગ્રેસ પ્રમુખ ઇન્દિરા ગાંધી કેરળની પ્રથમ સામ્યવાદી સરકાર ગબડાવે કે ભ્રષ્ટાચારના આક્ષેપો છતાં રાષ્ટ્રપ્રમુખના હઠાગ્રહ અને બરતરફીની ધમકી પછી જ નહેરુ કૃષ્ણ મેનનને પદ પરથી હઠાવે એ બધી ઘટનાઓ આરંભની ભારતીય લોકશાહીની અને નહેરુના નેતૃત્વની પણ મર્યાદાઓ ચીંધી જાય છે. તેમ છતાં નહેરુએ ભારતમાં સંસદીય લોકશાહીનો ન સિર્ફ પાયો નાંખ્યો તેને દ્રઢીભૂત કરી એટલે જ દેશનો પુખ્ત વય મતદાર ઇંદિરાઈ કટોકટીને પલટી શક્યો હતો. તમામ બંધારણીય સંસ્થાઓનું નહેરુએ સ્વાતંત્ર્ય જાળવ્યું. સંસદના બંને ગૃહોમાં તેજસ્વી વિપક્ષી નેતાઓના વિરોધોનો સામનો કર્યો. વહીવટી તંત્રને અંગ્રેજ રાજની ગુલામીમાંથી જ નહીં તેવા માનસમાંથી પણ મુક્ત કર્યું. ન્યાયતંત્રની તટસ્થતા અને વિશ્વસનીયતા જળવાય તેની કાળજી લીધી. ચૂંટણી પંચ જેવી સંસ્થાઓની સ્વાયત્તાને લીધે મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ શક્ય બની.
આઝાદી આંદેલન વેળાએ જ નહેરુ એ વાતે ચિંતિત હતા કે આઝાદ ભારતની અર્થવ્યવસ્થા કેવી હશે તે વિશે કૉન્ગ્રેસ ગંભીર નથી. ભારતની અર્થનીતિ વિશે ગાંધીજી અને નહેરુ વચ્ચે પાયાના મતભેદો હતા. નહેરુ ઔદ્યોગિકરણ અને શહેરીકરણના હિમાયતી હતા. તો ગાંધીજી નાના પાયાના ઉદ્યોગો અને ગ્રામસ્વરાજના આગ્રહી હતા. મોટા અને ભારે ઉદ્યોગોમાં માનતા નહેરુએ ઔદ્યોગિક ભારતનો પાયો નાંખ્યો. ભાખરાનાંગલ જેવા મોટા બંધો કે જાહેર ક્ષેત્રોના અનેક ઉદ્યોગો નહેરુના શાસનકાળમાં સ્થપાયા. નહેરુ તેને આઝાદ ભારતના નવા તીર્થધામો ગણાવતા હતા.
ભારતનું આર્થિક આયોજન અને પંચવર્ષીય યોજનાઓ સમાજવાદી નહેરુની અર્થદ્રષ્ટિના દ્યોતક છે. નહેરુએ મૂડીવાદ અને સામ્યવાદનો સમન્વય સાધતું મિશ્ર અર્થતંત્ર ભારતમાં લાગું પાડ્યું. જો કે નહેરુને રશિયાતરફી વિશેષ માનવામાં આવતા હતા. ભારતની સ્થિતિ ચીન સાથે વધુ સામ્ય ધરાવતી હોવા છતાં નહેરુ રશિયા તરફ વધુ ઢળ્યા અને તેમણે મોટી મૂડીનું રોકાણ ધરાવતા રશિયા જેવા ઉદ્યોગો વિકસાવ્યા, તેને બદલે જો ચીની કૃષિક્રાંતિનું મોડેલ સ્વીકાર્યું હોત તો ભારત બહુ સારો વિકાસ સાધી શક્યું હોત તેવું ઘણા નિષ્ણાતોનું માનવું છે. નહેરુના આર્થિક આયોજનો છતાં ગરીબી ઘટી નહીં તે તો ખુદ નહેરુએ પણ સ્વીકાર્યું હતું. આયુષ્યના અંતિમ વરસોમાં તેમને તેમની વિકાસનીતિમાં ભૂલ લાગતી હતી. આર્થિક વિકાસ સમાનતા આણી ન શક્યો તે સમજાતાં તેમણે પી.સી. મહાલનોબિસ સમિતિની રચના કરી હતી. જેણે દેશમાં અસમાનતા વધી હોવાનું તારણ કાઢ્યું હતું. નહેરુનો સમાજવાદ ગરીબીની વહેંચણીનો સમાજવાદ નહોતો પણ તે દેશની કુલ રાષ્ટ્રીય આવક વધે અને તેના ફળ સામાન્ય માણસ લઈ શકે તે માટેનો હતો. વિકાસનું આ ઝમણ ન તો નહેરુના જમાનામાં કે ન તો તે પછીના જમાનામાં શક્ય બન્યું. નરસિંહરાવ અને મનમોહન સિંઘની નવી બજારકેન્દ્રી અર્થવ્યસ્થા પછી તો નહેરુના સમાજવાદની પ્રસ્તુતતા જ સવાલ બની રહી છે.
નહેરુ ભારોભાર વૈજ્ઞાનિક વિચારધારામાં માનતા નખશિખ બિનસાંપ્રદાયિક બૌધિક હતા. તેમનો લોકશાહી, સમાજવાદ અને વૈજ્ઞાનિક મિજાજનો આ વારસો સહેલાઈથી ભૂંસી શકાય કે નહેરુને સદંતર ભૂલાવી શકાય તેમ નથી.
e.mail : maheriyachandu@gmail.com