ત્રણ-ત્રણ નીડર અને મક્કમ વ્યક્તિઓની એક પછી એક હત્યા થઈ, ત્યારે સૌના મનમાં બેચેની સાથે પ્રશ્ન ઊઠેલો કે આ તે કેવી અંધારી રાત? ઉદાસી, ડર, હતાશાભરી આ રાતને વીંધવી તો પડે જ. અને અમે કેટલાક સાથીમિત્રોએ ડૉ. ગણેશ દેવીની આગેવાનીમાં ગુજરાતથી પુણે, કોલ્હાપુર અને ધારવાડની યાત્રા આરંભી. એને દક્ષિણાયન નામ અપાયું.
આ અંધારી અને પછી લંબાતી રાતમાં સાથીઓ મળતાં ગયાં. જાણે કે એક પરિવાર વિસ્તરતો ગયો. અને ત્યાર પછીની યાત્રા દાંડીમાં યોજાઈ. સમગ્ર માનવજાતના ઇતિહાસમાં જેની નોંધ લેવાય છે એવી; સવિનય કાનૂનભંગ સાથેની, ચપટી નમક માટેની આ ગાંધીકૂચે દાંડીના દરિયે દેશભરમાંથી આવી પહોંચેલા ૬૦૦ જેટલા સાક્ષીઓને એક સોનેરી હૂંફ આપી.
‘નિર્ભય બનો!’ના નારા સાથે દાંડીમાં ગુંજેલી આ દક્ષિણાયન યાત્રા એક વારમાં તો નવા બિરાદરોના સાથમાં દાંડીના દરિયેથી માંડી ગોવાના દરિયા લગી ગયા નવેમ્બરમાં પહોંચી.
લાગલગાટ ત્રણ દિવસ (૧૮-૧૯-૨૦ નવેમ્બર, ૨૦૧૬) ‘અભિવ્યક્તિ : દક્ષિણાયન અને રાષ્ટ્રીય પરિષદ’ના નેજા હેઠળ દેશભરનાં બાર રાજ્યોના ૮૦૦ મિત્રોનું મિલન મડગાંવમાં થયું.
૨૪ બેઠકો – કાર્યક્રમોથી વાતાવરણ ભર્યુંભર્યું સૌએ અનુભવ્યું
આરંભિક સ્વાગત બેઠકમાં વિદ્યા રાવે વૈષ્ણજનનું પ્રભાતિયું અને સૂફીગીતો રજૂ કર્યાં અને પંજાબની હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ જેઓ તે જ રાત્રે નાટક, ભજવવાની હતી તેમણે ખૂબ વિશિષ્ટ રીતે પોતાનો પરિચય આપ્યો. તેમની આજ તો સરલ છે જ પણ આવતી કાલ ઘણી ઉજ્જ્વળ હશે, એવું આ તરુણીઓનાં ગીતો અને વાતોથી લાગ્યું.
પહેલા દિવસે સૌથી નોંધપાત્ર વાત બની મડગાંવનાં રવીન્દ્રભવનથી લોહિયા મેદાન સુધીની લગભગ પાંચ કિલોમીટરની કૂચ-સંકલ્પયાત્રા. ડૉ. દાભોલકર, કોમરેડ પાનસરે અને પ્રા. કલબુર્ગીનાં પરિવારજનો અને જેમણે ગયા વર્ષે અસહિષ્ણુતાના મુદ્દે કેન્દ્રીય અકાદેમી અને રાજ્ય સરકારોના ઍવૉર્ડ પરત આપ્યા હતા, એવા વરિષ્ઠ સાહિત્યકારો-કલાકારોની આગેવાનીમાં આ શાંતિકૂચ હતી.
આ સંકલ્પયાત્રાનાં બૅનરો અને પ્લેકાર્ડમાં વંચાતાં સૂત્રોમાં મુખ્ય હતાંઃ
Communalism is the biggest threat to our country.
Arrest Killers of Dabholker, Pansare, Kalburgi.
Guns Can not silence Ideas.
Be brave, Respect life, Respect differences.
કૂચ લોહિયા મેદાન પહોંચી જ્યાં જાહેરસભા યોજાઈ. ગોવામુક્તિ આંદોલન વખતે આ સ્થળેથી લોહિયાની જોશીલી વાણીમાં ભાષણ થયેલું. તેની સ્મૃિતઓ સાથે સાથે આતંકવાદી સનાતની સંસ્થાનું વડું મથક પણ અહીં ગોવામાં જ. અને આ જ લોહિયા મેદાનની સામે જ આ આતંકવાદીઓના સ્કૂટરમાં રાખેલો બૉંબ ફૂટેલો, તેની યાદ પણ સૌને આવી જ જાય, તે સ્વાભાવિક છે.
મડગાંવની આ જાહેરસભા શરૂ થઈ ડૉ. દાભોલકરના દીકરા ડૉ. હમીદના વક્તવ્યથી. હમીદે કહ્યું કે અહીંની જે સનાતની સંસ્થા છે, તેના જ કાર્યકરોએ આ ત્રણેય રેશનાલિસ્ટો અને બૌદ્ધિકોની હત્યા કરી છે. કેસ ઝડપથી ચાલતા નથી, હજી કોઈને સજા થઈ નથી. અમે કંઈ એવું નથી ઇચ્છતા કે આ ત્રણેય મહાપુરુષોના હત્યારાઓને ફાંસીએ લટકાવવા જોઈએ. અમે તો માત્ર ઇચ્છીએ છીએ કે ડૉ. દાભોલકરના હત્યારાને ત્રણ વર્ષ માટે ચમત્કારોના પર્દાફાશ માટે અને અંધશ્રદ્ધા સામે લડવાની સજા થાય. કોમરેડ પાનસરેના હત્યારાને ત્રણ વર્ષ લગી કૉમ્યુિનસ્ટ પાર્ટી – સી.પી.આઈ. પાર્ટીના કાર્યકર તરીકે કામ કરવાની સજા થાય અને વિદ્વાન પ્રા. કલબુર્ગીના હત્યારાને ત્રણ વર્ષ લગી તેમનાં લખાણો અને બસવનાં ‘વચનો’ વાંચવાની સજા થાય.
આવી ઉમદા વાતથી આરંભાયેલી આ જાહેરસભામાં કોમરેડ પાનસરેના પરિવારની મેધા પાનસરેએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ચારેકોર ભયનું વાતાવરણ ચુપકીદીથી સત્તાખોરો ઊભી કરી રહ્યા છે. ૨૦૧૫માં દેશમાં ૮ રેશનાલિસ્ટો-પત્રકારોની હત્યા થઈ, ૩૦ પર હુમલા થયા, ત્રણની ધરપકડ કરાઈ ૩૫ પર રાષ્ટ્રદ્રોહના ખટલા અને ૪૮ પર બદનક્ષીના કેસો કરાયા. વાણીસ્વાતંત્ર્યનું ગળું રૂંધવાના ચારેકોરથી પ્રયત્ન ચાલુ છે. તેની સામે સંઘર્ષ સિવાય કોઈ વિકલ્પ નથી.
પંજાબના નાટ્યકાર આતજિતસિંગે રાષ્ટ્રવાદના નામે જે કંઈ આજે ચાલી રહ્યું છે તેની વાત સીમાડાનાં બંધનો વગર ઘૂમતી માગણીઓના પ્રતીકથી કરી. આ મુદ્દે તેમણે નાટક લખ્યું છે. તેના પરથી હિંદી ફિલ્મ બની રહી છે. તેની પણ વિગતે વાત કરી.
જ્યારે ઉત્તમભાઈ પરમારે ભારપૂર્વક જણાવ્યું કે આજે જેઓ હિંદુત્વની વાતો કરે છે, સમાજમાં નફરત ફેલાવે છે, તેમાં સાચા ધાર્મિક લોકો નથી. જ્યારે તેમની સામે કોઈ મુસ્લિમ કે ખ્રિસ્તી આવીને ઊભો રહી જાય છે, ત્યારે જ તેઓ હિન્દુ હોવાનું ભાન દર્શાવે છે. જ્યારે સામે ખ્રિસ્તી-મુસ્લિમ નથી હોતાં, ત્યારે એ જ જાતિવાદી, મહિલાવિરોધી બની જાય છે.
અને આ લખનારે જાહેરસભામાં જણાવ્યું કે આપણા વડાપ્રધાન, ભા.જ.પા.ના અમિત શાહ કે અંબાણી-અદાણી કે આસારામ બાપુ ને ઊર્જિત પટેલ જ ગુજરાત-ગુજરાતીઓની ઓળખ નથી, અમારા આદ્યકવિ નરસિંહ મહેતાએ ગાયેલ પીડ પરાઈનો વિરલ વારસો પણ ગુજરાત-ગુજરાતીઓની પાસે છે.
આ ઉપરાંત કર્ણાટકનાં કર્મશીલ લેખિકા નીલા, મહારાષ્ટ્રના ઝુઝારુ નેતા ધનાજી ગુરવ, કોંકણી ભાષા માટેના ગોવાના છાત્ર આંદોલનમાં સક્રિય રહેલા પ્રશાંત નાઇક, મરાઠીના જાણીતા પ્રતિબદ્ધ લેખક અને ચિંતક રાવસાહેબ કસબેએ દેશની સાંપ્રત સ્થિતિ વિશે વક્તવ્યો આપ્યાં હતાં. ગોવાના જ અગ્રણી પ્રશાંત નાઇકે એ વાત પર ભાર મૂક્યો હતો કે અહીં આપણી સામે જ તે જગા છે, ત્યાંં બૉમ્બબ્લાસ્ટ થયો, તેની પૂરતી તપાસ થઈ હોત ને સનાતન સંસ્થાના કાર્યકરો પર યોગ્ય કાર્યવાહી થઈ હોત, તો કદાચ આપણે તે ત્રણ મહાનુભાવોને ગુમાવ્યા તે સમય ન આવ્યો હોત.
અને જાહેરસભાનું સમાપન કરતાં ડૉ. ગણેશ દેવીએ એ વાત દોહરાવી હતી કે સાંપ્રદાયિક શક્તિઓને પડકારવા ધર્મનિરપેક્ષ વ્યક્તિઓએ એકત્રિત થવું જરૂરી છે. ત્રણ વ્યક્તિથી શરૂ થયેલા અભિવ્યક્તિ માટેના આ દક્ષિણાયન અભિયાનમાં હવે હજારો લોકો જોડાયા છે.
રાત્રે દલિત કલામંડળીનાં ક્રાંતિકારી ગીતો અને પંજાબની તરુણીઓનું કન્યાશિક્ષણને લગતું નાટક ભજવાયું.
૧૯ નવેમ્બરે સવારે પરિષદનું વિધિવત્ ઉદ્ઘાટન થયું. સાંસ્કૃિતક વિભાગના ભૂતપૂર્વ સેક્રેટરી કે.કે. ચક્રવર્તીએ અધ્યક્ષીય ભાષણ આપતાં આપણી સાંસ્કૃિતક સ્થિતિને સૌની સામે મૂકી આપી.
આ આખો ય દિવસ ભરચક રહ્યો. જુદા-જુદા મંચ પર સમાંતર છ સત્રો ચાલ્યાં.
‘શું આપણા ભારતીય બૌદ્ધિકો નિષ્ફળ નીવડ્યા છે ?’ જેવા વિષયથી માંડી ‘દેશભક્તિ, રાષ્ટ્રવાદ તે માનવવાદ’ અને નેત્રદાન, અવયવદાન, દેહદાન જેવા વિષયોમાં સાથીઓએ ઊલટભેર ભાગ લીધો.
આપણા ભારતીય બૌદ્ધિકો નિષ્ફળ નીવડ્યા છે? એ ચર્ચામાં પોતાની વાત મૂકતાં કાનજીભાઈ પટેલે કહ્યું કે આપણા દેશના બૌદ્ધિકો શૈક્ષણિક સંસ્થાઓ, ડ્રૉઈંગરૂમ અને સેમિનારોમાં માત્ર ચર્ચાઓ કરતાં રહ્યાં છે. તેમણે આમજનતા સાથે ગદ્દારી કરી છે. ધરાતલથી દૂર થઈ ગયા છે અને બૌદ્ધિક તરીકે લોકો સાથે જ ઉત્તરદાયિત્વમાં ઊણાં ઊતર્યા છે.
‘દેશભક્તિ, રાષ્ટ્રવાદ અને માનવવાદ’ જેવા વિષયમાં પત્રકાર રાજદીપ સરદેસાઈનું પૂરું વક્તવ્ય દેશના વડાપ્રધાને છેલ્લાં પંદર વર્ષ દરમિયાન મીડિયા સાથે કેવું વર્તન કર્યું તેની આસપાસ હતું. ટીવી પત્રકાર તરીકેના પોતાનાં સ્વપ્નતત્ત્વોને જોડીને રાજદીપે કહ્યું કે એ નાઝી પરંપરાને જ આગળ વધારનારા છે, મીડિયા-કૉર્પોરેટ અને મોદીના ગઠબંધનની વીસેક ઘટનાઓ વર્ણવી તેમણે કહ્યું કે ક્યારે ય વડાપ્રધાન તરીકે છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રેસકૉન્ફરન્સ નહીં બોલાવનારા લોકશાહીનું હનન કરનારના સંગઠિત પ્રતિકાર સિવાય આપણી પાસે કોઈ રસ્તો રહેતો નથી.
જ્યારે તેમની સાથેના વક્તા સ્વાતિ જોશીએ પોતાના મુદ્દા સ્પષ્ટ કરતાં, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં એ વાતને ભારપૂર્વક જણાવી કે આ ફાસીવાદી તાકાતો જે રીતે ઊભરી રહી છે, તેની સામે જવાહરલાલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, હૈદરાબાદ યુનિવર્સિટીના રોહિત વેમુલા ને સાથીઓના છે. સાથીઓના સંઘર્ષને તેમ જ ગુજરાતમાં ઉના હત્યાકાંડ બાદ જે દલિત યુવાનોએ એક નવી દિશામાં શરૂઆત કરી છે, તે બધાંને સાથ આપવો, એ આપણા સૌ માટે મહત્ત્વનો મુદ્દો બનવો રહ્યો.
એ જ દિવસે બીજી ત્રણ સમાંતરે ચાલેલી બેઠકોના વિષયો હતા : ‘વિકાસ અને પર્યાવરણ વચ્ચેના પરસ્પરવિરોધી મુદ્દાઓ’, ‘કોમવાદ સામે જંગ’ અને ‘સંસ્કૃિત-સંકટ’.
‘કોમવાદ સામે જંગ’ વિષયમાં મંચ પર ગુજરાતમાંથી સરૂપ ધ્રુવ અને માર્ટીન મેકવાન વક્તાઓ હતા. માર્ટીન મેકવાને ગુજરાતમાં દલિતોની સ્થિતિ વિશે વિગતે ચિતાર આપ્યો. અને તેમના સંઘર્ષોને નિરૂપ્યા, જેમાં જમીનો અંગેનાં આંદોલનોનાં કાર્યક્રમોની વિશેષ રૂપે વાત કરી. જ્યારે સરૂપ ધ્રુવે ગુજરાતના કોમી હિંસાના ઇતિહાસની વાત કરી, ખાસ કરીને ૧૯૬૯નાં કોમી હુલ્લડોથી ૨૦૦૨નાં કોમી નરસંહાર કેવી રીતે જુદો પડે છે, તે વાત મૂકી અને જ્યારે સરકાર કોમી દંગાઓમાં સામેલ થાય છે, યા તો તેની તે સમયે મૂક સંમતિ હોય, તો શાં પરિણામ આપે છે, તેની વાત કરી.
અને ચોથા મંચ પર ગણેશ દેવીના સંચાલન હેઠળ ‘દક્ષિણાયન : ભારતીય વિચાર’ એ મુદ્દાને લઈ દેશભરમાં જુદી-જુદી ભાષામાં અઢાર પ્રકાશનો દ્વારા દરેક ભાષામાં રહેલાં પ્રગતિશીલ સાહિત્યના સંકલન – પુસ્તકો પ્રગટ થાય એ અંગેની વિચારણા ચાલી. આ ૧૮ ભાષાનાં પુસ્તકો પોતાની ભાષામાં તો પ્રગટ થાય જ પણ તે ઉપરાંત તે અન્ય ૧૭ ભાષાઓમાં અનુવાદ પામે એવું આયોજન વિચારાયું. ગુજરાતી ભાષાના પ્રગતિશીલ સાહિત્યનું સંપાદન કાર્ય પ્રકાશ ન. શાહ, હિમાંશી શેલત, અને મનીષી જાનીને સોંપાયું.
એ પછી ત્રણ મંચ પર સમાંતરે બહુભાષી કવિસંમેલનો યોજાયાં. આ કવિસંમેલનોનું સંચાલન. સચ્ચિદાનંદ, વસંત આબાજી ડાહકે અને પ્રબોધ પરીખે સંભાળ્યું. ગુજરાતમાંથી આવેલા અનિલ જોશી, પ્રવીણ ગઢવી, સાહીલ પરમાર, ડાહ્યાભાઈ વાઢુ, મેહુલ દેવકલા, બકુલ ટેલર, પ્રતિભા ઠક્કર, વિનોદ ગાંધી, કાનજી પટેલ અને નગીનચંદ્ર ડોડિયાએ પોતાની કાવ્યરચનાઓનું પઠન કર્યું.
સાંજના સમયે ‘જય ભીમ કોમરેડ’ ફિલ્મ રજૂ કરાઈ. તેના દિગ્દર્શક આનંદ પટવર્ધને દર્શકો સાથે વાતચીત કરી અને રાત્રે મરાઠીના મશહૂર લોકકલાકાર સંભાજી ભગતે ‘વિદ્રોહી શાહિરી જલસા’થી વાતાવરણને ભરી દીધું.
દક્ષિણાયન રાષ્ટ્રીય પરિષદના ત્રીજા અને અંતિમ દિવસે કુલ આઠ બેઠકો યોજાઈ.
ત્રણ જુદા-જુદા મંચ પર ચાલતી સમાંતર બેઠકોમાં ‘કાશ્મીર : ગોળી-બુલેટ્સને પેલે પાર’, પ્રસારમાધ્યમો. લોકશાહી અને સ્વાતંત્ર્ય, સર્વ ભાષા સંચાર, સેન્સરશિપ, અંધશ્રદ્ધા અને રેશનાલિઝમ, સોશિયલ મીડિયા : વિઝન ઓર ડિવિઝન જેવા અગત્યના મુદ્દાઓ પર યોજાઈ.
‘કાશ્મીર બિયોન્ડ બુલેટ્સ’ – મુદ્દે કાશ્મીરી કવિ શફી શૌકે કાશ્મીરી આમજનોની બદતર હાલત પર વાત કરી અને એક મહત્ત્વનો સવાલ ઊભો કર્યો કે “શું દેશભક્તિ શબ્દ સંકુચિત નથી? દેશને જ પ્રેમ કરવાનો અને પડોશીને પ્રેમ નહીં કરવાનો? એ દેશભક્તિ કેવી જે પડોશીને નફરત કરવાનું શીખવે?” અને જમ્મુ કાશ્મીરના રિટાયર્ડ ઉચ્ચ અધિકાર ખાલીદ હુસેને છેલ્લાં ત્રણસો વર્ષનો કાશ્મીરનો રાજકીય ઇતિહાસ સૌની સામે મૂકી રાજકારણના આટાપાટામાં સમસ્યાને કેવી રીતે ગૂંચવી દીધી છે, તેની વિગતે વાત કરી.
તેમણે અગત્યની વાત એ કરી કે કાશ્મીરમાં મૂળ પંડિતોની વસતી. મુસલમાનો બહારથી આવીને વસ્યા છે. આપણા દેશમાં આ એક જ જગા એવી છે, જ્યાં સમાજના ઉપલા વર્ગના લોકોએ મોટા પ્રમાણમાં ધર્મપરિવર્તન કરી ઇસ્લામ સ્વીકાર્યો હોય. આજે પાકિસ્તાન-ભારતના રાજકારણમાં કાશ્મીરી આમજનતા પિસાઈ રહી છે. કાશ્મીરી આમજનતાની રાજકીય ઇચ્છા અપેક્ષાઓ કેવી રીતે કુંઠિત કરાઈ રહી છે, તેની પણ છણાવટ ખાલીદ હુસેને કરી.
‘પ્રસાર માધ્યમો : લોકશાહી અને સ્વાતંત્ર્ય’વિષયક મંચ પરથી વક્તવ્ય આપતાં સાગરિકા ઘોષે જણાવ્યું કે સત્તાધારી બી.જે.પી. લોકતાંત્રિક ઢબે વર્તતી નથી. કારણ કે તે ખુદ એક સ્વતંત્ર રાજકીય પાર્ટી નથી. આર.એસ.એસ.ની પાંખ છે અને તેને લઈ તેનામાં લોકતાંત્રિક ધારાધોરણનો વિકાસ જ થતો નથી.
જ્યારે મરાઠી પત્રકાર નિખિલ વાગલેએ પોતાના લાંબા સમયના પત્રકારત્વના કામરાજનાં ઉદાહરણો સાથે જણાવ્યું કે અમારું કામ જ જે કોઈ સત્તાધીશો હોય, તેમનાં ખોટાં કામોને, નીતિઓને બેધડક ખુલ્લાં પાડવાનું, પછી તે કોઈ પણ પક્ષના નેતાઓ રાજ કરતાં હોય. છેલ્લાં પચ્ચીસ વર્ષમાં ક્યારે ય કોઈએ અમારી ટીકા-ટિપ્પણીઓને લઈ હેરાન – પરેશાન કરવાનું કે દબાણો ઊભાં કરવાનું કામ એ હદે જેટલું નથી કર્યું. છેલ્લાં અઢી વર્ષમાં ખુલ્લેઆમ મીડિયા માલિકોની સાંઠગાંઠમાં ચાલતા આ સત્તાધારીઓએ અમને નોકરીમાંથી કાઢી મૂકવા સુધીના ડંડા ફટકારીને કર્યું છે. લોકશાહીને ખતમ કરવાની આ વાત છે.
પ્રકાશ ન. શાહે પોતાના વક્તવ્યમાં એક મહત્ત્વના મુદ્દે ધ્યાન દોર્યું કે ‘રાજકીય મીમાંસાઓમાં સ્થાનિક પ્રાંતીય ભાષાઓમાં ખેડાતા પત્રકારત્વને લક્ષમાં નથી લેવાતું અને જ્યારે મીડિયા-માંધતાઓની અને સત્તાધારીઓની સાંઠગાંઠમાં પિસાવું પડે છે ત્યારે સ્થાનિક કક્ષાનું પ્રાંતીય પત્રકારત્વ અગત્યનું બની રહે છે.
‘સોશિયલ મીડિયા-વિઝન ઓર ડિવિઝન’ – જેવા સાંપ્રત વિષય પર સંદેશ પ્રભુદેસાઈ, શશાંક નાઇક અને ભરત મહેતાએ પોતાના વિષયો રજૂ કર્યા હતા.
ભરત મહેતાએ કહ્યું કે ‘આજે રાષ્ટ્રવાદ એ એક કોમોડિટી બની ગયું છે અને સોશિયલ મીડિયા દ્વારા લોકોનાં ‘માઇન્ડ સેટ’ કરવાનો કરોડો-અબજો રૂપિયાનો ધંધો વિકસ્યો છે. ચૂંટણીઓ પણ એક્સ્પર્ટ લોકોના પ્રચાર – વ્યૂહરચનાનો ધંધો બની ગયો છે. જે વધારે નાણાં આપે તે તરફ એક્સ્પર્ટ થયા. ક્યારેક ભા.જ.પ.ના, બીજી ચૂંટણીમાં કૉંગ્રેસના બની જાય કે પછી સમાજવાદી પાર્ટીના!’
‘સેન્સરશિપ’ વિશેના સત્રમાં અધ્યક્ષસ્થાને હતા આતમજિતસિંગ તેમ જ વક્તાઓ હતાં અમોલ પાલેકર અને સંધ્યા ગોખલે.
અમોલ પાલેકરે નાટક માટેની પ્રિ-સેન્સરશિપ અને ફિલ્મ સેન્સરશિપ અંગેના વિવાદાસ્પદ મુદ્દાઓને મૂક્યા અને તેની સામેની ચાર દાયકાથી ચાલતી લડતોની વિગતો આપી.
સંધ્યા ગોખલેએ કાનૂની લડતની માહિતી આપી. વળી, અમોલ પાલેકરે એક મહત્ત્વનો સવાલ ઊભો કર્યો કે નાટક માટેની પ્રિ-સેન્સરશિપ માત્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ કેમ અમલમાં છે ? દેશનાં અન્ય રાજ્યોમાં કેમ નથી?
ચર્ચામાં ભાગ લેતાં આ લખનારે જણાવ્યું કે જૂના બૉમ્બે ઍક્ટ હેઠળ ચાલતાં સાંસ્કૃિતક પ્રમાણપત્ર બૉર્ડ સામે અમે ગુજરાતમાં દસ વર્ષ હાઇકોર્ટમાં લડ્યા પણ છેવટે હાર મળી છે. અને અત્યારે ‘ગુણવત્તા’ના નામે નવી ગુજરાતી ફિલ્મનીતિ બની છે, જે એક નવા પ્રકારની સેન્સરશિપ છે. [વિશેષ-લેખ, “નિરીક્ષક” ૧૬-૩-’૧૬]
‘ચૂંટણીની લોકશાહીવ્યવસ્થા સાવ ખોખલી બની ગઈ છે. દેશમાં હવે રાજકારણનો વિશેષ કરીને સંસદીય રાજકારણને નવેસરથી જોવાની અને સંસદીય લોકશાહીના નવા રસ્તાઓ શોધવાનો સમય આવી ગયો છે, તેવી વાત ‘ઇન્ડિયા એટ ક્રૉસરોડ’ વિષયક વક્તવ્યમાં યોગેન્દ્ર યાદવે સૌની સામે મૂકી.
તેમણે ખાસ જણાવ્યું કે અત્યારે ગાંધીજીએ શી ભૂલ કરી કે આંબેડકરે કે નહેરુએ, એ વાદ-વિવાદને બાજુએ મૂકી આજે સૌની સક્રિય ભૂમિકા અગત્યની છે. ઇતિહાસને બે ઘડી પાછળ રાખી લોકોની વચ્ચે જઈને વિચારવાનું છે. હવે યુનિવર્સિટીના પ્રોફેસરો જ માત્ર રાજકીય વિશ્લેષણ, મીમાંસા કર્યા કરે એ ચાલે એમ નથી. હવે એ બધાંને બાજુએ મૂકી લોકોની વચ્ચે રાજકારણનું વિશ્લેષણ મીમાંસા જરૂરી બની રહે છે. રાજકીય સંગઠનો માટે રચનાત્મક કામો કરવાં એ પણ મહત્ત્વની કામગીરી હોઈ શકે.
સમાપનબેઠકમાં ‘કોમવાદવિરોધી જંગ’ માટેની કાર્યયોજના શી હોઈ શકે તે અંગે આનંદ કરંદીકર, રાજન નારાયણ, હેમંત શાહ અને હર્ષા બાડકરે પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં.
હેમંત શાહે જણાવ્યું કે આર્થિક વિકાસના ઢાંચાથી અલગ માત્ર કોમવાદ વિશે વિચારી શકાય નહીં. ગુજરાતના આર્થિક મૉડલની વિગતો સાથે છેલ્લાં દસ-બાર વર્ષમાં ગુજરાતમાં શું થયું તેની વાત કરતાં તેમણે કહ્યું કે હવેના સમયમાં દેશ આખામાં આ રસ્તે જ આ સત્તાધીશો વર્તી રહ્યા છે તે સુસ્પષ્ટ છે.
આ સમાપન બેઠકમાં આખરે નવ ઠરાવો વંચાયા-ચર્યાયા. જેમાં,
૧. ગોવામાં જ જેનું વડું મથક છે, સનાતનસંસ્થાના કાર્યકરો જેમણે ડૉ. દાભોલકર, પાનસરે અને પ્રો. કલબુર્ગીના હત્યારા છે, તેમની સામે તાત્કાલિક ખાસ અદાલતની રચના કરી ખટલો ચલાવવામાં આવે તેવી માંગ કરાઈ.
૨. કાયદાકીય પ્રતિબંધો તો વધુ પડતો ઉપયોગ કરી જે રીતે સરકાર કલા, સંસ્કૃિત, સાહિત્ય, સિનેમા ને મીડિયાને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે ચિંતાજનક છે અને તાજેતરમાં એન.ડી. ટીવીમાં પ્રસારણને રોકવાનો પ્રયાસ, ફિલ્મ-નિર્માતાઓને તેમની પસંદગીના ઍક્ટરોને રોકવા માટે થઈ નાણાં સંગઠનોને પહોંચાડવાની ધમકીઓ અપાઈ છે, તે લોકશાહીને લૂણો લગાડનાર વાત છે ને અભિવ્યક્તિના મૂળભૂત અધિકાર પર તરાપ મારનાર છે.
૩. ગોવામાં કોમી એકતા અને સાંસ્કૃિતક વૈવિધ્યની જે સામાજિક પરંપરા ટકાવી રાખી છે, તે ગૌરવની વાત છે. પણ ગોવામાં જ આ સામાજિક તાણાવાણાને ખતમ કરવા કેટલીક કોમવાદી વ્યક્તિઓ સક્રિય બની છે તેને તાત્કાલિકપણે દબાવી દેવી જોઈએ. વળી, અમે એવું પણ ઇચ્છીએ છીએ કે દેશભરમાં જ્યાં-જ્યાં કોમી તંગદિલી ફેલાઈ છે, ત્યાં ગોવાના લોકો પથદર્શક બની રહે.
૪. ઉના ખાતે દલિતો પર થયેલા જુલમને અમે વખોડી નાંખીએ છીએ. જાતિ, જ્ઞાતિ, લિંગ અને ધર્મના નામે ગોવા અને દેશભરમાં જે જુલમો વધી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. મંદિરો, સ્મશાનો, કબ્રસ્તાન, શાળાઓ અને જાહેર સ્થાનો પર બંધારણમાં અપાયેલા સમાન દરજ્જાને સમાન તકોના અધિકારો હોવા છતાં ભેદભાવ રખાય છે તે ચલાવી લેવાય નહીં. આ ભેદભાવ કરનારાઓ પર તાત્કાલિક કાનૂની પગલાં લેવામાં આવે અને તે માટે હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ, જેથી તાત્કાલિક ન્યાય મળી રહે.
૫. અભિવ્યક્તિ દક્ષિણાયન રાષ્ટ્રીય પરિષદ માને છે કે કાશ્મીરનું કોકડું, આ આખીય સમસ્યા પાકિસ્તાને ઊભી કરી છે, એમ માનીને તેને હલ કરવાનો પ્રયત્ન ન થવો જોઈએ. કાશ્મીરી લોકોની પાસે ખુદ પહોંચીને, તેમનાં દિલ જીતીને જ તે હલ કરી શકાય.
૬. વળી, આ પરિષદ માને છે કે તમામ કાયદાઓ – પર્સનલ લૉન પણ – બંધારણના સિદ્ધાંતોના સંદર્ભમાં જ જોવા ઘટે. દરેકના માટે ભારતનું બંધારણ અનિવાર્ય ‘પવિત્ર ગ્રંથ’ છે. તે પછી ગમે તે ધર્મમાં માનનારા હોય. મહિલાઓના નાગરિક અધિકારોના ખાસ કરીને મુસ્લિમ સ્ત્રીઓનાં લગ્નસંબંધી અધિકારો અને દલિત-આદિવાસીઓના હક્કોના સંબંધમાં આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ અને મહિલા – સંગઠનો એ બાબતે સમાજમાં ઉપયોગી વાતાવરણમાં ઊભું કરે, જેથી તમામ સમુદાયોમાં સહમતી ઊભી થાય કે આ કાયદાઓ યોગ્ય છે અને તે ઉપરથી થોપાયેલા નથી.
૭. દક્ષિણાયન અભિયાન – ગોવા દ્વારા નેત્રદાન, અવયવદાન અને શરીરદાન માટે જે મંચ ઊભો કરાયો છે, તેનું અમે સ્વાગત કરીએ છીએ. અને દેશની તમામ રાજ્ય સરકારોને અપીલ કરીએ છીએ કે તેઓે પણ આ પ્રકારનાં કામ માટે તંત્ર અને વૉલિયન્ટર્સ ઊભાં કરે. તે અંગેના નીતિનિયમો પણ ઘડે.
૮. ઉદાર વૈચારિક ભૂમિકા અને તમામ સમુદાયોને સમાવી નિકાસની તકો મળી રહે એવી ભૂમિકાએ ભારતની તમામ મુખ્ય ભાષાઓમાં પ્રગતિશીલ સાહિત્ય પ્રકાશિત કરવાનું અમે નક્કી કરીએ છીએ.
૯. માન અને ન્યાયી સમાજરચનાના નિર્માણ માટે થઈ રેશનલ પ્રગતિશીલ વિચારોના પ્રસાર માટેના દક્ષિણાયન આંદોલનને આગળ વધારવા સૌને ઉદાર હાથે ફંડ અને સાધનો પૂરાં પાડવા અપીલ કરીએ છીએ.
આ પરિષદમાં ૧૨ રાજ્યોના ૮૦૦ જેટલા સાથીઓ સ્વખર્ચે ગોવા આવ્યાં. ત્રણ દિવસ રહેવા-જમવાની વ્યવસ્થા ગોવાના સાથીમિત્રોએ કોઈ કૉર્પોરેટ – કંપનીઓની ‘સ્પૉન્સરશિપ’ વિના ઊભી કરી તે માટે દત્તા નાયક, દામોદર માઉઝો, દિલીપ પ્રભુ દેસાઈ, બબીતા પ્રભુ દેસાઈ, પ્રશાંત નાઈક, શ્રીકાંત નાઇક, સુપ્રભાત ભાટ, દિલીપ બોરકર, નિત્યાનંદ નાઇકનો આભાર માનવો જ રહ્યો.
ગુજરાતમાંથી આ ગોવા દક્ષિણાયન યાત્રામાં ૬૪ સાથીમિત્રોએ ભાગ લીધો. ૨૦૧૭ના નવા વર્ષે; સંવાદ અને સહિષ્ણુતાને અગ્રેસર રાખીને સર્જનાત્મક અભિવ્યક્તિની આઝાદી માટે એક નવા સહિયારા સંઘર્ષનું નામ દક્ષિણાયન છે, માટે દક્ષિણાયન યાત્રામાં ગુજરાતના કલાકારો, સાહિત્યકારો, ફિલ્મકારો, બૌદ્ધિકો, કર્મશીલો વધુને વધુ જોડાય તેવી આશા અસ્થાને ન કહેવાય.
E-mail : manishijani@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2017; પૃ. 05-08