મારા પ્રિય મિત્ર ઓમ પુરીનું મૃત્યુ થયું એ સાંભળીને હું અવાક થઈ ગયો હતો. હું મુંબઈની બહાર શૂટિંગ કરતો હતો. ઓમ અને હું સમાંતર સિનેમામાં લગભગ એકસમાન કારકિર્દી ધરાવતા હતા. તેણે ઘણી સિદ્ધિઓ મેળવી હતી, પણ મારાં હૃદયમાં ક્યારે ય તેના પ્રત્યે ઇર્ષા કે દ્વેષની લાગણી જન્મી નહોતી. તેને ‘ઇસ્ટ ઇઝ ઇસ્ટ’ (વર્ષ ૧૯૯૯માં બનેલી બ્રિટિશ કૉમેડી-ડ્રામાફિલ્મ, જેના લેખક અયુબ ખાન-દિન હતા અને નિર્દેશક ડેમિયન ઓ’ડોનીલ હતા. તેમાં ઓમ પુરીએ પાકિસ્તાનમાંથી બ્રિટનમાં સ્થાયી થયેલા ઝાહીદ જ્યૉર્જ ખાનની ભૂમિકા ભજવી હતી.) જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં ઘણી ભૂમિકાઓ ભજવવાની તક મળી હતી. હું માનતો હતો કે આ તકો મને મળવાની જરૂર હતી, પણ તેનાથી મને કોઈ દુઃખ થયું નહોતું. હકીકતમાં મારા મિત્રને આવી ભૂમિકાઓ મળી હતી, એનો આનંદ વધારે થયો હતો.
મૂળિયા સાથે જોડાયેલો સાચો માણસ
તેને પશ્ચિમમાં સારી સફળતા મળી હતી, જ્યારે તે મને ટોમ હાન્ક્સ કે સ્ટીવન સ્પિલબર્ગ સાથે કામ કરવા અંગે જણાવતો હતો, ત્યારે મને આનંદથી ભરી દેતો. તે ધરતી પરનું લૂણ હતો. આનાથી વધુ સારા શબ્દો કોઈ ન હોઈ શકે તેના વ્યક્તિત્વ માટે. તે સરળ, નિરભિમાની હતો. એ ક્યારે ય એનાં મૂળિયાં ભૂલ્યો નહોતો. સાચો માણસ હતો. સફળતા કે નિષ્ફળતાથી તે બદલાયો નહોતો. તે દંભી નહોતો, અભિમાની નહોતો.
ચિર નિદ્રામાં મુક્તિ
પણ તેની અંગત સમસ્યાઓએ તેને માનસિક અને શારીરિક રીતે તોડી નાંખ્યો હતો. મેં તેના અંગત જીવનમાં ક્યારે ય હસ્તક્ષેપ કર્યો નહોતો. હું જાણતો હતો કે છેલ્લાં થોડાં વર્ષોથી ઓમ ખરેખર મુશ્કેલીમાં હતો અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ પણ નહોતો. તેનું મૃત્યુ અચાનક થયું હતું, પણ તે સંપૂર્ણપણે અનપેક્ષિત હતું, એવું હું ન કહી શકું. હકીકતમાં મૃત્યુની ચિર નિદ્રામાં તે તમામ ઉપાધિઓમાંથી મુક્ત થઈ ગયો છે અને તેમાં તેણે સ્વીકારેલી ખરાબ ફિલ્મો પણ સામેલ છે. મારું માનવું છે કે તેણે ખરાબ ફિલ્મો આર્થિક કારણોસર સ્વીકારી હતી. ઓમે તમામ ટીકાનો સામનો સાહસ અને નિખાલસતા સાથે કર્યો હતો.
અમારી વચ્ચે ગાળો દઈ શકાય તેવો ઘનિષ્ઠ સંબંધ હતો
હું તેની સાથેની ઘનિષ્ઠતા વિશે વાત કરું, તો મને તેની સાથે આનંદ ન મળ્યો હોય, તેવી એક પણ ઘટના યાદ આવતી નથી. અમે એકબીજાની ઘણાં નજીક હતા અને એકબીજાને ખુલ્લાં દિલે મળતા હતા. ઓમે મારી કેટલીક ફિલ્મોમાં કેમિયો પણ કર્યો હતો, જેમ કે સાંઈ પરાંજપેની ‘સ્પર્શ’માં એક દૃશ્યમાં અભિનય કર્યો હતો. મેં તેને પૂછ્યું હતું કે આટલી નાની ભૂમિકાઓ ભજવવામાં તને મૂંઝવણ થતી નથી, ત્યારે તેણે મને ગાળો દીધી હતી. તેણે મને કહ્યું હતું કે, ‘અરે યાર, હું તારા માટે આ કામ કરતો નથી. પણ ફિલ્મની પટકથા મને પસંદ હોવાથી કામ કરું છું.’ અર્થપૂર્ણ સિનેમામાં તેને અતૂટ વિશ્વાસ હતો.
નામમાં શું રાખ્યું છે!
તેના માટે કોઈ ભૂમિકા નાની કે મોટી નહોતી. તેણે મારી કેટલીક ફિલ્મોમાં સહકલાકારની ભૂમિકા ભજવી હતી અને ગોવિંદ નિહલાનીની ‘આઘાત’, ‘અર્ધસત્ય’ અને ‘દ્રોહકાલ’માં તેના સહકલાકારની ભૂમિકા ભજવી મેં તેનો બદલો વાળી દીધો હતો. ઓમ મુખ્ય કલાકાર હતો. ગોધૂલી મુખ્ય કલાકાર તરીકે મારી શરૂઆતની ફિલ્મોમાંની એક ફિલ્મ હતી. તેમાં ઓમે નાની ભૂમિકા ભજવી હતી. તે સમયે એ પોતાનું નામ અઝદાક પુરી જણાવતો હતો. તેનું કારણ હતું. જ્યારે ઓમે ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો, ત્યારે ઓમ શિવપુરી અને ઓમ પુરીમાં ગરબડ થઈ જતી હતી. ઓમ મૂંઝવણમાં હતો. તે ગંભીરતાપૂર્વક તેનું નામ બદલીને ‘વિલોમ પુરી’ કે ‘અઝદાક પુરી’રાખવા વિચારતો હતો. મેં તેને ઓમ પુરી નામ જાળવી રાખવા જણાવ્યું હતું. કહ્યું હતું કે ‘એક દિવસ ઓમ શિવપુરીને ભૂલથી ઓમ પુરી સમજવામાં આવશે.’ અને એવું થયું હતું.
પુરીનો અવાજ
ઓમને ભૂલથી અમરિશ પુરીનો ભાઈ પણ સમજવામાં આવતો હતો, કારણ કે તે બંનેનો દેખાવ એકસરખો હતો. ઓમની એક વિશેષતા અમરિશજીના પહાડી અવાજની નકલ કરવાની હતી. એકવાર તેણે મને અમરિશ પુરીના અવાજમાં ફોન કર્યો અને તેમના અવાજમાં વાતો કરી હતી. હું તેને અમરિશ પુરી જ સમજી બેઠો હતો. થોડા સમય પછી તેણે મને કહ્યું કે, ‘અરે ****, હું ઓમ છું.’
‘અર્ધસત્ય’માં એક દૃશ્ય છે, જેમાં તે દારૂ પીધેલી હાલતમાં ફોન પર સ્મિતા પાટિલ સાથે વાત કરે છે. આપણે ઘટનામાં ઓમને જોતા નથી. પણ તેનું પાત્ર કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે એ આપણને જાણવા મળે છે. પછી મેં ઓમને પૂછ્યું હતું કે તેણે દૃશ્ય ભજવતાં અગાઉ એક-બે પેગ માર્યા હતા? તેણે ઇનકાર કર્યો હતો.
ગોવિંદ નિહલાનીને મોટી ખોટ પડી
મારા કરતાં ગોવિંદ નિહલાની વધારે તૂટી ગયા હશે. ગોવિંદે જ ઓમની અંદર ધરબાયેલી પ્રતિભાને ઓળખી હતી અને આક્રોશ પછી તમામ ફિલ્મોમાં તેને બહાર કાઢી હતી. મને યાદ છે કે આક્રોશ પછી ઓમે કુંદન શાહની કૉમેડી ફિલ્મ ‘જાને ભી દો યારો’માં કૉમેડી કરવાનો પ્રયાસ કરતો હતો, ત્યારે બધા કહેતા હતા કે ઓમ ખોટી દિશામાં પ્રયાસ કરી રહ્યો છે. પણ મેં જોયું હતું કે મોલીરીના નાટકમાં મંચ પર ઓમ કેટલો મજેદાર અને રમૂજી લાગતો હતો! મારું માનવું છે કે ‘જાને ભી દો યારો’માં ઓમે પેટ પકડીને હસાવ્યાં હતાં.
ઓમ હંમેશાં યાદ આવશે
આજે હું ઓમના નિખાલસ હાસ્ય અને ઉદાર ભાવનાને યાદ કરું છું. હું તેના અંતિમસંસ્કારમાં સામેલ ન થઈ શક્યો, તેનું મને દુઃખ છે. હું શહેરની બહાર શૂટિંગ કરતો હતો, પણ મારી પત્ની અને પુત્રો ત્યાં હતાં. ખેર, હું ઓમને હંમેશાં યાદ કરીશ!
(સૌજન્યઃ ડી.એન.એ., સુભાષ કે. ઝા સાથેની મુલાકાત)
[અનુવાદ : કેયૂર કોટક]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2017; પૃ. 11