ગાંધીપ્રતિભાને તો એથી શું ફેર પડવાનો હતો! પણ કોઈ અદકપાંસળા આલા અફસરે કે આપડાહ્યા ગાદીનશીને ખાદી-ગ્રામોદ્યોગ કમિશનના કેલેન્ડર અને ડાયરીને પૂંઠે સામાન્યપણે ગાંધી અને ચરખા સરખી ચિત્રણાને બદલે વડાપ્રધાનને (અલબત્ત, કાંતણ/વણાટ મુદ્રામાં) ચમકાવવાનું પસંદ કર્યું એ આપણે ત્યાં ચાપલુસી અને ચાટુકારિતાની જે સંસ્કૃિત પેંધેલી છે એનો જ એક નાદર નમૂનો લેખાશે. જ્યાં કદીક ઢેબરભાઈ જેવાઓ બેસતા હશે એ ખાદી ગ્રામોદ્યોગ કમિશનના વડા મથકે સ્થળ પરના કર્મચારીઓએ આ ચેષ્ટા પરત્વે શાલીન ધોરણે વિરોધલાગણી પ્રગટ કરી એ પણ ઠીક જ થયું.
સરકારી કચેરીઓમાં, પ્રકાશનોમાં, દોમદોમ જાહેરખબરોમાં વડાપ્રધાનની તસવીરનો રાબેતો બેલાશક સમજી શકાય છે. વળાંકે વળાંકે કટ આઉટના કીર્તિપાટિયાનો ચાલ સિને અભિનેતાગ્રસ્ત દક્ષિણદેશથી શરૂ થઈ હવે દિલ્હી લગી નાનામોટા નેતાઓના કિસ્સામાં સાર્વત્રિક થઈ પડ્યો છે. પણ ખાદી ગ્રામોદ્યોગ જેવામાંયે ધરાર એમને ઠઠાડવાની માનસિકતામાં રહેલ નઘરોળ સામંતી તત્ત્વ વિશે અગર તો એક નાસમજ આરતીગાનના વલણ વિશે જાગૃત થઈ જવું એ સંબંધિત સૌ સહિત દેશજનતા સમસ્ત માટે સલાહભર્યું છે. એટલી સાદી વાત વાસ્તે કોઈ આર્ષદર્શનની જરૂરત ન હોવી જોઈએ.
ઇચ્છીએ કે જે પણ બન્યું તે સ્થળ પરની નાદાનિયતવશ હોય અને શીર્ષ વર્તુળોમાંથી એવો કોઈ સંચાર ન હોય. અલબત્ત, ઇચ્છીને છૂટી પડાય, છેક એવો મામલો આ નયે હોય. આ જ દિવસોમાં આપણે એ પણ જોયું છે કે વડાપ્રધાનની બી.એ.ની પદવીના વિવાદ સંદર્ભે માહિતી અધિકારની રૂએ દિલ્હી યુનિવર્સિટીનો 1978નો રેકોર્ડ જોવાની રજા મળતાં ખાસા ઠાગાઠૈયા બાદ જેમણે આ રેકોર્ડ જોઈ શકાય એવી સૂચના આપી તે માહિતી કમિશનર બે જ દિવસમાં બદલીપત્ર ઠર્યા છે. કહી તો શકાય કે સરકાર પદારથ જેનું નામ તે આમ જ વર્તે. प्रकृतिम् यान्ति भूतानि। તરત સાંભરતો દાખલો ખેમકાનો છે. હરિયાણાના આ આલા અધિકારીએ નિર્ભીક કર્તવ્યબુદ્ધિને ધોરણે ત્યારના કૉંગ્રેસતંત્રની ગતિમતિ વિશે પોતાના દાયરામાં રહીને સવાલો ઉઠાવ્યા ત્યારે રાજ્ય સરકાર પાસે જવાબ નહોતો – હા, તત્કાળ બદલીનો હુકમ જરૂર હતો. જોવાનું એ છે કે આ જ ખેમકા હરિયાણાના ભા્.જ.પ. શાસનમાં પણ આવા જ બદલી દોરમાંથી ગુજરી રહ્યા છે.
પણ ખાદી ગ્રામોદ્યોગ કમિશન અને દિલ્હી યુનિવર્સિટીની તાજેતરની ઘટનાઓ ખેમકા પ્રકરણ કરતાં જુદી પડે છે – અને જુદી ન પડતી હોય ત્યારે પણ વધુ કઠે છે – તે એ રીતે કે ધીરે ધીરે દેશનો બધો જ ક્રિયા-અને-કીર્તિ-કલાપ કોઈ એક વ્યક્તિમત્ત્વ આસપાસ હોય એવું એક વાયુમંડળ બની રહ્યું છે એનો એ હિસ્સો છે. શાસનની તરાહ જુઓ તમે. નોટબંધીના આરંભકાળે સરકારે ગૃહમાં ઉપસાવવા ધારેલી છાપ એવી હતી કે રિઝર્વ બૅંક સાથે પરામર્શપૂર્વક – બલકે, એના સૂચનથી – આ પગલું ભરાયું હતું. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું રાજ્યસભાનું વકતવ્ય અસંદિગ્ધપણે આ જ તરજ પર હતું. પણ સંસદીય સમિતિ સમક્ષ ચાલુ અઠવાડિયે રિઝર્વ બૅંક તરફથી જે અધિકૃત લેખિત રજૂઆત થઈ છે તે મુજબ સાતમી નવેમ્બરે અમને (રિઝર્વ બૅંકને) સરકાર તરફથી પૂછવામાં (એટલે કે કહેવામાં) આવ્યું હતું કે આમ કરીએ છીએ એમાં તમારી સલાહ શું છે.
મતલબ, આખો ઘટનાક્રમ રિઝર્વ બૅંકની સ્વાયત્તતાને બદલે ‘મેઇડ ટુ ઓર્ડર’ પ્રકારનો હતો. (સ્વાભાવિક જ, રઘુરામ રાજન હોય ત્યાં સુધી આવું બારોબારિયું શક્ય નહોતું.) દેશમાં અધિકૃતપણે નિયુક્ત આર્થિક સલાહકાર છે, નીતિ આયોગ છે, કોઈ પણ સ્થળે એમની સાથે પરામર્શ થયાનું જાણવા મળતું નથી. માહિતી અધિકારને ધોરણે થયેલી પૃચ્છાના જવાબમાં પી.એમ.ઓ.(વડાપ્રધાનના કાર્યાલય)એ આવી કોઈ જાણકારી દર્જ નહીં થઈ હોવાનું કહ્યું છે. ‘એક અને એક બે’ની જેમ ઊપસી રહેતી વાસ્તવિકતા કદાચ એ છે કે લગભગ એકવ્યક્તિનિર્ણયની આ સ્થિતિ છે.
વસ્તુત: લોકશાહી જેનું નામ એમાં અંતરિયાળ માળખાગત કેટલીક આણ અને આમાન્યા અભિપ્રેત અને અનુસ્યૂત છે. સ્વાયત્ત સંસ્થાઓ, ન્યાયતંત્ર વગેરેની એમાં મહત્ત્વની ભૂમિકા અપેક્ષિત છે. બિરલા-સહારા લાભાર્થી યાદી સબબ શું બન્યુ? સર્વોચ્ચ અદાલતે આવી સામગ્રી – ઇમેલની પ્રિન્ટઆઉટ્સ જેવી સામગ્રી પુરાવા તરીકે ન લેવાય એમ કહીને આ બાબતને કાઢી નાખી. જનતાની સ્મૃિત ટૂંકી હોવાનું કહેવાય છે એટલે કોઈકે આ તબક્કે યાદ આપવી જોઈએ કે નરસિંહ રાવના વારામાં જૈન હવાલા પ્રકરણ ખાસું ગાજ્યું હતું. એમાંયે પુરાવાસામગ્રી આવી જ હતી. સર્વોચ્ચ અદાલતે તે વખતે તપાસ-આદેશની રીતે વિચાર્યું પણ હતું.
હાલના કેસમાં ફરિયાદી ‘કૉમન કૉઝ’ તરફે ધારાશાસ્ત્રી પ્રશાન્ત ભૂષણે એ વિગતનીયે યાદ આપી હતી કે જ્યારે આ પ્રકારે સંજ્ઞાન (કોગ્નાઇઝન્સ) લેવામાં આવે ત્યારે એફ.આઈ.આર. નોંધી તે ધોરણે આગળ વધવાનો નિર્દેશ પૂર્વે લલિતાકુમારી કેસમાં સર્વોચ્ચ અદાલતે અગાઉ વિદ્યાચરણ શુકલના કેસમાં (હવાલા કેસમાં) લીધેલ અલગ વલણને વળગી રહેવાનું મુનાસીબ ધાર્યું હતું. જો કે સૂચક બીના એ છે કે, અદાલતે પ્રશાન્ત ભૂષણની રજૂઆતને લક્ષમાં લઈ એક ટિપ્પણી જરૂર કરી હતી કે જૈન હવાલા કેસમાં એક બાજુએ અમે જ્યારે તપાસ-આદેશનું વિચારતા હોઈએ ત્યારે નીચલી અદાલતો આ સૌને છોડી મૂકતી હોય, એવું બનતું હતું.
આ અનવસ્થાનું શું કરીશું? જેને ગુજરાત મોડલ કહેવાય છે તેમાં આવી અનવસ્થાવશ બાઇજ્જત બરી થવાનો એક આખો સિલસિલો રહ્યો છે. તપાસ થાય નહીં, ખોટી દિશામાં થાય, અડધી પડધી થાય અને કસુરવાર નથી તેવું જાહેર થાય, એવું બનતું રહ્યું છે. કેટલાક કેસોમાં દાખલો જરૂર બેસાડી શકાયો, પણ રાજ્યના મેળાપીપણા બાબતે છેક છેડા લગીની કારવાઈના અભાવે ‘બાઇજ્જત બરી’વાળું ચોક્કસ દાખલામાં બરકરાર રહ્યું તે રહ્યું.
બિરલા-સહારા યાદી કે જૈન હવાલા કેસની વાત કરતે કરતે ગુજરાત મોડલની સંભારવાનું કારણ એટલું જ કે હમણે હમણે આપણે ત્યાં એક એવું વલણ ઊપસી રહ્યું છે કે વડાપ્રધાન સામેની કોઈ નાના ભષ્ટાચારની ફરિયાદ હોય તો પણ તેની તપાસ થવી જોઈએ. વડાપ્રધાન એમાંથી અક્ષત બહાર આવે તે એમને સારુ શોભીતું લેખાશે.
પણ પછી તરત, જરી જુદા અર્થમાં, કેવિયટનુમા અંદાજમાં ઉમેરવામાં આવે છે કે જે રીતે 2002ના કેસોમાંથી એ માનપૂર્વક મુક્ત થયા તે જ રીતે આમાંથી પણે એમણે વિધિવત મુક્ત થવું જોઈએ. તો, જે સવાલ છે અગાઉની રીતે મુક્ત થવા અંગે છે. ભાઈ, નાગરિક સમાજની બુનિયાદી ભાંજઘડ રસ્તો ‘અગાઉની રીત’ સાથે છે. આ જે ‘અગાઉની રીત’, તેની ધારામાં કેવાં કેવાં ખોટાં મૂલ્યો ને પ્રણાલિકાઓ સ્થપાય છે. એનો જરીક તો લિહાજ કરીએ.
ચાલુ અઠવાડિયે, કથિત મુક્તિ પછી વણઝારાની છેંતાલીસમી અભિવાદન રેલી મહેસાણામાં થઈ. અહી વણઝારા ઘટના વિશે પૂર્વે પણ ચર્ચા કરવાનું બન્યું છે. એમના વીરકર્મનું વાસ્તવ આ ક્ષણે નહીં ચર્ચતા અહીં માત્ર એમના એ લેટરબોમ્બની યાદ આપીશું જે એમણે જેલબેઠા ફોડ્યો હતો. એ પત્રમાં વિવાદાસ્પદ ને વાંધાજનક કામગીરીઓમાં રાજ્ય સરકારના મેળાપીપણાની બુલંદ સાહેદી પડેલી હતી. ગુનાઇત મેળાપીપણાના આ દોર સામે ‘બાઈજ્જત બરી’ સિલસલાને કેવી રીતે જોશું વારુ.
હશે ભાઈ, હવે વણઝારાને ચમકાવતા કેલેન્ડર માટે તૈયાર રહીશું, બીજું શું … આજે પતંગ, કાલે કેલેન્ડર.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, January 14, 2017