૨૦૦૨થી ૯મી જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૯મી જાન્યુઆરી ૧૯૧૫ના રોજ મહાત્મા ગાંધી ૨૧ વરસ દક્ષિણ આફ્રિકામાં રહીને ભારત પાછા ફર્યા હતા અને એ દિવસનો એક મેસેજ છે. મહાત્મા ગાંધીએ વિદેશમાં રહીને ભારતીયો માટે કામ કર્યું હતું અને કામ પત્યે ભારતની સેવા કરવા વતન પાછા ફર્યા હતા. તમામ પ્રકારના અનિવાસી ભારતીયો પાસેથી ભારત આવી એક અપેક્ષા રાખે છે.
ભારતે આવી અપેક્ષા સાથે પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનું શરુ કર્યું એને આજે ૧૭ વરસ થઈ ગયાં છે. એક પછી એક એકસરખા મેળાવડાઓ ઉજવાઈ રહ્યા છે અને એમાંથી ખાસ કાંઈ નીપજતું નથી. વડા પ્રધાન ઇન્ડિયન ડાયસ્પોરાનો મહિમા કરે છે, તેમની પાસેથી રાષ્ટ્રીય વિકાસમાં યોગદાનની અપેક્ષા રાખે છે, અનિવાસી ભારતીયો વચનો આપે છે, કેટલાક લોકો ભારતનો જયજયકાર કરે છે, શાસકોની વાહવાહ કરે છે, હળવેકથી વિના શરત બેવડા નાગરિકત્વની વકીલાત કરે છે અને મેળાવડો પૂરો થાય છે. ભારતમાં જે મૂડીરોકાણ અને બુદ્ધિરોકાણ આવે છે એમાં અનિવાસી ભારતીયોનું યોગદાન નહીંવત છે.
બાય ધ વે, ડાયસ્પોરા શબ્દ યહૂદીઓ માટે વપરાય છે જે હવે જગતભરની નોન રેસિડન્ટ પ્રજા માટે વપરાવા લાગ્યો છે. યહૂદીઓ ઇઝરાયલ છોડીને જગતના જુદા જુદા દેશમાં જઈ વસ્યા તો નવા દેશમાં બને ત્યાં સુધી તેઓ એક જ મહોલ્લામાં નજીક નજીક રહેતા હતા. આવા યહૂદી વાડાઓ ડાયસ્પોરા તરીકે ઓળખાતા હતા. જગત આખામાં યહૂદીઓને ધિક્કારવામાં આવતા હતા અને બીજા વિશ્વ યુદ્ધ વખતે તેમને શિકાર બનાવવામાં આવ્યા હતા એનું મુખ્ય કારણ યહૂદીઓની બીજા સાથે નહીં ભળવાની મનોવૃત્તિ હતી. જે દેશમાં રહેતા હોય એ દેશનો લાભ લેવાનો, એ દેશની પ્રજાનું શોષણ કરવાનું, પણ પાછો પોતાનો ચોકો તો નોખો જ રાખવાનો એવું યહૂદીઓનું વલણ હતું.
અનિવાસી ભારતીયો માટે પણ આમાંથી શીખવાનું છે. ભારતમાં રહેતા તમામ લોકોએ દૂધમાં સાકર ભળે એમ ભળી જવાનો તેઓ આગ્રહ રાખે છે, પરંતુ તેઓ જે દેશમાં વસે છે ત્યાં ભળવાનો તેઓ પ્રતિકાર કરે છે અને પોતાનો ઓળખનો નોખો ચોકો રચે છે. પશ્ચિમના વિકસિત દેશોમાં ભારતીય મૂળના લોકો માટે અણગમો છે એનું મુખ્ય કારણ આ છે, તેઓ તેમની રોજગારી છીનવી લે છે એ તો પ્રતિકારનું એક બહાનું છે. ભારતના મુસલમાનોએ પારસીઓની જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જવાની તેઓ સલાહ આપે છે, પરંતુ તેઓ પોતાના રહેવાસના દેશમાં પારસીઓ બનતા નથી. જો ભારતીયો પોતાનું વલણ નહીં બદલે તો એક દિવસ તેમની હાલત યહૂદીઓ જેવી થઈ શકે છે.
ચાર પ્રકારના અનિવાસી ભારતીયો છે. એક એ જેમને અંગ્રેજો ૧૯મી સદીમાં પોતાની માલિકીના સંસ્થાનોમાં મજૂરી કરવા માટે લઈ ગયા હતા જે ગીરમિટયાઓ તરીકે ઓળખાય છે. તેમને એવી રીતે વહાણમાં ભરીને લઈ જવાયા હતા કે આજે તેમને ખબર પણ નથી કે તેમનું વતનનું ગામ ક્યાં આવ્યું છે. આ પહેલા પ્રકારના ભારતીય મૂળના લોકો મોરેશિયસ, પૂર્વ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા અને કરેબિયન દેશોમાં વસે છે. તેમની અંદર જે ભારતીયપણું છે એ ખૂનનું વધારે છે, સાંસ્કૃિતક ઓછુ છે. બીજા પ્રકારના અનિવાસી ભારતીયો ગીરમિટયાઓની પાછળ પાછળ અને સ્વતંત્રપણે ધંધો કરવા લગભગ એ જ દેશોમાં ગયા હતા. તેઓ ગીરમિટયાઓની તુલનામાં વધુ ભારતીય છે, પરંતુ ભારતીય હોવાપણાનો નશો તેમની અંદર ખાસ નથી.
ત્રીજા પ્રકારના અનિવાસી ભારતીયો આઝાદી પછી અને ખાસ કરીને ૧૯૬૦ પછી ભારતમાં સ્થપાયેલી આઇ.આઇ.ટી. જેવી સંસ્થાઓમાં ભણીને પાશ્ચાત્ય દેશોમાં ગયા હતા. તેઓ ભારતીય હોવાપણાનો નશો પણ વધુ ધરાવે છે અને શોરબકોર પણ વધુ કરે છે. એન.આર.આઈ.ઝ નામની કોન્સ્ટિટ્યુઅન્સી તેઓ હાઈજેક કરી ગયા છે. તેઓ અનિવાસી ભારતીયોના પ્રવક્તા બનીને બોલે છે, જ્યારે કે કુલ અનિવાસી ભારતીયોમાં તેમનું પ્રમાણ વીસ ટકા પણ નથી. તેઓ ભારતીય મુસલમાનોને દેશપ્રેમના પાઠ ભણાવે છે, તેઓ પોતાને ત્યાં મંદિરો અને ગુરુદ્વારાઓ બંધાવે છે, તેઓ બાવાઓ અને બાપુઓને પોતાને ત્યાં બોલાવીને પોતાને ધર્મપરાયણ સમજે છે, તેઓ હિંદુની સર્વોપરિતામાં માને છે, તેઓ હિંદુ કોમવાદને પોષે છે, તેઓ ભારતીય સંસ્કૃિત જાળવી રાખવા માટે પોતાના દીકરાને પરણાવવા ભારત આવે છે અને છોકરા જણવા અને ઘરગૃહસ્થી સંભાળવા યુવતી શોધે છે, તેઓ બોટાદકરની જનનીની જોડ સખી નહીં મળે રે લોલ ગાઈને ગદગદ થઈ જાય છે અને તેઓ ડોલર કમાવા જનનીને ભારતમાં મૂકીને વિદેશ જતા રહે છે. એકંદરે આ એક વિચિત્ર જમાત છે, જે નથી પૂરી ભારતીય કે નહીં જ્યાં જઈને વસ્યા છે એ દેશની. આ ત્રિશંકુ જમાત છે અને ત્રિશંકુ જમાત સમસ્યા વધારે પેદા કરતી હોય છે. તેઓ કોઈના પણ માટે કોઈ કામના નથી, ઊલટું ભારત માટે સમસ્યાઓમાં વધારો કરે છે.
ચોથા પ્રકારના અનિવાસી ભારતીયો ગલ્ફ દેશોમાં વસે છે જે ખરા અર્થમાં અનિવાસી છે. તેમનું કાયમી વતન ભારત છે, તેમનું નાગરિકત્વ મોટા ભાગે ભારતીય છે, તેમનો પાસપોર્ટ ભારતીય છે અને તેઓ ગલ્ફના દેશોમાં વર્ક પરમીટ ધરાવનારા વસાહતીઓ છે. અનિવાસી ભારતીયોમાં સૌથી વધુ સંખ્યા તેમની છે અને ભારતીય અર્થતંત્રમાં સૌથી મોટું યોગદાન તેમનું છે. તેમની કમાણી ભારતમાં આવે છે સામે તેઓ ભારત સરકાર પાસેથી કાંઈ જ માંગતા નથી. તેઓ મુસલમાનો છે, કેરળના ઈસાઈઓ છે અને કારીગરો છે એટલે તેમનો પ્રભાવ દિલ્હીમાં જરા ય નથી. ગલ્ફના દેશોમાં રાજકીય સંકટ પેદા થાય ત્યારે તેમને હેમખેમ ભારત લાવવા ભારતના વિદેશ પ્રધાન જહેમત ઉઠાવે છે, બાકી તેમની સમસ્યાઓમાં ભારત સરકારને કોઈ રસ નથી. જે સૌથી વધુ કમાઈને આપે છે એ હાંસિયામાં છે અને જેમનું મૂડીકીય અને બૌદ્ધિક રોકાણ શૂન્યવત છે એ લાડકા થઈને ફરે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયોની પરિષદમાં કહ્યું હતું કે ભારત સરકાર પાસપોર્ટના કલરને નહીં, ખૂનના કલરને ઓળખે છે. સારી વાત છે, એ ખૂનનો કલર ભારતીય હોવો જોઈએ, હિંદુ નહીં.
સૌજન્ય : ‘કારણ તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ ડે”, ૧૧ જાન્યુઆરી ૨૦૧૭
e.mail : ozaramesh@gmail.com