વાઇબ્રન્ટ, વાઇબ્રન્ટના વેદધ્વનિ વચ્ચે નમો નેતૃત્વ હસ્તક વાસ્તવચિત્ર શું છે? નમો નેતૃત્વ એ વાતે જરૂર વેબવિહારી બની શકે કે વિશ્વબૅંકના તરોતાજા વરતારા મુજબ સાત ટકા કે તેથી વધુ રોબસ્ટ (શું કહીશું, હૃષ્ટપુષ્ટ) વૃદ્ધિદરને મોરચે પાછા પડવાનો સવાલ નથી. જો કે, ૨૦૧૦થી આજ લગીના ગાળામાં ચાલુ મહિનાઓમાં હાઉસિંગ હલચલ સર્વાધિક ઓછી હોવાના આ જ દિવસના હેવાલો જોતાં તેમ જ ઑટોમોબાઇલ્સ સેલ્સ છેલ્લાં સોળ વરસમાં આટલું ઓછું કદાપિ નહીં હોવાની વાસ્તવિકતા લક્ષમાં લેતાં સાત ટકાનો મામલો વિશ્વબૅંકને દૂર બેઠે જેટલો સહેલો લાગતો હશે, એટલો કદાચ નજીક બેઠા આપણને (માંહ્ય પડ્યા મહાદુઃખી સૌને) સદ્યગ્રાહ્ય ન પણ લાગે. મનમોહનસિંહ સરખા શીર્ષ અર્થશાસ્ત્રી અને શીર્ષ વહીવટકાર ઓછામાં ઓછા બે ટકા જેટલી ઘટ વૃદ્ધિદરમાં જોતા હોય ત્યારે વિચારવું રહે છે.
વિશ્વબૅંકનું તો જાણે કે સમજ્યા, પણ આપણું કોઈ એક દુર્દૈવ વાસ્તવ હોય તો એ ‘જૉબલેસ ગ્રોથ’નું છે. આ પ્રકારની વૃદ્ધિમાં કંઈક વિષમતા અનિવાર્યપણે રહેલી છે. એટલે વૃદ્ધિદર ઊંચો હોય ત્યારે પણ જો એ કામગીરીઓ ને રોજગારીઓના વિસ્તરણ વગરનો હોય તો એ શું કામનો. અને વૃદ્ધિદર ઊંચેથી નીચે જતાં હાલની અપૂરતી કામગીરીઓ અને રોજગારીઓમાં ઓર ઘટાડો થવાનો હોય તો ગયા કામથી! વિમુદ્રીકરણ એ કોઈ જાદુ કી લકડી અને ઇલમનો ખેલ એવું સાદું સમીકરણ નથી જ નથી.
અહીં ‘જાદુ કી લકડી’ અને ‘ઇલમનો ખેલ’ એ પ્રયોગ જાણીબૂજીને કર્યો છે. નેતૃત્વની જે તરાહ હવે ગુજરાત મોડેલથી દિલ્હી સંક્રાન્ત થઈ છે એમાં કશોક ચમત્કાર કરી નાખવાની કે છાકો પાડી દેવાની ઠીકઠીક વૈખરીછૂટી પરિપાટી રહેલી છે. સહસા પ્રગટ થઈ એ ‘હું મજામાં છું. દેશ મજામાં છે’ એવી ભૂરકી નાખી શકે તે હદની ઘીસ ખાવાની પ્રજા તરીકે આપણને ફાવટ પણ આવી ગઈ છે. વર્ચ્યુઅલ બૉલબેટે છક્કા ફટકારતા જણાય એવી પીચ કેળવવાનું તો કોઈ એમની કને શીખે!
છાકો પાડી દેવાની દૃષ્ટિએ નાટ્્યાત્મકતા, તદર્થતા (એડહોકિઝમ) અને બધાં સૂત્રો હસ્તગત કરવાની તેમ જ અવનવા સૂત્રે સંમોહન સરજવાની આ જે ફાવટ આવી ગઈ છે (પૂર્વે અહીં નોટબંધીના પ્રાસમાં નજરબંધી એ પ્રયોગ સાભિપ્રાય થયો જ છે.) એમાં વાસ્તવ ચક્ષુપ્રત્યક્ષ નહીં એવું ને એટલું ચિત્તપ્રત્યક્ષ રહેતું હોય છે. વાઇબ્રન્ટની વીરવાણી વચ્ચે પાંચસાત વરસમાં સૌને ઘર અને એંશી કરોડને કામ, આની કોઈ શક્યતા ખરી કે નહીં – અત્યાર સુધીનાં વચનો અને અમલનો વ્યસ્ત સમ્બન્ધ જોતાં એમાં ભરોસો મૂકવાને કોઈ કારણ ખરું – આ બધા સવાલો ચમત્કારી વચનો વચ્ચે ઢંકાઈદબાઈ જાય છે.
એક નાનકડો પણ રાઈદાણો અને વાત પૂરી. વિમુદ્રીકરણના શરૂઆતના દિવસોમાં (વડાપ્રધાને પોતે સીધી જાહેરાત કર્યા છતાં) એક એવી છાપ આપવામાં આવી હતી કે આ તો રિઝર્વ બૅંકની સલાહ પ્રમાણે લેવાયેલું પગલું છે. (ભલે રઘુરામ રાજનને જવાના સંજોગો સરજવામાં આવ્યા હોય, રિઝર્વ બૅંક ‘સ્વાયત્ત’ છે.) હવે પાર્લમેન્ટરી સમિતિ સમક્ષ રિઝર્વ બૅંકે અધિકૃત નોંધમાં જણાવ્યું છે કે આગલે દિવસે (સાતમી નવેમ્બરે) સરકારે અમને કહ્યું હતું કે નકલી નોટોને નાથવા સારુ વિમુદ્રીકરણ કરવા ઇચ્છીએ છીએ. અમે બૉર્ડ મીટિંગમાં વળતે દહાડે સંમતિ આપી હતી. સરકારની આરંભિક મુદ્રા સામે રિઝર્વ બૅંકની આ રજૂઆત શું સૂચવે છે? કદાચ, એક એક ખાતામાં પંદર લાખ રૂપિયા (કાળું ધન કબજે કરી) પહોંચાડવાનો ચૂંટણીઝુંબેશ વખતનો ‘જુમલો’ અનિવાર્ય હતું તેમ ભોંઠો પડ્યા પછી ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોની ચૂંટણી પૂર્વે વળી કોઈ ચમત્કૃિતની ચળ ઊપડી હશે, એમ જ ને.
એટલે વિમુદ્રીકરણ ચર્ચીએ. જરૂર ચર્ચીએ. ભ્રષ્ટાચારને મોરચે પ્રતિકાર વાસ્તે જાગૃત અને ઉદ્યત રહીએ. જરૂર રહીએ. પણ નેતૃત્વની તરાહ અને તાસીર બાબત ઘેનગાફેલ ન રહીએ એ કદાચ વધુ મહત્ત્વનો મુદ્દો બની રહે છે.
જાન્યુઆરી ૧૧, ૨૦૧૭
તા.ક. : ચલણબહાર કહેતાં આ વિ-ચલનનો ખેલ દેખીતો છે. પણ એની પૂંઠે રહેલું રાજકારણ સૂંઘતા સમજાવું એ જોઈએ કે વસ્તુતઃ નેતૃત્વે પોતાના પ્ર-ચલન અને પુનઃ પુનઃ સ્થાપન વાસ્તે નાખેલો આ ખેલ સવિશેષ તો છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2017; પૃ. 01-02