શબ્દની મારે મન બહુ કિંમત છે. શબ્દમાં જે શક્તિ છે, તે હું બીજી કોઈ ચીજમાં નથી જોતો.
હું ઠર્યો વિશ્વસાહિત્યનો વિદ્યાર્થી. સાહિત્ય અને સાહિત્યકારો માટે મારા મનમાં અપાર આદર છે. મરાઠી ભાષાનું મેં ઝીણવટભર્યું અધ્યયન કર્યું અને એ જ પ્રવાહમાં, આત્માના સમાધાન માટે સંસ્કૃતનું અધ્યયન કર્યું. પણ ત્યારે મને નિરુક્તિ અને વ્યુત્પત્તિમાં ભારે રુચિ હતી. શબ્દો કેવી રીતે બન્યા, એની કુળપરંપરા શું છે, આ જોવાનો મને શોખ હતો. વિચારોનું અનુસંધાન કરતી વખતે શબ્દોની પણ પરંપરા જોવી પડે. એ માટે પણ અનેક ભાષાઓનું અધ્યયન જરૂરી હતું. પરંતુ મુખ્યત્વે તો જનતાના હૃદય સાથે સંપર્ક સાધવાના હેતુસર હિન્દુસ્તાનની તમામ ભાષાનું અધ્યયન મેં કર્યું. ઉપરાંત ચીની-જાપાની, જર્મન, અને એસ્પરન્ટો ભાષા પણ શીખી લીધી. આ બધું શીખવામાં શબ્દો સાથે સંપર્કમાં અવાય છે. અને શબ્દોની શક્તિનું મને પૂરેપૂરું ભાન છે. શબ્દ પ્રગટ કરવા માટે શબ્દને બાજુમાં રાખી, અંદરના તત્ત્વને પકડવું જોઈએ.
આપણા જીવનની જે અંત:સૃષ્ટિ છે, તે શબ્દોની બનેલી છે. શબ્દો આપણાં રત્નો છે અને શબ્દો આપણાં શસ્ત્રો છે. તેનાથી અદકેરું રત્ન કોઈ નહીં હોય, શસ્ત્ર નહીં હોય. પ્રાચીનકાળથી આજ સુધી શબ્દની જે અખંડ ધારા વહેતી આવી છે, તે એક મજાની મનોરમ્ય સૃષ્ટિ છે.
ભારતની અને બહારની અનેક ભાષાઓનું મારું અધ્યયન છે એના આધારે કહી શકું છું કે દસ હજાર વર્ષથી ય જૂની ભાષા સંસ્કૃત સિવાય બીજી નથી. સંસ્કૃતનો પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ છે. તેના પહેલા મંત્રમાં જે શબ્દો છે, તે જેવા ને તેવા આજે પણ હિન્દી, મરાઠી, બંગાળી, ગુજરાતી વગેરે ભાષામાં ઉપયોગમાં લેવાય છે. જેમકે અગ્નિ, પુરોહિત, દેવ, યજ્ઞ વગેરે. એવી કોઈ ભાષા નથી જેમાં ગ્રીક, લૅટિનના જેવા ને તેવા શબ્દોનો ઉપયોગ કરાતો હોય. આપણી ભાષાઓના આશરે 50% શબ્દો ઋગ્વેદના જમાનાથી ઊતરી આવ્યા છે. આવું શી રીતે બન્યું હશે? આની પાછળ અહિંસાની પ્રક્રિયા છે. પુરાણા શબ્દોને નવો અર્થ આપી આગળ વધવાની પ્રક્રિયા અહિંસક ક્રાંતિ-વિચારની પ્રક્રિયા છે. પુરાણા શબ્દો છોડવા નહીં પણ તેમાં નવા નવા અર્થો ભરતા જવા, આવી પ્રક્રિયા બીજા દેશોમાં નથી ચાલી. ત્યાં તો પુરાણા શબ્દોનું ખંડન કરે છે, તેને તોડે છે. જ્યારે ભારતમાં જે વિચાર-ક્રાંતિઓ થઈ તેમાં એક સ્વતંત્ર પ્રક્રિયા હતી. તેમાં પુરાણા શબ્દો કાયમ રખાયા અને તેમાં નવા નવા અર્થની કલમ કરવામાં આવી. પુરાણા શબ્દોની તાકાત અને નવા અર્થની મધુરતા આ બંને મળીને ભારતને એક નવો જ વિચાર મળતો થયો. પુરાણા શબ્દો કાયમ રહ્યા, સમાજને નવી નવી પ્રેરણા મળતી રહી.
‘યજ્ઞ’ શબ્દને લો. એક જમાનામાં પશુનું બલિદાન દઈને બ્રાહ્મણ પણ તેના પ્રસાદનું સેવન કરતા. પરંતુ માંસાહાર ત્યાગનો જમાનો આવ્યો, તો કરોડો લોકોએ માંસાહાર છોડ્યો. તેની સાથે પશુનું બલિદાન દેવાનું બંધ થયું. અને તેમ છતાં ‘યજ્ઞ’ શબ્દ ખંડિત ન થયો. એક નવો વિચાર તેમાં આવ્યો, તેણે જૂના અર્થને તોડીને સમાજને આગળ વધાર્યો. આને બદલે જો શબ્દ ખંડિત થઈ જાત, તો જ્ઞાન પરંપરા અખંડ ન ચાલત.
આમ, યજ્ઞ શબ્દનો વિસ્તાર થતો રહ્યો. સમાજસેવા માટે જે ત્યાગ કરવો પડે છે, તે યજ્ઞ છે. મનુષ્યમાં કેટલોક પશુ-અંશ પણ હોય છે. કામ-ક્રોધ-લોભ-મોહ એ માનવતા નહીં, પશુત્વ છે. એવા પશુત્વનું બલિદાન જ સાચું બલિદાન છે. એ રીતે યજ્ઞમાં ‘પશુ’ને બદલે આવા ‘પશુત્વ’નું બલિદાન આપવાનું સ્વીકારાયું. આમાં સમાજ આગળ વધ્યો, અને જીવનનો પ્રાણરસ પણ ખંડિત ન થયો. વૃક્ષ સાથે જોડાયેલી રહીને જ શાખાઓ સજીવ રહી શકે છે. વૃક્ષ છે પ્રાચીન પરંપરાઓ અને શાખાઓ છે નવા સંસ્કાર. આપણે નવા નવા સંસ્કાર ગ્રહણ કરતા રહીએ, પણ પ્રાચીન પરંપરાનો નાતો તોડી નવા સુધારા કરવા જઈએ છીએ તો તેનાથી તાકાત નથી વધતી અને મૂળ ઊંડા ન રહેવાથી સ્થિર બુદ્ધિને બદલે માનસિક ચંચળતા પેદા થાય છે. પ્રાચીન પરંપરાનો સ્પર્શ શક્તિ પ્રદાન કરે છે અને નવો સંસ્કાર માધુર્ય ઉત્પન્ન કરે છે. ભારતમાં બેઉનો સમન્વય થયો છે.
જૂના શબ્દોમાં નવા અર્થ ભરીને એમનો વિકાસ કરતા રહેવો, એ અહિંસક ક્રાંતિની પ્રક્રિયા જ છે. ‘ભૂદાન’ના ‘દાન’ શબ્દને લઈને લોકો કહેવા લાગ્યા કે વિનોબા તો ભિક્ષા માંગવા નીકળ્યા છે. પણ મેં શંકરાચાર્યનું ભાષ્ય આગળ ધર્યું – ‘દાનં સંવિભાગ:’ દાન એટલે સમ્યક્ વિભાજન. શંકરાચાર્યે જ નહીં, બુદ્ધે પણ કહ્યું છે, ‘યમાહુ દાનં પરમં અનુત્તરં. યં સંવિભાગં ભગવા અવણ્ણયી.’ આ રીતે બે હજાર વરસોમાં ‘દાન’ શબ્દના અર્થનો વિસ્તાર થતો રહ્યો.
સારાંશ, આપણી આ જે પરંપરા રહી છે, તેમાં જૂના શબ્દોને કાયમ રાખવાની સ્થૂળ કલ્પના નથી પણ અર્થ બદલતા રહેવાની, અર્થનો વિસ્તાર કરતા રહેવાની જ આખી પ્રક્રિયા છે. પ્રાચીન કાળની જ્ઞાનધારા ને વિચારધારાને અખંડિત રાખી તેનો વિકાસ કરતા રહેવાની આ પ્રક્રિયા છે. આને લીધે શબ્દ-શક્તિ પુષ્ટિ થતી રહે છે.
સંસ્કૃતના શબ્દો બોલે છે. હસ્ત એટલે હસાવનાર. અરે! તમે કામ કરો તો હસશો. આખી સૃષ્ટિમાં જે હાસ્ય છે તે હાસ્ય આ હાથમાં સમાયેલું છે. દુનિયા હસે છે, જો આપણે કામ કરીશું તો. લક્ષ્મી પેદા થાય છે તો આખી સૃષ્ટિ હસે છે. નદી એટલે જે નિનાદ કરે છે. ગંગા ગં ગં ગં અવાજ કરનારી. સરિતા સર સર વહેનારી. આમ બોલકા શબ્દ નવી દ્રષ્ટિ આપે છે. પૃથ્વીનું નામ એટલા માટે ધરા છે કે તે ધારણ કરે છે. તે પૃથ્વી ક્યારે કહેવાશે? જ્યારે તે ફેલાયેલી હશે. જ્યારે તેનું વજન – ભાર ધ્યાનમાં લેશું ત્યારે તે ગુર્વી કહેવાશે. ઊર્વી એટલે વિશાળ. ‘ભૂમિ’ એટલે જાતજાતના પદાર્થો પેદા કરનારી. ‘ક્ષમા’ એટલે સહન કરનારી. આપણે લાત મારીએ તો ય એ સહન કરી લે. આ પૃથ્વીના પાંચ દસ નામ છે, તે નકામો પરિગ્રહ નથી. એક એક શબ્દ ગુણવાચક છે. એક એક શબ્દની સાથે તેના એક-એક ગુણ ધ્યાનમાં આવશે.
અશ્વ એટલે ‘ઘોડો’ આ અર્થ રૂઢ છે. પરંતુ આરંભમાં તે એવો અર્થ નહીં હોય. એક ઝડપથી દોડનાર પ્રાણી જોયું. તેની તે ક્રિયા તરફ ધ્યાન ગયું. તેથી કોઈએ ‘અશ્વં અશ્વ:’ એટલે કે ‘તેજ દોડનાર’ એવું કહ્યું હશે. કોઈકનું ધ્યાન તે બહુ ખાય છે તે તરફ ગયું હશે તેથી ‘અશ અશ’ એટલે કે બધું ખાનારો, એવું કહ્યું હશે. જ્યારે સ્ફૂિર્ત, ચપળતા જેવા ગુણો તરફ ધ્યાન ગયું હશે ત્યારે ‘ખાવાવાળો’ એ અર્થ છોડવો પડ્યો હશે. શબ્દોને અર્થનો ભાર નથી લાગતો. પરંતુ પછીથી એક રૂઢ સામાન્ય અર્થ આવી મળે છે. પણ વૈદિક શબ્દ સૂક્ષ્મ અર્થથી ભરેલા હોય છે. અને આગળ જતાં લૌકિક અર્થ નીકળે છે. સૂક્ષ્મમાંથી સ્થૂળ, અવ્યક્તમાંથી વ્યક્ત એ તો સૃષ્ટિનો નિયમ છે. એક એક શબ્દ તરફ જોવાની એક એક દ્રષ્ટિ છે. તેથી દરેક શબ્દ જાનદાર, પ્રાણવાન, જોરદાર છે અને તે બોલકો બને છે.
જે ચીજ જે ભૂમિમાંથી નીકળે છે તેને સમજવા માટે એ ભૂમિના હૃદય સાથે જોડાયેલા રહેવું જોઈએ. એ શબ્દ કયા વાતાવરણથી, કઈ ભૂમિમાંથી નીકળ્યો છે તેને સમજવું જીએ.
આમ, સંસ્કૃત શબ્દોમાં વિચાર ભર્યો છે. એટલા વાસ્તે દરેક શબ્દ આપણી સાથે વાત કરે છે. અંગ્રેજી શબ્દ આવી રીતે વાત નથી કરતો. દાખલા તરીકે ‘વોટર’ શબ્દ આપણી સાથે વાત નથી કરતો. પરંતુ સંસ્કૃત શબ્દ આપણી સાથે વાત કરવા લાગે છે. ‘પય:’ એટલે પોષણ કરનારો. ’પાનીયમ્’ એટલે તૃપ્ત કરનારો. ‘ઉદક’ એટલે અંદરથી બહાર આવેલો. ‘સમુદ્રમ્’ એ નાનો અમથો શબ્દ જણાય છે, પણ તે વાત કરે છે. ‘સમ’ એટલે ચારે તરફ સમાન રૂપે ફેલાયેલો. ‘ઉદ્’ એટલે ઊંચો ઉઠેલો, ઊંચે ઊઠેલું પાણી. ‘રમ’ એટલે આહ્લાદક જે ખેલી રહ્યો છે, રમી રહ્યો છે, આનંદ આપી રહ્યો છે. તો, ‘સમુદ્રમ્્’ એટલે સમ+ઉદ+રમ. ‘સમુદ્રાત્્ ઊર્મિ: મધુમાન ઉદારત્્’. વેદમાં કહ્યું છે: આ હૃદયમાં સમુદ્ર સમાન અસંખ્ય ભાવનાઓ ઊઠે છે. આ હૃદય જાણે સમુદ્ર જ છે. સમુદ્રનું દ્રશ્ય આ હૃદયમાં પ્રગટ થાય છે. આની સામે ‘સી’ (sea) શબ્દ કેવો ફિક્કો લાગે છે! છે એક પદાર્થ, બસ એટલું જ. તે શબ્દ બોલતો નથી. મૂંગો છે.
‘ઉદ્યાન’ શબ્દ લો. સામાન્ય બગીચો ઉદ્યાન ન કહેવાય. ‘ઉદ્યાન’ એટલે ‘ઉદ્દ + યાનમ્’ – વસ્તીથી જરા દૂર, ઊંચા સ્થાને બનાવેલ બાગ. ઊંચાઈએ આવેલ હોવાથી સારી હવા આવશે, ત્યાં ચઢીને જતાં આનંદ આવશે.
‘ચિત્ર’ શબ્દ લો. ‘પિક્ચર, તસ્વીર’ એ શબ્દો તો કાંઈ બોલતા નથી. સાવ ચૂપ છે! પણ ‘ચિત્ર’ એટલે? ચિત્તને રામાડનારું, ચૈતન્યને રામાડનારું. ‘ચિત્ર’ શબ્દ સાંભળતાં જ એક વિરાટ રૂપ નજર સામે ખડું થઈ જાય છે.
‘દુગ્ધમ્’ એટલે દોહન કરનારું, સારરૂપ. ‘ધૃતમ્’ એટલે અત્યંત પવિત્ર, નિર્મળ, કચરો કાઢી નાખેલું. ‘ધૃતં મે ચક્ષુ:’. વિશ્વામિત્ર બોલી રહ્યા છે: મારી આંખ એટલે ઘી છે. અંગ્રેજી કે બીજી કોઈ ભાષામાં મેં આ નથી જોયું કે કોઈ કહે, મારી આંખ ઘી છે! ‘ધૃતં મે ચક્ષુ:’ કહ્યું તો તેનો અર્થ એ છે કે મારાં ચક્ષુ એટલાં પવિત્ર છે કે તેમાં કોઈ પ્રકારનું પાપ ગ્રહણ કરવાની શક્તિ નથી, તે અત્યન્ત નિર્મળ ને સ્વચ્છ છે.
સંસ્કૃતના શબ્દકોશમાં ય કાવ્ય રહેલું છે. એક શબ્દની કેટલી બધી રીતે વ્યુત્પત્તિ થાય છે! એક જ શબ્દના અનેક અર્થ અને એક અર્થના અનેક શબ્દ. આને લીધે સંસ્કૃતમાં નિર્મળતાથી વાક્-પ્રકાશન જેટલું થઈ શકે છે તેટલું ભાગ્યે જ કોઈ બીજી ભાષામાં થતું હશે.
‘ઘટ’ શબ્દ છે. ઘટ એટલે ઘડો. પરંતુ ઘટ એટલે શરીર, એવો ય અર્થ થાય છે. પાણીથી ભરાયેલા ઘડાથી, પૂર્ણ કુંભથી આપણે સ્વાગત કરીએ છીએ ત્યારે આપણે શું બતાવવા માગીએ છીએ? એ જ કે અમારું આખું હૃદય ભક્તિભાવથી ભર્યું છે. આ અર્થમાં ય ‘ઘટ’ શબ્દ કામ આપશે. નાનકે કહ્યું છે, “પ્રભુ ઘટ-ઘટમાં ભર્યો છે.” કહેવાનો મતલબ એ કે ‘ઘટ’ શબ્દમાં આ જે ખૂબી છે, તે ખૂબી ‘પોટ’ (pot) શબ્દમાં નથી. અંગ્રેજી, ફ્રેન્ચ વગેરે શબ્દો આપણને એમની અંદર પ્રવેશવા નથી દેતા.
‘ચક્ષુ’ શબ્દ છે. ‘ચક્ષ’ ધાતુ નિર્મળતા ને સ્વચ્છતાની દ્યોતક છે. આંખથી આપણે જેટલું બોલીએ છીએ તેટલું મોંથી નથી બોલતા. આપણને ગુસ્સો આવે છે, તો આંખ બોલે છે. અંદર કરુણા હોય છે, તો આંખ બોલે છે. શબ્દ કરતાં ય વધારે પ્રકાશ આંખ પાડે છે. એવી રીતે ‘વાચક્ષતે’ એટલે વ્યાખ્યાન આપવું. ચક્ષુ પરથી જ વ્યાખ્યાન શબ્દ નીકળ્યો છે. હિન્દુસ્તાનના લોકોને વ્યાખ્યાન કરતાં મહાપુરુષોના દર્શન પર શ્રદ્ધા છે. એમની આંખ દ્વારા જે દેખાય છે, તે બીજા કશાથી પ્રગટ નથી થતું. મહાપુરુષોની આંખોમાં કારુણ્ય ભર્યું હોય છે.
‘કારુણ્ય’ એટલે શું? ‘મર્સી’, ‘કાઈન્ડનેસ’ ગમે તે કહો, અર્થ પ્રગટ નથી થતો. પરંતુ ‘કરુણા’ શું કહે છે? તે કાઈં ને કાઈં કરવાની પ્રેરણા આપે છે. હૃદયમાં પ્રેમ છે, પણ કરવાની પ્રેરણા નથી, તો તે કરુણા નથી. કરુણા ચૂપ નથી બેસતી. તે કંઈ ને કંઈ કરવા પ્રેરે છે. તે બેસવા નથી દેતી. હવે, આપણી ‘બુદ્ધિ’ છે, તે બોધ આપે છે. તે તેનું વિશેષ લક્ષણ છે. ‘કરુણા’નું વિશેષ લક્ષણ છે, કાંઈ ને કાંઈ કરી છૂટવાની પ્રેરણા આપવી.
શુભ્ર વસ્ત્ર છે. ‘શુભ્ર’ એટલે શું? શુભ્ર એટલે પવિત્ર, માત્ર ‘વ્હાઇટ’ નહીં. ‘શુભ’ શબ્દ સાથે તેને સંબંધ છે. શોભા સાથે તેને સંબંધ છે. તો, ‘શુભ્ર’માં સૌંદર્ય તેમ જ પાવિત્ર્યને એક કરી દીધાં છે. આકાશમાં શુક્ર તારાનો ઉદય થાય છે. શુક્ર પવિત્ર છે. ‘શુચિ’ શબ્દથી ‘શુક્ર’ થયો છે. તેને જોઈએ છીએ, તો પવિત્રતાની ભાવના પ્રગટ થાય છે.
સૂર્ય છે તે પ્રેરણા આપે છે. ‘સૂ’ ધાતુ પરથી ‘સૂર્ય’ શબ્દ બન્યો છે. ‘સૂ’ એટલે પ્રેરણા આપવી. ’મિત્ર’ શબ્દ છે. મિત્ર શું કરે છે? પ્રેમ કરે છે. સૂર્યને આપણે ‘મિત્ર’ સંજ્ઞા આપીએ છીએ. સૂર્ય પ્રખર હોવા છતાં આપણે તેના કિરણોથી ગભરાતા નથી. મિત્ર તો તે છે, જે આપણી પાસે કામ કરાવે છે. આપણે સૂતા રહેતા હોઈએ તો, તે જગાડે છે; બેઠા હોઈએ, તો ચલાવે છે, ક્રિયાશીલ બનાવે છે. સૂર્ય આવું બધું કરનારો આપણો મિત્ર છે. ‘પ્રેમથી સહુની સેવા કરનારો’ એવો ય અર્થ તેમાં આવે છે.
તાતપર્ય કે, આવી સાહિત્ય શક્તિ, શબ્દ-શક્તિ ભારતમાં છે. તેના તરફ હજી સુધી ધ્યાન નથી ગયું, પણ જવું જોઈએ. શબ્દની શક્તિ આપણે ઓળખવી જોઈએ. આપણે સમ્યક્ શબ્દનો ઉપયોગ કરીએ. શબ્દ-શુચિત્વનું ય ધ્યાન રાખીએ. શુદ્ધ શબ્દથી આચાર-વિચાર પણ શુદ્ધ થશે અને ચિંતન પણ શુદ્ધ થશે.
[સંકલિત]
સહયોગ : “ભૂમિપુત્ર”, 16 જૂન 2016; પૃ. 01-02 & 17
મુદ્રાંકન સૌજન્ય : આશાબહેન બૂચ