સાધારણ રીતે જૂન મહિનો આવે, એટલે આપણે ફાસીવાદના ભણકારા જેવી કટોકટીને (૧૯૭૫) યાદ કરીએ. પરંતુ, આ વખતે ૧૯ જૂને ગુજરાતના શિક્ષણજગતમાં ચાલતી કટોકટીની ઝાંખી કરાવીને આપણને સૌને આઘાત આપ્યો. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીમડા ગામે આવેલ પારૂલ યુનિવર્સિટી – કે જે પહેલાં ગ્રૂપ ઑફ ઇન્સ્ટિટ્યૂટસ તરીકે ઓળખાતી હતી, જેનું સંચાલન પારૂલ આરોગ્ય સેવામંડળ ટ્રસ્ટ દ્વારા થતું હતું અને ૨૬ માર્ચ, ૨૦૧૫ના રોજ રાજ્ય સરકારે તેને ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી ઍક્ટ, ૨૦૦૯ હેઠળ ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે.- ના મૅનેજિંગ ટ્રસ્ટી જયેશ પટેલ સામે ત્યાંની નર્સિંગ કૉલેજમાં બીજા વર્ષમાં (GNN cowzse) ભણતી વિદ્યાર્થિનીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી. સાથે-સાથે બીજા આરોપી તરીકે હૉસ્ટેલ વૉર્ડન (રેક્ટર) ભાવનાબહેન ચૌહાણનું નામ પણ દર્શાવ્યું. આ ઘટના બની ૧૬ જૂને, ફરિયાદ નોંધાવાઈ ૧૭મીની મોડી રાતે (૧૮મીની વહેલી સવારે), અખબારો દ્વારા આપણને જાણ થઈ ૧૯મી જૂને …
… અને તરત જ પાટણની સરકારી પી.ટી.સી. કૉલેજની ગૅંગરેપની ઘટના નજર સામે આવી. ૨૦૦૮માં બનેલી એ ઘટનાએ આખા રાજ્યને હચમચાવી નાખ્યું હતું. આ ઘટનાના વિરોધમાં આખા રાજ્યમાંથી જે રીતે વિરોધનો સૂર ઊઠ્યો; અને એ બળાત્કારી વિરોધી લોકઆંદોલન સતત ચાલતું રહ્યું, તેના કારણે રાજકીય રક્ષણ ધરાવતા અને તે તાકાત પર અતિવિશ્વાસ ધરાવતા છ અધ્યાપકોને આજીવન કેદની સજા થઈ. એટલું જ નહીં, આવા કિસ્સાઓનું પુનરાવર્તન રોકવા પી.ટી.સી. કૉલેજના વિદ્યાર્થીઓ માટેનાં અનેક નિયમો જોગવાઈઓમાં પણ તાત્કાલિક ફેરફાર કરવાની સરકારને ફરજ પડી.
પારૂલની નિર્ભયાને ન્યાયની માંગ
તો, પારૂલ યુનિવર્સિટીની ઘટના સામે પણ લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો. માધ્યમો અને લોકોએ એને પારૂલ યુનિવર્સિટીની ‘નિર્ભયા’ તરીકે ઓળખાવી. વડોદરામાં ૨૦મી જૂને, અમદાવાદમાં ૨૧મી જૂને, ઑલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃિતક સંગઠનની પહેલથી એના વિરોધમાં દેખાવો યોજાયા, જેમાં અનેક નાગરિકો અને મહિલા સંગઠનો જોડાયાં. ઉપરાંત, વડોદરામાં ૨૦ જૂને દેખાવો પછી કલેક્ટર તથા ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસને આવેદનપત્ર પણ અપાયું. લોકોના વિરોધને જોતાં છેવટે ૨૧મી જૂનની રાતે જયેશ પટેલની પોલીસે ધરપકડ કરી. ૨૧મી તારીખે જ વડોદરાથી ઑલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃિતક સંગઠનની એક ટુકડી ભારતીબહેનની આગેવાનીમાં પારૂલ યુનિવર્સિટીની મુલાકાતે ગઈ. ત્યાં પ્રવેશથી માંડીને વિદ્યાર્થીઓ – યુનિવર્સિટીના હોદ્દેદારોને મળવાનું – બધું જ ઘણું મુશ્કેલ રહ્યું. પારૂલ યુનિવર્સટીના હાલના મુખ્ય ટ્રસ્ટીઓએ સંપૂર્ણપણે અસહકાર અને નકારાત્મક વલણનો આ ટુકડીને પરિચય આપ્યો.
અમદાવાદની ટીમની જાતતપાસ
• પારૂલ યુનિવર્સિટી નામે રજવાડું : પબ્લિક ટ્રસ્ટ નહીં, ગેરકાયદેસર રીતે ચાલતું ફૅમિલી ટ્રસ્ટ
અમદાવાદથી ૨૩મી જૂને ઑલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃિતક સંગઠન (મીનાક્ષી જોષી, નિર્મળા પરમાર), અમદાવાદ વિમેન્સ ઍક્શન ગ્રૂપ (અવાજ – સારાબહેન બાલદીવાલા) અને ગુજરાત મહિલા ફૅડરેશન(લીલાબહેન દેસાઈ)ના પ્રતિનિધિઓએ પારૂલ યુનિવર્સિટીની મુલાકાત લીધી. આ મુલાકાત પણ લોઢાના ચણા ચાવવા જેવી મુશ્કેલ રહી. પારૂલ આરોગ્ય સેવામંડળ ટ્રસ્ટ દ્વારા ચાલતી હૉસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટનું નામ જાતીય સતામણી વિરોધ કાયદા-૨૦૧૩ પ્રમાણે આંતરિક ફરિયાદ સમિતિના વડા તરીકે દર્શાવ્યું હતું. એટલે અમે લગભગ ૬૦ જેટલા ફોન કૉલ્સ પછી એમનો સંપર્ક કરી અમારી મુલાકાતની જાણ કરી હતી. અમે જ્યારે ૨૩મીએ એમને મળ્યાં ત્યારે એમણે એમ કહ્યું કે અહીંની આ નર્સિંગ કૉલેજ, આ વર્ષથી શરૂ થનાર મેડિકલ કૉલેજ હેઠળ નથી આવતી, એટલે આ સમિતિનું કાર્યક્ષેત્ર માત્ર હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજ જ છે. જેથી આપ મેનૅજિંગ ટ્રસ્ટીઓને જ મળો તો સારું. અમે મૅનેજિંગ ટ્રસ્ટીઓને મળવા ગયાં ત્યારે એમણે પહેલાં તો એ વાત સ્વીકારવાનો જ ઇન્કાર કર્યો કે મહિલા સંગઠનો આવી બાબત માટે જાતતપાસનો અધિકાર ધરાવે છે. પછી એમણે લેખિત પત્રની માંગણી કરી, અમારે જે માહિતી જોઈતી હોય તે માટે તેમણે એમ પણ ઉમેર્યું કે આપ લોકો પત્ર આપો, અમે ઍડ્વોકેટને પૂછીને આપ લોકોને લેખિત જવાબ મોકલી આપીશું. એમના માનવા-કહેવા પ્રમાણે આ યુનિવર્સિટી એમની માલિકીની છે. એટલે એમાં મહિલા સંગઠનોના પ્રવેશથી માંડીને માહિતી આપવાની બાબતે એમને એકાધિકાર છે. એમની સાથે ઘણી રકઝક પછી, નર્સિંગ કૉલેજના પ્રિન્સિપાલ સાથે એમની હાજરીમાં વાતચીત કરવા દેવા અને આ ઘટના જ્યાં બની તે સ્થળ બતાવવા સંમત થયા. આ ટ્રસ્ટીઓ તથા નર્સિંગ કૉલેજના પ્રિન્સિપાલના કહેવા પ્રમાણે :
– આ આક્ષેપ ખોટો છે.
– આ યુનિવર્સિટીમાં ૨૫,૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ ભણે છે.
– આ વિદ્યાર્થિની અભ્યાસમાં ગંભીર નહોતી.
– આ યુનિવર્સિટીમાં આઠ ઇન્સ્ટિટ્યૂટ્સ ચાલે છે.
– આ યુનિવર્સિટી ૧૫૦ એકરમાં પથરાયેલી છે.
– અહીં નર્સિંગના ત્રણ કોર્સ ચાલે છે. એમાં કુલ ૨૯૫ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ છે.
અમારાં તારણો
આ આખા ઘટનાક્રમ પછી અમે અનુભવ્યું કે,
– પારૂલ યુનિવર્સિટીના નામે આ એક રજવાડું છે.
– આ ટ્રસ્ટ – પબ્લિક ટ્રસ્ટ કરતાં ફૅમિલી ટ્રસ્ટ લાગ્યું.
– એટલે જ તેનો વહીવટ ‘ઘરની ધોરાજી’ હાંકતાં હોય તેવો વધુ લાગ્યો.
આ યુનિવર્સિટીની વેબસાઇટમાં તેના ઉદ્દેશો વિશે લખ્યા પ્રમાણે ૧૯૯૦માં આ પારૂલ આરોગ્ય સેવામંડળ ટ્રસ્ટની સ્થાપના સામાજિક નબળા વર્ગોની શૈક્ષણિક, આરોગ્ય અને સામાજિક સેવા માટે થઈ હતી. તેમાં જ આગળ કહ્યું છે કે ૧૯૯૦માં રાજ્યમાં ઉચ્ચ શિક્ષણના પ્રોફેશનલ કોર્સિસમાં સૅલ્ફ ફાઇનાન્સ (સ્વનિર્ભર નહીં – હકીકતમાં વાલીઓ-વિદ્યાર્થીઓની લૂંટ પર નિર્ભર) સંસ્થાઓ નહોતી. ઉચ્ચ શિક્ષણમાં આ સૅલ્ફ-ફાઇનાન્સના વિચારને ગુજરાતમાં સ્વીકૃત બનાવવામાં પારૂલ આરોગ્ય સેવામંડળે અથાક પ્રયત્નો કર્યો જેના પરિણામે સરકારની મંજૂરીથી રાજ્યની સૌપ્રથમ સેલ્ફ-ફાઇનાન્સ ‘ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ હોમિયોપેથિક મેડિકલ કૉલેજ’ ૧૯૯૩માં શરૂ થઈ શકી.
આ ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે કે શિક્ષણના વેપારમાં એમનો કેટલો દૃઢ વિશ્વાસ છે અને આ વેપારને આગળ ચલાવવા કોઈ બાબતનો એમને છોછ નથી, એટલે કે શિક્ષણના વેપારીકરણથી શિક્ષણ અને વિદ્યાર્થીઓનું કેવું ભયંકર નુકસાન થાય છે, આ ઘટના તેનું એક વરવું ઉદાહરણ છે.
જો કે, આ પછીની એ જ દિવસની અમારી ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ શ્રી મલિક સાથેની મુલાકાત સંતોષદાયક રહી. તેમણે પૂરી ખાતરી સાથે કહ્યું કે, અમારી પાસેના તબીબી પુરાવા, ૧૬૪ હેઠળ બળાત્કાર- પ્રતિરોધાનું નિવેદન, આરોપીને ગુનેગાર પુરવાર કરવા અને સજા માટે પૂરતાં છે. ૨૩મી સાંજે, વડોદરામાં, ઑલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃિતક સંગઠન દ્વારા મ.સ. યુનિવર્સિટી સામે, સરદારની પ્રતિમા પાસે, પારૂલની નિર્ભયાને ન્યાય માટે યોજાયેલી નાગરિક-સભામાં અમે ત્રણ પ્રતિનિધિઓએ અમારો સૂર પુરાવ્યો.
પારૂલ યુનિવર્સિટીની પ્રતિરોધા-યોદ્ધાની મુલાકાત
તે પછી ૨૫ જૂને અમે (મીનાક્ષી, સારાબહેન, નીતાબહેન) પારૂલ યુનિવર્સિટીની બળાત્કાર-પ્રતિરોધા અને તેનાં માતા-પિતાને મળવા બાલસિનોર પહોંચ્યાં. એ દીકરી અને માતા-પિતાની બહાદુરીને અમે બધાં વતી બિરદાવી. એમને પોલીસને કામગીરીથી સંતોષ હતો, પરંતુ આવડા મોટા માણસના દુષ્કૃત્યને પડકારવાની સજા રૂપે ક્યાં ય કોઈ હુમલો તો નહીં થાય ને, તે જીત ઉપર જોખમ તો નહીં આવેને, એ ચિંતા એમને સતાવતી હતી. ભયના ઓથાર હેઠળ અમે જીવીએ છીએ – એવી લાગણી એમણે વ્યક્ત કરી. માતાપિતાએ કહ્યું કે અમે કોઈના દબાણ હેઠળ આવવાનાં નથી. ત્રણેની એક જ માંગણી હતી ‘અમને ન્યાય જોઈએ’. માતા-પિતાએ ઉમેર્યું કે, દેશના વડાપ્રધાનને પણ અમારી માંગણી પહોંચાડજો અને કહેજો કે ગુજરાત નં.૧નું આપનું મૉડલ આવું છે ? આ પ્રતિરોધા દીકરીએ કહ્યું કે હવે હું ત્યાં ફરી ભણવા-પરીક્ષા માટે પણ નહીં જાઉં, ત્યારે પિતાએ એવી ઇચ્છા વ્યક્ત કરી કે એનો અભ્યાસ પૂરો થાય તે માટે બીજી કૉલેજમાંથી પરીક્ષા અને તેના આગળના અભ્યાસ માટે ઍડ્મિશનની સરકાર આગળ રજૂઆત કરજો.
અમારી માંગણીઓ
– ગુનેગારને દાખલારૂપ સજા કરો.
– પારૂલ ઇન્સ્ટિટ્યૂટથી પારૂલ યુનિવર્સિટીના સમગ્ર સમયગાળામાં આવેલ જાતીય સતામણીની બધી જ ફરિયાદોની તપાસ નિષ્પક્ષ નાગરિકપંચ દ્વારા કરવામાં આવે.
– આ યુનિવર્સિટીનું સંચાલન સરકાર પોતાના હસ્તક લઈ લે.
– રાજ્યની બધી જ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, ઑફિસો, કારખાનાં, કંપનીઓ – બધાં જ કામનાં સ્થળોએ જાતીય સતામણી વિરોધી કાયદો – ૨૦૧૩નો કડક અમલ કરાવો અને તેમાં નિષ્ફળ જનારને દંડ તથા જેલની સજા કરો.
આ માગણીઓને બુલંદ બનાવવા જૂન ૨૯, બુધવારના રોજ અમદાવાદ ખાતે એક નાગરિક-સભાનું આયોજન પણ કરાયું હતું.
લખ્યા તા. ૨૬-૬-૨૦૧૬
મીઠાખળી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2016; પૃ. 07-08