મસ્તીખોર માર્જને અચાનક ડાહી-ડમરી ને ઉદાસ થઈ ગયેલી જોઈને વેરાને ખૂબ નવાઈ લાગી. સામાન્ય રીતે ઘર માથે લેતી માર્જ એના રુમમાં જ બેસી રહે એવું બનવાનો પ્રસંગ ખાસ આવ્યો જ નથી. એને ગમતું ન થાય તો લડી લે – ઝઘડી લે પરંતુ આમ ઉદાસ અને શાંત થઈ જાય એવું બને તો નહીં!
કોલેજના પ્રથમ વર્ષમાં ભણતી માર્જને કોઈએ ક્યારે ય આટલી શાંત જોઈ ન્હો’તી.
શરુઆતમાં સૌએ શાંત રહીને જોયા કર્યું. પછી ધીરજ ન રહેતાં અમુક જણે કટક્ષમાં તો અમુક જણે આડકતરી રીતે એનું કારણ જાણવા પ્રયત્નો કર્યા, પણ આ તો માર્જ છે. બોલવાનું શરુ કરે પછી કોઈને બોલવાનો ટર્ન આવવા જ ન દે એ માર્જ બોલે જ નહીં તો નવાઈ ન લાગે?
પરંતુ સૌને માર્જની ચૂપકીદી કંઈક વિચિત્ર લાગી.
માર્જથી નાની રીટાને પૂછ્યું તો એણે પણ ખભા ઉલાળી ‘ખબર નથી’ કહ્યું.
વેરાએ કેટલી મનાવી અને કારણ જાણવા પ્રયત્ન કર્યો પણ …… માર્જ ચૂપચાપ.
એની ચૂપકીદીમાં વેરાને પોતે કોઈ અપરાધ કર્યો હોય એવી લાગણી કેમ થતી હતી તેની એને પહેલાં તો સમજ ન પડી. પછી યાદ આવ્યા તે દિવસો જ્યારે તેણે માર્જ અને રીટાના ડેડ એલન સાથે ડિવોર્સ લીધા હતા અને પહેલીવાર જ્યોર્જ સાથે બન્ને દીકરીઓની ઓળખાણ કરાવી હતી.
૧૨ વર્ષની માર્જે જ્યોર્જને ડેડ તરીકે સ્વીકારવાની ઘસીને ના પાડે દીધી હતી. જેવો હતો તેવો પણ એને તો એના ડેડ એલનની જ માયા હતી. બીજા કોઈને એ ડેડની જગ્યા આપી જ કેમ શકે?
રીટાએ વાંધો પણ ન લીધો કે ન તો ઉત્સાહ બતાવ્યો – બસ પરિસ્થિતિને સ્વીકારી લીધી.
૧૪માં વર્ષે માર્જે એની વર્ષગાંઠને દિવસે જ્યોર્જને સ્પષ્ટ શબ્દોમાં મનમાં પડઘાતી રહેલી વાત કહી જ દીધી, “મારા ડેડ બનવાનો પ્રયત્ન નહી કરતા. તમે મારી મમના પતિ હશો, પરંતુ મારે માટે મમના મિત્રથી વધીને કાંઈ જ નથી. અને એક છાપરા નીચે રહેવાથી કોઈ સગું બની નથી જતું. ”
“માર્જ ડાર્લિંગ, એમ ન બોલાય, બેટા,” કહીને વેરાએ એ વાત ત્યાં જ સમેટી લીધી હતી પરંતુ વાત એમ ભલે સમેટાઈ ગઈ છતાં જ્યારે જ્યારે માર્જની આંખ જ્યોર્જ સાથે મળતી ત્યારે બોલાયા વગર પણ એ વાતના પડઘા પડતાં.
સેકન્ડરી સ્કૂલમાં જતી માર્જ ભણવામાં ખૂબ હોંશિયાર હતી, પરંતુ વેરાએ કરેલા આ બીજા લગ્નથી નાખુશ માર્જનું મન ભણવામાંથી ઊઠી ગયું અને બને એટલા જલદી એ ઘરમાંથી નીકળી કેમ જવું તેની યોજનાઓ કરતી રહેતી. એમાં પછી ભણવામાં મન ક્યાંથી લાગે? પછી વળી રીટાનો વિચાર આવતાં મન પાછું પડે. એના ડેડ એલને પણ બીજાં લગ્ન કરી લીધાં છે અને સ્વાભાવિક રીતે જ ત્યાં જવાનો દરવાજો પણ બંધ થઈ ગયો.
જાય તો ય ક્યાં જાય?
એમ કરતાં કરતાં બે વર્ષ નીકળી ગયાં. સ્કૂલમાંથી એને કાઉન્સેિલંગ માટે જવા કહ્યું પરંતુ એનો પણ ઈન્કાર કર્યો. રીટાને લઈને ભાગી જવાનું મન થાય પરંતુ પછીની પરિસ્થિતિનો વિચાર કરતાં કરતાં એને ઘણીવાર થતું કે એ ગાંડી થઈ જશે.
આ દરમ્યાન જ્યોર્જે વેરા પાસે એક તેમના પોતાના બાળકની માંગણી કરી પરંતુ વેરાને ખબર હતી કે જો એમ બને તો માર્જ અને રીટાનો પ્રતિભાવ કેવો આવશે. એ સારી રીતે જાણે છે કે જે દિવસે બન્ને છોકરીઓને ખબર પડે કે એ જ્યોર્જના બાળકની મા બનવાની છે, તે દિવસે એ એની બાપ વિહોણી દીકરીઓને ગુમાવી બેસશે અને મા વિહોણી પણ કરવાનું પાપ લાગશે.
વેરાના નકારથી જ્યોર્જ ધુંધવાઈ તો ઊઠ્યો પણ શું કરવું તે સૂઝ્યું નહીં.
જ્યોર્જે એક દિવસ ગુસ્સામાં, માર્જ ૧૬ વર્ષની થઈ ગઈ છે અને હવે ઘર છોડી દેવું જોઈએ એમ કહ્યું.
એક તરફ માર્જ સાથે રીટા પણ ઘર છોડવા તૈયાર થઈ ગઈ અને બીજી તરફ વેરાની હાલત કફોડી બની ગઈ.
વેરાએ કાકલુદી કરીને બન્ને છોકરીઓને રહેવા સમજાવી. ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી માની પરિસ્થિતિ જોઈને બન્નેએ માને આશ્વાસી અને મન કઠણ કરીને રહી ગયાં.
માંડ માંડ પરિસ્થિતિને સમથળ કરી અને નિરાંત અનુભવે છે ત્યાં તો એક દિવસ માર્જ સાવ મૂંગી બની બેઠી છે.
“કમ ઓન બેટા, ટેલમી વોટ્સ હેપન્ડ?”
વાત કહેશે તો ક્યાં તો મા એ વાત માનશે જ નહીં અથવા જો માનશે તો ફરીને એ ઘર અને પતિ વિનાની થઈ જશે એ વિચારે એ સહમી ગઈ.
વેરા તરફ એક ઠંડી અને અસહાય નજર નાંખીને ચૂપ જ રહી.
માની આંખમાં આંસુ જોઈને માંડ માંડ બોલી, “નથીંગ મમ, પ્લીઝ લીવ મી અલોન.”
રૂમમાં પ્રવેશતો જ્યોર્જ મા-દીકરીને વાતો કરતાં જોઈને પાછો વળી ગયો તો ય માર્જની આંખમાંથી નીક્ળતી ધિક્કારની જ્વાળા એને સ્પર્શી ગઈ.
નીચું મોં કરી ફ્રીઝમાંથી બિયરનું ટીન લઈને સિટીંગ રૂમમાં બેસીને પીવાનું શરુ કર્યું.
વેરા આવીને એની બાજુમાં બેસી ગઈ અને બોલી. “ખબર નહીં આ છોકરીને શું થયું હશે?”
જ્યોર્જે સાંભળ્યું – ન સાંભળ્યું કરીને ટી.વી.માં મન પરોવ્યું.
જ્યારથી માર્જ મૂંગી થાઈ ગઈ છે, ત્યારથી જ્યોર્જનું વર્તન પણ વેરાને વિચિત્ર લાગતું હતું એટલે એણે તો સહજ રીતે જ જ્યોર્જને પૂછ્યું, “ડાર્લિંગ, તારી સાથે તો એણે ઝઘડો નથી કર્યોને?
જ્યોર્જની ડાબી બાજુ પર બેઠેલી વેરાને એણે સાચે જ ‘ડાબા હાથની’ જડી દીધી.
‘પૂછ તારી લાડકીને મને શું પૂછે છે? લાડ કરી કરીને બગાડી નાંખી છે. મારી છોકરી હોયને …’
ત્યાં તો માર્જ રુમમાં ધસી આવી અને જ્યોર્જ સામે ઊભી રહી, ‘ બોલ, આગળ બોલ કે પછી હું તારું વાક્ય પૂરું કરું?’
જ્યોર્જે આવો પ્રતિભાવ નહોતો કલ્પ્યો. એ તો દર વખતની જેમ વેરાને ‘મનીપ્યુલેઈટ’ કરવા માંગતો હતો ..
હંમેશાં આવી પરિસ્થિતિમાં માર્જને ચૂપ રહેવાનું કહેતી વેરાએ માર્જને કહ્યું, ‘બોલ બેટા, એનું વાક્ય તું જ પૂરું કરી નાંખ.’
પોલ ખોલવાની પળ આવી ગયેલી જોઈને જ્યોર્જ માર્જને મારવા ગયો. વેરા આડો હાથ કરીને ઊભી રહી અને ડારતે અવાજે કહ્યું, ‘હાથ તો અડાડી જો એને … !’
પરિસ્થિતિને હાથમાંથી સરી જતી જોઈને રુમ બહાર જતાં જ્યોર્જની સામે જઈને માર્જ બેધડક બોલી, ‘તારી છોકરી હોત તો તેં મારી સાથે જે કર્યું તેમ એને તું રેઈપ કરતે?’
વેરા અવાક બની ગઈ.
માળ ઉપર ચૂપચાપ સઘળું સાંભળતી રીટા પણ નીચે ધસી આવી અને બાકી રહેલી વાત આગળ વધારી, ‘મમ, તેં આ માણસને એનું બાળક આપવાની ના પાડીને, તેની શિક્ષા એ અમને કરે છે.’ એક ગાળ બોલી એણે જ્યોર્જેને જોરથી તમાચો માર્યો.
બહાર સખત વરસાદ અને વાવાઝોડું હતું તેની પરવા પણ કર્યા વગર વેરાએ બન્ને છોકરીના હાથ પકડ્યા અને ઘર બહાર નીકળી ગઈ.
સુખ નામના પ્રદેશમાં જવા માટે થનગનતી વેરાને તેના બન્ને પતિઓએ આંધીગમન કરવા મજબૂર કરી દીધી!
************************
e.mail : nayna47@hotmail.com