જાહેરાત સમાજમાં ભાગલા પાડનારી છે કે જે ભાગલા છે એ પ્રગટ કરનારી છે, એ કેમ વિચારી શકતા નથી?
ના સાહેબો, ના. વાત પતી ગઈ છે. અગર પતવામાં છે એમ કૃપા કરી માનશો મા. મારો ઈશારો અલબત્ત સેન્ટ ઝેવિયર્સ કૉલેજ પરિસર(અમદાવાદ)થી સંચાલિત ‘હ્યુમન ડેવલપમેન્ટ ઍન્ડ રીસર્ચ સેન્ટર’ – એચ.ડી.આર.સી.એ થોડાક વખત પર પોતાના નોટિસ બોર્ડ પર મૂકેલી જાહેરાત તરફ છે. કમનસીબે, આ જાહેરાત અને એકંદર પ્રકરણને જેવું, રિપીટ જેવું અને જેટલું, રિપીટ, જેટલું ધ્યાન અપાવું જોઈએ એવું અને એટલું અપાયું જણાતું નથી. ચર્ચવાનો મુદ્દો ચકચાર અને વિચારવાનો મુદ્દો તનાવ તેમ જ તોડફોડમાં દબાઈ કે ઢંકાઈ ગયો છે.
રહો, પહેલાં એચ.ડી.આર.સી. વિશે અને એની જાહેરાત બાબત થોડી વાત કરી લઈએ. સેન્ટ ઝેવિયર્સ સર્વિસ સોસાયટીની પરંપરામાં ‘હ્યુમન ડેવલપમેન્ટ ઍન્ડ રીસર્ચ સેન્ટર’ની સ્વયંસેવી સમાજસેવી કારકિર્દી અને કામગીરી રહી છે. 2001ની આસમાની (ધરતીકંપ) હોય કે 2002ની સુલતાની, અસરગ્રસ્તોને સહાયરૂપ થવામાં ને બેઠા કરવામાં ગુજરાતે એમની તત્પરતા જોઈ જ છે. જંગલના અધિકારો, બાળમજૂરી જેવા સવાલોમાં પણ એ સક્રિય છે. સ્થાપિત પક્ષો અને સ્થાપિત હિતોને એને અંગે અકળામણ છે કે ફરિયાદ હોઈ શકે એવું બને, કેમ કે એસ્ટાબ્લિશમેન્ટ માત્રને પોતાની જવાબદારી બાબતે પૂછનારાઓ બધો વખત સોરવાતા નથી.
હશે. તાજેતરમાં આ સેન્ટરે એક જાહેરાત પોતાની નોટિસ બોર્ડ પર એવી મૂકી હતી જે કોઈને કદાચ ‘નિર્દોષ’ અને ‘નિર્દેશ’ ન પણ લાગે. કંઈ નહીં તો પણ એ જાહેરાત જાણે ‘જોણું’ છે એવું તો ઘણાબધાને લાગે – અને કેટલાક એમાં પોતાને અંગે ‘નીચાજોણું’ પણ વાંચવા ઈચ્છે. જાહેરાત હતી ટોઇલેટસફાઈ માટે માણસોની. પણ એમાં એક જોગવાઈ એવી દર્શાવી હતી કે કથિત ઉચ્ચ વરણને – બ્રાહ્મણ, પટેલ, જૈનને – તેમ જ સૈયદ અને પઠાણ તથા સિરિયન ક્રિશ્ચન અને પારસી ઉમેદવારોને અગ્રતા અપાશે.
આ જાહેરાતને મહિનોમાસ કે થોડો વધુ વખત થયો હશે અને સંસ્થા પર રાજપૂત શૌર્ય ફાઉન્ડેશન, યુવા શક્તિ સંગઠન, સુન્ની અવામી ફોરમ વગેરે તરફથી એકદમ જ ધોંસ આવી. યુવા શક્તિ સંગઠન જરી વધુ જ તાનમાં હશે. એણે કહ્યું કે અમારું આંદોલન શાંતિપૂર્ણ કે ગાંધીવાદી નહીં હોય. (થૅંક ગૉડ, વીર વણઝારાના અમરેલી ઓવારણાના એક આયોજકની જેમ એમણે એમ ન કહ્યું કે અમે ગોડસેવાદી છીએ.)
બ્રહ્મસમાજ અલબત્ત પાછળ ન જ હોય. એના વકીલ નેતાના શબ્દોમાં આ પ્રકારની જાહેરાત નાતજાતધરમકોમ આદિના ધોરણે શત્રુવટ પ્રેરનારી અને સમાજને વહેંચનારી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સમક્ષ એકંદર સેન્ટરના સંચાલક પ્રસાદ ચાકો સામે આ સંદર્ભમાં આઇ.પી.સી. 153એ અન્વયે ફરિયાદ નોંધાયાના પણ હેવાલો છે. નાનાવિધ વિરોધી સંસ્થાઓમાં એન.એસ.યુ.આઇ.એ દાખવેલ રણરંગ ઉર્ફે તોડફોડની જિકર પણ અહીં લાજિમ છે. યથા પ્રસંગ જે સૂત્રો આ ગાળામાં પોકારાતાં રહ્યાં એમાંના એક પ્રમાણે ‘આ જાહેરાત અમને નીચા પાડવા કે હલકા ચીતરવા માટે છે’, એવો સૂર નીકળતો હતો.
એક મહિનાથી વધુ સમય વીતી ગયા પછી, આ બધા જે સહસા પડમાં પધાર્યા એમાં એક વિલક્ષણ પત્રબાણ, દેશના બહુમતી મુસ્લિમો(બરેલવી સુન્નીઓ)ના પ્રતિનિધિત્વનો દાવો કરતી રઝા એકેડમીનું હતું. એકેડમીએ દેશમાં રાહત અને સેવાનાં કામોમાાં ઠીક ઠીક હાથ બટાવ્યો ગણાય છે. પણ એના મંત્રીએ સેન્ટર પર આ જાહેરાત જોગ પત્રમાં લખ્યું કે તમે ‘સચ એન ઇન્સલ્ટિંગ જૉબ’ વાસ્તે સૈયદોનું નામ લીધું એ બરદાસ્ત કરી શકાય નહીં, કેમ કે સૈયદો તો પયગંબરસાહેબના સીધા વંશ જ છે અને આવા ગંદા કામમાં એમને જોતરાવા કહ્યું તે તૌહીન છે.
વાચક જોશે કે આ જાહેરાતથી અમને નીચા પાડ્યા કે અમારું અપમાન કર્યું એવી લાગણી રાજપૂત શૌર્ય ફાઉન્ડેશન, યુવા શક્તિ સંગઠન, બ્રહ્મસમાજ, સુન્ની અવામી ફોરમ, રઝા એકેડમી એ સૌની ઓછી વત્તી એક સરખી છે. બ્રહ્મસમાજે જો કે એટલું જરૂર કહ્યું છે કે અમે એસ.સી.-એસ.ટી. અને બીજાઓના વિરોધી નથી, પણ આ જાહેરાતનો હેતુ સમાજમાં ભાગલા પાડવાનો છે.
ભાઈ, હ્યુમન ડેવલપમેન્ટ ઍન્ડ રીસર્ચ સેન્ટરે આપેલી જાહેરાતથી કોઈને અકળામણથી માંડી ઉશ્કેરણી જેવું અનુભવાતું હોય તો પણ અને આવી જાહેરાત આપવી તે સલાહભર્યું છે કે નહીં એવો સવાલ ઊઠતો હોય તો પણ એને અંગે બે રીતે વિચારવાપણું અને જાત જોડે જવાબ માગવાપણું તો રહે જ છે. આ જાહેરાત સમાજમાં ભાગલા પાડનારી છે કે જે ભાગલા છે એને પ્રગટ કરનારી છે, એ આપણે કેમ વિચારી શકતા નથી. જો જનરલ કેટેગરી માટે મળમૂત્રસફાઈ સેવા અરજી માટે ખુલ્લી મૂકાતી હોય તો ભેદભાવ તો નૉન-જનરલ કેટેગરી એટલે કે પરંપરાગત રીતે આ કામ કરનારાને થાય છે.
તો, અવાજ તો એમણે ઉઠાવવો જોઈતો હતો. બલકે, ભલે પછીથી એ પુસ્તકની પાંચ હજાર નકલો ચલણમાંથી ચૂપચાપ પાછી ખેંચી લેવાઈ હો, પણ ગુજરાતમાં શીર્ષ સત્તાસ્થાનેથી સફાઈ સેવામાં રત પરંપરાગત વાલ્મીકિ સમુદાયને અધ્યાત્મનું પ્રમાણપત્ર અપાયું હતું, એ હકીકત છે. તો, એચ.ડી.આર.સી.ની જાહેરાતમાં જનરલ કેટેગરીને અગ્રતા અપાયાથી તોડફોડ સહિતની વિરોધલાગણી તો નાતજાતગત પરંપરાગત સફાઈ કામદારો તરફથી પ્રગટ થવી જોઈતી હતી.
ગમે તેમ પણ, આ જાહેરાત બાબત માફી માગો કે ન માગો, પોલીસ સમતા અને બંધુતાને ધોરણે કારવાઈ કરો કે ન કરો, દેખીતી શાંતિ સ્થપાયા પછી પણ ઘીના ઠામમાં ઘી પડ્યાનો રાહત ઓડકાર ન તો શક્ય છે, ન તો ઈષ્ટ છે. જેઓ અકળાયા ને ઉશ્કેરાયા, શાંતિમય નહીં એવા વિરોધરસ્તે વળ્યા, એ સૌ કથિત ઉપલી વરણના છે અને એક સમાજ તરીકે આપણો ભેદભાવભર્યો વાંસો દેખાઈ ગયો, એથી બહાર આવ્યા છે. એન.એસ.યુ.આઇ.ને પણ આ જાહેરાત સામે મેદાનમાં ઊતરવાની ચળ ઊપડી તે દર્શાવે છે કે તેઓ જે રાજકીય પક્ષ જોડે સંકળાયેલા છે એમાં બંધુત્વ અને નાગરિકતાનો સંસ્કાર કેટલો ઓછો છે.
વસ્તુત: ગુજરાતે વીસમી સદીની છેલ્લી વીસી બેસતે જે અનામતવિરોધી ઉત્પાત જોયો એમાં બંને મુખ્ય પક્ષોના બીજીત્રીજી હરોળના કાર્યકરો સક્રિય હતા એ વરવું વાસ્તવ છે. રાજ્યનાં ટ્રેડ યુનિયનો પણ સહકામદાર તરીકેની ભાવના ચૂકીને નાતજાતગત વહેંચાઈ ગયાં હતાં. ખરો મુદ્દો તો આ અને આ જ છે. પટેલ અનામત આંદોલનને આ ઘટનાક્રમ સંદર્ભે શી રીતે જોશું, વારુ. કાં તો અમને પણ અનામત આપો કે પછી અનામત નાબૂદ કરો, એવું એક તબક્કે જોરશોરથી કહેવાયું હતું. ભાઈ, બંધારણના ઘડવૈયાઓએ જે કારણે અનામતી જોગવાઈ વિચારી હતી એનું લૉજિક અને આપણું સામાજિક વાસ્તવ તો તપાસો.
એચ.ડી.આર.સી.ની ઉક્ત જાહેરાત સામે જેઓ બહાર આવ્યા એમણે સામાજિક અસલિયતને ફરી એક વાર ઉજાગર કરી આપી છે. એનો જવાબ પટેલ અગર જાટ કે એવી તેવી અનામતોની માંગણીમાં નથી. સમાજસુધારણામાં અને ‘જૉબલેસ ગ્રોથ’ ન થાય એવી આર્થિક વ્યવસ્થામાં એનો જવાબ હોય તો હોય. તમારાં શૌર્યશક્તિ ફોરમોએ ફતેહ કરવાનો કિલ્લો તો સમાજસુધારાનો અને અર્થનીતિસુધારણાનો છે. જરી ધોરણસર લડી તો જાણો, મારા ભૈ.
અરે, માથે મેલું ઉપાડવાની નાબૂદી ગાંધી શતાબ્દીએ ન થઈ અને આંબેડકર એકસો પચીસીમી ય આ ઊઘલી! રાજકીય-શાસકીય સંકલ્પશક્તિને થોડોક પ્રજાસૂય આંચકો આપી જાણો તો તમને શૂરા બકું.
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : ‘વિચારવાની વાત’, “દિવ્ય ભાસ્કર”, 02 જુલાઈ 2016