વિદેશી નાણાં દ્વારા સેવા ન કરવાનો અબ્દુલ સત્તાર એધીએ સંકલ્પ કર્યો હતો અને પાકિસ્તાનના મુસ્લિમોએ, ખાસ કરીને ગુજરાતી મુસ્લિમોએ ક્યારે ય એધીસાહેબનો સંકલ્પ તૂટવા નથી દીધો. શરૂઆત બે લાખ રૂપિયા અને એક અૅમ્બ્યુલન્સ સાથે થઈ હતી. આજે એધી ફાઉન્ડેશન પાસે 1,800 અૅમ્બ્યુલન્સ છે અને સેવાનાં અનેક ક્ષેત્રોમાં કામ કરે છે
પાકિસ્તાનમાં માત્ર આતંકવાદીઓ જ વસે છે એમ માનવામાં ઘણા હિન્દુઓને આનંદ આવે છે. પાકિસ્તાનમાં આબિદા પરવીન જેવાં સૂફી ગાયકો પણ વસે છે અને હમણાં જ જન્ન્તનશીન થયેલા અબ્દુલ સત્તાર એધી જેવા જીવતા પીર કે ફકીરો પણ વસે છે. તેમણે પોતાની જિંદગી દુ:ખી લોકોની સેવા કરવામાં ઘસી નાખી હતી અને આજીવન પોતે એક નાનકડા ઓરડામાં સાદગીપૂર્વક જીવ્યા હતા. પાકિસ્તાનમાં આતંકવાદી હિંસાની ઘટના વખતે કે કુદરતી આફતો વખતે એધી ફાઉન્ડેશનની ઍમ્બ્યુલન્સો અને વૈદકીય રાહત પહોંચાડવા દોડદોડી કરતા સ્વયંસેવકો જોયા હશે. પાકિસ્તાનમાં એવી કોઈ દુ:ખદ ઘટના ઘટી નહીં હોય જ્યાં એધી કે એના માણસો આંસુ લૂછવા ઉપસ્થિત ન હોય. તેઓ પાકિસ્તાનના ફાધર ટેરેસા કે એન્જલ ઑફ મર્સી તરીકે ઓળખાતા હતા અને આપણે ગર્વ લેવો જોઈએ કે તેઓ ગુજરાતી મુસ્લિમ હતા.
અબ્દુલ સત્તાર એધીનો જન્મ 1928માં ગુજરાતમાં જૂનાગઢ નજીક બાંટવામાં થયો હતો. જો જૂનાગઢના નવાબે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનો નિર્ણય ન લીધો હોત અને એ પછીથી જૂનાગઢ રિયાસતમાં જે ઘટનાઓ બની એ ન બની હોત તો કદાચ એધી બાંટવા છોડીને પાકિસ્તાન ન ગયા હોત. બને કે એ પછીનાં લોહિયાળ વર્ષોમાં પાકિસ્તાનને ફાધર ટેરેસાની જરૂર પડવાની હતી એટલે એધીના નસીબમાં પાકિસ્તાન જઈને વસવાનું લખાયું હશે. એધી જેવા માનવતાવાદીઓને પોતાનું માદરે વતન છોડવું પડે એ શરમની વાત છે અને એનાથી પણ મોટી શરમની વાત એ છે કે તાલિબાનો એધી જેવા એન્જલ ઑફ મર્સીની હત્યા કરવાનો પ્રયાસ કરે. માણસ બહુ ધીમી રફતારે સુધરે છે અને એધી જેવાઓ આપણને યાદ અપાવતા રહે છે કે આપણે હજી માનવતાની મંઝિલથી ઘણા દૂર છીએ. પાકિસ્તાનમાં મુસ્લિમોની એક જમાત એધીને કાફિર તરીકે ઓળખાવતી હતી, કારણ કે તેઓ દરેક ઇન્સાનમાં અલ્લાહને જોતા હતા. એક વાર કોઈ ધર્મઝનૂની માણસે એધીને સવાલ કર્યો કે તમે તમારી ઍમ્બ્યુલન્સમાં કાફિરોને શા માટે લઈ જાઓ છો ? એધીએ તેમને જવાબ આપ્યો હતો કે ઍમ્બ્યુલન્સ તમારા કરતાં સાચી મુસલમાન છે એટલે.
અબ્દુલ સત્તાર એધી 11 વર્ષના હતા ત્યારે તેમની માતાને પક્ષાઘાતનો હુમલો આવ્યો હતો. 11 વર્ષના અબ્દુલને સેવાના સંસ્કાર માતાની સારવાને કારણે મળ્યા હતા. એધી કહેતા પણ ખરાં કે માતાની માંદગી માનવીની પીડાને સમજવા માટેનો અવસર બનીને આવી હતી. એધી 19 વર્ષના હતા ત્યારે ભારતનું વિભાજન થયું હતું. જૂનાગઢ નવાબને કારણે કોમવાદી વમળમાં ફસાયું હતું, મુસ્લિમોની સ્થિતિ નોધારા જેવી થઈ ગઈ હતી અને અમ્મી જિંદગીના છેલ્લા દિવસો ગણી રહ્યાં હતાં. લકવાગ્રસ્ત માતાને લઈને સ્થળાંતર મુશ્કેલ હતું અને બાંટવામાં જિંદગી વસમી થતી જતી હતી. એ યાતનામય દિવસોમાં જ માતાનું અવસાન થયું હતું અને પછી તરત જ એધી કરાચી ચાલ્યા ગયા હતા.
અબ્દુલ સત્તાર એધીએ કરાચી જઈને પ્રારંભમાં પોતાને અને પોતાના પરિવાને થાળે પાડવાની જદ્દોજહદ કરવી પડે એમ હતી તો સામે વિભાજન પછી કરાચી શહેર પણ લોહીલુહાણ હતું. ભારતથી પાકિસ્તાન ગયેલા ગરીબ નિરાશ્રિતો ઘરની ફાળવણીના અભાવમાં છાવણીઓમાં અને કેટલાક તો રસ્તા પર પડ્યા હતા. મલેરિયા અને કૉલેરા જેવી બીમારીઓમાં લોકો મરતા હતા ત્યારે પોતાના માટે છાપરું શોધનારા એધીએ નિરાશ્રિતો માટે આઠ બાય આઠનું પતરાનું છાપરું બાંધીને સેવા કરવા માંડી હતી. કરાચીમાં એધી ફાઉન્ડેશનની સેવાપ્રવૃત્તિની આ રીતે શરૂઆત થઈ હતી. અબ્દુલ એધીએ પોતાના ગુજારા માટે કપડાંની દલાલી શરૂ કરી હતી, પરંતુ બહુ જલદી તેમને જીવનનું મિશન હાથ લાગી ગયું અને એ પછી તેઓ પોતાના માટે જીવ્યા નથી એમ કહી શકાય.
અબ્દુલ સત્તાર એધી મેમણ હતા તથા પાકિસ્તાનમાં અને ખાસ કરીને કરાચીમાં મેમણોનું આર્થિક સામ્રાજ્ય છે. એધીએ સેવાની શરૂઆત કરી અને મેમણ જમાતની મદદ મળવા લાગી. સંકટ સમયે સંકટગ્રસ્તોના પડખે ઊભા રહેવાની ગુજરાતની મહાજન-પરંપરા ગુજરાતી મેમણોએ પાકિસ્તાનમાં જાળવી રાખી છે. હવે વતન તો પાછળ છૂટી ગયું હતું, પરંતુ ઔરંગી આકાર લઈ રહ્યું હતું. ઔરંગી નામથી કેટલાક વાચકો પરિચિત હશે. ઔરંગી પાકિસ્તાનનું ધારાવી છે અને ધારાવી કરતાં ઘણી મોટી ઝૂંપડપટ્ટી છે. બાવીસ ચોરસ કિલોમીટરમાં પથરાયેલા અને વિશ્વના બીજા નંબરના શેન્ટી ટાઉન તરીકે ઓળખાતા ઔરંગીમાં મુહાજિરો રહે છે જેમનું જીવન વિભાજનને સાત દાયકા થવા આવ્યા છતાં થાળે નથી પડ્યું. એ ઉપરાંત ભારતની માફક પાકિસ્તાનમાં પણ ગામડાં તૂટી રહ્યાં છે અને શહેરીકરણ થઈ રહ્યું છે એટલે ગ્રામીણ સિંધી મુસલમાનો પણ ઔરંગીમાં મોટી સંખ્યામાં રહે છે. જો દિલમાં હમદર્દી હોય અને કાન કોઈના ઊંહકારા સાંભળવા જેટલા સરવા હોય તો આ યુગમાં ચારે બાજુ દુઃખનો દરિયો છે.
વિદેશી નાણાં દ્વારા સેવા ન કરવાનો અબ્દુલ સત્તાર એધીએ સંકલ્પ કર્યો હતો અને પાકિસ્તાનના મુસલમાનોએ, ખાસ કરીને ગુજરાતી મુસલમાનોએ ક્યારે ય એધીસાહેબનો સંકલ્પ તૂટવા દીધો નથી. શરૂઆત બે લાખ રૂપિયા અને એક ઍમ્બ્યુલન્સ સાથે થઈ હતી. આજે એધી ફાઉન્ડેશન પાસે 1,800 ઍમ્બ્યુલન્સ છે અને સેવાનાં અનેક ક્ષેત્રોમાં કામ કરે છે. એધીસાહેબે તેમની સાથે કામ કરતી બિલ્કિસબાનુ નામની નર્સ સાથે લગ્ન કર્યાં હતાં અને તેમણે મળીને ઝૂલાની યોજના બનાવી હતી. આજે પાકિસ્તાનમાં દરેક જગ્યાએ એધી સેન્ટરની બહાર ઝૂલો લટકતો જોવા મળશે. જેને અનૌરસ કે ઔરસ નવજાત શિશુ ન જોઈતું હોય તે કોઈને જાણ ન થાય એમ બાળકને ઝૂલામાં મૂકી જઈ શકે છે. એધી પરિવાર તે બાળક કોઈને દત્તક આપે છે અને જો કોઈ દત્તક લેનાર ન મળે તો પોતે તેને ઉછેરે છે. પાકિસ્તાનમાં અનેક લોકોનાં મા-બાપ એધી દંપતી છે.
એધીસાહેબે ક્યારેય કોઈ હોદ્દો ભોગવ્યો નથી, પરંતુ અબ્દુલ સત્તાર એધી પહેલા પાકિસ્તાની ખાનગી નાગરિક છે જેમને સરકારી સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા. પાકિસ્તનમાં સ્ટેિડયમમાં તેમના માનમાં યોજાયેલા નમાજ-એ-જનાજામાં લાખો લોકો ઊમટ્યા હતા. નવાઝ શરીફ લંડનમાં બાયપાસ સર્જરી પછી આરામ કરી રહ્યા છે એટલે તેઓ આવી શક્યા નહોતા; પરંતુ તેમના ભાઈ, પ્રાંતોના મુખ્ય પ્રધાનો, ગવર્નરો, કેન્દ્રીય પ્રધાનો વગેરે સુરક્ષાની ચિંતા કર્યા વિના હાજર રહ્યા હતા.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 12 જુલાઈ 2016