ઘણાં વર્ષો પહેલાંની – લગભગ ચોવીસેક વર્ષો પહેલાંની આ વાત છે. અમારાં એક સમ્બન્ધી પાસે વેલિંગ્ટનમાં શૉપ હતી. એ શૉપ વેલિંગ્ટનના એક પરામાં, અમે રહીએ છીએ ત્યાંથી લગભગ ૩૦થી ૩૫ કિલોમીટર દૂર છે. એ લોકો હોલીડે કરવા કેટલાક સમય માટે સ્વદેશ જવાનાં હતાં. આથી એ શૉપ સંભાળવાનું અમને કહ્યું.
જે વિસ્તારમાં એ શૉપ હતી ત્યાંની લોકાલિટી કંઈ બહુ સારી તો ન હતી; પણ અમારાં એ સમ્બન્ધીઓને હેલ્પ થાય એટલા માટે અમે, એટલે કે મેં અને મારાં પત્નીએ શૉપ સંભાળવાનું સ્વીકાર્યું હતું. હા, કુદરતી સૌંદર્યની દૃષ્ટિએ તો સ્થળ ઘણું જ રળિયામણું છે. એક ડુંગર પાર કર્યા પછી આ નાનકડો કસ્બો શરૂ થાય છે. કંઈક અંશે થોડો ઉચ્ચ પ્રદેશ કહી શકાય એવો એ એરિયા છે. આથી જ કદાચ વેલિંગ્ટન કરતાં ત્યાં ઠંડી વધુ હોય છે. વેલિંગ્ટનમાં સ્નો ભાગ્યે જ પડે છે – અમારા ચાળીસ વર્ષના અહીંના વસવાટમાં માત્ર એક જ વાર સાવ નજીવો સ્નો પડેલો અમે જોયો છે; પણ જે સ્થળની હું વાત કરું છું, ત્યાં કોઈ કોઈ વાર શિયાળામાં સ્નો પડે છે.
શૉપમાં આવનારાં મોટા ભાગનાં લોકો બહુ ફ્રેન્ડલી હોવા છતાં પણ; કોઈ કોઈ ચોરી કરી જતા. નાની વસ્તુ બાંયમાં સંતાડીને લઈ જતા અમુક લોકોને અમે જોયેલા. એટલું જ નહીં; અમે શૉપ સંભાળી ને થોડા સમયમાં રાત્રીના સમયે શૉપનું તાળું તોડીને ચોરી પણ થયેલી.
એક દિવસ એક ભાઈ આવ્યા. ચિપ્પીઝ(પોટેટો ચિપ્સ)ની નાની બેગ એને જોઈતી હતી.
એણે ભાવ પૂછ્યો, ‘આનું શું લેવાના?‘
મેં કહ્યું, ‘૮૦ સેન્ટ.’
એ કહે, ‘કેમ એટલા બધા ?’
‘ભાઈ, આ પ્રકારની શોપમાં એનો બધે આ જ ભાવ હોય છે.’
‘તમે લોકો અમને લૂંટો છો. મને એ ૫૦ સેન્ટમાં આપ.’
‘ના, ૫૦ સેન્ટમાં તે તમને ન મળી શકે, તમારે લેવી જ હોય તો ૮૦ સેન્ટ આપીને લઈ જાઓ.’
આ રીતે એમણે ઘણી જીભાજોડી કરી.
છેવટે એને મેં કહ્યું, ‘તમારા માગેલા ભાવે તમને એ મળી શકશે નહીં. તમને જોઈતી હોય તો ૮૦ સેન્ટ આપીને લઈ જાઓ.’
ત્યારે એ મારા પર ખૂબ જ ગુસ્સે ભરાયો અને મને કહે, ‘તું બહાર આવ, તને બતાવી આપું.’
આમ કહેવા પાછળનું કારણ અહીંના કાયદા પ્રમાણે એ મારી મારપીટ દુકાનમાં જ, એટલે કે મારી જ પ્રોપર્ટીમાં કરે, તો એ ઘણો મોટો ગુનો ગણાય.
મેં એને કહ્યું, ‘જુઓ, હું કંઈ જંગલમાં નથી રહેતો, જંગલી નથી. હું કાયદાને અનુસરીને ચાલનારો છું. વસ્તુ તમારે ખરીદવી હોય તો એનો અમારો જે ભાવ છે, તે આપીને લઈ જાઓ.’
‘સારું હું તમને જોઈ લઈશ. અને એ ચિપ્પીઝ લીધા વિના ચાલી ગયો.
આ પછી શૉપમાં દૂધની ડિલિવરી કરનારું કપલ આવ્યું. એ લોકોએ કદાચ અમારી વચ્ચેની વાતચીત–જીભાજોડી ઘણીખરી સાંભળી હશે. એ બન્ને જણાં ઘણાં ઓલ્ડ હતાં. ઓલ્ડ લેડી મને કહે, “મિ. પટેલ, તમે જાણો છો કે તમારી સાથે દલીલ કરનાર કોણ હતો? એ અહીંનો નામચીન અને પહેલા નંબરનો ગુંડો છે. પોલીસ પણ એને કશું ન કરે.”
દેખીતું છે કે અમે એ વિસ્તારથી અજાણ્યાં હતાં, આથી અમને તો કશી જ ખબર ન હતી, કે એ કોણ હતો અને કેવો હતો. પણ મારા સ્વભાવ મુજબ કોઈ ગેરવ્યાજબી માગણી કરે તો તેને તાબે ન થવું, એ રીતે મેં એની સાથે દલીલ કરી હતી. શારીરિક રીતે તો મને એ ચપટીમાં ચોળી–રોળી નાખે તેવી હાઈટવાળો અને કદાવર દેખાતો હતો.
શૉપમાં તે દિવસે અમે બંને જણાં હતાં. બાકી કેટલીક વાર શૉપમાં મારાં પત્ની એકલાં જ હોય, કેમ કે મારે શોપ માટે ખરીદી કરવા જવાનું હોય. તો કોઈક વાર હું પણ શૉપમાં એકલો હોઉં. વળી શૉપ સાથે રહેઠાણની વ્યવસ્થા ન હતી. એટલે કે એ લોકઅપ શૉપ હતી. આથી રાત્રે શૉપ બંધ કરીને ઘરે જવાનું થાય.
પણ મને નવાઈ એ વાતની લાગી કે એ માણસ ફરી મને કદી રસ્તામાં મળ્યો નથી અને નડ્યો નથી કે ફરી કદી અમારી એ શૉપમાં પણ આવ્યો નથી. જે મને ધમકી આપીને ગયેલો અને નંબર વન ગુંડાગીરી કરનાર હતો એમ કહેવાતું હતું, તો પછી એણે કેમ કશું કર્યું નહીં હોય?
હા, એ ખરું કે મેં એનું કશું બગાડ્યું ન હતું. જે સત્ય હકીકત હતી, તે જ મેં એને વિનયથી; પણ મક્કમતાથી કહી હતી, કે પચાસ સેન્ટમાં એ વસ્તુ આપવાનું અમને પરવડે નહીં તેથી પચાસ સેન્ટમાં એને આપવામાં આવશે નહીં.
બસ, આટલું જ !
પણ આ પ્રસંગે મને વિચારતો કરી મુક્યો. મને લાગે છે કે ના પાડવામાંયે આપણી મક્કમતા, વિનમ્રતા, ગ્રાહક પ્રત્યે સદ્ ભાવ; તોછડાઈ કે તુચ્છકારનો સદન્તર અભાવ જ કારણભૂત હશે.
બાકી, કેમ તેણે અમને જવા દીધાં હશે ?
વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ
લેખક-સમ્પર્ક : Gandabhai Vallabhbhai Patel, 77 Freyberg Street, Lyall Bay, WELLINGTON – 6022 – New Zealand
સૌજન્ય : ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ બારમું – અંકઃ 353 – July 24, 2016; અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર