સંકુચિતતાને બને તેટલી સાંકડી કરો,
ઘટ્ટ કરો,
સંસ્કૃિત રક્ષણ કરો.
કહેવાય છે
સભ્યતા,
માનવીય સંવેદના,
સંસ્કૃિતશિખર પહોંચવાનું પ્રથમ સોપાન છે.
તો શું ?
સભ્ય બનો વા ના બનો,
સાંસ્કૃિતક બનો.
એક ગોળ ગુંબજ બનાવો,
જેમાં એક દીવાલ પાસે ઊભા રહી બોલાયેલો અવાજ
સામેની દીવાલ પાસે ઊભા હોય એમને જ સંભળાય,
વચ્ચે ઊભા રહી ટળવળતા લોકનો અવાજ ગુંબજમાં ઓસરી જાય.
વચલા ટોળાને ટાળી
દીવાલથી દીવાલ સુધીની તર્કથી તરબતર વાતો કરો.
બુદ્ધિમતાની છલૂડીમાં છલોછલ પાણી ભરો,
મનગમતા સરમુખત્યારોની સ્મૃિત સમક્ષ માથું નમાવીને ઊભા રહો.
વાવની દોઢીએ બાંધો
અસલીનકલી જે મળે,
અતિ આધુનિક પોષાકો પટ્ટા,
કૂમતાં ફેંટા, ખેસ, દુપટ્ટા,
બાંધો નાડી સાડી.
પોતપોતાની બાજુએ ખેંચો,
ખેંચો તમતમારા પૂર્વગ્રહોના પાદર તરફ.
પાણીની સવલતનું તે જે થવાનું હશે તે થશે,
વાવડીને એક ફેરા ચસકાવો.
બીજા બનાવે તે પહેલાં
જાતે બનાય તેટલું બનો.
બોસ્ટન, અમેરિકા
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 07