રાજનાથ ભલે સંયુક્ત રાષ્ટ્રમાં હિંદીને રાષ્ટ્રભાષા ગણાવતા હોય, આજ લગી હિંદીને આ દરજ્જો પ્રાપ્ત થયો નથી
હમણાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિટ્ઝર્લેન્ડ, અમેરિકા અને મૅક્સિકોમાં ટૅલિ-પ્રૉમ્પ્ટરના ટેકે પ્રભાવી અંગ્રેજીમાં સંબોધનો કર્યા પછી ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં શાંઘાઈ સહકાર સંગઠનના દેશોની પરિષદમાં એ સહભાગી થયા ત્યારે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની સીધી મંત્રણામાં તેમણે હિંદીમાં બોલવાનું પસંદ કર્યું. મોદીએ દુભાષિયાના ટેકે શી સાથે હિંદીમાં વાત કરી અને જિનપિંગે આપણા વડા પ્રધાન સાથે દુભાષિયાના માધ્યમથી ચીની-મૅન્ડેરિન ભાષામાં સંવાદ સાધવાનું પસંદ કર્યું.
વડા પ્રધાન મોદીની સત્તાવાર વૅબસાઈટ પર ઝળકતી તસવીરોમાં ટૅલિ-પ્રોમ્પ્ટર દેખા દે છે. એટલે એના વપરાશ વિશે પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે, પરંતુ વડા પ્રધાન સમય, સંજોગો અને શ્રોતાગણ જોઈને કઈ ભાષામાં બોલવું એ નક્કી કરવા માટે સ્વતંત્ર છે. પશ્ચિમના દેશોમાં ટૅલિ-પ્રોમ્પ્ટરનો ઉપયોગ વિવિધ દેશોના નેતાઓ કરતા હોય છે અને ઘરઆંગણે મોદી પૂર્વેનાં વડા પ્રધાનો અને મુખ્યમંત્રીઓ પોતાનાં વ્યાખ્યાનો લખી આપવા માટે તેજસ્વી લહિયા રાખતાં રહ્યાં છે એટલેસ્તો ‘ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર’ કે પછી ‘ટપ ટપથી નહીં, પણ મમ મમથી જ’ સંબંધ રાખવાનું યોગ્ય લેખાય.
ભારત આઝાદ થયું ત્યારથી એની રાષ્ટ્રભાષા (નેશનલ લૅંગ્વેજ) હોવી જોઈતી હતી, પરંતુ બંધારણસભામાં જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અભિપ્રેત ઉર્દૂની છાંટવાળી હિંદુસ્તાની અને સંસ્કૃતની છાંટવાળી હિંદી બાખડવાના સંજોગોમાં દક્ષિણ ભારતનાં રાજ્યોના તર્કને આગળ કરીને પંદર વર્ષ માટે રાજભાષા (ઑફિશિયલ લૅંગ્વેજ) તરીકે હિંદીની સાથે જ અંગ્રેજી પણ રખાઈ. પંદર વર્ષને આજે ૭૦ થવા આવ્યાં, છતાં ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિંદી હજુ સ્વીકારી શકાઈ નથી.
અંગ્રેજીનું ચલણ યથાવત્ રહ્યું છે, અને દેશની કુલ રર ભાષાઓને સત્તાવાર ભાષાઓ તરીકે સ્વીકૃતિ અપાયા છતાં અલાહાબાદ, પટણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની વડી અદાલતો સિવાયની દેશની તમામ વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતમાં પણ હિંદી ભાષા હજુ અસ્પૃશ્ય જ રહી છે. ગુજરાતની વડી અદાલતની ખંડપીઠે જાન્યુઆરી-ર૦૧૦માં ‘હિંદી રાષ્ટ્રભાષા નથી’ એવા આપેલા ચુકાદાને હજુ કોઈએ પડકાર્યાનું જાણમાં નથી અને છોગામાં સર્વોચ્ચ અદાલતમાં હિંદીમાં રજૂઆત કરવા માટે જાહેર હિતની કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દેવાઈ છે. ગુજરાતના સ્વર્ગસ્થ કાયદાપ્રધાન અશોક ભટ્ટ વડી અદાલતના કામકાજમાં ગુજરાતીને દાખલ કરવાના પક્ષે હતા, પણ હવે એ વાત હવાઈ ગઈ લાગે છે.
“હું એ પક્ષ સાથે સંબંધ ધરાવું છું કે જેણે આજ લગી કહ્યું છે કે, આપણે અંગ્રેજીને દૂર કરવી જોઈએ. ભારતીય ભાષાઓમાં જ કામ કરવું જોઈએ.” એવું કહી લોકસભામાં જનસંઘના નેતા તરીકે ૧ર ડિસેમ્બર, ૧૯૬૭ના રોજ સરકારી ભાષા સુધારણા વિધેયકનો વિરોધ કરતાં પોતાનો મત રજૂ કરનારા અટલ બિહારી વાજપેયીએ ૧૯૭૭માં દેશના વિદેશ પ્રધાન તરીકે સંયુક્ત રાષ્ટ્રમાં હિંદીમાં ભાષણ કર્યું, ત્યારે એમનું ગૌરવ કરવામાં આવ્યું હતું. જો કે વાજપેયી પહેલાં પણ સંયુક્ત રાષ્ટ્રમાં હિંદીમાં ભાષણ કરવાનો યશ પંડિત પ્રકાશવીર શાસ્ત્રીને ફાળે જાય છે. પંડિત શાસ્ત્રી આર્યસમાજી હતા. સંસ્કૃતના વિદ્વાન હતા. ઘણો લાંબો સમય એ લોકસભા અને રાજ્યસભાના સભ્ય હતા. સામાન્ય રીતે એ અપક્ષ સાંસદ હતા, પણ એકવાર ૧૯૭૪માં જનસંઘના પ્રતિનિધિ તરીકે સાંસદ બન્યા હતા. ર૩ નવેમ્બર, ૧૯૭૭ના રોજ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે પણ એ ઉત્તર પ્રદેશમાંથી અપક્ષ સાંસદ હતા.
પંડિત શાસ્ત્રી અને કવિવર વાજપેયી પછી વડા પ્રધાન રહેલા તથા ૧૪ ભાષાના જાણકાર એવા પી. વી. નરસિંહરાવ અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઘણા મહાનુભાવો સંયુક્ત રાષ્ટ્રની બેઠકને હિંદીમાં સંબોધન કરી ચૂક્યા છે. અત્યારે હિંદીને સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે સ્વીકૃતિ અપાવવાના આગ્રહી એવા કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથસિંહ પણ ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે ૬ ઑક્ટોબર, ર૦૧૦ના રોજ ‘ હિંદી અમારી રાષ્ટ્રભાષા હોવાથી મારું સંબોધન હું હિંદીમાં કરવાનું પસંદ કરીશ.’
એવું પ્રારંભિક કથન રજૂ કરીને વૈશ્વિક આતંકવાદ નિર્મૂલન અંગે હિંદીમાં જ સંયુક્ત રાષ્ટ્રના ૬પમા સત્રને સંબોધિત કરી ચૂક્યા છે. રાજનાથ ભલે સંયુક્ત રાષ્ટ્રમાં હિંદીને રાષ્ટ્રભાષા ગણાવતા હોય, આજ લગી હિંદીને આ દરજ્જો પ્રાપ્ત થયો નથી અને એ અપાવવાની જવાબદારી રાજનાથના મંત્રાલયની જ છે ! ભારતીય બંધારણસભામાં સંસ્કૃતપ્રેમી ડૉ. બાબાસાહેબ આંબેડકરના માધ્યમથી સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવાની કોશિશ પણ થઈ હતી, પરંતુ એ કોશિશ સફળ રહી નહોતી.
ભારતીય ભાષાઓની જ નહીં, ઘણી બધી ઈન્ડો-યુરોપિય ભાષાઓની પણ જનની ગણાતી સંસ્કૃત કરતાં તમિલ જૂની ભાષા હોવાનો દાવો કરાય છે. હિંદી અને સંસ્કૃત સામેનો વિરોધ પણ રાજકીય કારણોસર તમિળભાષી પ્રદેશમાંથી જ ઊઠતો રહ્યો છે. ફારસી અને પુસ્તુ ભાષા પણ સંસ્કૃત સાથે સંબંધ ધરાવે છે. એટલું જ નહીં, વેબ્સ્ટર ડિક્શનેરીના ચાર લાખ જેટલા અંગ્રેજી શબ્દોમાંથી ચોથા ભાગના એટલે કે એક લાખ જેટલા અંગ્રેજી શબ્દો સંસ્કૃતમાંથી જ ઉતરી આવ્યાનું ડૉ. એન.આર. વરહાડપાંડે જેવા ૧૦ હજાર શબ્દો તારવી આપીને બાકીના કામની જવાબદારી નાગપુર યુનિવર્સિટીને શિરે નાખનાર વિદ્વાનનું કહેવું હતું.
ભોપાલમાં સપ્ટેમ્બર ર૦૧પમાં યોજાયેલા ત્રિ-દિવસીય વિશ્વ હિંદી સંમેલનના સમાપન સત્રમાં કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહે હિંદીને સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે સ્થાપિત કરવા માટે યોગની વૈશ્વિક સ્વીકૃતિની ભૂમિકા પર કામ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. અત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં અરબી, ચીની, અંગ્રેજી, ફ્રેંચ, રશિયન અને સ્પેિનશ ભાષાને જ સત્તાવાર ભાષા તરીકે સ્વીકૃતિ પ્રદાન થયેલી છે.
વિશ્વમાં ચીની-મૅન્ડેરિન ભાષા બોલનારા સૌથી વધુ છે અને એ પછીના ક્રમે હિંદી બોલનારા આવે છે. ગૃહમંત્રી રાજનાથના મતે, ‘ભારતીય નેતાગીરીની કેટલીક નબળાઈને કારણે’ હિંદી રાષ્ટ્રભાષા બની શકી નથી. જો કે વર્ષ ર૦૧૮માં હવે પછીનું વિશ્વ હિંદી સંમેલન મોરેશિયસમાં મળે એ પૂર્વે હિંદીને સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર ભાષામાં સમાવવા માટે ભારત સરકાર કૃતસંકલ્પ જણાય છે, પણ ભારતમાં એને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવાની બાબતમાં મગનું નામ મરી પાડવામાં આવતું નથી. વિધિવિધાન તરીકે હિંદી દિવસની ઉજવણી ૧૪ સપ્ટેમ્બરે ભારતમાં કરવાની પરંપરાને ગૃહમંત્રી રાજનાથસિંહે અખંડ રાખી છે.
સમાજવાદી નેતા ડૉ. રામમનોહર લોહિયાએ જર્મન ભાષામાં પોતાનો પીએચ.ડી.નો મહાનિબંધ લખીને જર્મનીમાંથી ડૉક્ટરેટની પદવી મેળવ્યા છતાં ભારતની ભાષા તરીકે હિંદીને જ પ્રસ્થાપિત કરવાની એમની નેમને આગળ વધારવાનું પ્રંશસનીય કામ એમના રાજકીય શિષ્ય એવા મુલાયમસિંહે કરી બતાવ્યું હતું. ૧૯૯૬-’૯૮ દરમિયાન મુલાયમ જ્યારે દેશના સંરક્ષણ પ્રધાન બન્યા ત્યારે એમણે પોતાના મંત્રાલયના વ્યવહારને હિંદીમાં જ ચલાવવાના આગ્રહનો અમલ કરાવ્યો હતો. જો કે એ સંરક્ષણ પ્રધાનના હોદ્દેથી ગયા કે તૂર્ત જ સંરક્ષણ મંત્રાલયમાંથી હિંદી ટાઈપરાઈટરોને રૂખસદ અપાઈ હતી. મોદી સરકાર સંયુક્ત રાષ્ટ્ર(યુએન)માં હિંદીને માન્યતા અપાવવા મેદાને પડી છે ત્યારે દેશમાં પ્રત્યેક તબક્કે ભાષા-વિવાદ અખંડ છે અને હિંદીને હજુ રાષ્ટ્રભાષા તરીકેની સ્વીકૃતિ અપાવવાની વાત તો ઊભી જ છે.
સૌજન્ય : ‘હિંદીત્વ’, “દિવ્ય ભાસ્કર”, 29 જૂન 2016