સાંપ્રત યુગમાં કૌટુંબિક સ્તરથી માંડીને સામાજિક અને રાષ્ટ્રીય સ્તર સુધી અશાંતિ વ્યાપી રહેલી અનુભવાય છે. કેટલાક અનુભવીઓ વ્યક્તિનાં ઘડતર અને તેની સંસ્કાર મૂડીના વિનીપાતને આવી પરિસ્થિતિ માટે કારણભૂત માને છે. વૈષ્વિક પરિસ્થિતિની ચર્ચા ટાણે વ્યક્તિ અને કુટુંબ જેવા સાવ નાના અને મહત્ત્વના ન ગણી શકાય તેવા એકમની વાત શા માટે વિચારવી જોઈએ તેમ કોઈ કહી શકે, પણ આપણા પુરોગામી વિચારકો, તત્ત્વજ્ઞાનીઓ અને યુગ પ્રવર્તકો કહી ગયા છે એ આત્મસાત કરવા પ્રયત્ન કરીએ તો સ્વીકારવું પડશે કે આખર વ્યક્તિ જ કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનો નિર્ણાયક, ધારક અને વિધાયક હોય છે જે નાનામાં નાના એકમથી માંડીને વિશાલ ફલક પર સમાન અને ન્યાયી સમાજની રચના કરવામાં નિર્ણાયક બનતો હોય છે.
રાજકીય, ધાર્મિક કે સામાજિક સમસ્યાઓ અને અશાંતિના કારણોના મૂળ શોધવા જઈએ તો તેનું પગેરું તમામ પ્રકારની અસમાનતા અને અન્યાયમાં નીકળશે. તેની શરૂઆત જન્મ સમયે આચરવામાં આવતા ભેદભાવથી થાય છે. ભારતીય અને અન્ય કેટલાક સમાજોમાં બાળકનો જન્મ થાય તે પહેલાંથી જ તેના પર અન્યાયી અત્યાચાર થતો જાણીએ છીએ જેમ કે ભ્રુણ હત્યા. જન્મ બાદ બાળકીને શિક્ષણની સમાન તકો નથી અપાતી. સ્ત્રીને ન ભણાવો તો આપણી મા, બહેન, પત્ની, દીકરી બધાં અભણ રહેશે એટલું જ નહીં તેને કારણે આપણા દીકરા, ભાઈ, પતિ અને પિતા પણ અશિક્ષિત રહેશે. આ હકીકત કહેવાતા રિવાજોની જાળવણીના બહાના નીચે ભૂલી જવાઈ છે. લૈંગિક અસમાનતાને કારણે સમાજનાં નૈતિક મૂલ્યોની હાનિ થાય અને પરિણામે સ્ત્રી-પુરુષની શાંતિમય સહઅસ્તિત્વ જોખમાય. એવી જ રીતે વર્ગ પ્રથા કે જ્ઞાતિ પ્રથાની પેદાશ રૂપ નીચલા થરનાં બાળકો બાળ મજૂરીની ગર્તામાં ફસાતા હોય છે ત્યાં ન્યાય કે સમાનતાની શી વાત કરવી? બાળ મજૂર એ જ મોટા થતાં પુખ્ત વયનો નાગરિક હશે જે નબળો, અશિક્ષિત, ગમાર અને આત્મવિશ્વાસ વિનાનો હશે. માણસ માત્રને ભણતર, સારું સ્વાસ્થ્ય, કેળવણી અને સર્વ ઇન્દ્રિયોના વિકાસની તક મેળવવાનો જન્મસિદ્ધ અધિકાર હોય છે.
કોઈ પણ દેશનું ભાવિ તેમાં વસતા બાળકોના સર્વાંગી વિકાસ પર જ નિર્ભર હોય છે. સબળ ચારિત્ર્યવાન નાગરિકોની ફૌજ પર જ શક્તિશાળી દેશનું ચણતર થાય અને તેના અભાવમાં વિદેશી આક્રમણના ભોગ બનવું પડે અને વિકાસની દોડમાં પાછળ રહી જવાય એ અનુભવ કદાચ ભારત દેશને જેટલો થયો છે એટલો બીજા ભાગ્યે જ કોઈ દેશને થયો હશે. જેમ બાળકોને સમાન અધિકાર આપવાની વાત છે તેમ સ્ત્રીઓને પણ સમાન માનવીય અધિકારો મળે તો તેના વિકાસની પણ સીમા ન રહે. શિક્ષણ, સ્વાસ્થ્ય, આજીવિકા અને પ્રગતિની સમાન તકો ન આપીને સમાજની અર્ધોઅર્ધ પ્રજાને સદીઓથી અન્યાય થતો આવ્યો. આપણે કેમ સમજી ન શક્યાં કે સ્ત્રીને અન્યાય થાય એટલે તેનાં બાળકો પણ કુપોષણ, ગરીબી, નિરક્ષરતા, અસંસ્કારી વાતાવરણ અને ગુનાખોરીનો ભોગ બને? સ્ત્રીને સમાનતા અને ન્યાય ન મળે તો તેને જ માત્ર નહીં, પણ સરવાળે તેના દ્વારા ઉછેરવામાં આવેલ બાળકો અને કુટુંબના પુરુષોને પણ અન્યાય થાય. આ સ્થિતિમાં એવી પ્રજા કેવી હીર વિહોણી બને એ આપણે અનુભવી ચુક્યા છીએ. એ અશિક્ષિત અને બેકાર પ્રજા ગુનાઓમાં અને વ્યસનોમાં સપડાય અને પરિણામે સમાજ એક અંધારી ગર્તમાં ડૂબી જાય એ પણ સાબિત થઈ ચુક્યું છે અને એવા વંચિત લોકો પોતાના મૂળભૂત અધિકારોની જાળવણી ન થાય, ત્યારે હિંસાનો આશ્રય લેતા જોવા મળે છે. શારીરિક, બૌદ્ધિક અને વૈચારિક તાકાત વિનાનો સમાજ સ્વતંત્ર વિચાર ધરાવનાર યુવા વર્ગ પેદા કરી ન શકે ત્યાં લોકશાહીને બદલે ટોળાશાહી પ્રવર્તે તે ક્યાં અજાણ્યું છે?
આપણે લૈંગિક અને સામાજિક અસમાનતાની વાત કરી, હવે બીજા કયા ક્ષેત્રમાં ત્રાજવાનું પલ્લું સમાન નથી તે જોઈએ. ગાંધીજીએ મુખ્ય ત્રણ પ્રકારની લઘુમતીઓનો ઉલ્લેખ કર્યો છે: એક ધાર્મિક, બીજી સામાજિક અને ત્રીજી રાજનૈતિક. મુસ્લિમો અને અન્ય ધર્મના અનુયાયીઓ ધાર્મિક લઘુમતીમાં ગણાય, શોષિત અને વંચિત એટલે કે દલિત-આદિવાસીઓ સામાજિક લઘુમતીના ચોકઠામાં બેસે અને ઉદારમતવાદીઓ રાજકીય લઘુમતીની સીમામાં બંધાય. સ્વતંત્ર ભારતના બંધારણ દ્વારા ભારત એક સાર્વભૌમ, લોકશાહી અને ગણતંત્ર રાષ્ટ્ર જાહેર થયું. સમય જતાં ઇન્દિરા ગાંધીએ સેક્યુલર અને સમાજવાદી શબ્દો ઉમેર્યા. હવે સમાજવાદ એટલે મોટા મોટા ઉદ્યોગો ઊભા કરવા, પંચવર્ષીય યોજનાઓ ઘડવી અને સરકારી અંકુશ વધારવો એવો અર્થ કરવામાં આવેલો. લાયસન્સ અને પરમીટ રાજને કારણે લાંચ રુશ્વત વધી. અહીં સમાનતાનું ગળું ટુંપાયું. ખાસ કરીને મનમોહનસિંહના જમાનાથી સમાજવાદ પર ચોકડી મુકાઈ, અને મૂડીવાદને રાજગાદી પર બેસાડવામાં આવ્યો. અને ત્યારથી આર્થિક અસમાનતા બેસુમારપણે આગળ વધતી રહી. રોજગારીની તકોની અસમાનતાને પરિણામે ઊભો થયેલ વર્ગ ભેદ અગાઉના વર્ણ ભેદની સાથે ભળીને એક એવી તો અનઉલ્લંઘનીય ખાઈ બની ગઈ છે કે તેમાંથી ઉગરવાનો કોઈ માર્ગ ન જડવાથી નક્સલવાદ જેવા હિંસક સંગઠનો ઊભાં થયાં જે શોષિત અને શોષકને વિનાશને રસ્તે લઈ જાય છે.
ધાર્મિક અને કોમી એખલાસની સમસ્યાની માંડણી ક્યાંથી કરવી? ભારતે 1973થી સેક્યુલર શબ્દને તેના જીવ સાથે દફનાવ્યો. ઈ.સ. 1947માં ધર્મ નિરપેક્ષતાનું એલાન કરનાર નવોદિત રાષ્ટ્ર થોડાં વર્ષોમાં તો સહિષ્ણુતા કોને કહેવાય એ જાણતો ન હોય તેવો બની ગયો. દયાનંદ સરસ્વતીએ 1875માં આર્ય સમાજ સ્થાપ્યો તે અરસામાં અન્ય ધર્મો દ્વારા વટાળ પ્રવૃત્તિઓ હાથ ધરાયેલી જેના પ્રતિસાદ રૂપે આર્ય સમાજે બીજા ધર્મના અનુયાયીઓની શુદ્ધિ કરી તેમને હિંદુ ધર્મમાં પુન: પ્રવેશ આપવાનું અભિયાન આદરેલું. તેની પાછળ ધર્મ પરિવર્તન કરવાને કારણે તરછોડાયેલાને ફરી અધિકૃત જીવન જીવવાની તક આપવાની નેમ હતી. આજે આર.એસ.એસ. પણ જે મૂળે હિંદુ હતા તેમને ઇસ્લામ કે ક્રીશ્ચિયાનિટી સ્વીકારવાના ‘ગુના’ બદલ સમાજમાં તરછોડી દીધેલા એ જ સમૂહને પોતાના ધર્મના અનુયાયીઓની સંખ્યામાં વધારો કરવા ‘ઘર વાપસી’ કરે, આ શું માંડ્યું છે? બી.જે.પી.ને આર.એસ.એસ. સાથે નાળ સંબંધ છે અને તેથી જ તો બી.જે.પી. સેક્યુલર છે, સમાજ વિરોધી અને હિન્દુત્વવાદી પક્ષ નથી અને ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા નથી માગતો કે વટાળ પ્રવૃત્તિ સાથે સીધી લેવા દેવા નથી એમ સ્પષ્ટ સાબિત નથી કરી શકતો. 1947માં મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાના વલણથી એક દેશના બે ભાગલા પડ્યા, હવે વી.એચ.પી. અને આર.એસ.એસ.ના ઈલ્મથી દેશને રૂંવે રૂંવે આગ લાગશે. આમ ધાર્મિક અસમાનતા અને અન્યાય જ્યાં દૂર થવાને બદલે વકરતા જતા હોય ત્યાં આતંકવાદીઓ અડ્ડો જમાવે અને સમાજના તાણા વાણા પાતળા બને એ સમજી શકાય તેવી વાત છે.
થોડા સમય પહેલાં ભારતની મુલાકાતે આવેલ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ કહેલું કે ધાર્મિક સહિષ્ણુતા હશે તો ભારતનો વિકાસ થશે. હાલની ભારતની આંતરિક તેમજ આંતરરાષ્ટ્રીય નીતિ અને લઘુમતીની દશા જોઈને ગાંધીને આઘાત લાગ્યો હોત તેમ પણ તેમણે કહ્યું. કદાચ આજે બી.જે.પી. આર.એસ.એસ.ને પંપાળે છે એ એમની વિચક્ષણ આંખોએ જોઈ લીધું હશે? ઓબામાએ ભારતના કેટલાક લોકોની ધાર્મિક અસહિષ્ણુતાને જગજાહેર કરી. સારું કર્યું. જોવાનું એ છે કે ઓબામા ગાંધીને વધુ સમજે, આપણે નહીં. આમ જુઓ તો IS અને હિન્દુત્વનો પ્રચાર કરનાર સંગઠનો વચ્ચેની ભેદરેખા પાતળી હોવાનું માલુમ પડશે. ઈસ્લામને અનુસરનારાઓને વધુ બાળકો પેદા કરવાં, સ્ત્રીઓને શિક્ષણ અને અન્ય જન્મસિદ્ધ અધિકારોથી વંચિત કરી ઘરમાં પૂરી રાખવી, અન્ય ધર્મના લોકો સાથે ભેદભાવ ભર્યું વર્તન કરવું અને ધર્મને નામે વેર ઝેર ફેલાવી હિંસક પ્રવૃત્તિઓ પોષવી એવો પ્રચાર કહેવાતા ઇસ્લામિક સ્ટેટનો ફેલાવો કરનારાઓ કરી રહ્યા છે. હવે જો ભારતમાં પણ હિંદુ ધર્મના અવતારો અને મહાપુરુષોના વિચારોને સ્વહિત ખાતર મારી મચડીને તેનો ખોટો પ્રચાર કરી લોકોને હિંદુ લોકોની જનસંખ્યા વધારવા વધુ બાળકો પેદા કરવા ઉશ્કેરવામાં આવે, સામૂહિક પ્રાર્થના કરવા ઉત્સાહિત કરવામાં આવે, શોભા યાત્રાઓની સંખ્યા વધારવામાં આવે, ધર વાપસીને નામે પુન: ધર્મ પરિવર્તન કરવાં અને અન્યના ધાર્મિક સ્થાનોનો વિનાશ કરવાની રફતાર શરૂ કરવામાં આવે તો જેને આપણે પછાત અને રુઢિચુસ્ત ધર્મ ગણાવીએ છીએ તેમનામાં અને આપણામાં શો ફર્ક રહે?
ધાર્મિક અસમાનતાના જુવાળે તો સામાજિક સુમેળ અને એકતાનાં વાતાવરણને ભારે ડહોળી નાખ્યું છે. ધર્મનું ઝનૂન શરમજનક કક્ષાએ પહોંચ્યું છે. થોડા વખત પહેલાં સમાચાર સાંભળવામાં આવેલા કે રાજકોટમાં મોદીની પ્રતિમા વાળું મંદિર બાંધવાના છે, તો કેટલાકને ગોડસેનું મંદિર કેમ ન બાંધી શકાય તેવો વિચાર આવ્યો. પ્રતિમાઓથી ભરી દો દેશને, પછી આ કરોડો જીવતી પ્રતિમાઓનું હિત કેવી રીતે સાધીશું? લોકોએ સમજવાનું રહે કે મંદિર ન તો ગાંધીનું બને, ન તો ગોડસેનું, બને એક માનવ મંદિર. ગાંધી બનવું કે ગોડસે તે લોક નક્કી કરે. ધાર્મિક ઝનૂન એક બીજો વિચાર લઈને પ્રસરી રહ્યું છે. ભડકાવેલા લોકોને મોઢે ‘મુસ્લિમો પાકિસ્તાન જતા રહે’ના નારા સાંભળવા મળે છે. ભારતને સ્વતંત્રતા મળી તે માત્ર હિન્દુ સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયત્નને આભારી છે અને તે શું માત્ર હિંદુઓ માટે જ આઝાદી મળી? દુનિયાના કયા પડમાં માત્ર એક કોમ કે ધર્મને આધારે બનેલ દેશ છે? અને એવા દેશો હોય ત્યાં અમન છે? જે ઝઘડે તે ડૂબે અને ડૂબાડે, જે સહકારથી રહે તે તારે અને તરે આટલું ન સમજી શકનારા લોકો જ આવો બેહૂદો પ્રચાર કરે. એટલું નિશ્ચિત છે કે ધર્મ આધારિત રાજ્ય અને દેશની સીમાઓ આંક્વાથી એ ક્યારે ય સફળ નથી થયાં. ભારતને માત્ર હિન્દુઓની ભૂમિ બનાવવા જે લોકો ઈચ્છા ધરાવે છે તે બનશે નહીં, તો શા માટે નાહક સમાજમાં ઝેર ઘોળે છે? સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે જેઓ વિકસ્યા તે હિંદુ હોવાને નાતે કે ધર્મ નિરપેક્ષ દેશની વિકાસ નીતિને કારણે? ધર્મને આધારે જેની રચના થઈ એવા ઇસ્લામી દેશોમાં બીજાનો તો ઠીક, ખુદ મુસ્લિમોનો પોતાનો પણ વિકાસ નથી થતો. ભારતના હિંદુઓ બીજાનો તો ઠીક પણ પોતાનો પણ વિકાસ ન થાય તેવું ઈચ્છે છે? પોતાના નિકટના પાડોશી એવા પાકિસ્તાનના વિકાસમાં ભારતનું ભલું છે અને પોતાના દેશમાં વસતા અન્ય ધર્મના લોકોની ભલાઈમાં જ બહુમતી ધર્મના લોકોનો વિકાસ છે એ સમજી લેવું રહ્યું. હિંદુ સિવાયના ધર્મના લોકો અને કહેવાતી નીચલી જ્ઞાતિના લોકોની સેવા લઈ લઈને ઉચ્ચ કહેવાતા હિંદુ લોકો પુષ્ટ થયા, હવે તેમને તગડી મુકવાની વાત કરીને પોતાની જ ઘોર ખોદે છે. બનાવે ‘હિન્દુસ્તાન’ બીજા કોઈ ગ્રહ પર, આ ભૂમિ તો ધર્મ નિરપેક્ષ ભારત વર્ષ જ રહેશે એવો સંદેશ કોમી એખલાસમાં અતૂટ શ્રદ્ધા ધરાવનાર બુદ્ધિમાન પ્રજાએ આપવો રહ્યો.
ધર્મની માફક રાજનીતિ પણ પ્રજાનું રક્ષણ કરે તે ખરું પણ બે-લગામ બનતાં તેનું જ ભક્ષણ કરનાર પણ બની શકે. દેશની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક નીતિઓના પ્રતાપે જે અસમાનતા દિન દહાડે વધતી જાય છે તેનાથી સમાજની સમતુલા ઓછી થતી જાય છે. સત્તાધારીઓ પછી એ પોતાના દેશના હોય કે વિદેશી જો એ પોતે જ પોતાની પ્રજાનું દમન કરે અને એના પર અત્યાચાર ગુજારે ત્યારે માનવની અંત:પ્રેરણા તેનો વિરોધ કરે તો જ શોષણ-દમન અટકે. વ્યક્તિની માનસિકતા કેમ સુધરે એ જ હવે કરવાનું છે કેમ કે અંતે તો એ વ્યક્તિ જ છેવટ આતંકવાદી જૂથનો સભ્ય હોય છે, રાજ્યમાં રાજ્યકર્તા પણ એ જ છે, વેપારમાં લુંટનાર પણ એ જ, અને જનતામાં મૂક પ્રેક્ષક-શ્રોતા તરીકે પણ એ જ બેઠો હોય છે. આજે જાણે વ્યક્તિને એક નાગરિક તરીકે કોઈ પણ બાબત માટે નિસ્બત નથી રહી. અંગત જીવન કૌટુંબિક રૂઢિથી દોરવાય, નોકરીના સ્થળે સાહેબોની નીતિ નતમસ્તકે સ્વીકારીને ઘાણીના બળદની માફક ચક્કી પીસતા રહે અને જાહેર જીવનમાં ધાર્મિક વાડાઓ અને સરકારી નિયમો-કાયદાઓને મને-કમને અનુસરીને જીવન વ્યતીત કરતા રહે તેવા પ્રજાજનોથી દેશ ભર્યો છે. પંચશીલના સિદ્ધાંતો અને પંચવર્ષીય યોજનાઓને નજરમાં રાખીને સ્વતંત્ર ભારતે વિકાસની કેડી પર ડગ માંડેલા, એ જ દેશમાં આજે અનામત બેઠકોને લઈને હિંસા આચરવામાં આવે છે. અરે, નાના મોટા હજારો લોકોને વિશેષાધિકારો મળે છે. આ ખિતાબો અને વી.આઈ.પી.ની સગવડો આપવી જરૂરી છે શું? વ્યક્તિના વિચાર અને કામનું સન્માન તેમને અનુસરીને કરીએ. માન ચાંદની પ્રથા જૂની છે. રાજા તેમના રાજ્યનો વિસ્તાર વધારવામાં મદદ કરનારને જમીન, જાગીર કે સોનામહોર આપતા તેના અવશેષ સમી આ પ્રથા છે. લોક આપે તે સાચું સન્માન ગણાવું જોઈએ. સરકાર તો રૂઢિગત સ્થાપિત હિત જાળવવા અને પોતાની સત્તા જાળવવા અમુક ખાસ લોકોને ખુશ કરવા આપે આવા માન ચાંદ આપે છે જેનાથી ફરી એક એવો વર્ગ ઊભો થાય છે જેને પરિણામે એક વધુ અસમાનતાનું વર્તુળ પેદા થાય છે.
આમ માનવ જીવનના હરેક ક્ષેત્રમાં એક નહીં અને બીજા પ્રકારની હિંસા, અશાંતિ અને સંઘર્ષ રૂઢ થતાં જોવા મળે છે જેની પાછળ વ્યક્તિગત, સંસ્થાગત અને સમૂહગત અસમાનતા કારણભૂત જણાય છે. વર્તમાનની વિષમ પરિસ્થિતિઓ માટે ધર્મ અને રાજકારણનું અનર્થઘટન અને દુરુપયોગ વધુ જવાબદાર હોય તેમ ભાસે છે. પહેલાં રાજકારણમાં ધાર્મિક તત્ત્વ હતું, હવે ધર્મમાં રાજકારણ ઘુસી ગયું. નહીં તો કુટુંબ ભાવના, સમાજ પ્રત્યે વફાદારી, દેશભક્તિ, વિશ્વ ભાવના અને ધર્મ નિષ્ઠા વગેરે એકબીજાથી વિરુદ્ધ કેમ વર્તે છે? સવાલ એ થાય કે ધર્મ અને રાજકારણના લગ્ન ક્યારે થયાં? એ ગોઠવેલ હતાં કે પસંદગીનાં? યુગે યુગે માનવ પ્રગતિને દિશા બતાવનાર અનેક વિચારકો, દ્રષ્ટાઓ અને મહાનુભાવોની ભેટ આ પૃથ્વીને મળી છે, પણ આપણે તેમના બાવલાં બનાવી હાર પહેરાવ્યા પણ તેમના વિચારોનો અમલ ન કર્યો. રામધારીસિંહ દિનકર કહે છે તેમ મહાપુરુષોની એક નિયતિ એવી છે કે તેને તેના અનુગામીઓ, પૂજકો અને ભક્તો તેમની પૂજા કરી કરીને મારી નાખે છે અને તેના વિરોધીઓ તેમને મારીને જીવાડે છે. જુઓને જીસસ, સોક્રેટીસ, ગાંધી અને માર્ટીન લ્યુથર કિંગના એ જ હાલ થયા. તેઓએ હર પ્રકારની અસમાનતા ઊભી જ ન થાય તેવી જીવન પદ્ધતિઓ પોતે જીવીને આપણે ચરણે ધરી અને કલહ વિનાના શાંતિમય સમાજની વિભાવના માટેનો માર્ગ બતાવ્યો અને આપણે તેમને ઝેર આપ્યું, ગોળીએ વિંધ્યા. નેતા બન્યા વિના આચારથી દાખલો બેસાડી રાહ બતાવનાર હતા ગાંધી. તેમણે જેમની પાસેથી પ્રેરણા મેળવેલી એવા અન્ય યુગપુરુષોની વાણી અને કર્તવ્યોને સમજીને દુનિયાના બુદ્ધિજીવીઓ, રાજ્ય કારણીઓ, કર્મશીલો અને ધર્મના પ્રતિનિધિઓ ભેળા મળીને હર પ્રકારના ભેદભાવ, અન્યાય અને અસમાનતા દૂર કરી એખલાસ ભર્યા સમજની રચના કરવાનું કામ ઉપાડી લે એવી કામના.
e.mail : 71abuch@gmail.com