સમયાંતરે આવતા રહેતા અનેક મહત્ત્વપૂર્ણ દિવસોની જેમ હમણાં ‘ઇન્ટરનૅશનલ મિસિંગ ડે’ આવી ગયો ત્યારે જાહેર કરવામાં આવેલા આંકડાના આધારે કેટલી વ્યક્તિઓ લાપતા છે તેની આપણને જાણ થઈ. અલબત્ત, આંકડાઓ સાથે આપણને ઝાઝી નિસબત નથી પણ કૈંક ગુમાવી બેસવાની વ્યથા કેટલી તીવ્ર હોય છે તે તો પેલી કહેવત પ્રમાણ, ‘ટાઢ એટલે શું એ તો જેણે પોતાની રજાઈ ગુમાવી હોય તે જાણે.’
સામાન્ય માનવીની નિયતિમાં તો સતત ગુમાવવાનું જ લખાયેલું હોય છે – શૈશવ, કિશોરાવસ્થા, યુવાની, સ્વાસ્થ્ય, સંપત્તિ, સબંધો, પ્રિયજન, સ્મૃિત અને ઘણુંબધું કોને, ક્યારે, કેવી રીતે કયા સંજોગોમાં ખોઈ બેસીશું એનો અણસાર સુદ્ધા આવતો નથી. નાના સરખા મતભેદને કારણે કે અમસ્તી વૈરાગ્યવૃત્તિ જન્મવાથી કોઈ ગૃહત્યાગ કરી જાય તો કોઈ ખંડણીખોર નાણાં મેળવવા અપહરણ કરી જાય. પહેલા નાના બાળકોને ઝોળીવાળો બાવો ઉપાડી જશે તેવો ભય બતાવવામાં આવતો હતો. હવે આ બાવાઓનું માત્ર સ્વરૂપ બદલાયું છે. તમે શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા હો, લેખન-વાચનમાં વ્યસ્ત હો છતાં ક્ષણે તમારા દરવાજા ખટખટાવી તમને ગુમ કરી નાખશે એ કહેવાય નહીં.
કાશ્મીરમાં ‘હાફ-વીડો’ તરીકેની ઓળખ ધરાવતી કેટલી ય સ્ત્રીઓ વર્ષોથી પોતાના પતિને ગુમાવી બેઠી છે અને તે જીવિત છે કે મૃત તેની કોઈ ખાતરી નથી. તેમની પીડા કલ્પનાનો વિષય છે.
આજે એવી અરાજકતાભરી સ્થિતિમાં, અદ્ધર જીવે સૌ શ્વાસ લઈ રહ્યા છીએ કે પોતાનું શાળાએ કે બહાર ગયેલું સંતાન હેમખેમ ઘેર પરત આવે તેની મજબૂરીથી રાહ જોવી પડે છે. માત્ર રમૂજવૃત્તિ જ સધિયારો પૂરો પાડે છે. એક મહિલાને મરચાં લેવા ગયેલો તેનો પતિ પાછો ન ફર્યો પછી શું કર્યું તે પ્રશ્ન પૂછતાં તેણે જવાબ આપ્યો. ‘બહેન, બીજું શું કરીએ?’ મરચાં વિના ચલાવી લીધું.’
પહેલાં ગુમાવીએ છીએ અને પછી ખોટ સાલે છે. આપણા શ્રેષ્ઠત્તમ કવિશ્રી ભગત સાહેબના પિતાએ ગૃહત્યાગ કર્યો અને પિતૃસુખથી વંચિત રહેવાની વ્યથા એમના કાવ્યોમાં સતત ડોકાયા કરે છે. શું આપણું શાસનતંત્ર એવો માહોલ ઊભો ન કરી શકે કે કોઈને પોતાનું ઘર વતન કે દેશ છોડવાનો વિચાર પણ ન આવે?
રિલ્કેની એક કવિતામાં સોનું ફરિયાદ સ્વરમાં કહે છે કે ‘તમે મને જમીનમાંથી બહાર કાઢી શુદ્ધતા અર્પી, ઉજ્જવળ બનાવ્યું તે બરાબર પણ ભ્રષ્ટ વ્યવહારો થકી ફરી મલિન બનાવ્યું તેનું શું?’ સ્વચ્છતા અભિયાન સરકારી તિજોરી સાફ કરવા પૂરતું સીમિત રહી ગયું છે. અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા અસમર્થ કોઈ ગરીબ માણસ ઘર છોડીને ચાલ્યો જાય છે. પરિવારજનો તેને કાયમ માટે ગુમાવી બેસે છે.
સર્જકો ભલે પોતાના ભાવવિશ્વમાં ‘ખોવાયેલા’ રહેવાની મજા લૂંટતા હોય પણ દયા તો પેલા અભાગિયા પિતા, પુત્ર, પતિ, પત્ની, ભાઈ કે બહેનની ખાવાની રહે જે ક્યારે ય પોતાના સંતાન, માતા-પિતા, પત્ની, પતિ, બહેન કે ભાઈનો ચહેરો ક્યારેક જોવા નથી પામવાના અને જેમની રાહ જોવામાં રાતની નિંદ્રા પણ ગુમાવી બેસે છે.
“ઇન્ટરનેશનલ મિસિંગ ડે” આપણા માટે એક પડકાર છે. શરમથી આપણે નતમસ્તક થઈ જવું જોઈએ. ‘ચાલ્યા ગયા છે’, ‘ગુમ થયેલ છે’ ‘પત્તો મળે તો જાણ કરવા વિનંતી’ જેવી જાહેરાતો વાંચી ક્ષુબ્ધ ન થવાય તો આપણે સંવેદનપટુ કહેવડાવવાને લાયક નથી.
આમ જોવા જઈએ તો આપણે સૌ ‘ગુમરાહ’ જ છીએ ને? સાચો રસ્તો તો ક્યાં કોઈને જડે છે ?
ડીસા / અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2016; પૃ. 09