દુનિયાભરના હવામાનશાસ્ત્રીઓની એક આંતરરાષ્ટ્રીય બેઠક મળી રહી હતી. પૃથ્વીનું વાતાવરણ ગરમાતું જાય છે, વરસાદ ઘટતો જાય છે, હવામાનની તીવ્રતા વધતી જાય છે અને સકળ જીવસૃષ્ટિ વિનાશને આરે પહોંચતી જાય છે, એથી આ સહુ પંડિતો ભારેખમ મોઢે, સામાન્ય માનવીને ન સમજાય તેવી ભારેખમ ભાષામાં ઊંડી, ગંભીર વિચારણામાં ઊતરીને ચર્ચા કરી રહ્યા હતા.
ચર્ચાનો વિષય હતો : પૃથ્વી અને એના પર વસતી જીવસૃષ્ટિનું અંધકારમય ભાવિ.
જો માનવી ચેતશે નહીં, તો તેના વિનાશની પળો નજીક ને નજીક આવતી જશે. હજારો, લાખો વર્ષની ઉત્ક્રાંતિ દરમિયાન પૃથ્વી પર જે રીતે જાતજાતની જીવસૃષ્ટિ વિકસી અને પૃથ્વીને હરિયાળી, રહેવાલાયક બનાવી તે અગનગોળો બની જશે, એની ચિંતા એમને સતાવી રહી હતી. જાતજાતના ઉપાયો, વિચારો, હકારાત્મક અને નકારાત્મક અભિગમો સાથે ચર્ચાથી વાતાવરણ ભારેખમ હતું. લોકજાગૃતિ ફેલાવવાની તાતી જરૂર છે. એ બાબતે સૌ સંમત હતા. એને અસરકારક રીતે જનસમક્ષ મૂકવી તે બાબતમાં ગરમાગરમ ચર્ચા થઈ રહી હતી. કોઈના મતે બાળકને નાનપણથી પ્રકૃતિ રક્ષાનું શિક્ષણ આપવું, તો બીજાના મતે એ તો બહુ લાંબી વાત થઈ, અત્યારે જ જાગૃતિની જરૂર છે, તેનું શું ? જાણે આ પૃથ્વીનો આજે જ વિનાશ થવાનો હોય એમ સૌનાં મોઢા પર વિપત્તિનાં ચિહ્નો દેખાઈ રહ્યાં હતાં.
એક પ્રખર હવામાનશાસ્ત્રીનું કહેવું હતું કે આવી કોઈ ચિંતાની જરૂર નથી. આ તો કુદરતનો ક્રમ છે, વધઘટ ચાલ્યા જ કરે. આ ગરમાતી પૃથ્વી ઠંડી પડવાની જ. વળી, નવેસરથી જીવસૃષ્ટિનો વિકાસ થશે. આપણું હોવું ન હોવું ચિંતાનો વિષય નથી. આપણી આવરદા પૂરી થવાની હશે ત્યારે જ થશે. આપણી જગ્યાએ બીજાં આવશે, પણ ખગોળમાં એકેય ગ્રહ નષ્ટ થયો નથી. પૃથ્વીનાં ભાવિની ચિંતાને નામે ખરેખર આપણે આપણા ભાવિની ચિંતા કરીએ છીએ. બંને વસ્તુ જુદી છે.
એમના તર્કને કોઈ સચોટ જવાબ તો ન આપી શક્યું, પરંતુ હાલની પૃથ્વીનો પૃથ્વી પરની જીવસૃષ્ટિનો અંત તો ચોક્કસ છે એ પ્રતિપાદન કરવા કેટલાક વૈજ્ઞાનિકો જુસ્સાભેર રજૂઆત કરવા લાગ્યા. ચર્ચામાં ગરમી આવી – બે જુદા પક્ષો પડી ગયા, સામસામા આક્ષેપો થવા લાગ્યા.
આવાં બોઝિલ વાતાવરણને હળવું કરવા બે યુવાન વૈજ્ઞાનિકો સ્ટેજ પર આવ્યા. દસ મિનિટ માટે ચર્ચાવિચારણાને વિરામ આપવાની જાહેરાત કરીને એમણે ખેલ પાડ્યો.
***
યુવક-૧ : ગ્લોબલ વૉર્મિંગ, ગ્લોબલ વૉર્મિંગ, ગ્લોબલ વૉર્મિંગ! જ્યારે હોય ત્યારે, જ્યાં હોય ત્યાં આ બધા વૈજ્ઞાનિકો ભારેખમ મોઢે આમ બોલે જાય છે. એમને સહુને થયું છે શું? જબ આયેગા તબ દેખા જાયેગા, અત્યારથી શું બુમરાણ મચાવ્યું છે?
અને આ તો કુદરતનો ક્રમ છે. પૃથ્વી ગરમ થશે, પાછી ઠરશે, નવી-નવી જાતિઓ વિકસશે, ગૃહદશા બદલાશે. આટલી બધી હાયવોય શાની છે? કંઈ સમજાવો તો ખબર પડે.
યુવક-૨ : આમાં સમજવાનું કાંઈ નથી. એ સૌ કહે છે કે ઓઝોન-સ્તરમાં ગાબડું પડ્યું છે.
યુવક-૧ : જુઓ, મને ઓઝોન-બોઝોનની કોઈ ગતાગમ નથી. પણ એટલું સમજ્યો છું કે ઉપર આકાશમાં ગાબડું પડ્યું છે અને જો એમ જ હોય, તો તો એને મોટું કરવું જોઈએ.
યુવક-૨ : ભલા માણસ, જરા સમજો તો ખરા, એની કેવી અસર થાય એ જાણો છો?
યુવક-૧ : તમે તો એની અસરની વાત કરો છો, એના લાભની શક્યતા વિચારી છે?
યુવક-૨ : લાભ? શેનો લાભ? આખી પૃથ્વી જ અગનગોળો બની જવાની. તમે કે હું ….
યુવક-૧ : સાંભળો તો ખરાં, આકાશમાં પોલાણ વધે તો આપણને સ્વર્ગલોક દેખાવાની શક્યતા વધે કે નહીં? દેવાધિદેવ ઇન્દ્રનો દરબાર, રંભા, મેનકા અને બીજી કામણગારી અપ્સરાઓનાં સંગીત-નૃત્ય, ઇન્દ્રસભામાં બિરાજેલાં બીજાં નાનાંમોટાં દેવી-દેવતાઓ, અને હા, આજકાલ તો સ્વર્ગલોકમાં પણ વસ્તીવધારો થઈ ગયો છે. ઇન્દ્રસભામાં બેઠકો ઓછી પડતી હશે. સ્વર્ગવિહાર કરતાં નવાં-નવાં સ્થાપિત થયેલાં દેવી-દેવતાઓ પણ જોવા મળે. આ ગાબડું તો જેમ જેમ મોટું એમ સારું. સદેહે સ્વર્ગલોકનાં દર્શનનો લહાવો મળી જાય!
મને એ બતાવો કે આને જલદી મોટું કરવા શું કરવું જોઈએ?
યુવક-૨ : આમ તો આપણે જે કરતાં આવ્યા છીએ, તે જ પ્રમાણે વગરવિચાર્યે પૃથ્વી પરની સંપત્તિનો ઉપભોગ વધારી દેવાનો. વૃક્ષોનું નિકંદન તો નીકળી જ ગયું છે. હવે સમુદ્રમાં શારડી ફેરવીને …
યુવક-૧ : હેં, હેં ? તો તો કદાચ શેષશાયી ભગવાન વિષ્ણુ અને એમની ભાર્યા લક્ષ્મીજીનાં દર્શન પણ થઈ શકે. આ તો વિશેષ ઉપલબ્ધિ, આ કામ તો બને એટલું જલદી કરવું જોઈએ.
શંખ, ચક્ર, ગદા, પદ્મમ્
સપીત વસ્ત્રં, સરસિરુહેક્ષણમ્
ભગવાન વિષ્ણુ તો અમારા આરાધ્યા દેવ. એમના દર્શનનો લાભ મેળવવા બીજું શું શું કરવું જોઈએ ? જલદી બોલોને, આમ ગળચા કેમ ચાવો છો ?
યુવક-૨ : તો પછી અવકાશમાં વધુ ને વધુ ઊંચાઈએ વિમાનો ઉડાવો …
યુવક-૧ : અરે, વાહ! આમાં તો પ્રવાસની શક્યતા પણ વધી જાય! જુદી-જુદી વિમાની સેવાઓની હરીફાઈ વધશે, જુદાં-જુદાં દેવદેવીઓનાં નામે ઍરલાઇન્સ દર્શનના સમય નક્કી કરીને ભગવાનને લલચાવશે; બંનેની આવક તગડી થવાની. આવો લાભ કોણ ચૂકે?
આ તો ભૂલોકના માનવીને સદેહે સ્વર્ગલોકની સફર કરવા મળશે. લીલાલહેર ભાઈ, લીલાલહેર કરો તમતમારે. આપણે આજે જ ઍરલાઇન્સ સાથે સંયુક્ત સાહસ ગોઠવવાના સહીસિક્કા કરીએ.
યુવક-૨ : તમે કશું સમજતા નથી કે સાંભળતા નથી? આ ગ્લોબલ વૉર્મિંગથી ….
યુવક-૧ : પાછું ગ્લોબલ વૉર્મિંગ? તમે કઈ દુનિયામાં જીવો છો? સ્પષ્ટ બોલવા માટે માફ કરજો, પણ હજીયે તમે સાવ વેદિયા જ રહ્યા. બિઝનેસ કરવો હોય, તો આવનારા સમયને સમજી શકવાની સમર્થતા જોઈએ. મને તો આમાં બહુ મોટા લાભની શક્યતા દેખાય છે. હું તો તાત્કાલિક કંપની ફોર્મ કરીને ભવિષ્યમાં સદેહે સ્વર્ગની સફરની યોજના ઘડવાની તૈયારી કરું છું. તમે કોઈ નામ સૂચવી શકો?
યુવક-૨ : હું આજની દુનિયામાં હજી તો જીવતો છું. તમે વિચારો કે તમે …
યુવક-૧ : એ બધું છોડો. મેં વિચારી લીધું છે. તમે મને એ બતાવો કે આ આકાશના ગાબડાને મોટું કરવા, એનું કદ જલદી વધારવા શું-શું કરવું જોઈએ?
યુવક-૨ : તો પછી તમે જે કરો છો તે કર્યે જ જાવ. ભગવાન પરશુરામે પૃથ્વીને નક્ષત્રીય કરવાનું વ્રત લીધું હતું. તમે પૃથ્વી પરથી વૃક્ષોના નિકંદનનું વ્રત લ્યો. બહુ મહેનત નથી પડવાની.
યુવક-૧ : પણ અમે ક્યાં મહેનત કરવાની ના પાડીએ છીએ? જે કરવાનું હોય તે બધું જ જલદી બતાવો. આમ સહદેવની જેમ પૂછીએ એના જ જવાબ ન આપો.
યુવક-૨ : તો પછી કર્યે જાવ, થાવા દ્યો, નદીઓમાં, નાળાંઓમાં, તળાવોમાં, તમારાં કારખાનાંઓમાં દૂષિત પાણી નાંખતાં રહો. ચારે બાજુ ગંદકીના નાના-નાના ઉકરડાને બદલે ટેકરીઓ સજાવો, દેવી-દેવતાઓને ઉપર સંભળાય તે માટે જોરજોરથી બૅંડવાજાં વગાડો, એમને પણ કદાચ પોલાણમાંથી ભૂલોકના દર્શન થશે, દેવાધિદેવના ઇન્દ્રદેવના શાપ વગર!
યુવક-૧ : અરે, વાહ! તો તો પછી સૌ પહેલાં રંભા-મેનકાની નૃત્ય મંડળીને જ બોલાવીશું. આપણી ગતિવિધિથી એ લોકો પણ અંજાઈ જશે.
યુવક-૨ : હા, તમારી વાત સાચી, એ સ્વર્ગવાસી દેવી-દેવતા ભૂલોકમાં અવતરશે, ત્યારે ખરેખર અચંબો પામશે. માનવોથી ખદબદતાં ભૂલોકની સ્મશાનવત્ શાંતિ, માનવીનાં કંકાલો અને સમગ્ર જીવસૃષ્ટિનો વિનાશ એમનાથી જોયો નહીં જાય! આપણે તો જોવાનો સવાલ જ નથી. સદેેહે, સ્વેચ્છાએ આપણી પૃથ્વીને નર્કાગારમાં ફેરવી નાખનાર આપણે લીલાલહેર ક્યાંથી કરવાના?
***
થોડી ક્ષણો માટે સભાગૃહ સ્તબ્ધ. પછી તાળીઓના ગડગડાટે સૌએ એ બંને યુવાનોને વધાવ્યા.
સૌ વૈજ્ઞાનિકો આ ચર્ચાસભા પડતી મૂકવા સંમત થયા. ગ્લોબલ વૉર્મિંગ હકીકત છે, એનો સંદેશો આટલી અસરકારક રીતે બીજાં કોઈ માધ્યમ દ્વારા નહીં આપી શકાય એમ નક્કી કરીને સભા બરખાસ્ત થઈ.
વડોદરા
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2016; પૃ. 08-09