જન્મશતાબ્દી – સ્મરણાંજલિ
માનવેન્દ્રનાથ રોયની નવમાનવવાદી (રેડિકલ હ્યુમેનિસ્ટ) વિચારધારાના દાર્શનિક અભિગમને અપનાવવા માટે મૂઠી ઊંચેરી વૈચારિક સજ્જતાની આવશ્યક્તા છે તો તેને વ્યવહારમાં આચરવા-અનુસરવા માટે ધૈર્ય, આશાવાદ અને સત્તા પ્રત્યેની અનાસક્તિ જરુરી છે. ગુજરાતમાં, ગત સદીના ચોથા-પાંચમા દાયકા દરમિયાન આ વિચારધારાના સમર્થકોમાં ચંદ્રકાન્ત દરુ, રાવજીભાઈ પટેલ (વડોદરાનું રેનેસાંસ ગ્રુપ), દશરથલાલ ઠાકર, તૈયબ શેખ, ચંપકલાલ ભટ્ટ, પ્રસન્નદાસ પટવારી, દુર્ગાશંકર ત્રિવેદી, અરુણ દીવેટિયા, મણિભાઈ પંડ્યા, ઠાકોરભાઈ પંડ્યા, હરિભાઈ શાહ, ધવલ મહેતા, રમેશ કોરડે, મનુભાઈ શાહ, સફી મહમદ બલોચ, બિપીન શ્રોફ સહિતના અનેક કાર્યકરો નક્કર ઉદાહરણો છે.
દાર્શનિક ભૂમિકામાં ભૌતિકવાદ, વૈજ્ઞાનિક અને રેશનલ અભિગમ, વૈશ્વીક દૃષ્ટિકોણ, માનવીય ગૌરવ, સ્વતંત્રતા, સમાનતા અને સહોદરભાવનાં મૂલ્યો પ્રત્યે નિષ્ઠા રહેલાં છે. માનવજીવનમાં ઉપલબ્ધ તમામ રસોને વિવેકપૂર્વક (અન્યના ભોગે નહીં) માણવાની હિમાચત તેમાં અભિપ્રેત છે. (આ જીવન-જગતને મિથ્યા ગણી પરલોક માટે ત્યાગ, તપ, વ્રત કરવાની નહીં) આ ભૂમિકાના ફલસ્વરુપ, અનીશ્વરવાદ, ઈહલોકવાદ, સર્વધર્મઅભાવ-બૃહદીકરણ(સેક્યુલર)નો સ્વીકાર તથા, પરલોકવાદ, કર્મનો સિદ્ધાંત કે રંગ, જાતિ, ધર્મ, પ્રદેશના સંકુચિત વાડા કે ભેદભાવનો અસ્વીકાર સમાયેલાં છે. પારંપરિક કે કોઈ પણ ખ્યાલ કે માન્યતાને માનવ જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ય તથ્યો તથા માનવબુદ્ધિની એરણ ઉપર ચકાસવાની બેહિચક અને બિનધાસ્ત તત્પરતા માનવવાદીઓનું નોંધપાત્ર લક્ષણ છે.
માનવીય ગૌરવનો ખ્યાલ કેટલાક વિશેષ સંદર્ભ ધરાવે છે. તેમાં : –
1. પ્રથમ તો વૈયક્તિક માનવીને, પાયાનાં એકમ તરીકે સ્વીકારી, અગ્ર અપાય છે. કબીલા, ગામ, કે તેવા કોઈ સામૂહિક એકમના કાલ્પનિક (એબસ્ટ્રેક) ખ્યાલને નામે વ્યક્તિનાં હિતોને અવગણવાની કે તેનો ભોગ આપવાની શૈલીને ફગાવી દેવામાં આવે છે. તેઓ માને છે કે વ્યક્તિનાં સુખ, સમૃદ્ધિ અને હિતનો સરવાળો જ સમૂહનાં સુખ-સમૃદ્ધિ-હિતનો નિર્દેશક-આંક છે. વ્યક્તિઓ દરિદ્ર હોય તો સમૂહ સમૃદ્ધ ગણી શકાય નહીં.
2. માનવીય ગૌરવની જાળવણી માટે એ જરુરી છે કે પ્રત્યેક વ્યક્તિનું સ્વાતંત્ર્ય, રાજ્ય, સમાજ કે અન્ય વ્યક્તિ દ્વારા, લોપાય નહીં. કારણ કે, વ્યક્તિના મુક્ત વિચાર અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય જે તે માનવીને, તેના અસ્તિત્વની પૂર્ણતા હાંસલ કરવા તથા વિકાસ અને પ્રગતિ માટે, આવશ્યક છે અને એકંદરે તે સમાજના હિતમાં છે.
3. માનવીથી પર કે તેના જીવનની કે વલણોની સંચાલક કોઈ અલૌકિક વ્યક્તિ કે શક્તિ નથી. માનવી જ તેના જીવન અને ભાવિનો ઘડવૈયો છે. દેવ, તારા, ગ્રહો, પ્રારબ્ધ, પૂર્વજન્મનાં કર્મ, મંત્ર-તંત્ર, પ્રાર્થના, પૂજા વગેરેની કોઈ અસર પડતી નથી. માનવીના જીવનનો દોર કોઈ અગમ્ય તત્ત્વ કે નિયતિના હાથમાં નથી પણ માનવીના પોતાના હાથમાં જ છે.
4. માનવી દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. માનવીની જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન જ સત્ય છે. કોઈ અલૌકિક તત્ત્વ દ્વારા કે માનવબુદ્ધિથી પર પદ્ધતિ દ્વારા તે પ્રાપ્ત થતું નથી.
5. પરિણામે, માનવી જ પાયાનું ચાલકબળ હોવાથી તેના વૈચારિક-સાંસ્કૃિતક ઘડતર દ્વારા જ સમૂહની સુધારણા કે નવનિર્માણ થઈ શકે. આ માન્યતા સાથે માનવીમાં એવો અનર્ગળ આશાવાદ પણ સંકળાયેલો છે કે, પ્રત્યેક માનવી, પ્રબુદ્ધ-જ્ઞાન અને બુદ્ધિથી, અને તેમાંથી નીપજતી નૈતિકતાથી સંચારિત થઈ માનવવાદી અભિગમ સ્વીકારશે અને આચરશે. આ આશાવાદ સામે પ્રશ્ન થાય કે, કેટલી વ્યક્તિઓ, માનવવાદી દર્શન અને મૂલ્યોને અપનાવી, સ્થાપિત હિતની રક્ષા તથા સત્તા અને ભોગની લાલસામાંથી મુક્ત રહેશે ?
ચંદ્રકાન્તભાઈ અને માનવવાદી સાથીઓ સાથે 1956થી હળવામળવાના પ્રસંગો સાંપડ્યા. અધ્યયન શિબિરો, વ્યક્તિગત મળવાનું અને વાણી-વ્યવહારને જોવા-સમજવાની તકો સાંપડી. ચંદ્રકાન્ત દરુના વિચાર અને આચારમાં માનવાદી દર્શન અને મૂલ્યો સુપેર વ્યક્ત થાય છે.
દરુએ જીવનમાં ચણા ફાકી ભૂખ સંતોષવાના દિવસો, સુખસગવડ અને પ્રતિષ્ઠાપૂર્ણ પરિવેશ તથા લોકશાહી માટે ઝઝુમતાં કારાવાસ અને અંતે કેન્સરની ઘાતક બીમારીનું દર્દ અનુભવ્યાં છે. પત્રકાર, શિક્ષક, કામદાર મંડળના સંગઠનકર્તા, વકીલ, રેડિકલ હ્યુમેનિસ્ટ આંદોલનના અગ્રણી તરીકેની ભૂમિકાઓ તેમણે નિભાવી છે. અવારનવાર સામા પ્રવાહે તરવાની હિંમત તેમણે દર્શાવી છે, પછી તે બેંતાલીસનું આંદોલન વિરુદ્ધ ફાસીવાદ સામેના યુદ્ધનું સમર્થન હોય, દારુબંધીનો પ્રતિબંધ હોય, અંગ્રેજી ભાષાના શિક્ષણ(પાંચમા કે આઠમાથી)નો વિવાદ હોય, ગાંધી, નહેરુ કે ઇન્દિરા જેવાં લોકચાહના ધરાવતાં નેતા હોય, તેમની સામે પોતાને સાચું લાગ્યું તે તથા માનવવાદી મૂલ્યો માટે, અવાજ ઊઠાવતાં તે ખમચાયા નથી.
દરુએ જીવનમાં અનેક નિષ્ફળતાઓ પણ અનુભવી અને સહી લીધી. 'સ્વતંત્ર ભારત’ અખબારનો અંત, ચૂંટણીમાં રેડિકલ ડેમોક્રેટિક પક્ષનો ફિયાસ્કો અને પક્ષના વિસર્જનનો નિર્ણય સહકારી અર્થકારણના પ્રયોગરૂપ સ્ટોરનું વિલોપન, ચાલુ બંધ થતાં સામયિકો, કામદાર મંડળની સભ્ય સંખ્યા ટોચ પરથી ગબડતી રહેવી, અંગત સાથીઓ સાથે મનભેદ વગેરેને તેમને પચાવવા પડ્યાં હતાં. આમ છતાં તેમના વાણી-વ્યવહારમાં ક્યાં ય ચીડ, રોષ, કડવાશ દેખાતાં નહીં. હકીકતમાં મેં માત્ર બે વ્યક્તિઓને કદી ગુસ્સો વ્યક્ત કરતાં જોઈ નથીઃ જયંતી દલાલ અને ચંદ્રકાન્ત દરુ.
પક્ષવિહીન તથા સત્તાવિહીન રાજકારણની હિમાયત અને રેડિકલ ડેમોક્રેટિક પક્ષના વિસર્જન સાથે, જનમાનસને લોકશાહી અને નવમાનવવાદી વ્યવસ્થાના નિર્માણ માટે અગ્રસર કરવાના હેતુથી, રેનેસાંસ આંદોલન દ્વારા વૈચારિક-સાંસ્કૃિતક ક્રાંતિ પ્રેરવાનો અભિગમ અપનાવવામાં આવ્યો. માનવ વ્યવહારનાં તમામ (રાજકારણ, સમાજકારણ, અર્થકારણ વગેરે) ક્ષેત્રોમાં માનવવાદી મૂલ્યો અનુસારનાં વર્તન અને વ્યવહારની પ્રસ્થાપના કરવાનું કાર્ય બહુ મોટો પડકાર છે. આ પ્રકારનું કાર્ય વૈચારિક સજ્જતા, ધીરજ, નિષ્કામ વૃત્તિ, લોકોમાં અળખામણા થવાની તૈયારી વગેરે ગુણો માંગી લે છે.
ગુજરાતના પૂર્વ-વિભાગના આદિવાસી ગણાતા પટ્ટાનાં રજવાડાનું નગર છોટાઉદેપુર દરુનું જન્મસ્થાન અને અમદાવાદ કર્મભૂમિ. અમદાવાદમાં ગુલભાઈ ટેકરા પર, અલકાપુરી સોસાયટીમાં તેમનું બે માળનું નિવાસસ્થાન (પત્ની હસુબહેન, પુત્રી નયના, પુત્ર શેખર તથા પુત્રી જેવી નીપા, અવારનવાર આવતાં મહેમાનોથી ભર્યું ભાદર્યું). મીરઝાપુર રોડ ઉપરનાં યુનિયનનાં કાર્યાલયમાં જ તેમની ઓફિસ. તેમના ઘેર ગમે ત્યારે જઈ શકાય. આ ઘરમાં અવારનવાર યોજાયેલ ભોજન સમારંભોમાં વિવિધ મહાનુભાવોને મળવાનો લાભ મળ્યો છે.
પ્રથમ નજરે દરુની સરેરાશ ઊંચાઈ, સહેજ ગોરો વાન, ચોરસ મુખાકૃતિ, જાડી ચોરસ ફ્રેમના જાડા કાચ પાછળ છુપાયેલી તંદ્રીલ (કે વિચારમગ્ન) આંખો, જાડા હોઠ જોતાં, તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી ના લાગે. પરંતુ તેમની સાથે સંપર્ક વધે, ચર્ચા-વિચારણાનો લાભ સાંપડે, ત્યારે તેમના બહોળા વાંચન, સ્પષ્ટ વિચારણા, મૃદુ વ્યક્તિત્વ સાથે તેજસ્વી વાણી, સાદી સરળ શૈલીમાં ગંભીર વાતને મુકવાની ક્ષમતા, સાહિત્ય-સંગીત-કલા અંગેની તેમની રુચિનો પરિચય સાંપડે અને તેમના પ્રત્યેનું આકર્ષણ અને ભાવનો ગ્રાફ ઊંચો જાય.
દરુની સરળતા નોંધપાત્ર હતી. તે દવાની ગોળીઓ સીધેસીધી ગળી જાય. મિત્રો તેમને ટોકે. તેમની સરખામણીમાં હું તો સાવ નાનો અને નવો. એક વાર, મારી હાજરીમાં તેમને દવા લેતા જોઈ, મેં તેમને કહ્યું દવાના ભારે રસાયણો હોજરીને નુકસાન કરી શકે માટે દવાને કશાંક પીણાં કે ખોરાક સાથે લેવી જોઈએ. (બાજુમાં બેઠેલા પ્રસન્નદાસ પટવારીએ પણ તેમાં સૂર પુરાવ્યો.) તેમણે સાવ બાલ સહજ સરળ રીતે કહ્યું, હવેથી હું દવાઓ એકલી નહીં લઉં. કોઈ દલીલ કે બહાનું રજૂ કરવાને બદલે ઉચિત વાતને સ્વીકારી લેવાની સરળતા બહુ જૂજ વ્યક્તિઓમાં હોય છે.
માનવીમાં તેમના વિશ્વાસનાં તો અનેક પ્રસંગો છે. તેમનાં વપરાશનાં કરિયાણાંનું બીલ લઈને વેપારી આવ્યો, તેમણે નાણાં ચુકવી દીધા. પાસે બેઠેલા વકીલ મિત્રે કહ્યું, દરુ, બીલ તો ચેક કરો. તેમનો જવાબ હતો આ વેપારી મહિના સુધી મારામાં વિશ્વાસ મૂકી વસ્તુઓ આપે છે. હવે જો હું તેનામાં વિશ્વાસ ના રાખું તો તેના કરતાં હું વામણો ગણાઉં. (એડવોકેટ બેલસરેનુ સ્મરણ)
દરુ કાયદાના પાયાના દાર્શનિક ખ્યાલને પકડીને રજૂઆત કરતા. દરુ બંધારણ તથા અધિકારો અંગેના મામલાઓ માટેના નિષ્ણાત વકીલ ગણાતા. તે હંમેશાં વંચિત, દલિત કે શોષિતના કેસો જ હાથ ધરે (દા.ત. ગ્રે ફોલ્ડરોનો પ્રશ્ન). માલિકોની તરફેણના કેસ ના લે. પરિણામે તે કંઈ માલેતુજાર ન હતા. (ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોના અધ્યાપકોના મતાધિકારના, 'ભૂમિપુત્ર' સામાયિકના સેન્સરના કેસમાં, તેમણે ફી લીધી નહોતી.) છતાં વિવિધ માનવવાદી પ્રવૃત્તિઓમાં (શિબિર, સામાયિકના ખર્ચ વગેરેમાં) તેઓ નાણાં આપતા. વળી, ફી બાબતમાં પણ તેમનું ધોરણ વાજબી અને નૈતિક. અઢળક સંપત્તિ ધરાવતા જાણીતા (દાણચોરીના ધંધા સાથે સંળાયેલા હોવાનો આક્ષેપ ધરાવતા) સુકર બખિયાનો અધિકાર અંગેનો કેસ તેમણે સફળતાપૂર્વક ચલાવ્યો. જીત મળતાં બખિયા ભારે રકમ આપવા માંગતા હતા. દરુએ માત્ર તેમની સર્વસામાન્ય ફી જ લીધી. એક મિત્રએ તેમને આ વિષે પૂછતાં તેમણે કહ્યું, મેં તેના એક નાગરિક તરીકેના અધિકાર માટે લડત આપી હતી. તે માટેની મારી ચાલુ ફી કરતાં વધુ લઉં તો હું તેના અન્ય કૃત્યોમાં ભાગીદાર ગણાઉં. કેવી સુક્ષ્મ ન્યાયબુદ્ધિ ! − સલામ દરુસાહેબ.
તેમનાં જ્ઞાન, તીવ્ર બુદ્ધિ અને દલીલશક્તિની મિસાલ દારુબંધીના કાયદાને પડકારતા કેસમાં જણાઈ આવે છે. વિખ્યાત સરકારી વકીલની સંપૂર્ણ (એબ્સોલ્યુટ) દારુબંધીની તરફેણ કરતી જોરદાર દલીલોના પ્રત્યુત્તરમાં, તેમની સરળ સ્વાભાવિક શૈલીમાં પૂછ્યું, આલ્કોહોલ પર એબ્સોલ્યુટ બંધી માંગો છો ? વકીલશ્રીએ કહ્યું, હા, હા, એબ્સોલ્યુટ. દરુએ તેમના સ્વાભાવિક શાંત (નેસલ) અવાજમાં કહ્યું. મિ લોર્ડ, મારા વિદ્વાન વકીલ મિત્રને એ યાદ આપું કે દરેક વ્યક્તિના લોહીમાં અમુક ટકા આલ્કોહોલ હોય છે અને તે આરોગ્ય માટે જરૂરી છે. તેને દૂર કરીએ તો આરોગ્ય જોખમાય … . અદાલતમાં હાજર સહુ સ્મિત કરી રહ્યા. (એડવોકેટ બેલસરેનુ સ્મરણ)
લોકશાહી માટેના નિર્ભીત લડવૈયા તરીકેની દરુની તસવીર ઇન્દિરાઈ કટોકટી સામેના સંઘર્ષમાં ઉપસી આવે છે. પરિષદોનું આયોજન, સેન્સરશીપ તથા ન્યાયાધીશોની બદલીઓ સામેના કેસો, ભૂગર્ભ પત્રિકા (જે બહાને તેમને કારાવાસમાં ધકેલી દેવાયા) વગેરે દ્વારા તેમણે જનતાના લોકશાહી અધિકારો માટેના અણનમ લડવૈયા તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું.
e.mail : jaykepatel@gmail.com
સૌજન્ય : “માનવવાદ”, મે 2016; પૃ. 02-04