જવાહરલાલ નેહરુના અવસાન પછી સેક્યુલર મૂલ્યના જતનમાં કૉન્ગ્રેસનું કોઈ યોગદાન નથી અને ભારતમાં આઝાદીનાં મૂલ્યનાં જતનમાં BJPનું કોઈ યોગદાન નથી, દરેક રાષ્ટ્રીય કલંકની ઘટના વેળા મૂલ્યોના પક્ષે ઊભા રહેવામાં રાજકીય પક્ષો નિષ્ફળ નીવડ્યા છે. અદના ભારતવાસીએ ભારતની લાજ રાખી છે, પરંતુ રાજકીય પક્ષોએ નહીં. ઇમર્જન્સી વખતે આઝાદીનાં મૂળભૂત મૂલ્યોમાં માનનારા સામાન્ય માણસે ઇમર્જન્સી સામે લડત આપી હતી. દિલ્હી, અયોધ્યા અને ગુજરાત વખતે મુઠ્ઠીભર સેક્યુલરિસ્ટોએ મોરચો સંભાળ્યો હતો. એ વખતે રાજકીય પક્ષો તો પાણીમાં બેસી ગયા હતા
BJPએ રવિવારે (26 જૂને) ઇમર્જન્સીની ૪૧મી વરસી ઊજવી. અંગ્રેજી ભાષામાં એક ફાયદો છે કે ઍનિવર્સરી શબ્દમાં સારી-નરસી બન્ને ઘટનાઓનો સમાવેશ થાય છે. ઇમર્જન્સી એ કોઈ ઊજવવા જેવી ઘટના નહોતી, પરંતુ શરમાવા જેવી ઘટના હતી એટલે આવી ઘટનાઓ માટે વરસી શબ્દ ઠીક રહેશે. ૪૧ વરસ પહેલાં ૨૬ જૂને ઇન્દિરા ગાંધીએ દેશ પર ઇમર્જન્સી લાદી હતી. હવે તો ઇમર્જન્સી શું હતી એ ૬૦ વરસથી નીચેની વયના લોકોને સમજાવવું પડે એટલી એ જૂની ઘટના છે અને લોકો વીસરવા લાગ્યા છે. BJPને સ્વાભાવિકપણે ઇમર્જન્સી ન વીસરાય એમાં રસ છે, કારણ કે એમાં કૉન્ગ્રેસ ગુનેગાર છે અને BJP ઇમર્જન્સીનો સીધો અને મોટો લાભાર્થી પક્ષ છે.
BJP લાભાર્થી પક્ષ છે એટલે એણે ઇમર્જન્સીને યાદ કરતા રહેવું જોઈએ અને બીજાઓએ હવે એને જૂની ઘટના ગણીને ભૂલી જવી જોઈએ એવું નથી. ડાહ્યા માણસો જીવનમાં મેળવેલી સિદ્ધિઓની માફક જીવનમાં કરેલી ભૂલોને પણ યાદ રાખે છે અને ભૂલો વિશે વધારે બોલે છે. ઇતિહાસ બેધારી તલવાર છે. એનો કોઈની સામે વેર વાળવા માટે પણ ઉપયોગ થઈ શકે છે અને આત્મનિરીક્ષણ કરીને જાતને સુધારવા માટે પણ ઉપયોગ થઈ શકે છે. ડાહ્યો માણસ બીજી રીતે ઇતિહાસનો ઉપયોગ કરે છે. રાષ્ટ્રને પણ આ વાત લાગુ પડે છે. રાષ્ટ્ર એ કોઈ જમીનનો ટુકડો નથી, પરંતુ જીવતો સમાજ છે જે ભૂલો કરી શકે છે અને જો વિવેક જાગ્રત હોય તો એને સુધારી પણ શકે છે. ઇતિહાસ ઊલટાવી શકાતો નથી, પરંતુ ઇતિહાસમાં માનવસમાજે કરેલી ભૂલો બીજી વાર ન થાય એની તકેદારી લઈ શકાય છે.
નાણાપ્રધાન અરુણ જેટલીએ રવિવારે કહ્યું હતું કે ઇમર્જન્સી રાષ્ટ્રીય કલંક છે અને કૉન્ગ્રેસે એના વિશે પક્ષ અંતર્ગત અને બહાર ચર્ચા કરવાની તૈયારી બતાવવી જોઈએ. તેમની વાત સાચી છે. ઇમર્જન્સી એક રાષ્ટ્રીય કલંક છે. ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવાના એકમાત્ર ઉદ્દેશથી દેશ પર ઇમર્જન્સી લાદી હતી. ઇન્દિરા ગાંધીએ ચૂંટણીની રીતરસમો પાળવામાં કરેલા ભંગ સામે રાજનારાયણ નામના તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારે અલાહાબાદની હાઈ કોર્ટમાં કેસ કર્યો હતો જેમાં ઇન્દિરા ગાંધી હારી ગયાં હતાં. અદાલતે તેમનું લોકસભાનું સભ્યપદ રદ કર્યું હતું અને બીજાં છ વર્ષ તેઓ ચૂંટણી ન લડી શકે એવી સજા કરી હતી. ચૂંટણીકીય રીતરસમોમાં કરવામાં આવેલા મામૂલી અને એ પણ ટેક્નિકલ ભંગના ગુના માટે આ સજા જરા વધારે પડતી આકરી હતી. ઇન્દિરા ગાંધીની ચૂંટણીસભા માટે બાંધવામાં આવેલા મંચની ઊંચાઈ ઠરાવેલી ઊંચાઈ કરતાં વધારે હતી એ રીતરસમોમાં કરવામાં આવેલા ઉલ્લંઘનનો મહત્ત્વનો મુદ્દો હતો.
ગમેતેમ, ગુનો એ ગુનો હતો અને સજા એ સજા હતી અને પાછી સજા હાઈ ર્કોટે કરી હતી. સજા અપીલમાં ટકી શકે એમ નહોતી એવો દરેક વકીલનો અભિપ્રાય હતો. અપીલ અને ચુકાદાનો માત્ર વચગાળાનો સમય હતો અને એ દરમ્યાન ઇન્દિરા ગાંધીએ રાજીનામું આપવું પડે એમ હતું. ઇન્દિરા ગાંધી રાજીનામું નહોતાં આપવા માગતાં. નવો વડો પ્રધાન પછી ખસે નહીં તો? પક્ષ એ માણસના પક્ષમાં ઊભો રહી જાય તો? સજામાં ઘટાડો ન થાય તો? બહાદુરીનો દેખાડો કરનારા મોટા ભાગના માણસો અંદરથી ડરપોક હોય છે એટલે તેઓ પોતાનો ગરાસ ન લૂંટાઈ જાય એ માટે આક્રમક બની જાય છે. ઇન્દિરા ગાંધી આવાં અસલામતીથી પીડિત બહાદુર મહિલા હતાં. તેમણે પોતાની સત્તા જાળવી રાખવા ઇમર્જન્સી લાદી હતી.
પોતાના અંગત સ્વાર્થ સારુ બંધારણને લકવાગ્રસ્ત કરવું, રાષ્ટ્રના અંતરાત્મા પર કુઠારાઘાત કરવો અને પ્રજાની જીભ સીવી લેવી એ અક્ષમ્ય ગુનો હતો. અરુણ જેટલી કહે છે એમ રાષ્ટ્રીય કલંક હતું. અરુણ જેટલીએ પક્ષ અંતર્ગત અને પક્ષની બહાર કૉન્ગ્રેસે ચર્ચા (નૅશનલ ડિબેટ) કરવી જોઈએ એવું આહ્વાન કર્યું છે. એ વાત ખરી છે કે કૉન્ગ્રેસે એ વિશે ક્યારે ય ચર્ચા નથી કરી. મૂંગા રહેવાનું અને મોં ફેરવી લેવાનું વલણ કૉન્ગ્રેસીઓ ધરાવે છે. એટલું સારું છે કે હવે કૉન્ગ્રેસીઓ ઇમર્જન્સીનો બચાવ નથી કરતા.
અહીં માત્ર અરુણ જેટલીને નહીં, પરંતુ તમામ રાજકીય પક્ષોને અને એમાં પણ ખાસ કરીને કૉન્ગ્રેસને અને BJPને સૂચવવું રહ્યું કે આપણે આઝાદી પછીનાં રાષ્ટ્રીય કલંકોની યાદી બનાવીને રાષ્ટ્રીય સ્તરે આત્મનિરીક્ષણ કરીએ તો કેમ? અમે અને તમેની ભાષામાં બોલવાની અને લલકારવાની શી જરૂર છે, આપણેની ભાષામાં આપણે આત્મનિરીક્ષણ કરીએ તો કેમ? મારી દૃષ્ટિએ આઝાદી પછી પાંચ ઘટનાઓ એવી બની છે જેને રાષ્ટ્રીય કલંક તરીકે ઓળખાવી શકાય. પહેલી ઘટના મહાત્મા ગાંધીની હત્યા. બીજી ઘટના ઇમર્જન્સી. ત્રીજી ઘટના ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્હી અને અન્યત્ર સિખોનો કરવામાં આવેલો નરસંહાર. ચોથી ઘટના ૧૯૯૨માં બાબરી મસ્જિદનો કરવામાં આવેલો ધ્વંસ અને પાંચમી ઘટના ૨૦૦૨માં ગુજરાતમાં મુસલમાનોનો કરવામાં આવેલો નરસંહાર. આ પાંચેય ઘટનાઓ સભ્ય સમાજ માટે શરમજનક છે અને આપણે, અમે અને તમેની ભાષા છોડીને, રાષ્ટ્રીય સ્તરે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. વીસમી સદીના ઉત્તરાર્ધમાં ભલે પાંચ શરમજનક ઘટનાઓ બની હોય, પરંતુ એકવીસમી સદીમાં અને એ પછીના યુગમાં આવી એક પણ ઘટના ન બને એ માટે માણસ બનીને આત્મનિરીક્ષણ કરવું જોઈએ.
રાજકીય પક્ષોના મંચ પર ચર્ચા થવી જોઈએ, બહાર ચર્ચા થવી જોઈએ, રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થવી જોઈએ, જરૂરી બંધારણીય સુધારાઓ થવા જોઈએ, ચૂંટણીકીય સુધારાઓ થવા જોઈએ. બોલો છે તૈયારી? તમારે આત્મનિરીક્ષણ કરવું જોઈએ એવી સુફિયાણી સલાહ આપવાનો કોઈ અર્થ નથી.
એક વાત નોંધી રાખજો, આમાંનું કાંઈ થવાનું નથી. એનું કારણ એ છે કે દરેક રાષ્ટ્રીય કલંકની ઘટના વેળા મૂલ્યોના પક્ષે ઊભા રહેવામાં રાજકીય પક્ષો નિષ્ફળ નીવડ્યા છે. અદના ભારતવાસીએ ભારતની લાજ રાખી છે, રાજકીય પક્ષોએ નહીં. ઇમર્જન્સી વખતે રાજકીય પક્ષો પાણીમાં બેસી ગયા હતા. કોઈકે માફી માગી હતી, કોઈકે બીમારીનાં બહાનાં કાઢ્યાં હતાં, કોઈકે છૂપી સોદાબાજી કરી હતી, કોઈકે સખણા રહેવાની બાંયધરી આપી હતી; જ્યૉર્જ ફર્નાન્ડિસ જેવા બહુ ઓછા લોકો હતા જેમણે સામી છાતીએ ઇમર્જન્સીનો મુકાબલો કર્યો હતો. આઝાદીનાં મૂળભૂત મૂલ્યોમાં માનનારા સામાન્ય માણસે ઇમર્જન્સી સામે લડત આપી હતી જેની સંખ્યા ભલે ઓછી હતી, પરંતુ છાતી નેતાઓ કરતાં મજબૂત હતી. આ નોંધાયેલો ઇતિહાસ છે જેની ખાતરી થઈ શકે એમ છે. દિલ્હી, અયોધ્યા અને ગુજરાત વખતે મુઠ્ઠીભર સેક્યુલરિસ્ટોએ મોરચો સંભાળ્યો હતો. રાજકીય પક્ષો તો પાણીમાં બેસી ગયા હતા. ભારતમાં આઝાદીના મૂલ્યના જતનમાં BJPનું કોઈ યોગદાન નથી અને જવાહરલાલ નેહરુના અવસાન પછી ભારતમાં સેક્યુલર મૂલ્યના જતનમાં કૉન્ગ્રેસનું કોઈ યોગદાન નથી.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 27 જૂન 2016
http://www.gujaratimidday.com/features/columns/emergency-in-india-2