યરવડા જેલમાં હરિજનકાર્ય ન કરવા દેવાના મુદ્દે ગાંધીજીએ 1933માં આમરણ ઉપવાસ શરૂ કરેલા. અંગ્રેજ સરકારે ગભરાઈને ગાંધીજીને જેલમુક્ત કર્યા. ગાંધીજીએ પૂનામાં જ સર વિઠ્ઠલદાસ ઠાકરશીના ‘પર્ણકુટી’ બંગલામાં રહેવાનો નિર્ણય કર્યો. ઉપવાસને કારણે તેમની તબિયત લથડી હતી. એક યુવાન ડૉક્ટરે તેમને દવાઓ આપી. ગાંધીએ પૂછ્યું, ‘મારે તમારી સારવાર શા માટે લેવી જોઈએ? શું તમે મારા ચાળીસ કરોડ દેશવાસીઓને નિ:શુલ્ક સારવાર આપશો?’ પેલા યુવાન ડૉક્ટરે જવાબ આપ્યો, ‘ના ગાંધીજી, હું તમામ દર્દીઓની મફતમાં સારવાર ન કરી શકું. હા, હું મો.ક. ગાંધીની સારવાર નથી કરતો, પણ હું એ વ્યક્તિની સારવાર કરું છું, જે દેશના ચાળીસ કરોડ દેશબંધુઓનું પ્રતિનિધિત્વ કરે છે.’ આવો જવાબ સાંભળીને ગાંધીજી દવા-સારવાર લેવા તૈયાર થઈ ગયેલા.
વિશ્વભરમાં ભારતીય સિનેમાની શિરમોર ગણાતી ફિલ્મ ‘પાથેર પાંચાલી’ માટે સત્યજિત રેને કોઈ નાણાં ધીરવા તૈયાર નહોતું. ફિલ્મ અટવાઈ પડી હતી. આખરે સત્યજિત રેએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને અડધી-અધૂરી ફિલ્મ બતાવી અને કળાપારખું મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો કે રાજ્ય સરકાર જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે અને દેશ-દુનિયાને એક ઉત્તમ સિનેકૃતિ ઉપલબ્ધ થઈ હતી.
ગાંધીજીની સારવાર કરનારા ડૉક્ટર અને સત્યજિત રેને મદદ કરનાર મુખ્યમંત્રી હતા – ડૉ. બિધાન ચંદ્ર રૉય. પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉ. બી.સી. રૉય આધુનિક પશ્ચિમ બંગાળના નિર્માતા ગણાય છે. રૉયસાહેબે આઝાદી જંગના લડવૈયા, પરોપકારી ચિકિત્સક, આરોગ્ય ક્ષેત્રમાં મેડિકલ સંસ્થાઓ(ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વગેરે)ના સ્થાપક અને કુશળ રાજકર્તા તરીકે દેશની મહામૂલી સેવા કરી હતી.
આઝાદી પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ કરતાં તેમને તો દર્દીઓની સેવા વહાલી હતી, પરંતુ ગાંધીજીના અનુરોધને આંખે ચડાવીને તેમણે મુખ્યમંત્રી પદ સંભાળેલું. જો કે, દિવસનો એક કલાક તેઓ ગરીબ દર્દીઓની સારવાર-સંભાળ માટે ફાળવતા હતા. એક ડૉક્ટર તરીકે તેમનું પ્રદાન વધારે ઉત્કૃષ્ટ હતું કે એક રાજનેતા તરીકેનું, એનો નિર્ણય અઘરો પડે, એવાં અનેક મહાકાર્યો ડૉ. રૉયના નામે બોલે છે. અને એટલે જ તેમને ઈ.સ. 1961માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા.
પરમ દિવસે એટલે કે પહેલી જુલાઈના રોજ દેશમાં રાષ્ટ્રીય ડૉક્ટર ડેની ઉજવણી કરાશે. દેશમાં મેડિકલ ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપનારા ડૉ. બી.સી. રૉયના સ્મરણમાં જ રાષ્ટ્રીય ડૉક્ટર ડે ઊજવાય છે. ડૉ. રૉય અને શેક્સપિયર વચ્ચે એક સામ્યતા એ છે કે બન્નેના જન્મ દિવસ અને મૃત્યુ દિવસ એક જ તારીખે આવે છે. આમ, 1 જુલાઈ, 1882ના રોજ બિહારના પટણા ખાતે જન્મેલા ડૉ. રૉયનું નિધન કોલકાતા ખાતે 1 જુલાઈ, 1962ના રોજ થયું હતું.
આજે મેડિકલ ક્ષેત્રનું વેપારીકરણ થઈ ગયું છે અને ડૉક્ટરની ભાવના અને ભૂમિકામાં બહુ ફરક પડી ગયો છે. ડૉક્ટરમાં દેવનાં દર્શન કરનારા દર્દીઓ જ્યારે હોસ્પિટલનું બિલ જુએ છે ત્યારે જાણે કોઈ દૈત્યે લૂંટી લીધા હોય, એવા ભાવ જાગી જાય એવો સમય આવી ગયો છે. દેશના ડૉક્ટર્સ જો ડૉ. બી.સી. રૉય જેવાને પોતાના રોલમૉડલ ગણે તો ભાગ્યે જ કોઈ દર્દી સારવારથી વંચિત રહે. જીવન અને મૃત્યુ તો ઉપરવાળાના હાથમાં છે, પણ દેશના દરેક નાગરિકને સમયસર સારવાર મળે, એ તો દેશના ડૉક્ટરની નૈતિક ફરજ છે.
દર્દીના દુ:ખો દૂર કરનારા ડૉક્ટર્સને સલામ સાથે હેપી ડૉક્ટર્સ ડે ઇન એડવાન્સ!
e.mail : divyeshvyas.bhaskar@gmai.com
સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 29 જૂન 2016