હું ઘરની ડોરબેલ વગાડું અને મારી પત્ની શિવાની દરવાજો ખોલી, તરત ઊંધી ફરી ચાલવા લાગે એટલે, મારે સમજી જવાનું કે ઘરનું તાપમાન અમદાવાદનાં તાપમાન કરતાં પાંચ ડિગ્રી ઊંચું જઈ રહ્યું છે.
આ સ્થિતિમાં એક બે વખત પૂછવાનો પ્રયત્ન કરવાનો અને તેના મોંઢે તાપમાન ઊંચું જવાનું કારણ જાણવાનો પ્રયત્ન કરવાનો. આમ તો મને ખબર જ હોય છે કે કયાં વિવિધ કારણસર ગ્લોબલ વોર્મીંગની અસર થઈ છે, છતાં પચાસ વર્ષની ઉંમરે ભોળા થવાની પણ મઝા હોય છે.
સામાન્ય રીતે આ સ્થિતિમાં તેને કઈ પણ પૂછો એટલે જવાબ જ ના આપે, પણ કયારેક કહી દે, ‘કેમ ઘરે આવ્યા … ભાઈબંધોએ જમાડયા નહીં … મને ફોન કર્યો હતો તો આકાશ (દીકરો) સાથે ટીફિન મોકલાવી દેતી …'
કોઈ પૂછે કે તારી પાસે અઢળક માત્રામાં શુ છે તું હું ઊંઘમાંથી જાગીને પણ તરત કહી શકું કે મિત્રો છે .. ખૂબ જ મિત્રો … અને તે પણ કારણ વગર પ્રેમ કરનારા .. એટલે સ્વભાવિક છે કે સવારથી સાંજ સુધી મારો લોક અને મિત્ર સંપર્ક અન્ય કરતાં લાંબો ચાલે છે. .. શિવાનીની મારી સામેની અનેક ફરિયાદોમાં એક ફરિયાદ એવી છે કે મારે મિત્રો ખૂબ જ છે. .. તે મૂડમાં હોય ત્યારે કહે છે, તમે ગોળનો ગાંગડો છો અને પેલા મકોડાની જેમ તમને ચોટી રહે છે .. !
આમ છતાં મારા જે મિત્રો મને છોડતા નથી, તે અચાનક ઘરે આવી ચઢે તો શિવાની એક સારા એકટરની જેમ, પોતાના ચહેરા ઉપર તેમના તરફ કોઈ પણ પ્રકારનો ગુસ્સો દર્શાવ્યા વગર, ચા લઈ હાજર થઈ જાય છે.
અમારાં લગ્નને વીસ વર્ષ થયાં … તે દરમિયાન તેની નાદુરસ્ત તબિયતનો ગાળો લાંબો ચાલ્યો … સતત દવાઓ અને સારવારને કારણે તે થાકી પણ જાય છે; પણ તે થાકી જાય, ત્યારે કહે હજી મારાં બાળકો નાનાં છે. તેનાં માટે તો મારે જીવવું પડશે, તેવું કહ્યાં કરે. અનેક વખત અમારી વચ્ચે કોઈ પણ કારણ વગર એવી ચર્ચા નીકળે કે આપણા બન્નેમાંથી કોણ પહેલું જશે .. ત્યારે તે તરત કહે .. મારે જ પહેલાં જવું છે … તમારા વગર મને કંઈ જ ખબર પડતી નથી.
વીસ વર્ષ પહેલાં શિવાની લગ્ન કરી, ભરુચથી અમદાવાદ આવી, ત્યારે તેના ચહેરા ઉપર કોઈક અજાણી જગ્યા ઉપર આવી ગયાનો ડર મેં જોયો હતો. તે આજે પણ ઘરની બહાર નીકળે ત્યારે હું તેના ચહેરા ઉપર જોઉં છું. તે લગ્ન પહેલાં તેના પિતા પોલિસમાં હોવાને કારણે પોલિસલાઈનમાં રહેતી હતી. અમદાવાદ આવી, તે પહેલાં તે ક્યારે રેસ્ટોરન્ટમાં ગઈ નહોતી. તે ત્યારે જેટલી સરળ હતી, એટલી જ આજે પણ છે. તેનામાં ખાસ કોઈ ફેર પડયો નથી. મોટી હોટેલોમાં અને મોટા લોકો વચ્ચે જતાં આજે પણ કહે છે, ‘મને ડર લાગે છે.’ ..
તેને હું પૂછું કે બેન્કમાં જઈ આવીશ, તો તરત કહે, ના, મને બહુ બીક લાગે. … મને નહીં ફાવે. … અમારી દીકરી કહે, મમ્મી, તું મને સ્કૂટર ઉપર સ્કૂલે લેવા આવીશ, … તો કહે, ના, ટ્રાફિકની મને બીક લાગે. …
તેને તેનાં બે સંતાનો અને પતિ સિવાય કયાં ય સુરક્ષાનો અહેસાસ થતો નથી. તેનું વિશ્વ એટલે ઘરની ચાર દિવાલો અને ચાર માણસો. અહિંયાથી દુનિયાની શરૂઆત થાય અને અહિયા જ અંત આવે છે.
તે મને કહે છે : માની લો કે તમે મારી પહેલાં જશો .. તો મારું શું થશે ? …. મને કંઈ જ આવડતું નથી. .. તેને બાળકો મોટાં થાય, ત્યાં સુધી તો રોકાવું છે .. ‘પણ મારે પહેલાં જવું છે’ .. તેવું તે કહ્યાં કરે છે ! .. ખબર નથી કોની બાજીમાં કેટલાં પત્તા છે.
સ્વભાવ અને દેખાવમાં રૂક્ષતા હોવા છતાં તે જવાની વાત કરે, ત્યારે અંદરથી એક પ્રકારની ધ્રૂજારી છૂટી જાય છે. મિત્રો સાથે લાંબો સમય બેઠો હોઉં અથવા રાતે મોડું થાય, ત્યારે પણ મનમાં તો સતત શિવાનીના વિચાર જ ચાલ્યા કરતા હોય છે, તે નારાજ થઈ હશે … ઘરે જઈશ એટલે ગુસ્સો કરશે … તેને સાચું લાગે તેવું કયું ખોટું બહાનું ઊભું કરવાનું, વગેરે …
પણ શિવાની નહીં હોય, ત્યારે મારે ઘરે કેમ જવાનું, તે વાત જ મને ડરાવી મુકે છે, કારણ બન્ને સંતાનો પોતાના રસ્તે જતાં રહ્યાં હશે .. કોઈ ઘરે રાહ જોનારું નહીં હોય; કોઈ નારાજ પણ થશે નહીં. આજે કયારેક શિવાનીના ગુસ્સાનો મને ગુસ્સો આવે છે, પણ તે મારી આદત બની ગઈ હોય પણ તેની ગેરહાજરીમાં પછી મારે કોઈને મનાવવા નહીં પડે, તે વઘુ અકળાવનારી વાત થઈ જવાની છે. શિવાની મારી પહેલાં જશે તેનો ડર મને જેટલો લાગે છે, એટલે જ હું પહેલો જઈશ અને તે એકલી પડી જશે તેનો ડર મને વધુ લાગે છે .. મને ખબર છે મારા વગર તે જીવી તો જશે, પણ પણ તેના જીવનમાં પ્રાણ નહીં હોય, એટલે જ કયારેક એવું મનોમન બોલી જવાય છે, જો પ્રાર્થના સાંભળે, તો તેની સાંભળજે.
શિવાની આજે પણ ઊંઘમાં ઝબકી જાય છે. અને જ્યારે પણ ઝબકે ત્યારે મારો હાથ પકડી લે છે. … … પછી શિવાનીની યાદ હશે, પણ મારો હાથ પકડનાર કોઈ નહીં હોય. મારા હાથ પકડવાથી તેનો ડર જતો રહે છે. પણ પછી તે મારો હાથ નહીં પકડે, તેનો ડર મને આજે સતાવી રહ્યો છે.
કારણ તે મારી આદત બની ગઈ છે.
સૌજન્ય : https://www.facebook.com/prashant.dayal.75/posts/1381890335159483?comment_id=1381945288487321¬if_t=feed_comment_reply¬if_id=1467095779543693