ભાજપ પોતે ઉત્તરોત્તર કૉંગ્રેસયુક્ત થઈ રહ્યો હોય પણ કૉંગ્રેસમુક્ત ભારત એ એનું પ્રિય સૂત્ર છે
આવતી કાલે (26 જૂને) દેશમાં એકથી વધુ ઠેકાણે ‘કાળો દિવસ’ ઉજવાશે. બને કે ‘મન કી બાત’માં પણ શીર્ષ સત્તાસ્થાનેથી કટોકટી દિવસને અંગે મરોડમાસ્તરીનો ભરપૂર મોકો મળી રહે. અને કેમ ન મળે? 26મી જૂન બાબતે ભાજપ કને કંઈક હક્કસરની સુવિધા પણ છે જ કેમ કે ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી સામે લડવામાં પોતે આગળ પડતા હતા એ કહેવાની તક એમાં રહેલી છે. ભલે ભાજપ પોતે ઉત્તરોત્તર કૉંગ્રેસયુક્ત થઈ રહ્યો હોય, પણ કૉંગ્રેસમુક્ત ભારત એ એનું પ્રિય સૂત્ર છે, અને એ ધોરણે કૉંગ્રેસને ઝૂડવા સારુ કટોકટી એક વ્યાજબી નિમિત્ત પણ છે. નહીં કે કટોકટી દિવસને અનુલક્ષીને જાહેર ચિંતનમંથન ન ચાલવા જોઈએ. ભાજપ બઢીચઢીને બોલી શકે છે. કૉંગ્રેસ ચુમાઈને ખૂણો પાળે અગર વિપક્ષગમન હતું એવી સમજને ધોરણે આછુંપાતળું આત્મનિરીક્ષણ પણ સ્વરાજની વડી પાર્ટીને છાજતી રીતે કરી શકે. કમ સે કમ, ‘ઇંદિરા ઇઝ ઇન્ડિયા’ જેવી દેવકાન્ત બારુઆવાળી તો નહીં જ કરીએ એટલું પણ વિચારી શકે. જો કે વિંગમાં વળતા આરતીગાન સાથે વેંકય્યા નાયડુ અને બીજાઓ ઊભા જ છે એ આપણી બલિહારી છે, ખરું જોતા કેવળ કૉંગ્રેસભાજપમાં સીમિત નહીં રહેતા કટોકટી બાબતે વ્યાપક બહસ જારી રહેવી જોઈએ. એક મોટા ડાબેરી હિસ્સો ઇંદિરા ગાંધીની સાથે રહ્યો અથવા કટોકટી વિરોધીઓથી સલામત અંતરે રહ્યો. સીપીએમે વિરોધની ભૂમિકા ચોક્કસ લીધી, પણ એનું સંધાન લોકસંઘર્ષ સાથે એવું ને એટલું ઉત્કટ કદાચ નહોતું જેવું ને જેટલું એસયુસીઆઈ જેવા પ્રમાણમાં નાના સંગઠનનું હતું. ભાજપ જશન મનાવી શકે, પણ નાગરિક વર્તુળોએ જરી વધુ વિચારવું રહે. અમદાવાદમાં એક બિનપક્ષીય ચર્ચાસભા યોજાઈ ગઈ, પણ એવો હારે તો ઠેકઠેકાણે, ઠામોઠામ, જગોજગ ચાલવો જોઈએ.
આ ચર્ચાદોરમાં જૂન 2016માં કઈ બાબત મુખ્ય હોવી જોઈએ? વરસ ઉપર કે એથી પહેલા લાલકૃષ્ણ અડવાણીએ એમની એક્સપ્રેસ મુલાકાતમાં બિલકુલ બરાબર (અને મોદી શાસનની દૃષ્ટિએ તો ભરી બંદૂક) વિધાન કર્યું હતું કે કટોકટી રાજ સંદર્ભે આપણે બંધારણીય દોષદુરસ્તી કરી છે એ સાચું પણ તેથી કટોકટી ફરી નહીં જ આવે એવું ખાતરીબંધ કહી શકાતું નથી. જૂન 1975 થી જાન્યુઆરી 1976 દરમ્યાન જે બધું ભૂગર્ભ સાહિત્ય લોકવગું બનેલું એના વાચકો પૈકી કેટલાકને તો સ્મરણ હોય જ કે જર્મનીમાં હિટલરના ઉદય અને નાઝી શાસનને લગતી આકર કિતાબ જે વિલિયમ શિરરે લખી હતી એને નજર સામે રાખી ઇંદિરાઈ ઘટનાક્રમને મૂકી આપતી ‘એ ટેઇલ ઑફ ટુ ઈમરજન્સીઝ’ ઠીક વંચાઈ હતી. એના લેખક જેલબેઠા અડવાણી હતા. આજે ઘેરબેઠા જેવા અડવાણી જો કટોકટીવાદ હાવી થઈ શકે એવો સંદેશો સેવતા હોય તો એમાંથી વ્યક્તિગત દાદફરિયાદના થોડા ટકા બાદ કર્યા પછી પણ વાતમાં વજન નહીં હોય એમ કહી શકાતું નથી.
હમણાં કહ્યું કે આ ચર્ચાને કેવળ કૉંગ્રેસભાજપમાં સીમિત ન કરવી જોઈએ. તેમ છતાં, એક તબક્કે જેમ કૉંગ્રેસ તેમ આજે ભાજપ જ જો વિકલ્પ તરીકે સામે આવતો હોય તો ચર્ચામાં એને અંગે પણ અનિવાર્ય પણે અવકાશ હોવાનો બલકે એ ચર્ચા એકંદર સમજને સંકોરવામાં ખાસી ઉપયોગી પણ થઈ પડે. સુબ્રમણ્યમ સ્વામીને ટાંકવા સંભારવા તે એક રીતે દોધારી તલવાર જેવો મામલો છે, પણ 1975-77ના ગાળમાં સંસદમાં દેખા દઈ વળી વિદેશ અંતરધ્યાન થઈ જનાર તરીકેની એમની સ્વીકૃત આભા જોતાં એમનો હવાલો આપવો અસ્થાને પણ નથી. એમણે પરદેશ પલાયન થઈ કટોકટીવિરોધ કરવાનો નિર્ણય કેમ લીધો એની પોતે આપેલી એક મહત્ત્વની સમજૂત એ છે કે સંઘ જનસંઘના એક આગળ પડતા ધડાએ ઇંદિરાજી સાથે સમજૂતી-શરણાગતિનો નિર્ણય લ-ગ-ભ-ગ કરી લીધો હતો, પણ બીજા કેટલાક વરિષ્ઠોએ મને રોતી કકળતી અપીલ કરી કે તમે બહાર જઈને કંઈક કરો. જેલમાં રહે રહે ત્રીજા સરસંઘચાલક દેવરસ ઇંદિરાજી સાથે ‘વીસ મુદ્દામાં ઉપયોગી થઈ રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવાને ધોરણે’ બહાર આવવાની ફિરાકમાં હોવાનું ત્યારે સંભળાતું હતું. વર્ષો પછી ઇન્ટેિલજન્સ બ્યુરોના પૂર્વવડા ટીવી રાજેશ્વરના જાહેર સંસ્મરણો બહાર પડ્યાં. ‘ઈન્ડિયા : ધ ક્રુશ્યલ ક્રુશ્યલ ઈયર્સ’ ત્યારે આવી કોશિશના હેવાલોને દસ્તાવેજી સમર્થન સાંપડ્યું હતું. (કટોકટી કાળમાં રાજેશ્વર આઈબીના જોઈન્ટ ડિરેક્ટર હતા અને પોલિટિક્સ ડેસ્ક એમને હસ્તક હતી. એ ટેઈલ ઑફ ટુ ઈમરજન્સીમાં અડવાણી ચૂકી ગયા એવી એક ઇતિહાસવિગત અહીં એ પણ નોંધણી જોઈએ કે હિટલરે જર્મનીમાં શુદ્ધ આર્ય જાતિ સિવાયનાઓ (યહૂદીઓ) સાથે જે રીતે કામ લીધું એ સંઘ વર્તુળોમાં દાયકાઓ સુધી ગીતા પેઠે સેવાયેલ ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’માં ગોળવલકરે કહ્યા પ્રમાણે ‘હિદુસ્તાને જેમાંથી શીખવું જોઈએ એ લાભ ઉઠાવવો જોઈએ તેવો એક અચ્છો પાઠ છે,’ પાછા દેવરસની વાત પર આવીએ તો સર્વોચ્ચ અદાલતે જ્યારે રાજનારાયણના કેસમાં ઇંદિરા ગાંધીને અમુક છૂટ આપી ત્યારે એમણે ઇંદિરાજીને અભિંનદંન આપ્યા હતા.
મુદ્દે આજે નેવું વરસ વટી ગયેલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 1975-77માં (એના વળના મિસાબંદીઓ ખાસી મોટી સંખ્યામાં છતા) કંઈક વિદ્યાવિભક્ત તો હતો જ. જનસંઘના કાર્યકારોને જાહેર જીવનની થોડીક શિક્ષાદીક્ષા ત્યારે મળી હશે. વાજપેયીના કહેવા પ્રમાણે મધ્યવર્ગી ચરિત્રના અમે જ્યારે આમ જનતાનાં આંદોલનમાં જોડાઈએ છીએ ત્યારે અમારું રાજકીય ચરિત્ર પણ પરિવર્તન પામે છે. હશે, પણ સંઘના કવાયતી સંગઠનની ‘ચાંપ દાબે ચાલું બંધ’ શૈલીમાં આ નવસંસ્કાર ઝમે શાનો. એ ખરું કે 1977 પછી લાંબા સમય સુધી સંઘ પરિવાર આખામાં ‘સ્વરાજની બીજી લડત’ એ એક પ્રિય ઉલ્લેખ રહ્યો છે. બીજી લડતની વાત ખોટી નથી. માત્ર એ મોટેથી બોલવામાં પહેલી લડત વખતે ક્યાં હતા એ મુદ્દો ગુપચાવવો સહેલો પડે છે. અને જયાં સુધી અટકાયતીઓના જુમલાની વાત છે, દેશની આખી બે ટકા વસ્તીના શીખ સમુદાયે 1975ના જુલાઈની 9મીથી સત્યાગ્રહનો સિલસિલો લાંબો સમય ચલાવ્યો હતો. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ગણાવેલ 1 લાખ 40 હજાર મિસાબંદીઓમાંથી 40 હજાર તો અકાલી દળ મારફતે આવેલા હતા.
આ લખનારને યાદ છે કે તે ગાળામાં ઇંગ્લેન્ડના ઇકોનોમિસ્ટ પત્રે આ લડત સંદર્ભે ‘ધ ઓન્લી નૉન-લેફટ રેવોલ્યુશનરી ફોર્સ ઇન ધ વર્લ્ડ’ એવો ઉલ્લેખ કર્યો હતો. બને કે ‘નૉન-લેફટ’ એ વિશેષણ અટકાયતીઓની સંઘબહુલતાને આભારી હોય. ઇંદિરાજીના એકાધિકારવાદ સામે વેળાસર સૌ કૉંગ્રેસમેનો સ્વરાજપરંપરાને શોભીતી રીતે પક્ષમાં રહીને સામે થયા હોત કે મોટી સંખ્યામાં બહાર નીકળી શક્યા હોત તો ચિત્ર જુદું પણ હોત.
ખેર એક છેલ્લો મુદ્દો ઉતાવળે. કટોકટી સામે લડેલા પક્ષ તરીકે જનસંઘ-ભાજપ કૉંગ્રેસના વિકલ્પનો દાવો કરી શકે, પણ ત્યારે વરતાઈ હશે તે પાત્રતા પછીથી પ્રમાણિત થઈ નથી. એટલે દ્વિપક્ષ પ્રથાની શોધ સફળ થયાની રીતે ગાફેલ રહેવાપણું નથી. કવચિત દડમજલ અને ગડમથલ તો ઘણો વખત ચાલુ જ રહેશે. કૉંગ્રેસની ચૂક પકડવી પ્રમાણમાં સહેલી હતી, કેમ કે તેમાં સરકાર કહેતાં રાજ્યની સીધી જવાબદારી હતી. અત્યારનો દોર સમાજના એક મોટા વર્ગની માનસિકતા અને સરકારના મેળાપીપણાનો છે. એથી નાગરિકને માટે અસમંજસનો પડકાર મોટો છે. જેને આ સમજાશે તે ‘મન કી બાત’નો કોઠો વીંધી શકશે.
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : ‘ટાણે ટકોર’, “દિવ્ય ભાસ્કર”, 25 જૂન 2016