વિભાજક રેખા વ્યક્તિગત વર્તુળની નહીં પણ તમે સ્વાયત્તતા સાથે છો કે સામે છો તે છે.
જ્યાં સુધી ગુજરાતમાં લોકશાહી રાજવટનો અને શૈક્ષણિક સ્વાયત્તતાનો સવાલ છે, એ જરૂરી એક સારા સમાચાર કહેવાશે કે ઉચ્ચ શિક્ષણ પરિષદ વિષયક વિવાદાસ્પદ વિધેયક બાબતે રાજ્યપાલે સહી ન કરતાં સરકાર પાસે ખુલાસા માગવાપણું જોયું છે. બને કે રાજ્યપાલ કોહલીનું પૂર્વાશ્રમમાં અધ્યાપક હોવું આ તપાસચેષ્ટા પાછળ કામ કરી ગયું હોય. ખરું જોતાં આ પૂર્વે રાજ્યપાલ પાસે આવી જ એક બીજી કર્તવ્યરસિત તક આવી હતી – રાજ્યમાં સાહિત્ય અકાદમી પર એકાએક જ પેરેશુટ પ્રમુખને ઉતારવામાં આવ્યા અને વગર માળખાનું એક અચ્છોરું બની આવ્યું ત્યારે સાહિત્યરસિક(અને કટોકટી સામે લડી ઉભરી આવેલ પક્ષપરિવારના એક આગળ પડતા સભ્ય)ને નાતે સવાલ ઊઠવો જોઈતો હતો. તેમ છતાં, રાજ્યપાલને પૂર્વરંગનો અહેસાસ હોત તો તેઓ વિવેકાધીન ધોરણે પડપૂછ કરી શક્યા હોત અને એમને ખયાલ આવ્યો હોત કે સોસાયટી ઍક્ટ મુજબ રજિસ્ટર્ડ સ્વાયત્ત સંસ્થા સાથે સરકાર હસ્તક બિનલોકશાહી વહેવાર થયો છે.
વિવાદાસ્પદ ઉચ્ચ શિક્ષણ પરિષદ વિધેયક બાબતે રાજ્યપાલે કરેલ શાલીન હસ્તક્ષેપના આશાધક્કાથી પ્રેરાઈને અકાદમીની ચર્ચામાં જવાનું એક બીજું નિમિત્ત પણ છે. આ નિમિત્ત સાહિત્યરત્ન સમારોહમાં ગુણવંત શાહે વ્યક્ત કરેલા વિચારોથી તેમ જ કોમળ-કોમળ-ખ્યાત માધવ રામાનુજના ગૌરવ પુરસ્કાર તેમ જ ગીધુકાકા ખ્યાત વિનોદ ભટ્ટના નીલકંઠ સન્માનના પ્રસંગોએ પૂરું પાડ્યું છે. ગુણવંતભાઈએ સાહિત્યરત્ન સમારોહમાં પોતાના પ્રતિભાવ વક્તવ્યને ‘દિવ્યભાસ્કર’ની રવિવારી વાટે સર્વજનસુલભ કર્યું તે રૂડું એ વાસ્તે થયું કે જે સન્માન સુહૃદો હાલની અકાદમી ઘટનાના પુરસ્કર્તાવત્ ઉભર્યા છે – અને છતાં અકાદમીના માળખામાં નથી – તેમના પૈકીનો અવાજ છે. આ પ્રતિભાવ વક્તવ્યમાં, હાલ આપ જેને વાંચી રહ્યા છો એ કોલમકાર સહિતનાઓ પ્રસંગોપાત ઉત્સાહી નિશાળિયા પેઠે પોઇન્ટ સ્કોર કરતા હોય છે. એવું ય કેટલુંક હશે. મર્ત્ય હોવાની એ સ્તો માયામહેરબાની છે ! પણ એમાં વ્યક્ત થયેલ એ અભિગમ કે સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદ વચ્ચેનો સબંધ સિનર્જીનો હોવો જોઈએ, તે નિઃશંક ચેષ્ટા-લેહ્ય-પેય-સેવ્ય’ છે.
જો કે, આરંભે જ એક વાનું એકદમ અધોરેખિતપણે સાફ કરી દેવું જોઈએ કે આખી ચર્ચાને અકાદમી અને પરિષદ વચ્ચેના પ્રકરણરૂપે ખતવવામાં એક બુનિયાદી ગોથું રહેલું છે. પ્રશ્ન પાયામાંથી અને મૂળભૂતપણે એમની વચ્ચેનો છે જેઓ સ્વાયત્તતા તરફી છે, અને જેઓ આ કિસ્સા પૂરતા સરકાર તરફી છે, કહેવું હોય તો કહી શકાય કે એક બાજુએ એસ્ટાબ્લિશમેન્ટ કહેલાં સત્તા-પ્રતિષ્ઠાનનાં રાજસૂય બળો છે અને બીજુ બાજુએ સ્વાયત્તતા તરફે પ્રજાસૂય પરિબળો છે. સ્વાયત્તતા તરફે જેઓ છે એમાં સાહિત્ય પરિષદ ગુજરાતની પ્રજાકીય ધોરણે કામ કરતી સંસ્થા તરીકે વડેરી છે એથી એનું નામ આગળ પડતું લેવાતું હશે, પણ વડોદરાની અક્ષરા પણ આ મોરચે સક્રિય છે. બીજાં પણ વ્યક્તિસંસ્થાનામો ગણાવી શકાય. એટલે જે અર્થમાં એક બાજુ સરકારી હોવાની કારણે અકાદમી છે, એટલે કે સરકાર અને અકાદમી સમીકૃત છે તે અર્થમાં બીજી બાજુએ એક ‘સંસ્થા કે પરિબળ’ તરીકે પરિષદ એકલી અને એક માત્ર નથી. એક ટીકાકાર તરીકે આ લખનાર સ્વાયત્તતાવાદી છે એણે પરિષદવાદી હોવું જરૂરી નથી. ચંદ્રકાન્ત ટોપીવાળા કે ધીરુ પરીખ, નેવું નાબાદ નિરંજન ભગત કે રઘુવીર ચૌધરી, પરિષદ સાથે સંકળાયેલા જરૂર છે. પણ પરિષદ નિરપેક્ષપણેય એક અક્ષરકર્મી અને સાહિત્યસેવી તરીકે તેઓ સ્વાયત્તતાની ભૂમિકામાં ઓછાવત્તા, વહેલામોડા પણ ઠરેલા છે.
અકાદમી વિવાદ તો 2003માં વિધિવત બંધારણીય રચના બાબત સરકારે હાથ ઊંચા કરી નાખ્યા ત્યારથી ઓછોવત્તો જારી રહ્યો છે. નારાયણ દેસાઈએ પરિષદની પ્રમુખીય ગાદીએથી સાફ વાત કરી (જે અધિવેશનના ઉદ્દઘાટન સમારોહમાં મોરારિબાપુ અને ગુણવંત શાહની વિશેષ ઉપસ્થિતિ હતી) એટલું જ નહીં. પણ કેવળ કારોબારી ને મધ્યસ્થ સમિતિએ નહીં, સમગ્ર ગૃહે-રિપીટ, સમગ્ર ગૃહે – અકાદમીની સ્વાયત્તતાની માગણી કરી એ તો 2007ની વાત છે. પણ 2003થી 2007ના વચગાળામાં રાજગુરુવત કે. કા. શાસ્ત્રી સુધ્ધાંની સહી સાથે મુખ્યમંત્રીની સેવામાં લેખકોનો પત્ર આ માટે ગયો હતો. આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી થયાં તે પછી પણ વિનયઅનુનયપૂર્વક પત્ર ગયાનું સ્મરણ છે. એપ્રિલ 2015માં છત્રી પ્રમુખ ઘટના સાથે આઘાતકારક આશાભંગની ક્ષણોમાં પણ નિરંજન ભગતની સહી સાથે રાજ્યભરના સેંકડો લેખકોનો પત્ર મુખ્યમંત્રી સ્વાયત્તતા આંદોલને પહોંચાડ્યો હતો જે હજુ અનુત્તર છે. આ તપસીલ આપવાનો આશય એ છે કે વિનયઅનુનયવિષ્ટિ(અને તે માટે સિનર્જી ભણી જવા)ની એક લાંબી કોશિશ રહી છે.
2003માં લેખકીય મતદારમંડળની ચૂંટણી થઈ ગયા પછી પણ જ્યારે સરકારે પૂરી અકાદમીની રચના અને તેણે ચૂંટેલ (રિપીટ, ચૂંટેલ) પ્રમુખની પ્રક્રિયા ઠંડા બક્સામાં મૂકી ત્યાર પછી પણ ગૌરવ પુરસ્કારો અપાયા અને લેવાયા છે. આને તમે બે રીતે જોઈ શકો. સમુદારપણે જોતાં કહી શકો કે ગૌરવપુરસ્કૃતોએ સરકાર સાથે વહેવારબારી ખુલ્લી રાખી સિનર્જીના દ્વાર ખુલ્લાં રાખ્યાં હતાં. કેટલાંક પુરસ્કૃતોએ ત્યારે યથાપ્રસંગ સ્વાયત્તતાનો મુદ્દો ભલે વિનત અગર ક્ષીણદુર્બળ સ્વરે પણ કીધો તો હતો. અનુદારપણે જોતાં આ લખનાર જેવાને એમ પણ લાગે કે પુરસ્કૃત પ્રતિભાઓએ આદરપૂર્વક અસ્વીકાર કરીને સ્વાયત્તતા વાસ્તે આરત અને આલબેલ પોકારવાનો મોકો ઝડપવા જેવો હતો. ગમે તેમ પણ, 2003થી એપ્રિલ 2015ના ગાળામાં આવી હર સ્વીકૃતિ અકાદમી (અને સરકાર) સાથે માયા મેળમિલાપ(એથી સિનર્જી)ની સંભાવનાને જીવતી રાખનારી હતી.
રણજિતરામસરજી બંને સંસ્થાઓ ગુજરાત સાહિત્ય સભા અને ગુજરાતી સાહિત્ય પરિષદ તેમ જ અન્ય સંસ્થાઓએ અને વ્યક્તિઓએ આ સંજોગોમાં સ્વાયત્તતાને મુદ્દે કાંક સવિશેષ કરવાની જરૂર સાફ હતી. એપ્રિલ 2015ના બિનલોકશાહી ધક્કા સાથે સ્વાયત્તતા આંદોલનનો સૂત્રપાત થયો અને પરિષદના ઠરાવનીયે ભૂમિકા રચાઈ. સાહિત્યસભાના પ્રમુખ કુમારપાળ દેસાઈ અને સાહિત્યપરિષદના ઉપપ્રમુખ રાજેન્દ્ર પટેલ, સાહિત્યપ્રીત્યર્થ સરકારી અકાદમીમાં સંકળાયા અને પ્રત્યક્ષ અનુભવે ખસી ગયા. ધીરુબહેન અને કુમારપાળને ખસવાપણું લાગ્યું ત્યારે વિનોદભાઈને જરી વધુ જોડાઈ રહેવાપણું લાગે તે યુગબલિહારી છે. હમણાં નીલકંઠ સન્માન વખતે એમણે સાહિત્યક્ષેત્રે વાડાબંધીનો મુદ્દો ખોટો ફંગોળ્યો, કેમ કે વિભાજક રેખા વ્યક્તિગત વર્તુળની નહીં પણ તમે સ્વાયત્તતાની સાથે છો કે સામે છો તે છે.
એપ્રિલ 1915 સાથે સિનર્જીની સંભાવનાનાં દ્વાર ધડામ કરતાં બંધ થયા તે છતાં પરિષદના કોષાધ્યક્ષ માધવ રામાનુજ ગૌરવ પુરસ્કાર સારુ સમ્મત થયા એને કેવી રીતે જોશું? એ ‘તમે’ કાવ્યસંગ્રહ લઈને આવ્યા એમાં બીજાઓ સાથે સ્વીકાર, સમાદર, સાર્થક સબંધની અને એ રીતે સામાજિકતાની ભલે કોમળ કોમળ પણ સ્વીકૃતિ હતી. લોકશાહી રાજવટમાં આ સમાજવ્યવહાર જે સંસ્થારૂપ માગે છે એમાં સ્વાયત્ત માળખું એ એક સર્જનાત્મક પ્રયોગ છે. કવિ કે લેખકની સર્જકતા એ જ મુખ્ય વાત છે, બાકી બધો બકવાસ છે એવું ચિંતનચબરાકિયું કોલમકાર કરી તો શકે, પણ આપણે સ્વાયત્તસંસ્થા સર્જનની ભૂમિકાએ ચર્ચા કરી રહ્યા છીએ એ સિનર્જીશોધનો એમાં જવાબ નથી તે નથી.
કેમ કે, ચર્ચામાં પરિષદ છે, અહીં એનો વિશેષોલ્લેખ કર્યો છે. પણ દોહરાવું કે આ તકરાર પરિષદ અને અકાદમી વચ્ચે નથી, રાજસૂય અને પ્રજાસૂય પરિબળો વચ્ચે છે. એક વાર આ વાનું સુપેરે સ્ફુટ થઈ જાય તો આપણે બધી અસ્ફુટરમણીય દેદાફૂટથી ઉફરાટે સિનર્જી સાધી શકીએ.
સૌજન્ય : ‘આરત અને આલબેલ’, “દિવ્ય ભાસ્કર”, 11 જૂન 2016