શ્રદ્ધાંજલિ :

વિનોદભાઈ કહેતા કે હાસ્ય એટલે સૂકાયેલું આંસુ ! કદાચ એટલે જ એમના ગયા પછી આજે રડવું નથી આવતું પણ એમનું માર્મિક સ્માઈલ યાદ આવે છે

વિનોદ ભટ્ટે 'વિનોદની નજરે' કિતાબમાં લખેલું કે લેખકોને વાંચવા જ સારા, નજીકથી મળવું નહીં … પણ વિનોદભાઈ મળવા જેવા ને માણવા જેવા માણસ હતા. જેટલા મોટા લેખક હતા, એટલા જ નિખાલસ અને સાધારણ માણસ અને એટલે જ કોઈ લાઉડ પાત્રો કે પ્રસંગોના ટેકા વિના માત્ર વિચારો અને શબ્દો અને તર્ક વડે હસાવી શકે એવો હાસ્યકાર વિનોદ ભટ્ટ! જ્યોતીન્દ્ર દવે પછી ગુજરાતી શિષ્ટ હાસ્યલેખકમાં ભીષ્મ પિતામહ હતા, ભીષ્મ પિતામહની જેમ બાણશૈયા પર સૂતાં સૂતાં લાંબી બીમારી લાગેલી પણ હસતાં હસતાં વળી એ બાણશૈયામાંથી જ એક એક વ્યંગ્યનાં તીર કાઢીને સમાજ અને સરકાર સામે છેલ્લે સુધી તાકતા રહેતા. 

1990 માં ગુજરાતી સિરિયલ ‘રંગબેરંગી' માટે એમની એક રમૂજી વાર્તા પર એપિસોડ બનાવવાનું વિચારેલું. ડરતાં ડરતાં પરવાનગી લેવા વિનોદ ભાઈની ઓફિસે અમદાવાદ પહોંચ્યો. મળતા વેંત જ ત્રણ પાકિસ્તાની જોક્સ સંભળાવ્યા અને કહ્યું, ‘દેશના ભાગલા પછી સાલાઓ આપણી અડધી રમૂજ લઈને ચાલ્યા ગયા! ‘ગુજરાતી લેખક અને એમાંયે અમદાવાદી હાસ્ય લેખક હોવા છતાંયે વાર્તાની પરવાનગી માટે પૈસાની કોઈ રકઝક ના કરી. મુલાકાત પછી જતી વખતે કહ્યું: ‘તમે લોકો બહુ સાહસિક છો! ગુજરાતી હાસ્ય કથાઓ પર સિરિયલ બનાવવા નીકળ્યા છો!' આપણી તો છાતી ગજ ગજ ફૂલી ગઈ પણ પછી હળવેકથી વિનોદભાઈએ આંખ મારીને કહ્યું, ‘સાહસિક એટલે કે મારી વાર્તા પર આખો એપિસોડ બનાવવા નીકળ્યા છો!'

વિનોદભાઈ જાત પર અને જમાના પર એક સરખું હસી શકતા. ચાર-પાંચ દાયકાઓ સુધી હાસ્ય-વ્યંગની કોલમ લખી, હાસ્ય પર અનેક કિતાબો લખી, પણ એમની એ એક માત્ર ઓળાખ નહોતી. વિનોદ ભટ્ટે ઉર્દૂ તેજાબી લેખક સાદત હસન મન્ટો પર કે ચાર્લી ચેપ્લીન પર પણ નાનકડી બાયોગ્રાફી લખેલી જે આજે ય હિન્દી સાહિત્યમાં ખૂબ પ્રખ્યાત છે. શ્લીલ-અશ્લીલ કિતાબમાં અશ્લીલ વાર્તાઓનું હિમ્મતભેર સંપાદન કર્યું, વિશ્વ અને દેશના હાસ્યલેખોનું સંકલન કર્યું.

વિનોદભાઇ હ્યુમર પર ગુજરાતીમાં એકમાત્ર ઓથોરિટી હતા. એમના ‘વિનોદની નજરે' પુસ્તકમાં ભલભલા સાહિત્યકારોનાં ધોતિયાં ખેંચી નાખવાં વ્યક્તિચિત્રો લખેલાં અને આજે ય એ પુસ્તક અજેય છે. (જેમાં સ્ટાર લેખક ચંદ્રકાંત બક્ષી અને એમના અહંકારના વિનોદભાઇએ છોતરાં કાઢી નાખેલાં) કોઈની પણ અને ખાસ કરીને સરકારની પણ શેહશરમ રાખ્યા વિના કટાક્ષ લખવામાં વિનોદ ભટ્ટની તુલનામાં આજ સુધી કોઈ નહોતું આવતું. ગજરાતી હાસ્ય વ્યંગ લેખનની બાદશાહતનું એ સિંહાસન આજે ખાલી પડયું છે.

‘મુંબઈ સમાચાર' અને 'નવગુજરાત સમય'ની મારી કોલમ 'અંદાઝે બયાં'માં આવતાં સેટાયરને વાંચીને ક્યારેક ઉમળકાથી ફોન કરતા, સામે ચાલીને ! આટલી મોટી વચે અને આટલી સફળતા પછી પણ નવા-સવાને બિરદાવવાની ખૂબી એકમાત્ર વિનોદભાઈમાં હતી. ગુજરાતી કોલમિસ્ટો અને લેખકોના અંડરવર્લ્ડ જેવા ખૂંખાર ખારીલા વાતાવરણમાં આવી ખેલદિલી એક સાચા હાસ્યકારમાં જ હોઈ શકે છે. વિનોદભાઈ કહેતા કે હાસ્ય એટલે સૂકાયેલું આંસુ ! કદાચ એટલે જ એમના ગયા પછી આજે રડવું નથી આવતું, પણ એમનું માર્મિક સ્માઈલ યાદ આવે છે.

છેલ્લે, નવેમ્બર 2014માં રૂબરૂ એમના ઘરે મળવાનું થયું, મારા પપ્પા(છેલ)ના મૃત્યુ પછી હું ગળામાં ડૂમો લઈને અમદાવાદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગયેલો. ત્યારે બે જ વ્યક્તિઓને ત્યાં રૂબરૂ ગયેલો. એક તારક મહેતા, જેમને ગળે વળગીને રડેલો, કારણ કે તારકભાઇ મારા પપ્પાના મિત્ર હતા .. અને બીજા વિનોદભાઈ, જેમને મળીને મારા બધા જ ડૂમા, ડૂસકાં ઓગળી ગયેલા કારણ કે વાતવાતમાં એમણે મૃત્યુની વાત જ ભૂલાવી દીધેલી, (ખાસ કરીને એમને ત્યાં પડેલું ‘પરબ' નામનું સાહિત્યિક મેગેઝિન મેં ઉપાડ્યું, તો મને કહ્યું આ ‘પરબ'ને ગાંધીનગરનાં સરકારી ઓફિસરો 'બાવન-બે' એમ વાંચે છે! આપણા કરતાં વધારે એ લોકો ફની છે)

વિનોદભાઈ ગયા … અને હવે કોણ મારા કાલાઘેલા લેખ વાંચીને સવાર સવારમાં ફોન કરશે? કોણ મને મારું પુસ્તક પ્રગટ કરવા માટે વઢશે? ગુજરાતી ભાષાના નાના દિલના લેખકોની વસ્તીમાંથી હવે કોણ આપણને જાત પર હસતાં શીખવશે?

ગુડબાય, વિનોદભાઈ ભટ્ટ!

સૌજન્ય : “નવગુજરાત સમય”, 25 મે 2018

Category :- Opinion / Literature

મોહનદાસ કરમચંદ ગાંધીએ ઈ.સ. ૧૯૧૫માં મૂળ અમદાવાદથી નોખા કોચરબમાં અનોખી સંસ્થા સ્થાપી. આ આશ્રમી સંસ્થા માટે ત્રણ નામ – ‘સત્યાગ્રહાશ્રમ’, ‘દેશસેવાશ્રમ’, ‘સેવામંદિર’ – પૈકી કયું નામ રાખવું એ અંગે ખુલ્લાં બારણે અને ઊંચાં ધોરણે ચર્ચા-વિચારણા કરવામાં આવી. આશ્રમના નામકરણ અંગે ગાંધીજી કહે છે : “ ... છેવટે સંસ્થાનું નામ ‘સત્યાગ્રહાશ્રમ’ રાખવામાં આવ્યું. હેતુ તપાસતાં એ નામ યોગ્ય જ હતું એમ લાગે છે. મારું જીવન સત્યની શોધને અર્પાયેલું છે. તેની શોધને સારુ જ જીવવાનો અને જરૂર જણાય તો મરવાનો આગ્રહ છે. એ શોધમાં જેટલા સાથી મળે તેઓને ભેળવવાની પણ એટલી જ ઇચ્છા રહેલી છે.” (‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’; નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ; પહેલી આવૃત્તિ, મે, ૧૯૪૮; પ્રત : ૫,૦૦૦; પૃષ્ઠ : ૭)

મોહનદાસ ગાંધીએ આશ્રમના બંધારણનો મુસદ્દો માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કર્યો હતો. જે માત્ર કાચો ખરડો હતો અને મિત્રવર્ગમાં ટીકા સારુ મોકલવા છપાવેલો હતો. આ મુસદ્દો છાપામાં છાપવા સારુ નહોતો. તેમણે કેટલાક આગેવાનોને આશ્રમનો બંધારણ-મુસદ્દો મોકલાવ્યો હતો. જેમાં ગોંડળ રાજ્યના દીવાન રણછોડદાસ પટવારી, મુંબઈના રૂના અગ્રગણ્ય વેપારી અને અર્થશાસ્ત્રી સર પુરુષોત્તમદાસ ઠાકુરદાસ, જૈન વિદ્વાન અને ફિલસૂફ વીરચંદ શાહ, ગાંધીજીના સાથી ભાઈશ્રી કોટવાલ ... વગેરેનો સમાવેશ થાય છે. ગાંધીએ આ તમામને પત્ર લખીને તેની સાથે આશ્રમી સંસ્થાના બંધારણનો ખરડો મોકલાવ્યો હતો. તે મુસદ્દો વાંચીને સલાહ-સૂચન-અભિપ્રાય-ટીકા મોકલવા માટે ગાંધીએ આ અગ્રજનોને વિનંતિ પણ કરી હતી.

ગાંધીએ સ્વામી શ્રદ્ધાનંદ નામથી વિખ્યાત થયેલા રાષ્ટ્રીય આગેવાન, આર્યસમાજના સક્રિય સેવક, ગુરુકુળ-કાંગડીના સ્થાપક મહાત્મા મુંશીરામ(૧૮૫૬-૧૯૨૬)ને ૧૪ જૂન, ૧૯૧૫ના રોજ એક પત્ર લખ્યો હતો. મોહનદાસે મહાત્માજીને આ પત્રમાં લખ્યું હતું : “હમણાં તો અમદાવાદમાં આશ્રમ ખોલ્યો છે. તેની નિયમાવલી હિંદીમાં તૈયાર થાય છે. તૈયાર થઈ જતાં આપના અભિપ્રાય માટે તે આપની પાસે મોકલવામાં આવશે.” (ગાંધીજીનો અક્ષરદેહ, ગ્રંથ : ૧૩; નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ; પહેલી આવૃત્તિ, ઓગસ્ટ, ૧૯૬૯; પૃષ્ઠ : ૧૦૧)

સત્યાગ્રહાશ્રમના સુચારુ સંચાલન સારુ નિયમો જરૂરી હતા. આથી, જ નિયમાવલિ ઘડીને તેની ઉપર અભિપ્રાયો માગવામાં આવ્યા હતા. ઘણા બધા અભિપ્રાયો આવ્યા હતા. તેમાં પૂર્વ ન્યાયાધીશ અને બંગાળની રાષ્ટ્રીય શિક્ષણસંવર્ધક સંસ્થા ‘બંગજાતીય વિદ્યાપરિષદ’ના પ્રમુખ સર ગુરુદાસ બેનરજીએ આપેલો અભિપ્રાય ગાંધીજીને ખાસ યાદ રહી ગયો હતો. ગુરુદાસને મોહનદાસની નિયમાવલિ ગમી હતી. પરંતુ તેમણે એક સૂચના ખાસ એ કરી હતી કે, વ્રતોમાં નમ્રતાના વ્રતને સ્થાન આપવું જોઈએ. સર ગુરુદાસના કાગળનો ધ્વનિ એ હતો કે, આપણા યુવકવર્ગમાં નમ્રતાના વ્રતની ઊણપ વર્તાય છે. નમ્રતાનો અભાવ ગાંધી પોતે પણ ઠેકઠેકાણે અનુભવતા હતા. છતાં નમ્રતાને વ્રતમાં સ્થાન દેવાથી નમ્રતા નમ્રતા મટી જવાનો ગાંધીજીને આભાસ આવતો હતો. આથી, નમ્રતાના ગુણને કેન્દ્રમાં રાખીને ગાંધીજીએ ‘આત્મકથા’ (નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ; પુનર્મુદ્રણ એપ્રિલ, ૧૯૯૩; પૃષ્ઠ : ૩૭૯)માં લખ્યું છે : “નમ્રતાનો પૂરો અર્થ તો શૂન્યતા છે. શૂન્યતાને પહોંચવાને અર્થે બીજાં વ્રતો હોય. શૂન્યતા એ મોક્ષની સ્થિતિ. મુમુક્ષુ કે સેવકના પ્રત્યેક કાર્યમાં જો નમ્રતા – નિરભિમાનતા ન હોય તો તે મુમુક્ષુ નથી, સેવક નથી. તે સ્વાર્થી છે, અહંકારી છે.”

નવસ્થાપિત આશ્રમમાં વ્રતો-સંકલ્પો અને યમો-નિયમો અંગે ગાંધીજી કહે છે : “સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ વગેરે વ્રતો આશ્રમવાસીમાત્રને બંધનકારક હતાં. નાતજાતના ભેદ મુદ્દલ નહોતા રાખવામાં આવ્યા. અસ્પૃશ્યતાને આશ્રમમાં મુદ્દલ સ્થાન ન હતું એટલું જ નહીં, પણ હિંદુ જાતિમાંથી અસ્પૃશ્યતાને દૂર કરવાના પ્રયત્નને આશ્રમની પ્રવૃત્તિમાં મહત્ત્વનું સ્થાન હતું. અને જેમ અસ્પૃશ્યતાને વિષે તેમ જ હિંદુ જાતિમાં સ્ત્રીઓનાં કેટલાંક બંધનો તોડવાને વિષે પણ આશ્રમમાં મૂળથી આગ્રહ રાખવામાં આવ્યો. તેથી આશ્રમમાં સ્ત્રીઓને સંપૂર્ણ સ્વતંત્રતા રહેલી છે. વળી હિંદુ મુસલમાન વગેરે જુદા જુદા ધર્મના લોકો વચ્ચે, જેટલો તે તે ધર્મના લોકો વચ્ચે હોઈ શકે, તેટલો જ ભ્રાતૃભાવ રાખવાનો આશ્રમમાં નિયમ થયો.” (‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’, પૃષ્ઠ : ૦૭-૦૮)

વિનોબાએ ‘અહિંસા’ અંગેના પ્રશ્નોનું સમાધાન મેળવવા લખેલા એક પત્રના ગાંધીએ આપેલા વળતા જવાબ અંગે વિનોબા કહે છે : “એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ-પત્રિકા પણ મોકલેલી, જે મારા માટે ઓર આકર્ષક હતી. ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારે ય આવી નહોતી. એમાં લખ્યું હતું – ‘આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત-અવિરોધી દેશસેવા છે અને એના માટે અમે નીચે લખેલાં વ્રતો જરૂરી માનીએ છીએ.’ નીચે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીરશ્રમ વગેરે એકાદશવ્રતોનાં નામ લખ્યાં હતાં. મને આ ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસનાં ઘણાં થોથાં વાંચી કાઢેલાં, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાં ય ન ભાળ્યું. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં, ભક્તિમાર્ગમાં આવે છે, પરંતુ દેશસેવા માટે પણ આવશ્યક હોય છે, એ આ પત્રિકામાં હતી. એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માંગે છે એવું મને લાગ્યું. મને આવું જ જોઈતું હતું. બાપુએ લખેલું, ‘તું અહીં ચાલ્યો આવ.’ અને હું બાપુની પાસે પહોંચી ગયો.” (‘અહિંસાની ખોજ : વિનોબાની જીવન-ઝાંખી વિનોબાના શબ્દોમાં’; સંકલન-સંપાદન : કાલિન્દી, અનુવાદ : મીરા ભટ્ટ; યજ્ઞ પ્રકાશન, વડોદરા; પ્રથમ આવૃત્તિ, માર્ચ, ૧૯૯૫; બીજી આવૃત્તિ, ઓક્ટોબર, ૨૦૦૬; પ્રથમ પુનર્મુદ્રણ, નવેમ્બર, ૨૦૧૩; પૃ. ૬૦-૬૧)

ગાંધીજી માટે આશ્રમ એ પ્રયોગભૂમિ છે. તેઓ સંસ્થાનાં વ્રતો-નિયમોને આકાર આપતાં પહેલાં તેને ચર્ચાના ચાકડે ચડાવે છે. ગાંધીજી સાચા હિંદ સ્વરાજનું એક વચન આપનાર પહેલા પુરુષ છે, પણ ગાંધીજી એટલે ‘પ્રથમ પુરુષ એકવચન’ નહીં! પ્રજાના નમ્રસેવક એવા ગાંધી વ્યાપક જનમતની સામેલગીરી ઇચ્છે છે. ગાંધીકર્મમાં મિત્રો-મુરબ્બીઓ-મહાનુભાવોની ટીકા-ટિપ્પણીને વિશેષ સ્થાન છે. આશ્રમના બંધારણના મુસદ્દામાં ઉદ્દેશ સ્પષ્ટ કરતાં લખવામાં આવ્યું હતું કે, “આ આશ્રમનો ઉદ્દેશ જન્મપર્યંત દેશસેવા કરતાં શીખવાનો અને કરવાનો છે.” આશ્રમના બંધારણની પત્રિકા થકી પણ વ્રતવીર ગાંધી દેશસેવાની પ્રતીતિ કરાવી શક્યા છે. આથી જ, વિકલ્પે બંગાળની ક્રાંતિ અથવા હિમાલયની શાંતિ ચાહતા નવયુવક વિનોબા સંકલ્પે અમદાવાદના કોચરબ આશ્રમે પહોંચ્યા એ ઘટના ભૌગોલિક નહીં, પણ ઐતિહાસિક હતી !

સંપર્ક : પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

સૌજન્ય : 'નિરીક્ષક', ૧૬-૦૭-૨૦૧૪, પૃષ્ઠ : ૧૦-૧૧; પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૦૧-૦૮-૨૦૧૪; અંક : ૨૫૧, પૃષ્ઠ : ૦૯-૧૦-૦૮

Category :- Gandhiana

હૈયાને દરબાર

કાળઝાળ ઉનાળો માથે ચડેલો છે. વૈશાખી વાયરાએ હજુ થોડા સમય પહેલાં જ આંધી સ્વરુપે ભારતના કેટલા ય ભાગોને ઘમરોળ્યાં હતાં, એવા આડા થયેલા ઉનાળાના સમયે પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે આ મજેદાર ગીત તારો છેડલો … સાંભળવા માટે આનાથી વધુ ઉત્તમ સમય કયો હોઈ શકે?

૮૪ વર્ષની ઉંમરે પણ જેમનો અવાજ અક્ષુણ્ણ છે એવા સદાસર્વદા સુગમસંગીત સમ્રાટ પુરુષોત્તમભાઈના કંઠે અમુક ગુજરાતી ગીતો અમર થઈ ગયાં છે. સળંગ ચાર કલાક (‘આ ઉંમરે’ એવું કહી જ ન શકાય પુરુષોત્તમભાઈ માટે એટલો સ્પિરિટ છે એમનામાં, ‘સ્પિરિટ’ થી જોજનો દૂર હોવા છતાં) ગાઈ શકવાની ક્ષમતા ધરાવતા પુરુષોત્તમ ઉપાધ્યાયે ગયા મહિને કવિ સંજય પંડ્યા સંચાલિત ‘ઝરુખો’ કાર્યક્રમના ઉપક્રમે બોરીવલીના એમ્ફી થિયેટરમાં એમની જીવન-સંગીત યાત્રાને ઉજાગર કરી, ત્યારે વિચાર આવે કે આ મહાગાયક પાસે સ્મરણો અને સંગીતની કેવી ભવ્ય સમૃદ્ધિ છે! ઉત્તરસંડા નામના ગુજરાતના નાનકડા ગામમાંથી આવેલા પુરુષોત્તમ ઉપાધ્યાયની પ્રતિભા ગાયક તરીકે તો સર્વશ્રેષ્ઠ છે જ પણ, તેઓ સંગીતકાર, મિમિક્રીકાર, અદાકાર જેવી અન્ય મોંઘી ‘કાર’ના માલિક છે. ‘એવરેસ્ટ’થી ઊતરતું એમને કંઈ ખપતું જ નથી એટલે મકાન પણ ’એવરેસ્ટ’માં જ રાખ્યું છે અને ચેલનાબહેનની ‘ચેતના’ (કોન્શિયેન્સ-જીવ-આત્મા) વિના જીવન અસંભવ છે તેથી જ ચેલનાબહેનને જીવનસંગિની બનાવ્યાં છે.

સૂરોત્તમ પુરુષોત્તમને એમના સ્વાસ્થ્યનો રાઝ પૂછીએ તો હસીને એક જ વાકયમાં કહી દે કે "હું ‘બાટલી’બોય નથી. મિત્રો, સ્નેહીઓ અને સ્વજનોની કંપનીમાં ખૂબ જ ખિલે અને ખૂલે એવા પુરુષોત્તમભાઈનાં પોતાનાં સ્વરાંકનો તો અદ્દભુત છે જ, પરંતુ અવિનાશ વ્યાસ તથા દિલીપ ધોળકિયા જેવા સંગીતશિલ્પીઓનાં સંગીત-સ્વરાંકનમાં ય પુરુષોત્તમભાઈનો કંઠ નિખરી ઊઠે છે. આજનું ગીત એવું જ છે જેમાં સ્વરનિયોજન દિલીપ ધોળકિયાનું અને કંઠ પુરુષોત્તમ ઉપાધ્યાયનો છે.

આપણે અત્યાર સુધી આ કોલમમાં મોટાભાગનાં ગીતોમાં નારી સંવેદનાની વાત કરી પરંતુ, એવાં કેટલાં ય સુંદર ગીતો છે જે આમ તો પુરુષ ગાયક દ્વારા ગવાયાં હોય, પુરુષ કવિ દ્વારા લખાયાં હોય પરંતુ, ગીતના કેન્દ્રમાં સ્ત્રી હોય. આમે ય સ્ત્રી કેન્દ્રમાં હોય તો જ જગત ચાલે, રાઈટ? સ્ત્રી વિના દુનિયા કેટલી નીરસ હોય એ કહેવાની જરૂર ખરી? એટલે જ સંગીતની દુનિયામાં પણ નારીપ્રધાન, નારીની સંવેદનાનાં તથા નારીને કેન્દ્રમાં રાખીને જ વધારે ગીતો રચાયાં છે.

નારીપ્રધાન અને નારી દ્વારા જ ગવાતાં ગીતોમાં પ્રેમ, લાગણી, વિરહ, મિલન, શૃંગાર, ત્યાગ, વૈરાગ્ય જેવા અગણિત ભાવો સમાયેલાં હોય છે પણ એક પુરુષ જ્યારે સ્ત્રી પ્રત્યેની લાગણી વ્યક્ત કરે, ત્યારે એમાં પ્રેમ, વિરહ, પ્રશંસા સાથે ઘણીવાર દરકાર અને કાળજીની ભાવના પણ વ્યક્ત થતી હોય છે. સ્ત્રીને કદાચ એની જ સૌથી વધારે જરૂર હોય છે. ઠાલા પ્રેમ કરતાં નક્કર કાળજી દ્વારા સ્ત્રીને જીતી શકાય છે. આજનું ગીત કંઇક એવો જ ભાવ વ્યકત કરે છે. વૈશાખી તડકામાં પ્રિયતમને મળવા આતુર સખીને એનો પ્રિયતમ ચિંતિત સ્વરમાં વિનવે છે કે, "હે વહાલી પ્રિયે, ગરમ હવાની લહેરખીમાં તારી કોમળ કાયા કરમાઈ જશે અને અગન પિછોડી ઓઢી બેઠેલી ધરતી પર તારાં ચરણ ચંપાઈ જશે. એટલે જરા થંભી જા રસ્તે. છતાં, નીકળી જ હોય તો તારી ઓઢણીનો છેડો માથે રાખવાનું ભૂલતી નહીં." વળી, ઋતુ વૈશાખની એટલે સુગંધીદાર જૂઈ-મોગરાના ખિલવાની મોસમ. ગરમાળો, ગુલમહોરે પણ ચોતરફ સોળે કળાએ જાજમ બિછાવી હોય. ઉનાળામાં આ ફૂલોની સુગંધ ચિત્તને તરબતર કરી મૂકે. તેથી એનો પ્રિયતમ એ પણ ખ્યાલ રાખે છે એની પ્રિયતમાનો છેડો માથે નહીં હોય તો ખુશ્બોદાર વેણીની મહેક પણ ધગધગતા વાયરામાં ઊડી જશે. ગીતમાં નાની નાની કાળજી દ્વારા વહાલી પ્રિયા પ્રત્યેની ઊંડી લાગણી વ્યક્ત થઈ છે. સાચો પ્રેમી એ છે જે સ્ત્રીની દરકાર કરી શકે છે. એનું માન જાળવી શકે છે અને એને સમય આપી શકે છે.

એ એક જમાનો હતો જ્યારે એરકન્ડિશન તો શું, ઘરમાં પંખા ય ઓછા જોવા મળતા. એવામાં જ્યારે પોતાની પ્રિયતમા ભરતડકે નીકળે તો વહાલમને ચિંતા થાય એ સ્વાભાવિક હતું. આજના વર્ચ્યુઅલ વર્લ્ડમાં જ્યાં સંબંધો સ્ક્રીન પર જ સળવળતા જોવા મળે છે, ત્યાં આવી લાગણી અને આવા શબ્દો પરલોકના લાગે. છતાં ઋતુના મિજાજ સામે એ દિલને કેવી ટાઢક આપે છે! એમાં ય પુરુષોત્તમભાઈએ તારો છેડલો … તો સૂર દ્વારા એવો બહેલાવ્યો છે કે કોઈ પણ ઋતુમાં સાંભળવાનો જલસો પડી જાય.

આ ગીત સામે પેલી ગુલામ અલી સાહેબની ગઝલ પણ યાદ આવે છે, દોપહર કી ધૂપ મેં, મેરે બુલાને કે લિયે, વો તેરા કોઠે પે નંગે પાંવ આના યાદ હૈ ...! સ્ત્રી પ્રેમ માટે બધું સમર્પી દે છે, એને ઝંખના કેવળ એના પ્રેમની કદર થાય, એની પણ થોડી કાળજી લેવાય એટલી જ માત્ર હોય છે. દરેક સંબંધનું એક સત્ય હોય છે ને દરેક વર્તનનું પણ એક સત્ય હોય છે. રોમેન્ટિક વાતો કે કેન્ડલ લાઈટ ડિનરનો રોમેન્સ ક્ષણભર ગમે પણ જીવનભર તો શુદ્ધ લાગણી અને કાળજી જ કામ આવે. પ્રેમ એ એકબીજાંમાં ઓગળી જવાનું કર્મ છે. એટલે જ અહીં પ્રિયતમ કહે છે કે અંગારા વેરતા તડકાના તોર સામે તારી આંખો અધૂકડી રાખજે નહીં તો આકાશમાંથી વેરાતા અંગારા તું ઝીલી શકશે નહીં. આવા ધોમધખતા તાપથી બચીને ચાલવાનું અને આંખો અધખૂલી રાખવાનું વ્હાલમ કહે છે ત્યારે ઉનાળાના રૌદ્ર સ્વરૂપ વિશે કવિ અનિલ ચાવડાની આ કાવ્ય પંક્તિઓ યાદ આવે છે :

ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં
તો આંસુ વરાળ થઈ જાય છે;
તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ
એને અડીએ તો અંગઅંગ દાઝીએ,
આવા આ ધખધખતાં ફૂલો પર
ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ?
કોણે આ સૂરજની મટકી છે ફોડી
કે ધોમધોમ લાવા ઢોળાય છે?
સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે?
કે
આભ આખું ગીત તારાં ગાય છે...!

સૂરજની મટકીમાંથી ધોમધોમ લાવા ઢોળાતો હોય છતાં છેલ્લે કવિ અવસાદને આનંદમાં ફેરવી દઇને કેવું સરસ કહે છે કે અલ્યા સૂરજિયા, તારે ત્યાં કોઈ અવસર આવ્યો છે કે શું? આભ આખું જ્યારે ઉનાળાનાં ગીતો લલકારતું હોય ત્યારે સુગમ સંગીતના સૂર્ય સમાન પુરુષોત્તમભાઈના અવાજમાં આ ગીત સાંભળીને કાળજે ટાઢક તો વળે જ, સાચું ને?

આકાશવાણી પર ટોચનાં ગીતોમાં સ્થાન પામેલાં આ ગીત વિશે પુરુષોત્તમ ઉપાધ્યાય કહે છે, "સૌથી પહેલાં આ ગીત ૧૯૭૪ની સાલમાં ઈપી માટે રેકોર્ડ થયું હતું. મારે અને દિલીપ ધોળકિયાએ એમાં ગાવાનું હતું. દિલીપભાઈએ આ ગીતનું સ્વરાંકન મને સંભળાવ્યું. એ વખતે જ મેં કહ્યું કે આ ‘લોંગ લાસ્ટિંગ’ કમ્પોઝિશન છે. ખરેખર, આજે પણ આ ગીત એટલું જ લોકપ્રિય છે અને કાર્યક્રમોમાં એની ફરમાયેશ હજુ ય થાય છે. મોટાભાગના લોકો તો એમ જ માને છે કે આ પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન છે. આ ગીતના કવિ નંદકુમાર પાઠક એ વખતે અમદાવાદ રેડિયો સ્ટેશનમાં હતા. પુરુષ હૃદયની લાગણી આ ગીતમાં એમણે સુપેરે વ્યક્ત કરી છે.

પુરુષોત્તમભાઈની બહુમુખી પ્રતિભા પિછાણીને એટલે જ સંગીતકાર દિલીપ ધોળકિયાએ એક સ્થાને કહ્યું હતું કે પુરૂષોત્તમ ગાયક નહીં, ગવૈયો છે. અકળાવનારી ગરમીમાં સુપર કૂલ એવું આ ગીત યુટ્યુબ પર સાંભળવા હવે થઈ જાઓ તૈયાર.

https://www.youtube.com/watch?v=BGXvnYiILV8

https://www.youtube.com/watch?v=lJeGuKhziOE

---------------------------

તારો છેડલો તું માથે રાખને જરા
આ તો ચૈતર વૈશાખના વાયરા
તારી વેણીની મ્હેક જાશે ઊડી
આ તો ચૈતર વૈશાખના વાયરા

અંગારા વેરતો તડકાનો તોર કાંઈ
અંગારા ઝીલતો આંખ્યુંનો તોર કાંઈ
તારી આંખને અધૂકડી તું રાખને જરા
આ તો ચૈતર વૈશાખના વાયરા ... તારો છેડલો

ઊનાયે વાયરા ને પાલવડે પુરનાં
ઉછળતાં ઓરતાં છે ઊના તે ઉરના
તારા હૈયા પર હાથ અલી રાખને જરા
આ તો ચૈતર વૈશાખના વાયરા …. તારો છેડલો

તારો છેડલો તું માથે રાખ ને જરા
આ તો ચૈતર વૈશાખના વાયરા

• કવિ : નંદકુમાર પાઠક • સંગીતકાર : દિલીપ ધોળકિયા • ગાયક : પુરુષોત્તમ ઉપાધ્યાય

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 24 મે 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=410543

Category :- Opinion / Opinion