ચોથાં નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના :
માડી, તને તો આ દેશ આદ્યશક્તિ, જગતજનની, ભગવતી, વિશ્વંભરી અખિલ વિશ્વ જનેતા જેવા ધન્ય શબ્દોથી નવાજે છે.
પણ તારા સ્વરૂપે અરધી લોકસંખ્યામાં વ્યાપેલી મહિલાઓ માટે કેવા શબ્દો સહજ રીતે વપરાય છે ! – ‘બૈરું, ‘બૈરાં’ અને ‘બાયડી’, અબળા …
દેહવ્યવસાય, વૈધવ્ય અને પ્રાણીઓ સાથે સંકળાયેલા શબ્દો પણ ખરા ! અને ગાળો તો લગભગ દુનિયાભરમાં સ્ત્રીકેન્દ્રી જ હશે !
‘તમે તો બૈરાં’, ‘બૈરાંનાં કામ’, ‘બાયડીઓને નો ફાવે’ એવું ય બહુ કાને પડે. ‘બોડી બામણીનું ખેતર’, ‘રાંડ્યાં પછીનું ડહાપણ’, ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ જેવી કહેવતોની યાદી થઈ શકે.
હે મા, તને એવી પ્રાર્થના કે બધા માટેની અમારી ભાષા બધાં માટે નરવી થાઓ : ખાસ તો વંચિતો અને મહિલાઓ તરફની અમારી ભાષા !
20-10-2020