ત્રીજાં નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના
આમ તો માડી, પ્રાર્થના છે, પણ છતાં એ કરતાં સંકોચ થાય એવી છે.
મા, અમારાં શાસકોને કહે ને કે જાહેર જગ્યાએ સ્વચ્છ તેમ જ સલામત પેશાબઘર અને જાજરૂની અસરકારક વ્યવસ્થા કરે. સ્ત્રીઓને બહુ વેઠવું પડે છે.
સરકારી કચેરીઓ, રસ્તા, બજાર, ઑફિસો, બગીચા, સભાગૃહો, સિનેમાગૃહો, કૉમર્શિયલ કૉમ્પ્લેક્સ, બસસ્ટૉપ, એસ.ટી. સ્ટૅન્ડ, સ્ટેશન જેવી સંખ્યાબંધ જાહેર જગ્યાએ પેશાબઘર હોતાં જ નથી. કદાચ સરકારનાં, આર્કિટેક્ટના, બિલ્ડરનાં દસ્તાવેજોમાં હોય છે, પણ ખરેખર નથી હોતાં.
અને હોય તો બંધ હોય. ચાલુ હોય તો એક જ વ્યક્તિ માટેનાં, બહુ સાંકડાં, ગંદાં, વીજળી અને પાણી વિનાનાં, ગરીબ મહિલાઓએ પણ પૈસા ચૂકવવાં પડે તેવાં. બાંધકામની સાઇટ્સ, શાક માર્કેટ, હાથલારી, કાગળ-પ્લાસ્ટિક વીણવાં જેવાં કેટલાં ય અસંગઠિત વ્યવસાયોમાં જોડાયેલી મહિલાઓની તો હાલત વધુ ખરાબ હોય.
માડી, કેટલાંક ભક્તોને આ પ્રાર્થના અપવિત્ર લાગશે. પણ પેટની વાત મા સાથે જ થાય ને …