આદ્ય શક્તિને પહેલાં નોરતે પ્રાર્થના :
– હાથરસકાંડો ન બનો …
– સ્ત્રીઓ પર થતાં તમામ પ્રકારના સીધા – આડકતરા, શારીરિક – માનસિક જુલમ અટકો.
સ્ત્રીઓ પર જુલમ કરનાર પાશવી પુરુષ-પ્રધાન માનસને હરાવવાની શક્તિ સ્ત્રીને કુટુંબ અને સમાજ, શરીર અને શિક્ષણ, રાજ્ય અને કાનૂન થકી મળે એવો માહોલ ઊભો થાઓ.
***
બીજાં નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના :
માડી, તું મારામાં – એક પુરુષમાં – અપરાધભાવ જગાડજે
અપરાધભાવ એ વાતનો કે મારા ઘરની સ્ત્રી(ઓ) વર્ષોથી દરરોજ આખો દિવસ સખત કામ કરે છે. રસોઈ – બાળઊછેર, કચરા – પોતાં, કપડાં – વાસણ, ઘઉં – ચોખા, પાપડ – અથાણાંમાં તેમની જિંદગી વીતે છે. તે(ઓ) આ બધું હેતથી, કશી ય અપેક્ષા વિના, મહેનત અને માવજતથી કરે છે. તે(મ)ના ભોગે હું, પુરુષ તરીકે તબિયતથી જીવું છું, વિકસું છું, ધંધા-વ્યવસાય કે કારકિર્દીમાં આગળ વધું છું.
હે મા ! તું મને સ્ત્રીઓનાં શ્રમ તરફ સંવેદનશીલ બનાવજે.
અને માવડી, મને એવી સમજ અને લાગણી, સૂઝ અને શક્તિ આપજે કે મારાં ઘરની સ્ત્રી(ઓ)નાં કામ હું બને એટલાં શેઅર કરી શકું. પુરુષ હોવાનો, પૈસા કમાતો હોવાનો ફાંકો ન રાખું. મજૂરી, વ્યવસાય કે નોકરી કરતી સ્ત્રીઓ અર્થાર્જનનાં કામ અને ઘરકામ બંને કરતી જ હોય છે.
મા, તારા એક પુરુષ સંતાનની પ્રાર્થનાની અંદરનો દંભ તો તું પામી જ ગઈ હોઈશ, પણ મને સહી લેજે !
*******