અમદાવાદમાં પોલીસ દમનની સામે મૌન રેલી કાઢનાર છારા સમુદાય તેમની પરનું ‘ગુનેગાર જાતિ’નું કલંક મિટાવવા મથી રહ્યા છે. તેમાં કર્મશીલો અને રંગકર્મીઓ,પત્રકારો અને ફિલ્મમેકર્સ પણ છે.
ગયા ગુરુવારની મધરાતથી પરોઢ સુધી અમદાવાદનાં છારા સમુદાયના લોકો પર પોલીસે જે સિતમ ગુજાર્યો હતો તેનાં વીડિયો અને વિગતો બધે પહોંચી ચૂક્યાં છે. જુલમનો વિરોધ છારા સમૂહે યાદગાર રીતે કર્યો હતો. તેમણે અઠ્ઠ્યાવીસમી તારીખના રવિવારે છારાનગરમાં ‘સ્વ. કાયદો અને વ્યવસ્થાનું બેસણું’ યોજ્યું હતું, જેમાં તેમના સમાજના સેંકડો લોકો સફેદ કપડાંમાં આવ્યા હતા. ત્યાર બાદ બેસણાં-સ્થળ વિમલની ચાલીથી કુબેરનગર પોલીસ ચોકી સુધી કૂચ કરવામાં આવી હતી. લાંબી, શાંત અને શિસ્તબદ્ધ રેલીમાં સૂત્રોચ્ચાર તો નહીં જ, અવાજ સુદ્ધા ન હતો. તમામ વર્ગ અને ઉંમરનાં ત્રણેક હજાર છારા લોકોની રેલી સંપૂર્ણ મૌન હતી. તેમાં બોલતાં હતાં તે સંખ્યાબંધ પ્લેકાર્ડસ અને બૅનર્સ : ‘આઇ ઍમ અ છારા … આઇ ઍમ ઍન આર્ટિસ્ટ, નૉટ ક ક્રિમિનલ’. બીજાં અનેક પ્લેકાર્ડસ પર અન્ય વ્યવસાયો લખેલા હતા – સિન્ગર, લૉયર, બ્રોકર, રિપોર્ટર અને અન્ય. ‘અમે ગુનેગારો નથી’ એમ છારા લોકો, તેમને ‘બૉર્ન ક્રિમિનલ’ માનનાર લગભગ આખાં પોલીસ તંત્ર અને સમાજના એક હિસ્સાને કહી રહ્યા હતા. એક બૅનરમાં એક ઘાયલ વૃદ્ધ મહિલાની તસ્વીર હતી અને લખાણ હતું : ‘મહિલા બચાઓ પોલીસ આવી રહી છે’. બૅનરો પૂછી રહ્યાં હતાં ‘પોલીસ રક્ષક કે ગુંડા ?’, ‘મુઝે ક્યું મારા સાહબ ?’. બે પોસ્ટરો પર લખેલું હતું : ‘ઇતિહાસને કલંકિત કિયા, આપને અપમાનિત કિયા’, ‘ગુસ્સા બહુત ચતુર હોતા હૈ, અક્સર કમજોર પર હી નીકલતા હૈ’. તેમની પર ગુસ્સો નીકાળનાર પોલીસોને છારા લોકોએ રેલીને અંતે આવેદનપત્ર નહીં ફૂલ આપ્યાં. ઘરની કે કોમની મહિલાઓ સહિત અનેક લોકોને રાતના અંધારામાં જે પોલીસ ફોર્સે બેરહેમેથી માર્યા હતા તેમના જ સખત બંદોબસ્તની વચ્ચે કાંકરી પણ ન પડે તે તેવા સંયમથી લાંબી કૂચ કરવી એ છારા સમાજની મોટી શક્તિ અને સિદ્ધિ હતી.
ફટકાર સામે ફૂલ એ છારા નગરનું એક સ્ટેટમેન્ટ હતું. તે જ પ્રમાણે સમાજની નફરતની સામે નરવી જિંદગીની મથામણ એ પણ એક સ્ટેટમેન્ટ છે. ગયાં વીસેક વર્ષથી સારી જિંદગી અને વિધાયક કામો દ્વારા તેમની પરનું ‘ગુનાઈત જાતિ’, કલંક ભૂસવા મથી રહ્યા છે. વીસેક હજારની વસ્તી ધરાવતી અમદાવાદની છારા કોમમાં શાળાશિક્ષણનું પ્રમાણ સો ટકા છે. અનેક યુવક યુવતીઓ કૉલેજોમાં છે. સરકારે નહીં, સમાજે ચલાવેલી એક લાઇબ્રેરી છે. છારા વકીલોની તાકાત કેટલી છે તેનો અંદાજ એ હકીકતથી આવે છે કે પોલીસ દમનના વિરોધમાં તેમણે શહેરની મેટ્રોપોલિટન કોર્ટ સોમવારે પહેલા એક કલાક માટે બંધ રખાવી હતી. આ સમૂહમાં છાપાં અને ચૅનલોના પત્રકારો છે. ટેલિવિઝન પ્રોગ્રામ્સ અને ડૉક્યુમેન્ટરિ ફિલ્મ્સ સાથે સંકળાયેલા યુવકો છે. ડી.જે. ગ્રુપ ઇન્સ્યુરન્સ કંપની, કૉલ સેન્ટર કે હૉટલમાં નોકરી થકી મહેનતની રોટલી કમાતા યુવાનો છે. રેલીમાં અદ્યતન કૅમેરા, ઇમ્પ્રેસિવ કપડાંમાં અને સરસ રીતભાત સાથેનાં સંખ્યાબંધ યુવક-યુવતીઓ જોવા મળ્યાં. આ છારા નગરની નવી પેઢી છે.
‘અત્યારે જે દારુ ગાળી રહ્યા છે એ છારાનગરની દારુ ગાળનારી છેલ્લી પેઢી છે, હવે પછી આ ધંધો નહીં હોય’, એમ દક્ષિણ છારા આત્મવિશ્વાસથી કહે છે. દક્ષિણે ગયાં વર્ષે બૉમ્બબ્લાસ્ટ જેવા સંવેદનશીલ રાજકીય વિષય પર ‘સમીર’ નામે ફિલ્મ દિગ્દર્શિત કરી જે ઠીક વખણાઈ. કર્મશીલ રંગકર્મી તરીકે નામના મેળવનાર દક્ષિણ તેમના સાથી એવા પત્રકાર રૉક્સી સાથે છારાનગરની સામાજિક સુધારણાનું ચાલકબળ રહ્યા છે. તે સ્વીકારે છે કે છારાનગરમાં ઘણા લોકોની રોજીરોટી દારુ ગાળવાથી નીકળે છે. પણ તેમાં બહારના લોકોને જેટલી મોટી લાગે છે તેટલી આવક નથી. ભઠ્ઠી કે ગૅસ પાસે કલાકો શેકાવાનું હોય છે, અકસ્માત અને અપમૃત્યુ થતાં રહે છે. પોલીસના દરોડા, ડંડા અને દંડ લલાટે લખાયેલા હોય છે. દારુ ગાળનારને અટકાવતા પહેલાં આવક માટે અનિવાર્યપણે જે વિકલ્પો ઊભા કરવા પડે તેના માટેનાં વ્યવહારુ સૂચનો પણ દક્ષિણ પાસે છે. તે એમ માને છે કે કેટલાક ગુનેગારો એક કોમના હોવાથી આખી કોમ ગુનેગાર નથી બની જતી.
આપણા માટે પણ સવાલ ગુનેગારોને છાવરવાનો નથી. ગુનેગાર અને નિર્દોષ વચ્ચે વિવેક કરવાનો છે. કમનસીબે છારા એ અંગ્રેજ શાસકોએ જન્મજાત ગુનેગાર જાતિઓ એવો સિક્કો મારેલી જાતિઓમાં છે. આ જાતિઓના લોકો વ્યવસાય માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરતા એટલે કે નૉમેડિક શ્રમજીવી સમુદાયો હતા. તે દરેક પ્રદેશમાં હતા. અંગ્રેજોએ આવી જાતિઓની એક યાદી બનાવી તેને ગુનેગાર તરીકે ‘નોટિફાય’ એટલે કે જાહેર કરી. ભારતની સંસદે તેમને આ યાદીમાંથી 1952માં ડિનોટિફાય અથવા મુક્ત કર્યા. એટલે પરિભાષા મુજબ આ કોમો વિચરતી અને વિમુક્ત જાતિઓ (ડિનોટિફાઈડ અને નૉમેડિક ટ્રાઇબ્સ – ડી.એન.ટી.) કહેવાય છે.અલબત્ત યવનોએ મારેલા પેલા સિક્કાને આપણો રાષ્ટ્રવાદી દેશ હજુ સુધી મિટાવી શક્યો નથી, ઉલટું એ તેની છાપને વધુ ઘેરી બનાવતો જાય છે. એટલે કે આ જાતિઓના લોકો પર દેશના કોઈ ને કોઈ ભાગમાં વર્ષોથી અત્યાચારો થતા જ રહે છે.
અત્યાચારનો આવો એક કિસ્સો દસ વર્ષ પહેલાં પશ્ચિમ બંગાળના પુરુલિયામાં રમકડાં વેચનાર એક બુધન નામના શ્રમજીવી પર થયો. બુધન શબર નામની વિમુક્ત જાતિનો હતો. એટલે એક ગુનાની તપાસમાં કશું નહીં ઉકાળી શકનાર પોલીસે બુધનને જેલમાં પૂરીને તેણે નહીં કરેલો ગુનો કબુલાવવા માટે એટલો જુલમ કર્યો કે તે કસ્ટડીમાં જ મૃત્યુ પામ્યો. તેને ન્યાય અપાવવા માટે કર્મશીલ બંગાળી સાહિત્યકાર મહાશ્વેતા દેવી લડ્યાં અને તેમાંથી દેશભરના ડી.એન.ટી.ને ન્યાય અને ગરિમા અપાવવા માટેની ચળવળ શરૂ થઈ. આ લડતનો એક મહત્ત્વનો હિસ્સો તે ‘બુધન’ નામના નાટકની દેશભરમાં થયેલી પાંચસો કરતાં વધુ ભજવણી. તેના લેખક-દિગ્દર્શક દક્ષિણ. તેના કલાકારો હતા ‘બુધન થિએટર’ નામની નાટકમંડળીના, કે જે દક્ષિણે જ છારાનગરના કિશોરો અને યુવકો સાથે 1998માં શરૂ કરી. પુષ્કળ ઊર્જા અને આક્રોશ સાથે કામ કરતા છારા કલાકારોનું આ જૂથ ‘બુધન’ અને બીજાં ત્રણ વિરોધ-પ્રધાન નાટકો સાથે ‘બુધન બોલતા હૈ’ નામનો નાટ્યપ્રયોગ કરે છે. તે તાજેતરમાં આણંદ અને તિરુવનંથપુરમ્માં થયો. શેરી નાટકની જેમ ગમે ત્યાં થઈ શકે તેવાં બુધન થિએટરના નાટકો ‘થિએટર ઑફ પ્રોટેસ્ટ’ના નમૂના તરીકે આવકાર પામ્યાં. તેની પરનાં અભ્યાસોમાં જ્યૉર્જટાઉન યુનિવર્સિટીમાં તેની પર એક ચર્ચાસત્રનો પણ સમાવેશ થાય છે. બુધન થિએટર થકી ગુજરાતી રંગભૂમિને તેજસ્વી અભિનેત્રી કલ્પના ગાગડેકર અને ઊગતાં રંગકર્મી આતિશ ઇન્દ્રેકર મળ્યાં છે. બુધન જૂથના કલાકારોએ, સૌમ્ય જોશીનાં બિનવ્યાવસાયિક રંગભૂમિ પરનાં નાટકોમાં મોટો ફાળો આપ્યો છે. તેમાંથી આલોક ગાગડેકર અને વિવેક ઘમંડે દિલ્હીના અત્યંત પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નાટ્યવિદ્યાલય-એન.એસ.ડી.માં ભણીને સિનેકલાકારો બન્યા છે.
નરોડા પાટિયાની બિલકુલ નજીક આવેલાં છારાનગરના છારા લોકોએ ગોધરાકાંડને પગલે થયેલાં 2002ના કોમી રમખાણો નજીકથી જોયાં હતાં. કેટલાક છારાભાઈઓએ મુસ્લિમોના જીવ બચાવ્યા હતા. તેમાં સો જેટલાં સ્ત્રી-પુરુષોને બચાવવાનાર સુનિલ તમાઈચેને રાષ્ટ્રીય એકતા માટેનું ઇન્દિરા ગાંધી સન્માન પણ આપવામાં આવ્યું હતું. આવું સન્માન છારાઓને ગુનેગાર ગણનાર પોલીસદળમાંથી ભાગ્યે જ કોઈને મળ્યું હશે.
++++++
2 ઑગસ્ટ 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 03 અૉગસ્ટ 2018