ટ્રિપલ તલાક નાબૂદ કરવા માટેનું બિલ હવે સંસદના બજેટ સેશનમાં મૂકાવાની સંભાવના છે …
માંડ પિસ્તાળીસ વર્ષની જિંદગી જીવનાર રોમેરોમ કર્મશીલ રૅશનલ ચિંતક હમીદ દલવાઈએ ૧૮ એપ્રિલ ૧૯૬૬ના દિવસે ટ્રિપલ તલાકની કુરૂઢિના વિરોધમાં અને સમાન નાગરિક ધારાની તરફેણમાં મુંબઈના મંત્રાલયની સામે સરઘસ કાઢ્યું હતું. એમાં તેમના પત્ની મહેરૂન્નિસા સહિત સાત મુસ્લિમ મહિલાઓ પણ સામેલ હતાં. હમીદ(1932-1977) મુસ્લિમ સમાજને નીડરપણે પાયાના સુધારાની હાકલ કરતા રહ્યા.
તે દિશામાં કામ કરવા માટે તેમણે ‘મુસ્લિમ સત્યશોધક મંડળ’ની સ્થાપના કરી જે મહારાષ્ટ્રમાં આજે પણ કાર્યરત છે. હમીદના વિચારો એ મૂળભૂત ફેરફારોનું નિશાન તાકનાર અને વ્યાપક સેક્યુલર લોકશાહી સમાજવ્યવસ્થાને વ્યાખ્યાયિત કરનારા હતા. એ તેમનાં આ ત્રણ મરાઠી પુસ્તકોમાં પણ વાંચવા મળે છે : ‘ઇસ્લામનું ભારતીય ચિત્ર’, ’રાષ્ટ્રીય એકાત્મતા અને ભારતીય મુસલમાન’ અને ‘ભારતીય મુસ્લિમ રાજકારણ’. આ ત્રીજા પુસ્તકનો અંગ્રેજી અનુવાદ જાણીતા કવિ દિલીપ ચિત્રેએ કર્યો છે. તેના વિષયો છે : ભારતીય મુસ્લિમોની ઐતિહાસિક પાર્શ્વભૂમિ, ‘રાષ્ટ્રવાદી’ અને ‘કોમવાદી’ મુસ્લિમો, સામ્યવાદીઓ અને કોમવાદીઓની વિચિત્ર સોબત, મુસ્લિમ એકતાના માર્ગમાંની અડચણો, ધર્મનિરપેક્ષતા સામે મુસ્લિમોનો વિરોધ, માનવતાવાદી આધુનિકતાવાદ, બાદશાહ ખાનની મુલાકાતની ફલશ્રુતિ અને બાંગલાદેશનો અર્થ.
તેમાં તેમણે મુસ્લિમોની સાફ ટીકા કરતી જે બાબતો કહી છે તેમાંથી નમૂના દાખલ કેટલીક આ મુજબ છે : મુસ્લિમો પોતાના મજહબના સવાલો માટે તેઓ હિંદુઓને દોષ દેતા રહ્યા છે, ભારતીય મુસ્લિમ બુદ્ધિવાદી વર્ગે ક્યારે ય આત્મનિરીક્ષણ કર્યું જ નથી, પાશ્ચાત્ય શિક્ષણના ઇન્કારે મુસ્લિમોને પછાત રાખ્યા, તેઓ ધર્મની ઘરેડનો પુરસ્કાર અને આધુનિકતાનો પ્રતિરોધ કરતા રહ્યા, આઝાદીની ચળવળમાં તે અવરોધો ઊભા કરતા રહ્યા, વિભક્ત મુસ્લિમ રાષ્ટ્રવાદનો એમણે સ્વીકાર કર્યો. અલબત્ત, હિન્દુ સમાજની મર્યાદાઓ હમીદ નજરઅંદાજ કરતા નથી, હિંદુ-મુસ્લિમ પ્રશ્નની બહુઆયામી સંકીર્ણતાનો તેમને પૂરતો ખ્યાલ છે. પણ તેમનો એકંદર ઝુકાવ પોતાના મજહબીઓની સમજને દુરસ્ત કરવા તરફ છે. હમીદના વિચારોના વ્યવહારુ પાસાની ઝલક મરાઠી માસિક ‘મનોહર’ ના ૨૬ ઓગસ્ટ ૧૯૭૩ના અંકમાં પ્રસિદ્ધ થયેલી એક મુલાકાતમાં પણ મળે છે.
આ મુલાકાતમાં તેમની મુસ્લિમ ઓળખ વિશેના એક પ્રશ્નના જવાબમાં હમીદ કહે છે : ‘હું નમાઝ પઢતો નથી, રોજા રાખતો નથી, કારણ કે એ બાબતો ઇશ્વરે નહીં પણ મહંમદે સર્જેલી છે એમ હું માનું છું. એટલે એમાં એ પણ આવી જાય કે હું આખીરતમાં માનતો નથી. છતાં ય હું મુસલમાન છું, કારણ કે હું મુસ્લિમ સમાજમાં જન્મ્યો છું. નહેરુ નિરીશ્વરવાદી હતા અને છતાં પણ જે અર્થમાં હિન્દુ હતા, એ અર્થમાં હું મુસલમાન છું. કારણ કે મુસ્લિમ અથવા હિન્દુ હોવાની પોથીનિષ્ઠ વ્યાખ્યા મને મંજૂર નથી. એ વધુ વ્યાપક છે એમ હું માનું છું.’
ઇસ્લામ એ સહુથી વધુ લોકશાહીવાદી અને સમાનતાપ્રધાન ધર્મ હોવાની માન્યતા વિશે પૂછતાં હમીદ કહે છે : ‘કોઈ પણ ધર્મ આવો નથી, અને એમાં ઇસ્લામ પણ અપવાદ નથી. ધર્મો સામાજની રચના અધ્યાત્મિકતાના પાયા પર કરે છે. ધર્મો મધ્યયુગીન છે, જ્યારે સ્વાતંત્ર્ય-સમાનતા આધુનિક વિભાવનાઓ છે. હવેના સમયમાં ધર્મના પાયા પર સુસંસ્કૃત સમાજવ્યવસ્થા સર્જી શકાશે નહીં એ હિંદુ અને મુસ્લિમ બધાએ ઓળખી જવું જોઈએ.’ ‘કુરાન’માં ‘મૂર્તિપૂજકોનો મૂળમાંથી સફાયો કરો’ એ મતલબનું વિધાન હોવાનું કહેવાય છે. એ અંગે હમીદ કહે છે કે કુરાન આમ કહેતું નથી, પણ મૂર્તિપૂજકોને અવમાનિત કરવા માટે એમની પર કર લાદો એવી એક વાત એમાં છે. હમીદ માને છે કે ‘કુરાન’માં શું કહ્યું છે એના કરતાં અત્યારે માનવીય સંબંધો કયા સ્તર પર છે એ સવાલ વધારે મહત્ત્વનો છે. આવાં અસામાનતાવાદી વિધાનો બધાં ધર્મશાસ્ત્રોમાં મળશે. ‘મનુસ્મૃિત’એ પણ સ્ત્રીઓ અને કેટલાક વર્ગોને સમાન સ્થાન આપ્યું નથી. પણ હવે પછીનો ભારતીય સમાજ મનુસ્મૃિત કે કુરાનના આદેશો પર આધારિત નહીં હોય, એ બધી વ્યક્તિઓની સમાનતા પર આધારિત હશે એ બધાએ સમજી લેવું પડશે.
અત્યારના ભારતીય જનતા પક્ષ(ભાજપ)ના મૂળ ભારતીય જનસંઘ પક્ષમાં છે. એની સાથેના મતભેદો અંગે હમીદે કહ્યું: ‘ગોહત્યાબંધી હું બિલકુલ સ્વીકરતો નથી. દેશમાં વસુકી ગયેલાં ઢોરની સંખ્યામાં પદ્ધતિસર રીતે ૩૩% ઘટાડો કરવાની જરૂર છે એવું મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ કહેતા હોય ત્યારે ગોહત્યાબંધી અપનાવી એ દેશની પ્રગતિમાં આડખીલી બને છે. અલીગઢ અને બનારસ યુનિવર્સિટીઓનાં નામોમાંથી અનુક્રમે મુસ્લિમ અને હિન્દુ શબ્દો દૂર કરીને એમને રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયો જાહેર કરવાં જોઈએ. સ્ત્રીઓને પુરુષો જેટલા જ અધિકારો મળે તે માટે ગયાં કેટલાં ય વર્ષોથી કોશિશો કરતો રહ્યો છું. દેશની સરકારના નિર્ણયો કોઈ પણ ધર્મસમુદાયની પસંદગી કે નાપસંદગીને ધ્યાનમાં રાખ્યા વિના કરોડોની જનતાની આર્થિક અને સામાજિક ઉન્નતિ માટે શું જરૂરી છે એનો વિચાર કરીને લેવા જોઈએ. બધાએ કુટુંબનિયોજન કરવું જોઈએ એટલું જ નહીં પણ એ બધા માટે ફરજિયાત હોવું જોઈએ.’
હમીદે તેની રોજીરોટી વિશેના સવાલના જવાબમાં કહ્યું : ‘કોમવાદી મુસ્લિમો માને છે કે મને અમેરિકન જાસૂસી તંત્ર સી.આઈ.એ., રશિયન જાસૂસી તંત્ર કે.જી.બી., ખ્રિસ્તી ધર્મગુરુઓ, આર.એસ.એસ., જનસંઘ તેમ જ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જેવી પરસ્પર વિરોધી વિચારસરણી ધરાવતી સંસ્થાઓ તેમ જ વ્યક્તિઓ પાસેથી પૈસો મળે છે. કેટલાક હિન્દુત્વવાદીઓ એવી ગુસપુસ કરતા હોય છે કે હું પાકિસ્તાનનો છૂપો સાગરિત હોઈ યાહ્યાખાન અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો મને પૈસો પૂરો પાડે છે. પણ હકીકત એ છે કે હું ‘ઇન્ડિયન સેક્યુલર સોસાયટી’નો પૂરા સમયનો કાર્યકર્તા છું આ સંસ્થા મને આજિવિકા માટે જરૂરી માનદ વેતન પૂરું પાડે છે. મારી પત્ની નોકરી કરે છે અને અમે મુંબઈના પરામાં એક ચાલી જેવા સંકુલમાં ડબલ રૂમમાં રહીએ છીએ.’ મેહરૂન્નિસા હમીદના કાર્યસાથી રહ્યાં. હમીદના અવસાન બાદ ચાળીસ વર્ષ સુધી સંગઠનનું કામ ચલાવીને તે છ મહિના પૂર્વે અવસાન પામ્યાં. તેમણે ‘મી ભરૂન પાવલે આહે’ (હું પરિતૃપ્ત છું) નામના સ્વકથનમાં સહજીવનનું વાચનીય ચિત્ર આલેખ્યું છે. હમીદે હિન્દુ-મુસ્લિમ તાણાવાણાની સંકુલતા નિરૂપતી પચીસ વાર્તાઓ ઉપરાંત ‘ઇંધન’નામની નવલકથા લખી છે. તેનો શશિન ઓઝાએ ‘ઇંધણ’ નામે કરેલો ગુજરાતી અનુવાદ દિલ્હીની સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યો છે.
મુસ્લિમોમાં કાફિર અને હિન્દુઓમાં યવન ગણાયેલા હમીદની જિંદગી અછતો અને જોખમોમાં વીતી. તેમને મુંબઈ-પુનામાં પ્રગતિશીલ સમર્પિત સાથીદારો મળ્યા. પણ કોકણના ચિપળુણ પાસેના મુસ્લિમબહુલ વતન મિરજોળી ગામે તેમનો હંમેશાં વિરોધ કર્યો. સિગરેટ, સિનેમા, સાહસના શોખીન હમીદે ચાર પત્નીઓ કરનાર પોતાના પિતાના ઘણાં સંતાનોને ટેકો પણ કર્યો. કૉલેજનું શિક્ષણ નહીં પામવા છતાં એમનો અભ્યાસ ગહન હતો, ચિંતન મૌલિક અને અચૂકપણે માનવતાવાદી હતું. તેમના જીવનકાર્યમાં મુસ્લિમ સમાજસુધારા થકી સાચા અર્થમાં સેક્યુલર દેશ માટેની આરત હતી. આપણા સમયના અગ્રણી સમકાલીન ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાના ‘મેકર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા’ના ઓગણીસ સ્ત્રી-પુરુષ અગ્રણીઓમાં હમીદ એક છે. અંધશ્રદ્ધા નાબૂદીના ભેખધારી ડૉ.નરેન્દ્ર દાભોલકરની ચળવળ આગળ ચલાવી રહેલા તેમના પુત્રનું નામ છે હમીદ !
+++++
૧૦ જાન્યુઆરી ૨૦૧૮
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 12 જાન્યુઆરી 2018