આંબેડકર હિન્દુ સમાજના દમનકારી વલણો સામે વિપ્લવનું પ્રતીક
શિડ્યુલ કાસ્ટ્સથી રિપબ્લિકન તેમ જ કાંસીરામ–માયાવતીની મથામણો કેમ ટાંચી પડી એ તપાસ માંગી લે છે … કાશ, લોહિયા અને આંબેડકરને સાર્થક સંવાદતક મળી હોત!

પ્રકાશ ન. શાહ
135મી આંબેડકર જયંતી આવી અને ગઈઃ સરકારી, બિનસરકારી, તરેહવાર આયોજનો કંઈક ઉત્સાહથી તો કંઈક રસમી રાબેતાસર પાર પડ્યાં.
સાધારણપણે સંવિધાનનિર્માતા તરીકે તેમ દલિત મસીહા તરીકે તેમને યાદ કરાતા રહે છે. પણ 14મી એપ્રિલ સત્તાવાર સરકારી પ્રયોગ મુજબ જો એક રાષ્ટ્રીય પર્વ (નેશનલ હોલીડે) હોય તો આંબેડકરને જોવા અને મૂલવવાની રીતે કંઈક વિશેષ વિચારવું રહે છે.
1956ના ડિસેમ્બરમાં એ ગયા. સ્વરાજસંગ્રામની પરંપરામાંથી આવેલા જવાહરલાલ નેહરુ ત્યારે વડા પ્રધાન હતા. આજે 2026માં સંઘ પરંપરામાંથી આવેલા નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે ત્યારે નેહરુથી માંડી નીચે સુધી આંબેડકરનું નામ લેવાતું હશે, પણ આજે ન.મો.થી માંડી નીચે સુધી કદાચ વધારે જ ગાજે છે.

ભીમરાવ આમ્બેડકર
નામ લેવાવાથી માંડી ગાજવા લગીની આ ઇતિહાસ-પ્રક્રિયા હર પરંપરાની પેઠે સાતત્ય ઉપરાંત શોધન પણ માંગી લે છે. 1956માં આંબેડકર ગયા ત્યારે લોકસભામાં એમને અંજલિ આપતાં (સત્તાવાર સંસદીય નોંધ લેતાં) નેહરુએ જે કહ્યું હતું એમાંથી એક સારરૂપ ફકરો અહીં સંભારું તો તે આ સંદર્ભમાં ઉપયોગી થઈ પડશેઃ ‘બંધારણનિર્માણમાં આંબેડકરે જે સંભાળ ને જહેમત લીધી એવી બીજા કોઈએ નથી લીધી એ અલબત્ત શંકાતીત છે.’ હવે વાત આગળ ચાલે છેઃ ‘હિંદુ કાયદામાં સુધારા બાબતે એમણે જે રસ લીધો અને બોજ વેંઢાર્યો તેને સારુ પણ એ સંભારાશે.’ જાહેર છે કે આંબેડકર જે ઝડપે તે કરવા ઇચ્છતા હતા તે શક્ય ન બનતાં એમણે પ્રધાનમંડળમાંથી છૂટા થવું પસંદ કર્યું હતું વડા પ્રધાન નેહરુ સુધારા પરત્વે પ્રતિબદ્ધ હતા. પણ તત્કાળ તે શક્ય નહોતું, કેમ કે કૉંગ્રેસના ખુદના રૂઢિચુસ્ત મત ધરાવનારાઓ ઉપરાંત, સવિશેષ, બહારનાં કેટલાંક બળો (કૉંગ્રેસથી વિપરીત પણે) એકંદર બંધારણ અને હિંદુ કાયદાના સૂચિત સુધારા બેઉ બાબતે હાડના વિરોધી હતા. આ બળોમાં યોજકત્વની ભૂમિકા હાલના વડા પ્રધાનના પૂર્વસૂરિઓની હતી. સંઘ પરિવારના પત્ર ‘ઓર્ગેનાઇઝર’ના મતે આ બંધારણમાં મનુસ્મૃતિનો સ્વીકાર નહોતો. સાવરકર-ગોળવલકર છેડેથી પણ આવા જ અવાજો ઊઠ્યા હતા. હિંદુ કાયદામાં સુધારા બાબતે આ પરિબળો અલબત્ત ‘અબ્રહ્મણ્યમ, અબ્રહ્મણ્યમ્’ના મિજાજથી મંડેલા હતા.
વળી નેહેરુના ઉદ્ગારો સંભારું કે “તેઓ હિંદુ કાયદામાં આ સુધારાઓ (ભલે એમના રાજીનામા પછી પણ) ઠીક ઠીક પ્રમાણમાં – જો કે એમણે તૈયાર કરેલ સમગ્ર ધોરણે નહીં પણ – કટકે કટકે ય થતા જોઈ શક્યા તે વિચારે હું રાજીપો અનુભવું છું.” કોંગ્રેસ શ્રેષ્ઠીઓને વિશ્વાસમાં લઈ નેહરુ આગળ વધી શક્યા હતા, પણ સંઘ પરિવારના પૂર્વ સૂરિઓ? તેઓ અલબત્ત તળેઉપર મનુસ્મૃતિમય હતા.
હવે, નેહરુના આ જ ફકરાનાં સમાપનવચનો ઉતારુંઃ “ગમે તેમ પણ, મને લાગે છે કે એમનું સ્મરણ સર્વાધિક તો હિંદુ સમાજમાં રહેલાં સઘળાં દમનકારી વલણો સામેના વિપ્લવના પ્રતીક તરીકે થતું રહેશે.”
હિંદુ સમાજના હાડમાં પેંધેલાં આ જે દમનકારી વલણો અને આધુનિક બંધારણને બદલે મનુસ્મૃ઼તિના સ્વર્ગલોકમાં મુક્તિની જે ખોજ, એને અંગે પોતાના અને આજુબાજુના વૈચારિક પૂર્વસૂરિઓથી હાલના સત્તાશ્રેષ્ઠીઓ વસ્તુતઃ ઊંચે ઊઠી શક્યા છે કે કેમ? સત્તાવાર અવાજો આંબેડકરની એકંદર અનુમોદનાના (બલકે, ક્યારેક તો આંબેડકર પારના આંબેડકરની હદના) સંભળાય છે. આ પ્રશ્ન, અત્યારે તો, આપણે એમના આત્મનિરીક્ષણ પર છોડવો રહે છે.
હવે બે શબ્દો, ઉતાવળે પણ, આંબેડકરી રાજનીતિ સબબ-કાંસીરામ-માયાવતીનો ચમત્કાર ને એવી જ પીછેહઠનાં આપણે સાક્ષી છીએ. શિડ્યુલ કાસ્ટ્સની સીમિત ઓળખથી હટી રિપબ્લિકન જેવી વ્યાપક ઓળખની આંબેડકરની છટપટાહટ નેમ આ ‘વ્યાપક’નું દલિત પેટાકરણ પણ આપણે જોયું છે. 1955-1956માં લોહિયા-આંબેડકરના આછાપાતળા સંપર્કસંવાદ પછી રૂબરૂ વિગતે વાત થતે થતે અણી ટાંકણે આંબેડકરની ચિરવિદાય સાથે થંભી ગઈ. સપ્તક્રાંતિની સમાજવાદી ભૂમિકાએ લોહિયા પીછડી અને અનુસૂચિત સંમિલન તેમ અગ્રતાપૂર્વક ‘સમગ્ર’રાજનીતિ છેડવા ઇચ્છતા હતા, પણ …
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 15 ઍપ્રિલ 2026
![]()

