
ચંદુ મહેરિયા
એક મહિલાએ તેના જીવનકાળમાં કેટલાં બાળકોને જન્મ આપ્યો કે આપી શકે? તેને કુલ પ્રજનન દર, અંગ્રેજીમાં Total Fertility Rate (TFR), કહેવામાં આવે છે. ૧૯૭૧માં ભારતનો કુલ પ્રજનન દર ૫.૨ હતો, ૧૯૮૧માં ૪.૫, ૧૯૯૧માં ૩.૬ અને આજે ૨ છે. અનિયંત્રિત વસ્તી વધારામાં ઘટાડો થવાનું કારણ વસ્તી નિયંત્રણ નીતિ કે પરિવાર નિયોજન યોજનાઓ છે. ગરીબી, ખાદ્ય સુરક્ષા અને રોજગારના પડકારો સામે લડવા વસ્તી વધારાને રોકવો જરૂરી હતો. ‘અમે બે અમારા બે’ અને ‘નાનું કુટુંબ સુખી કુટુંબ’ના પરિવાર નિયોજન અભિયાનને કારણે ૨૦૦૦ના વરસ સુધીમાં દેશનો કુલ પ્રજનન દર ૩.૩થી ઘટાડીને ૨ સુધી કરવામાં મદદ મળી છે. ૨૦૨૧માં દેશની વસ્તી આશરે ૧૩૫.૫ કરોડ હતી તે ૨૦૫૧માં ૧૫૯.૦૧ કરોડ થશે. એટલે વસ્તી તો વધશે પરંતુ કુલ પ્રજનન દર ઘટશે. આ વરસોમાં ભારતનો સરેરાશ વાર્ષિક વૃધ્ધિ દર ૦.૫ થશે. અર્થાત ભારતની વસ્તીમાં સ્થિરીકરણ આવશે.
આજે દેશના કુલ પ્રજનન દર ૨ કરતાં ઘણા રાજ્યોનો પ્રજનન દર ઓછો છે. એટલે આ રાજ્યો તેમના ઘટતા પ્રજનન દરથી ચિંતિત છે. ભા.જ.પા.શાસિત રાજસ્થાન સરકારે તાજેતરમાં વિધાનસભામાં રાજસ્થાન પંચાયતી રાજ (સુધારા) વિધેયક ૨૦૨૬ અને રાજસ્થાન નગરપાલિકા (સુધારા) વિધેયક ૨૦૨૬ પસાર કર્યું છે. રાજસ્થાનની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોમાં છેલ્લાં ત્રીસ કરતાં વધુ વરસોથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિ ઉમેદવારી કરી શકતી નહોતી. આ બાધ્યતાનું કારણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પરિવાર નિયોજન માટે આદર્શ બને અને લોકોમાં વસ્તી નિયંત્રણ માટેનો સંદેશ આપી શકાય તે હતો. પરંતુ હવે આ પ્રતિબંધ કાયદામાં સુધારો કરીને ઉઠાવે લીધો છે. રાજસ્થાન સરકારે વિધાનસભમાં કહ્યું છે કે આ પ્રતિબંધ વસ્તી નિયંત્રણ માટે અસરકારક નહોતો. તે નાગરિકોને માટે ભેદભાવપૂર્ણ હતો. કેમ કે તે બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિઓને સ્થાનિક સ્વરાજની લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેતા અટકાવતો હતો. રાજસ્થાનનો ૧૯૯૧-૯૪માં કુલ પ્રજનન દર ૩.૬ હતો. જે ૨૦૨૪-૨૫માં ૨.૦ છે. રાજ્યની કુલ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે પણ પ્રજનન દર ઘટી રહ્યો છે એટલે હવે તેણે બે થી વધુ બાળકો ધરાવનાર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી શકશે તેમ કાયદેસર ઠરાવ્યું છે.
રાજસ્થાન પૂર્વે તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડની રાજ્ય સરકારોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બે બાળકો કરતાં વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને ઉમેદવારી કરતાં રોકતા કાયદામાં ફેરફાર કર્યો છે અને આ પ્રતિબંધ દૂર કર્યો છે. ૨૦૨૩-૨૪માં બિહારનો ટોટલ ફર્ટીલિટી રેટ ૩.૦૦ અને યુ.પી.નો ૨.૪ હતો. બીજા રાજ્યોનો ટી.એફ.આર .૨ કે ૨થી થોડો ઓછો હતો. એટલે વસ્તી નિયંત્રણ નીતિમાં ઢીલ મૂકવામાં માત્ર ઓછો પ્રજનન દર ધરાવતા રાજ્યો જ નહીં રાષ્ટ્રીય પ્રજનન દર કરતાં વધુ પ્રજનન દર ધરાવતા રાજ્યો પણ છે. જે રાજ્યોએ પંચાયત-પાલિકામાં ઉમેદવારો માટે બે કરતાં વધુ બાળકોના નિયમમાં છૂટછાટ મૂકી છે તેમાં ભા.જ.પા.શાસિત રાજ્યો છે તો કાઁગ્રેસ અને પ્રાદેશિક પક્ષોની રાજવટ ધરાવતા રાજ્યો પણ છે. એટલે વસ્તી નિયંત્રણ નીતિમાં ઢીલ મૂકવામાં રાજસ્થાનમાં વિપક્ષ કાઁગ્રેસ વિરોધ કરે છે પરંતુ તેના જ પક્ષની તેલંગાણા સરકારે આવો જ કાયદાકીય સુધારો કર્યો છે તે વિશે મૌન સેવે છે. અર્થાત આ બાબતમાં તમામ રાજકીય પક્ષો વચ્ચે છૂપી સંમતિ પ્રવર્તતી હોય તેમ લાગે છે.
દેશના અડધો ડઝન કરતાં વધુ રાજ્યોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ટુ ચાઈલ્ડ નોર્મમાં સુધારો કર્યો છે. પરંતુ એન.ડી.એ.ના પ્રમુખ ઘટક દળ તેલુગુ દેશમની આંધ્ર પ્રદેશ સરકારે તો વસ્તી પ્રબંધન નીતિની ઘોષણા કરી છે. વધુ બાળકો પેદા કરનાર દંપતીને ખાસ પ્રોત્સાહન આપવાની નીતિ ઘડનાર આંધ્ર પ્રદેશ દેશનું પહેલું રાજ્ય છે. આંધ્ર સરકારની જાહેરાત પ્રમાણે હવે રાજ્યમાં જે દંપતીને બીજું અને ત્રીજું બાળક જન્મશે તેને સરકાર રૂ.૨૫,૦૦૦ની પ્રોત્સાહન રાશિ આપશે. IVF(ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન)થી બાળકો પેદા કરનારને ખર્ચમાં ખાસ રાહત આપવામાં આવશે. ત્રીજા બાળકને પાંચ વરસ સુધી દર માસે પોષણ સહાય રૂપે રૂ. ૧,૦૦૦ આપવાનું પણ નક્કી કર્યું છે. બીજા અને ત્રીજા બાળકને અઢાર વરસની ઉમર સુધી સરકારી શિક્ષણ સંસ્થામાં નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે. આ તમામ લાભ રાજ્યની વસ્તીમાં વૃદ્ધિ માટે આપવામાં આવશે.
આંધ્ર પ્રદેશનો હાલનો પ્રજનન દર ૧.૫ છે. દક્ષિણ ભારતના તમામ પાંચ રાજ્યોનો પ્રજનન દર દેશના પ્રજનન દર ૨.૧ કરતાં ઘણો નીચો એટલે કે ૧.૫ જેટલો છે. પરંતુ આંધ્ર પ્રદેશ જેવી વસ્તી વૃદ્ધિ માટે નાણાંકીય પ્રોત્સાહનની નીતિ કોઈ રાજ્યે જાહેર કરી નથી. આ નીતિ માટેનો રાજ્યનો ઉદ્દેશ લોકસભામાં તેના પ્રતિનિધિત્વમાં થનારા સંભવિત ઘટાડાને અટકાવવાનો છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આંધ્ર પ્રદેશની લોકસભા બેઠકો ૨૫ હતી. મહિલા અનામતના અમલ પહેલાં લોકસભા બેઠકોનું નવેસરથી પરિસીમન કરવાનો કેન્દ્ર સરકારનો ઈરાદો છે.આંધ્ર પ્રદેશમાં જો ધીમા દરે વસ્તી વધારો થાય તો તેની લોકસભા બેઠકો તો ઘટે જ વસ્તીના આધારે નાણાં પંચ નાણાંકીય ફાળવણી માટેની જે ભલામણો કરે છે તેમાં પણ ઘટાડો થઈ શકે છે. આ ચિંતા વાજબી હોવા છતાં વસ્તી નિયંત્રણ નીતિને તડકે મુકવાની આંધ્ર સરકારની ઉતાવળ ન સમજાય તેવી તો છે જ અયોગ્ય પણ છે. દક્ષિણના રાજ્યો સહિત દેશના જે જે રાજ્યોનો ટી.એફ.આર. નીચો છે તેમણે સાથે મળીને આ બાબતમાં કેન્દ્રમાં રજૂઆત કરવી જોઈએ તે ખરો માર્ગ છે.
પ્રજનન દરનો હાલનો ઘટાડો મહિલાઓના દૃષ્ટિકોણથી તપાસતાં ખૂબ જ પ્રગતિશીલ અને સુધારક જણાય છે. મહિલા શિક્ષણમાં વધારો, મહિલાઓની નોકરી સહિત કુટુંબના નિર્ણયોમાં ભાગીદારી અને સમાજમાં વધતી મહિલા જાગ્રતિ અને સક્રિયતાના કારણે પ્રજનન દરમાં ઘટાડો થયો છે. જો રાજ્યસરકારો વસ્તી વૃદ્ધિના નિયમો અને નીતિઓને મહિલા અધિકારોની અવગણના કરીને અમલી બનાવશે તો તે સરવાળે રાજ્ય અને દેશને પાછળ ધકેલશે. સામાન્ય રીતે વધુ બાળકો ગરીબો અને અશિક્ષિતોને હોય છે. આમ પણ આર્થિક અભાવોમાં તેમને માટે કુટુંબનું ભરણ પોષણ કરવું મુશ્કેલ હોય છે. ત્યારે નવા બાળકની જવાબદારી તેમના માટે બોજ બની શકે છે અને માનવ સંપત્તિની ગુણવતા ઘટે તેમ પણ બનશે. સરકાર જે માસિક પોષણ સહાય, પ્રોત્સાહન રકમ અને બીજા લાભો આપવાની છે તે એક બાળકના શિક્ષણ, આરોગ્ય અને લાલનપાલનના ખર્ચની તુલનામા પર્યાપ્ત જણાતા નથી.
રાજ્ય સરકારોએ કેન્દ્રના પરામર્શમાં રહીને રાષ્ટ્રીય ધોરણે વસ્તી નિયંત્રણો હટાવવા બાબતે નિર્ણયો લેવાની જરૂર છે. આંધ્ર પ્રદેશ અને બીજા રાજ્યોનાં પગલાંની પ્રતિકૂળ અને નકારાત્મક અસરોની પણ વ્યાપક ચર્ચા થવી જરૂરી છે. દાયકાઓની કઠોર મહેનત પછી આપણે વસ્તી નિયંત્રણ હાંસલ કર્યું છે. તેને આમ વેડફી ન નાંખી શકાય. પરિવાર નિયોજનનો ગંભીર મુદ્દો રાજનીતિથી પર થઈને વિચારવો જોઈશે.
e.mail : maheriyachandu@gmail.com
![]()

