પરિષદ : વિચાર-આચાર અને … / અજય પાઠક
૧, સપ્ટેમ્બરમાં ડંકેશ ઓઝા તથા પ્રકાશ ન. શાહની નોંધ ગમી. પ્રકાશ શાહ, તંત્રી અને હોદ્દેદાર બન્ને હેસિયતથી પેશ આવતા રહ્યા છે. તેમાં નિરીક્ષકના સંપાદનકાર્યને પણ ચર્ચાના દાયરામાં લેવાનું પ્રાપ્ત થાય તેવા પ્રસંગો છેલ્લાં વર્ષોમાં આવ્યા છે, જ્યારે નિરીક્ષકમાં રજૂ થયેલ ચર્ચામાં વિવેક જળવાયો ન જણાયો હોય. પરિષદની મધ્યસ્થસમિતિની બેઠકમાં ચર્ચા દરમિયાન પણ આવો ઉલ્લેખ કરવાનું મારે ભાગે આવ્યું છે ને પ્રકાશ શાહે તે સાંભળ્યું છે. નિરીક્ષકમાં પણ તંત્રીની વિરુદ્ધમાં લખાયેલ નોંધ સ્થાન પામતી હોય છે. આમ, મારો અનુભવ નિરીક્ષક અંગે તેમ મધ્યસ્થ સમિતિમાં લોકશાહી વલણ અંગે નરવો રહ્યો છે. બલકે કહો કે વિચાર-અભિવ્યક્તિ, કાર્ય એટલે કે આચાર પરત્વે પરિષદ તેમ નિરીક્ષક – બંનેમાં મને લોકશાહીનો ‘ફિલ’ અનુભવાયો છે. તેમાં ઉમાશંકર, રઘુવીર કે ચંદ્રકાંત – ધીરુ પરીખની ઉપસ્થિતિ સમાન લાગી છે. દર્શકનો મને અનુભવ નથી. લોકશાહી ઢબે વિચારવાની, વ્યક્ત થવાની, કામ કરવાની મોકળાશ પરિષદ તેમ નિરીક્ષક બંને જગ્યાએ અનુભવી છે. પ્રકાશની એક આંખ ઠરી છે નિરીક્ષકમાં બીજી ઠરી છે પરિષદમાં; ને હૈયે વસ્યું છે લોકશાહીનું હિત! યઃ પશ્યતિ સ પશ્યતિ …
°°°°°°°°
નો સર! / ડંકેશ ઓઝા
ગુજરાતનું સાપ્તાહિક વિચારપત્ર એ આપણો સહિયારો જાહેર વારસો છે જે મૂલ્યવાન છે. મારી જેમ ઘણાની પ્રતીતિ હશે કે ‘જાહેર બૌદ્ધિક’ ગણાયેલા ગૂર્જરકવિ ઉ.જો.એ આવા તબક્કે આપે કર્યો તેવો નિર્ણય ન જ કર્યો હોત! સીધીસાદી સરળ વાત એ છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અનુસરીએ તો પણ કોઈ કેસમાં આપણે આપણા ન્યાયાધીશ થઈ શકતા નથી. પરિષદનું પ્રમુખપદ કે તેની ચૂંટણી પારદર્શક મૂલ્યનિષ્ઠાથી ઊંચી તો કેવી રીતે હોઈ શકે? સમયસર જેનું કામ જે કરે તે વિચારીને પાછા વળો એમાં જ ઔચિત્ય છે. અન્યથા, ભાવિ ઇતિહાસ તમારો ન્યાય તોલશે એ તો નક્કી જ છે. સુજ્ઞેષુ કિમ્ બહુના ?!
°°°°°°°°°
તંત્રીઃ
સાહિત્ય પરિષદના પ્રમુખપદના ઉમેદવારોને પોતપોતાની ભૂમિકા રજૂ કરવાનું ઈજન મેં આપ્યું હતું તે મુજબ અહીં બે ઉમેદવારીનોંધો મૂકી છે. હર્ષદ ત્રિવેદીને તંત્રી અને ઉમેદવાર બન્ને એક વ્યક્તિ હોય તે સંજોગોમાં નિરીક્ષકમાં લખવું યોગ્ય નથી લાગ્યું તેથી અહીં એમની ભૂમિકાથી વાચકોને પરિચિત નથી કરી શકાયા તે માટે તંત્રી ક્ષમાપ્રાર્થી છે. તંત્રીની ભૂમિકા ૧-૯ના અંકમાં ડંકેશ ઓઝાના પત્રના પ્રતિભાવરૂપે જે પ્રગટ થઈ હતી તે યથાવત્ છે અને હાલ તે સંતુલન વિવેકની તાવણીમાંથી પસાર થવામાં તે પોતાનો ધર્મ જુએ છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 09