થોડાં વર્ષો પહેલા પપ્પા દિલ્હી આવેલા. દીકરી મને પૂછે છે કે “મમ્મી તે નાના માટે આજે શું કર્યું?” પહેલાં તો હું કઈ સમજી નહીં. પછી તેણે ફોડ પડતાં કહ્યું “આજે ફાધર’સ ડે છે, મમ્મી.”
“નાનાનાં કપડાં ધોઈ નાંખ્યાં”, કપડાં સૂકવતાં સૂક્વતાં મેં જવાબ આપ્યો. તે પછી મારુ મન વિચારે ચડ્યું, શું ફાધર્સ ડે નિમિત્તે કઇંક અભિવ્યકિત કરવી અનિવાર્ય છે? વાત ધીરે–ધીરે વિસરાઈ ગઈ.
પછી જ્યારે જુલાઇ 2019માં ઉર્વીશભાઇ અને મિત્રોએ પ્રકાશોત્સવનું આયોજન કર્યું, ત્યારે સંજોગોવશાત્ હું હાજર રહી શકી નહોતી. દિલ્હીમાં બેઠે બેઠે મન તો ગૂજરાત વિદ્યાપીઠના સભાગૃહમાં આગોતરું જ પહોંચી ગયું હતું. એક પછી એક પપ્પા સાથેના બાળપણના પ્રસંગો યાદ આવતા ગયા તેમ તેમ ટક-ટક કરતી ગઈ. તે પછી રોજીંદી ઘટમાળમાં વાત વિસરાઈ ગઈ. પ્રકાશોત્સવ પછી જ્યારે પપ્પાની કૃપાલાની વ્યાખ્યાનમાળા transcribe કરવાનું ચાલુ કર્યું, ત્યારથી સાહિત્ય વારસાને સમાજજીવન સાથે સાંકળતા પ્રકાશ ન. શાહની છબી મનમાં ચોવીસે કલાક ગુંજતી રહેતી, ત્યાં તો ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ચૂંટણીનાં ઉમેદવાર તરીકે પ્રકાશ ન. શાહની પાત્રતા વિષે કંટ્રોવર્સી ચાલી, ત્યારે સમાજજીવી સાહિત્યકાર પ્રકાશ ન. શાહની કથા માંડ્યા વગર રહેવાયું નહીં. તે લખતાં-લખતાં વચ્ચે-વચ્ચે તો એક શિક્ષિકા વિદ્યાર્થીનું પ્રગતિપત્રક લખવા બેઠી હોય, તેવા ઉભરા પણ મારા મને અનુભવ્યા હશે. તે નિમિત્તે જ પહેલી વખત ફેસબુક એકાઉન્ટ પણ ખૂલ્યું, ત્યાં વળી પાછું ચંદુભાઈ મહેરિયા અને ઉર્વીશભાઈ કોઠારીનું ‘સાર્થક જલસા’ માટે આમંત્રણ મળ્યું. ઉર્વીશભાઈનું કહેવું હતું કે વિસ્તારથી લખવું. લેખ ગમે તેટલો લાંબો થાય તેની ચિંતા નથી. તેમણે પપ્પા સાથે કરાવેલી આંતરિક યાત્રા તે મારે માટે એક આધ્યાત્મિક યાત્રા બની રહી. ચંદુભાઈ, ઉર્વીશભાઇ તથા સમગ્ર ‘સાર્થક પરિવાર’નો આભાર માનું એટલો ઓછો.
− રીતિ શાહ
[રીતિબહેનની ફેઈસબૂક દીવાલેથી સાદર]
•••••
‘સાર્થક જલસો’નો સોળમો અંક
ઑક્ટોબર ૨૦૧૩થી, કોરોનાકાળનાં બે મોજાંને બાદ કરતાં, દર છ મહિને નિયમિત રીતે પ્રગટ થતા સામયિક ‘સાર્થક જલસો’નો ૧૬મો અંક પ્રકાશિત થયો છે.
દર વખતની જેમ અવનવા વિષયો અંગેના વિગતવાર લેખો આ અંકમાં પણ જોવા મળે છે. જેમ કે, આયુર્વેદની તરફેણ કે વિરોધની આત્યંતિકતામાં ગયા વિના, સ્વસ્થ-અભ્યાસનિષ્ઠ દૃષ્ટિથી આયુર્વેદનાં વિવિધ પાસાં ચર્ચતો ડૉ. વિરલ દેસાઈનો લેખ, રાયપુરની-અમદાવાદની પોળની ઉત્તરાયણનાં અનેક પાસાંનું હાડોહાડ પતંગરસિયા પ્રણવ અધ્યારુએ કરેલું આલેખન, ગુજરાતના રાજકારણ વિશે હસમુખ પટેલનો લેખ.
બીરેન કોઠારીનો આઇ.પી.સી.એલ.ની લુપ્ત ‘પેટાસંસ્કૃતિ’ વિશેનો લેખ અને જગદીશ પટેલનો નંદેસરીની ખાનગી ફૅક્ટરીમાં સોળ વર્ષની કામગીરીનો અનુભવ – બે સામા છેડાની વાસ્તવિકતાઓનો પરિચય કરાવે છે. આઈ.પી.સી.એલ.માં કર્મચારીઓ માટે અઢળક સુવિધાઓ અને તેની વચ્ચે પાંગરતી વિશિષ્ટ માનસિકતા તથા તેની સામે ખાનગી ફૅક્ટરીમાં નાનામાં નાની બાબતમાં કરવા પડતા સંઘર્ષોની વાત એક જ અંકમાં મુકાઈ હોવાથી તે સ્વતંત્ર લેખ ઉપરાંત, એકબીજાના સંદર્ભે પણ વિશિષ્ટ બની રહ્યા છે.
ગુજરાતી પત્રકારત્વનાં બસો વર્ષ નિમિત્તે ડૉ. સુશ્રુત પટેલે તૈયાર કરેલો ગુજરાતીનાં જ્ઞાનવિજ્ઞાન સામયિકો-પત્રકારત્વ વિશેનો લેખ અભૂતપૂર્વ છે. તેમાં લગભગ દોઢસો વર્ષના પ્રવાહો આવરી લેવાયા છે. એ જ સિલસિલામાં ઉર્વીશ કોઠારીએ ગુજરાતી પત્રકારત્વના અભ્યાસ માટે ઉપયોગી એવાં કેટલાંક પુસ્તકોનો પરિચય કરાવ્યો છે અને તેમની ઉપયોગિતા ચીંધી આપી છે.
આરતી નાયરે લંડનમાં અભ્યાસ દરમિયાન કેરેબિયન ટાપુઓ, પાકિસ્તાન, ચીન અને પેલેસ્ટાઇન જેવા દેશોના સહાધ્યાયીઓ સાથે થયેલી વાતચીત દ્વારા જુદી દુનિયાનું દર્શન કરાવ્યું છે. કેપ્ટન નરેન્દ્રના ટૂંકા લેખમાં પૂર્વ આફ્રિકાના ગુજરાતીઓનો સ્વાહિલી ભાષા સાથેનો સંબંધ હળવી રીતે આલેખાયો છે. રીતિ શાહે તેમના પિતા પ્રકાશ ન. શાહ વિશે પોતાનાં બાળપણથી મોટપણ સુધીનાં અંગત સંસ્મરણો હળવાશપૂર્વક છતાં ભાવગંભીર રીતે લખ્યાં છે. તે લેખમાં પ્રકાશભાઈએ રીતિને જેલમાંથી લખેલા અને ‘સેન્સર્ડ’ની છાપ ધરાવતા કેટલાક પત્રો પણ છે. આ ઉપરાંત, રજનીકુમાર પંડ્યાના આત્મકથાનકનો અંશ પણ છે, જે તેમના જીવનના નાટ્યાત્મક ચઢાવઉતાર અને તે સમયને તીવ્ર સંવેદન સાથે પુનઃજીવિત કરે છે.
‘સાર્થક જલસો-૧૬’ મેળવવા માટે સંપર્કઃ કાર્તિક શાહ (મોઃ ૯૮૨૫૨ ૯૦૭૯૬), ઓનલાઇન મેળવવા માટે saarthakprakashan.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 13