એક ને એક જ સ્થળે મળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પિંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
હેત દેખીને ભલે હળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પાંચ ભેળાં સાવ શેં ભળીએ અમે ? હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
ઊભરાવું હોય જો શમવું પડે, ઊગીએ જો તો જ આથમવું પડે
મેરુ ચડતાંયે નહીં ચળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
કૈંક સમજ્યા ત્યારથી બેઠા છીએ, હાથમાં હુક્કો લઇ આ ઢોલિયે
ક્યાંથી મળીએ કો’કને ફળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
શબ્દના દીવા બળે છે ડેલીએ, આવતલ આવી મળે છે ડેલીએ
સ્વપ્ન જેવું શીદ સળવળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે