
રમેશ ઓઝા
હવે પછી અમેરિકામાં કોઈક અમેરિકન કંગના રનૌત જાહેરાત કરવાના છે કે અમેરિકાને આઝાદી ચોથી જુલાઈ ૧૭૭૬ના દિવસે નહોતી મળી, પરંતુ ૨૦મી જાન્યુઆરી ૨૦૨૫ના દિવસે મળી હતી. હવે પછી વિવેક અગ્નિહોત્રી, અનુપમ ખેર, અક્ષય કુમાર જેવા હોલીવૂડના ફિલ્મ નિર્માતા અને અભિનેતાઓ જ્યોર્જ વોશિંગ્ટન, અબ્રાહમ લિંકન, થોમસ જેફરસન, જ્હોન આદમ, થિયોડોર રુઝવેલ્ટ, હર્બટ હૂવર, વૂડ્રો વિલ્સન, ફ્રેન્કલીન ડી. રુઝવેલ્ટ, જ્હોન એફ. કેનેડી અને બરાક ઓબામા જેવા વિશ્વવિખ્યાત અને નીવડેલા નેતાઓને, નવા વિશ્વગુરુ, નામે ડોનાલ્ડ ટ્રમ્પ મહાશય કરતાં ઉતરતા, ઠીંગણા, પીગ્મીઝ, દેશદ્રોહી, ડરપોક, નિર્ણયશક્તિ વિનાના, દિશાહીન સાબિત કરનારી ફિલ્મો બનાવશે. હવે પછી અમેરિકન અર્ણવ ગોસ્વામીઓ ડોનાલ્ડ ટ્રમ્પે અમસ્તી ખોંખારો ખાધો અને વિશ્વગરુ ટ્રમ્પના દુ:શ્મનનું પેન્ટ ભીનું થઈ ગયું એવા સમચાર આપશે. હવે પછી અમેરિકન ભક્તો ફિલ્મો અને સમાચારો સાંભળીને બારે મહિના દિવાળી ઉજવશે. તેમની એક ક્ષણ આનંદ અને ઉત્સાહ વિનાની નહીં હોય! અમેરિકામાં એલન મસ્ક અને બીજા ત્રણ શ્રીમંતોએ આપણા એ-વન અને એ-ટુની જગ્યા લઈ લીધી છે. એકલા એલન મસ્કે ૧૮ કરોડ ડોલર્સ ટ્રમ્પને જીતાડવા માટે ખર્ચ્યા હતા. અમેરિકામાં જે તે વ્યક્તિની તરફેણમાં કે વિરુદ્ધમાં લોબિંગ ઓફિશિયલ છે એટલે આ અધિકૃત આંકડો છે.
આ ઉપર જે કહ્યું છે એ ફીરકી લેવાના ઈરાદાથી નથી કહ્યું. ૨૦મી જાન્યુઆરીએ પ્રમુખ તરીકેના સોગંદ લીધા પછી ડોનાલ્ડ ટ્રમ્પે જે ભાષણ આપ્યું હતું તેમાં આમ કહેવામાં આવ્યું છે. અમેરિકાનો સુવર્ણકાળ આજથી શરૂ થઈ રહ્યો છે (જેમ આપણે ત્યાં અમૃતકાળ) એવી તેમણે જાહેરાત કરી હતી. અમેરિકનોને ખરી આઝાદી હવે મળી છે એમ પણ તેમણે પોતે પોતાના મુખારવિંદથી કહ્યું છે. વાંચવા જેટલી ધીરજ અને આવડત હોય એ લોકોએ એ પ્રવચન વાંચી જવું જોઈએ અથવા સાંભળવું જોઈએ. તમને લાગશે કે આ તો આપણા જ વિશ્વગુરુની ભાષા છે. અક્ષરસઃ એ જ વાત અને એ જ ભાષા. માટે અમેરિકામાં ઉપર કહ્યું એ બધું બનવાનું છે.
આપણા ભક્તો દુઃખી છે કે નવઘોષિત વિશ્વગુરુએ આપણા સ્વઘોષિત વિશ્વગુરુને સોગંદવિધિમાં બોલાવ્યા નહીં. વિદેશ પ્રધાને આમંત્રણ મેળવવા અમેરિકા જઇને ઘણી મહેનત કરી, પાંચ દિવસ ધામા નાખ્યા, પણ આમંત્રણ ન મળ્યું તે ન જ મળ્યું. આમાં આશ્ચર્યની કોઈ વાત નથી. જે થઈ રહ્યું છે અને થવાનું છે એ અપેક્ષિત હતું. માત્ર ભક્તોને સમજાતું નથી અને જો કોઈ કાનમાં તેલ રેડીને સમજાવે તો સમજવા માગતા નથી. લોસ એન્જલસનો દાવાનળ હજુ બુઝાયો પણ નહોતો, જે આગ ચાલીસ હજાર એકરમાં ફેલાયેલી હતી, જેમાં ૧૨,૦૦૦ મકાનો બળી ગયાં, હોલીવૂડ ખાખ થઈ ગયું, ૫૦ અબજ અમેરિકન ડોલરનું નુકસાન થયું છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા પેરીસ સમજૂતીમાંથી નીકળી જશે. પર્યાવરણ પરિવર્તન બોગસ છે અને જો કોઈને એમ લાગતું હોય કે પર્યાવરણનું સંતુલન જાળવવું જોઈએ તો એ દેશ પોતાના પૈસે જાળવે, અમેરિકા શું કામ ખર્ચો ભોગવે? આપણા વિશ્વગુરુએ પણ ૨૦૧૪માં વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા કહ્યું હતું કે પર્યાવરણમાં પરિવર્તન થઈ રહ્યું છે એ ખોટી વાત છે. આપણી ઉંમર વધે તો ઠંડી વધારે લાગે કે નહીં? બસ એના જેવું. જે દેશ અગ્નિતાંડવના મુખ પર બેઠો છે અને તાંડવ નજર સામે ચાલી રહ્યું છે ત્યારે તેનો નવો નક્કોર વિશ્વગુરુ કહે છે કે પર્યાવરણ કોઈ પ્રશ્ન જ નથી.
એક સાથે બે વ્યક્તિ કે બે દેશ વિશ્વગુરુ કેવી રીતે હોઈ શકે? એક સાથે બે દેશમાં અમૃતકાળ કેવી રીતે હોઈ શકે? એક સાથે બે દેશ જગત પર રાજ કેવી રીતે કરે? ભારતના વસાહતીઓ અમેરિકામાં આવીને વસે, અમેરિકનોની રોજી છીનવી લે, અમેરિકામાં બાળકો પેદા કરીને કુદરતી નાગરિકત્વ મેળવે, અમેરિકન નાગરિક જેટલાં જ લાડ કરે અને અધિકારો માંગે આ બધું કેમ ચલાવી લેવાય? એશિયા અને આફ્રિકાનું પર્યાવરણ સંતુલન યુરોપ અને અમેરિકાના સમૃદ્ધ દેશોએ પોતાની સમૃદ્ધિ માટે બગાડ્યું છે, કુદરતી સંસાધનોની લૂટ ચલાવી છે માટે પર્યાવરણ સુધારવામાં જે ખર્ચ કરવો પડે એમાં શ્રીમંત દેશોનો હિસ્સો મોટો હોવો જોઈએ એવી દલીલ કેવી રીતે ચલાવી લેવાય? આવી બધી દલીલો માણસાઈ, વિવેક, મર્યાદા, ન્યાય વગેરેમાં માનનારા કાચાપોચા શાસકો પાસે કરવાની, મારા જેવા ભડવીર પાસે નહીં. ભૂતકાળમાં અમારા બાપદાદાઓએ લૂટ કરી તો કરી હવે એનું શું? અમે શું કામ દંડ ભોગવીએ? બ્રાહ્મણો દલિતોને અપાતા આરક્ષણનો આ જ ભાષામાં વિરોધ કરે છે ને? એવું જ વાણીજ્ય સંતુલનનું. અમારો હાથ બરાબરના સ્તરે નહીં, ઉપર હોવો જોઈએ.
અને આ બધું ટ્રમ્પે પહેલીવાર નથી કહ્યું, અનેક વાર કહ્યું છે અને છાપરે ચડીને કહ્યું છે. પણ છતાં ય ભારતના નેતાઓને અને ભક્તોને એમ લાગતું હતું કે ટ્રમ્પ તો આપણા છે. હકીકતમાં ટ્રમ્પ આપણા નથી, આપણા જેવા છે. આપણા હોવામાં અને આપણા જેવા હોવામાં જમીન આસમાનનો ફરક છે. ટ્રમ્પ સાથે એક વાતની સુવાણ હતી કે તે આપણા જેવા હોવાને કારણે આપણી ટીકા નહોતા કરતા અને નથી કરવાના. નરેન્દ્ર મોદીના શાસનમાં ભારતમાં લોકતાંત્રિક મૂલ્યોનું હનન થઈ રહ્યું છે, ક્રોની કેપીટાલીઝમ તેની ચરમસીમાએ છે, વિરોધ પક્ષોની જગ્યા આંચકી લેવામાં આવી રહી છે, ભારતીય નાગરિકોના ચિત્ત પર કબજો કરવામાં આવી રહ્યો છે એવી જે ટીકા જગતના કહેવાતા ડાહ્યા શાસકો કરે છે અને આખી મજા કિરકિરી કરી નાખે છે એવો ડર ટ્રમ્પ સાથે નથી. ટ્રમ્પ આવું નરેન્દ્ર મોદી માટે ક્યારે ય નહીં કહે કારણ કે આપણા જેવા છે. આપણા જેવા ક્યારે ય એકબીજાની ટીકા નથી કરતા, પણ તેઓ ક્યારે ય આપણા નથી થતા એ પણ એક હકીકત છે.
એમ તો ચીનના શી ઝિંગપીંગ અને ઈઝરાયેલના બેન્જામીન નેતાન્યાહુ પણ એ જ ટોપલાના ફરજંદ છે, પણ તેઓ આમંત્રણ હોવા છતાં વોશીંગ્ટન નહોતા ગયા. શી ઝિંગપીંગને એમાં દરબારીપણું લાગ્યું અને નેતાન્યાહુને ટ્રમ્પની ઈઝરાયેલનીતિ પસંદ નહીં પડી. ખરી તાકાત ના પાડવામાં છે અને ચીન અને ઇઝરાયેલ ના પાડી શકે એમ છે. જે સમયે ટ્રમ્પની શપથવિધિ થતી હતી ત્યારે રશિયાના વ્લાદિમીર પુતિન અને ચીનના શી ઝિંગપીંગ વચ્ચે ઓનલાઈન વાટાઘાટ ચાલતી હતી અને તેમણે કહી દીધું હતું કે હવે પછીના જગતનો આકાર અમારી ભૂમિમાં ઘડાવાનો છે, અમે ઘડવાના છીએ. ગમે એટલી ડંફાશ મારો, ડરામણી વાસ્તવિકતાથી ભાગી નહીં શકો.
ટ્રમ્પશાસન ભારત અને ભારતીયો માટે અનુકૂળ નથી નીવડવાનું, પ્રતિકૂળ નીવડવાનું છે. શરૂઆત થઈ ગઈ છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 જાન્યુઆરી 2025