
રમેશ ઓઝા
૨૧મી સદીની પહેલી પચીસી પૂરી થવા આવી છે, પણ હજુ સુધી ૨૧મી સદીની કોઈ ઓળખ બની નથી, તેનું કોઈ પોત જોવા મળતું નથી, એવું સુંદર નિરીક્ષણ ઇઝરાયેલના વિદ્વાન ચિંતક યુવાલ હેરારીએ લલ્લનટોપના સૌરભ દ્વિવેદીને આપેલી મુલાકાતમાં વાતવાતમાં કર્યું હતું. તેમણે તે વિષે કોઈ લંબાણપૂર્વક વાત નહોતી કરી, પરંતુ હું મારી વાત કહું છું.
૧૯મી સદીની પહેલી પચીસીમાં જ જગત કઈ દિશામાં જઈ રહ્યું છે અને તે રાજકીય અને સાંસ્કૃતિક રીતે કેવો આકાર ધારણ કરશે એના સંકેત મળી ગયા હતા. ત્રણ ચીજ મુખ્ય હતી. ઔદ્યોગીકરણ, સાંસ્થાનીકરણ અને પશ્ચિમનું સાંસ્કૃતિક વર્ચસ્વ. પશ્ચિમ પૂર્વ અને દક્ષિણ વિશ્વ પર રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક એમ ત્રણેય રીતે કબજો જમાવશે. ઈ. સ. ૧૯૦૦ની સાલ સુધીમાં લગભગ આખા જગત પર પશ્ચિમે કબજો કરી લીધો હતો. આજે આટલાં વરસ પછી પણ વિશ્વદેશો માત્ર રાજકીય રીતે પશ્ચિમથી સ્વતંત્ર થયા છે, આર્થિક અને સાંસ્કૃતિક રીતે હજુ પણ મુક્ત નથી થઈ શક્યા. મુક્ત થવું હોય તો વિકલ્પ જડતો નથી. પશ્ચિમના આર્થિક ઢાંચા સામે વૈકલ્પિક ઢાંચો નથી અને પશ્ચિમના સાંસ્કૃતિક વર્ચસ કે પછી સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ સામે આપણો પોતાનો ઘર આંગણેનો વિકલ્પ જડતો નથી. બીજા વિશ્વયુદ્ધ પછી મુક્ત થયેલા દેશો આપઓળખની મથામણ કરી રહ્યા છે અને જ્યારે પણ પોતીકી સાંસ્કૃતિક ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે તો એ પ્રયત્ન પુનર્જાગરણ(રેનેસૉં)માં પરિણમવાની જગ્યાએ જૂનાની આગ્રહપૂર્વકની પુન:સ્થાપના(રિવાઇવલિઝમ)માં સરકી પડે છે જેનો સ્થાનિક પ્રજા જ વિરોધ કરે છે. સામ્રાજ્યવાદના વિકલ્પ તરીકે સમાજવાદ અને રાષ્ટ્રવાદની વિચારધારા વિકસી એ પણ ૧૯મી સદીના પશ્ચિમમાં જેનો બાકીનું જગત સમાનતા, ન્યાય અને આપઓળખ સિદ્ધ કરવા માટે આશ્રય લઈ રહ્યું છે. ૧૮મી સદીના અંત ભાગમાં ફ્રાંસમાં ક્રાંતિ થઈ હતી અને એ ક્રાંતિએ આપેલાં મૂલ્યોએ પણ ૧૯મી સદીને પ્રભાવિત કરી હતી.
૨૦મી સદીની પહેલી પચીસી પણ એક પોત લઈને આવી હતી. સદીની શરૂઆત જ ૧૯૦૪-૧૯૦૫માં રશિયા અને જપાન વચ્ચે યુદ્ધ સાથે થઈ હતી જેમાં વિશાળકાય રશિયા સામે જપાનનો વિજય થયો હતો. એ વિજયને એશિયાના યુરોપ પરના અથવા પૂર્વના પશ્ચિમ પરના અથવા અશ્વેતના શ્વેત પરના વિજય તરીકે ઓળખાવવામાં આવ્યો હતો. ઉપર કહ્યા એવા પશ્ચિમના દેશો સામે કેટલો તીવ્ર રોષ હશે એ આમાં જોઈ શકાય છે. વીસમી સદીની પહેલી પચીસીમાં વિશ્વયુદ્ધ થયું હતું અને એ થવાનું જ હતું, કારણ કે પશ્ચિમના દેશો વચ્ચે લૂટ અને શોષણની હોડ શરૂ થઈ હતી. ૧૯૧૭માં રશિયામાં સામ્યવાદી ક્રાંતિ થઈ અને જગતને પહેલીવાર સામ્યવાદી શાસનનો અનુભવ થયો. ૨૦મી સદીની પહેલી પચીસીમાં ઇસ્લામના ખલીફાનાં શાસનનો અંત આવ્યો અને જગતભરના મુસલમાનોને મુસ્લિમ ઇતિહાસમાં પહેલીવાર સેક્યુલર દેશના સેક્યુલર નાગરિક તરીકે જીવવાનો વિકલ્પ મળ્યો. ૧૯૦૯માં મહાત્મા ગાંધીએ ‘હિન્દ સ્વરાજ’ લખીને જગતને ભૂખાળવી આધુનિક સભ્યતા સામે પ્રતિવાદ કરતી થીસીસ આપી અને સામાન્યમાં સામાન્ય માણસને સત્યાગ્રહ નામનું ઓજાર આપ્યું. તોપનું બળ પણ મૃત્યુનો ભય ફગાવી દઈને સત્યનો આગ્રહ કરનારા લડવૈયા સામે નિરસ્ત નીવડે એ ગાંધીજીએ બતાવી આપ્યું. આજે જગત આખામાં સામાન્ય માણસો સત્યાગ્રહો કરીને શાસકોને ઝૂકાવે છે. સત્યાગ્રહ દ્વારા કેટલાક દેશોએ સ્વાતંત્ર્ય અને કેટલાક સમાજે અન્યાયથી મુક્તિ મેળવી છે.
૧૯મી અને ૨૦મી સદીથી ઊલટું ૨૧મી સદીની કોઈ ભાત જોવા મળતી નથી. ૨૧મી સદીનાં ૨૫ વર્ષો ટેકનોલોજી દ્વારા સંચાલિત લાગે છે. એમાં હવે આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સનું આગમન થયું છે. ટેકનોલોજી દ્વારા માણસને રડાવી શકાય. માણસને ઉશ્કેરી શકાય. ભાઈને ભાઈ સામે લડાવી શકાય, માણસને નિરાશાની ગર્તામાં ધકેલી શકાય, માણસને બેવકૂફ બનાવી શકાય, તેને ધર્મ, રાષ્ટ્રવાદ વગેરેના નશામાં ચૂર રાખી શકાય. ચોક્કસ સમાજને બદનામ કરી શકાય, કોઈનું ચારિત્ર્યહનન કરી શકાય. બધું જ ટેકનોલોજી દ્વારા અજાણ્યા ચહેરાઓ, અજાણ્યા રહીને અજાણી જગ્યાએથી આ બધું કરે છે. પ્રજા પરસ્પર જીભાજોડીમાં રત છે અને સ્થાપિત હિતો તેનો લાભ લે છે. ૧૯મી અને ૨૦મી સદીમાં નવા વિશ્વનો વિચાર કરવામાં આવતો હતો તો ૨૧મી સદીમાં વીતેલા સમયના હિસાબ કરવામાં આવી રહ્યા છે. પ્રજાને અખાડામાં ધકેલી દેવામાં આવી છે. આ રીતે જોઈએ તો આ હતાશાનો યુગ છે. આ ઉપરાંત આરોગ્ય અને પર્યાવરણનાં પણ સંકટો છે.
આ વમળમાંથી નીકળવું કેમ એના વિષે કોઈ મૌલિક વિચાર કે ઉપાય કોઈ દિશાએથી હજી સુધી સાંભળવા મળ્યો નથી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 જાન્યુઆરી 2025