
રમેશ ઓઝા
પરમાત્માનો પરાજય. ભારતના સેક્યુલર મતદાતાઓએ પરમાત્માને પરાજીત કર્યા છે. પાંચમાં અને છઠ્ઠા ચરણની ચૂંટણી વચ્ચે પાળીતા પત્રકારોને મુલાકાત આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે “હવે મને એમ લાગવા માંડ્યું છે કે હું યૌનસંતાન નથી, પરંતુ પરમાત્માએ મને ખાસ કામ માટે મોકલ્યો છે.” આવો વહેમ આ જગતમાં ઘણા આત્મમુગ્ધ તાનાશાહો ધરાવતા આવ્યા છે. આ કોઈ સાવ નવો નક્કોર દાવો નથી. તેનો પણ ઇતિહાસ છે, પણ એ વાત જવા દઈએ.
શું પરમાત્માએ પસંદ કરેલા દૈવીપુરુષને એમ કહ્યું હતું કે હું (એટલે કે પરમાત્મા) ભારતનાં મુસલમાનોના ચહેરા પર ડર જોવા માગું છું? મણિપુરની સ્ત્રીઓની લાજ ઉતરતી જોવા માગું છું? વિરોધ પક્ષને નેસ્તનાબૂદ થયેલો જોવા માગું છું? તેના નેતાઓને જેલમાં સબડતા જોવા માગું છું? ભારતનાં લોકતંત્રને રૂંધાતું જોવા માગું છું? યુવાનોને રોજગાર વિના રખડતા જોવા માગું છું? મોંઘવારીને કારણે ત્રાહિમામ્ પોકારી ગયેલી પ્રજાને જોવા માગું છું? જે તે માગણીઓ લઈને આંદોલન કરનારાઓને સબક શીખવાડવા માગું છું? ભારતની ભૂમિ પર કબજો કરનારા ચીનનો ચ નહીં ઉચારનાર કૃતનિશ્ચયી અને નીડર નેતાને જોવા માગું છું? ચોવીસે કલાક પોતાનો જયજયકાર કરાવનારા અને વિરોધીઓને બદનામ કરનારા એક અનોખા દિવ્યપુરુષને ભારતની ભૂમિ પર વિચરતો જોવા માગું છું? દેશમાં મોકળાશનો અંત અને ડરનું સામ્રાજ્ય જોવા માગું છું? કોઈ આવા ઉદ્દેશથી પરમાત્માએ નરેન્દ્ર મોદીના શરીરને પસંદ કર્યું હશે?
બને કે પરમાત્માને પણ જૂની યાદો સતાવવા લાગી હોય જ્યારે જગત આખામાં જે તે ધર્મના ઠેકેદારો આ બધું કરતા હતા. યુરોપમાં પુન:જાગરણ થયું અને એમાંથી જે મૂલ્યો વિકસ્યાં તેણે ધર્મના નામે “માપમાં રહો અને ડરીને જીવો”ના યુગને સમાપ્ત કરી દીધો. ભારતમાં પણ એનો ચેપ લાગ્યો અને ભારતની પ્રજાએ પણ “માપમાં રહો અને ડરીને જીવો”ની વ્યવસ્થા ફગાવી દીધી. ભારતની પ્રજાએ વ્યક્તિગત મોકળાશ, સ્વતંત્રતા, વ્યવસ્થામાં ભાગીદારી, ધર્મની જગ્યાએ સેક્યુલર બંધારણ દ્વારા શાસિત વ્યવસ્થા સ્વીકારી. આ બધું જોઇને કદાચ ભગવાનને થયું હશે કે કેવો એ સુવર્ણકાળ હતો જ્યારે ઈશ્વરને નામે અને એ ઈશ્વર સુધી લઈ જતા ધર્મને નામે કેટલાક લોકો પ્રજાને કચડતા હતા અને ડરાવીને રાખતા હતા. એ દરેક પોતાને ઈશ્વરે પસંદ કરેલા ખાસ દૈવી પુરુષ તરીકે ઓળખાવતા હતા. આપણે ત્યાં બ્રાહ્મણો પોતાને બ્રહ્માના મુખમાંથી પેદા થયેલા હોવાનો દાવો કરે છે અને પ્રજાને તેની મર્યાદા બતાવીને ડરાવી રાખતા હતા. કેવા એ વૈભવી દિવસો હતા! શું ઈશ્વર જૂની યાદોમાં સરકી પડ્યા હશે? માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લાહવો એમ કવિ કલાપીએ કહ્યું છે.
“માપમાં રહો અને ડરીને જીવો” એ નરેન્દ્ર મોદીના એક દાયકાના શાસનનો ધ્રુવમંત્ર હતો. પરંતુ તેઓ એ વાત ભૂલી ગયા કે ભારતની પ્રજાએ પણ યુરોપના પુન:જાગરણનાં મૂલ્યોને અપનાવ્યાં છે. અપનાવ્યાં નથી, ઠીકઠીક પ્રમાણમાં આત્મસાત કર્યા છે. આ મૂલ્યો બંધારણ દ્વારા ભારતને મળ્યાં છે એ વાત સાચી, પણ વધારે સાચી વાત એ છે કે છેલ્લાં બસો વરસ દરમ્યાન ભારતની પ્રજાને મળેલાં અને પ્રજાએ સ્વીકારેલાં એ મૂલ્યોને બંધારણમાં સમાવવામાં આવ્યાં છે. સ્વીકૃત મૂલ્યોને બંધારણમાં આમેજ કરવામાં આવ્યાં છે. આઝાદી પછીના સાત દાયકા દરમ્યાન પ્રજાએ એ મૂલ્યો જીવ્યાં છે. વ્યક્તિગત મોકળાશ, સત્તામાં ભાગીદારી, જવાબદાર શાસન, લોકશાહી, પસંદગીનો અધિકાર, માગણીઓ કરવાનો અધિકાર, માગણી ન સંતોષાય તો લડવાનો કે આંદોલન કરવાનો અધિકાર, વગેરે વગેરે. ભારતની પ્રજાની ત્રીજી પેઢી “માપમાં રહો અને ડરીને જીવો”થી ઊલટું “મોકળાશથી જીવો અને આગળ વધો”ના જીવનમંત્ર સાથે જીવી રહી છે. ભારતીય રાષ્ટ્રનું જેમણે પાયારોપણ કર્યું એ પૂર્વસૂરિઓ પાસેથી મળેલો, પ્રજાએ સ્વીકારેલો અને જીવેલો વારસો છે.
પણ એની વચ્ચે ૨૦૧૪માં એક માણસનું અવતરણ થયું અને તેણે પ્રજાને કહ્યું કે માપમાં રહો અને ડરીને જીવો. ખૂબી એ વાતની છે કે જ્યારે અવતરણ થયું ત્યારે એ દૈવીપુરુષે કહ્યું હતું કે હું તો મહાન ભારતીય રાષ્ટ્રની વ્યવસ્થામાં પેઠેલા સડાને સુધારવા માટે આવ્યો છું. આ મહાન દેશની વ્યવસ્થા ભ્રષ્ટાચાર, સગાંવાદ, નોકરશાહી, અનિર્ણય-અવસ્થા, કૃતનિશ્ચયતાનો અભાવ, મૌલિકતાનો અભાવ વગેરેનો શિકાર બની ગઈ છે. એમાં મોટા સુધારાની જરૂર છે અને મોટા સુધારા માટે મોટું લોકસમર્થન ધરાવનારા નેતાની જરૂર છે. હું આવો એક માણસ છું અને આ બધું મેં ગુજરાતમાં કરી બતાવ્યું છે. (હા સાચી વાત છે, હા સાચી વાત છે એમ કહેનારા લોકોની એક ફોજ આ પહેલાં જ તૈયાર રાખવામાં આવી હતી.) લોકોએ એ દાવા પર વિશ્વાસ મૂક્યો અને ભારતીય જનતા પક્ષને સ્પષ્ટ બહુમતી આપી. ૨૦૧૯માં હજુ વધુ મોટો સાથ આપ્યો. કાટ ખાઈ ગયેલી વ્યવસ્થાને સુધારવા માટે સમય તો આપવો જોઈએ.
આની વચ્ચે સમજદાર હિંદુઓનો એક વર્ગ સતત લોકોને ચેતવતો હતો કે તેમનો ઈરાદો વ્યવસ્થામાં સુધારા કરવાનો નથી, પણ સમૂળગી વ્યવસ્થા બદલી નાખવાનો છે અને તેની જગ્યાએ એવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાનો છે જેમાં મધ્યયુગીન વિશ્વમાં જોવા મળતું હતું એમ ધર્મના નામે પ્રજાની છાતી પર ચડી શકાય. ધર્મના નામે પ્રજાને પોરસાવો ડરાવો અને પછી કહો કે હું છું ને ડરવાની જરૂર નથી. ભયમુક્ત કરીને ભય દૂર કરવાના ગાંધીજીના માર્ગથી ઊલટું ભયભીત કરીને ભયમુક્ત કરવાનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. મારી આંગળી પકડો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે કારણ કે આપણે મહાન પ્રજા છીએ અને તમારો નેતા ઈશ્વરી તાકાત ધરાવે છે. તેમને બસ આટલું જ જોઈએ છે અને તેને સાકાર કરવા બેશુમાર શક્તિ જોઈએ છે. એ બેશુમાર સાધનો ભાઈબંધ ઉદ્યોગપતિઓ પાસેથી મળે છે જેનાં દ્વારા પ્રજાને કેફમાં રાખવામાં આવે છે, કેટલાક લોકોને ડરાવવામાં આવે છે, વિરોધ પક્ષોને નેસ્તનાબૂદ કરવામાં આવી રહ્યા છે, વ્યવસ્થાતંત્રના મહત્ત્વના માણસો(જજો, અધિકારીઓ વગેરે)ને ખરીદવામાં આવી રહ્યા છે, ગોદી મીડિયા પ્રજાને કેફમાં રાખવાનું અને વિરોધીઓને બદનામ કરવાનું કામ કરે છે, પ્રજાના વાસ્તવિક પ્રશ્નોને ઘોંઘાટ પેદા કરીને દબાવી દેવાનો પ્રયાસ કરે છે, આર્મી ઓફ ટ્રોલ્સ જંગલી કૂતરાઓની જેમ વિરોધીઓની પાછળ પડી જાય છે. ટૂંકમાં હિંદુઓનો ટેકો મળવો જોઈએ; બને ત્યાં સુધી શ્રદ્ધાપૂર્વક અને નહીં તો ડરીને.
આમ બે પક્ષે કામ થતું હતું. કેટલાક લોકો નરેન્દ્ર મોદીને મહાન ચીતરતા હતા અને કહેતા હતા કે દેશનું સૌભાગ્ય છે કે આપણને આવા મહાન પ્રતાપી નેતા મળ્યા છે. અને બીજા લોકો ડરાવવાનું કામ કરતા હતા. એક જમાત શ્રદ્ધાનું વાવેતર કરતી હતી અને બીજી જમાત ડરનું વાવેતર કરતી હતી. બધું જ આયોજનપૂર્વક થઈ રહ્યું હતું અને નરેન્દ્ર મોદીને એમ લાગવા માંડ્યું હતું કે હવે કોઈ માઈનો લાલ હાથ પણ લગાડી શકે એમ નથી. અને એ પછી જે તુમાખી શરૂ થઈ તેનો નજીકનો અને લાંબો ઇતિહાસ છે. પણ અભિમાન તેમ જ તુમાખીમાં એક જોખમ છે. તુમાખી ઉપરથી નીચે ઉતરે છે. વિકાસના લાભ નથી ઉતરતા, પણ તુમાખી ઉતરે છે. સ્થિતિ એવી બની કે ફેસબુકનો હિન્દુત્વવાદી વાચક પણ દાદાગીરી કરવા લાગ્યો. પ્રત્યેક હિન્દુત્વવાદી રાજાપાઠમાં રહેવા લાગ્યો. આપણે દૈવીપુરુષ હોવાનો થોડોથોડો અનુભવ દરેક કરવા લાગ્યા. તુમાખી, દાદાગીરી, અતિરેકો વધવા લાગ્યા અને લોકોએ એ પણ જોયું કે આમાં તો કોઈનો વાળ પણ વાંકો થતો નથી. “માપમાં રહો અને ડરીને જીવો” એ નરેન્દ્ર મોદીના શાસનનો ધ્રુવમંત્ર હતો.
આગળ કહ્યું એમ સમજદાર હિંદુઓ ધીરજ ગુમાવ્યા વિના સતત આ વાત લોકોને સમજાવતા હતા. તેઓ જે કહેતા હતા એ હવે પ્રત્યક્ષ જોવા અનુભવવા મળ્યું. ઓછામાં પૂરું બેકારી અને મોંઘવારીની તો કોઈ વાત જ નહીં કરવાની. ૨૦૧૪માં જે કહેવામાં આવ્યું હતું એ તો જાણે કે એક યુગ વીતી ગયો હોય એમ ભૂલાવી દેવામાં આવી. વિરોધ પક્ષો અધમુઆ હતા, મીડિયાનો સાથ નહોતો, ચૂંટણીપંચ ખિસ્સામાં હતું અને દરેક રીતે મદદ કરતું હતું, વહીવટીતંત્ર ભા.જ.પ.ની જીત માટે કામ કરતું હતું, પૈસા બેશુમાર હતા, વિરોધ પક્ષો પાસે ભા.જ.પ.ના એક રૂપિયા સામે દસ પૈસા પણ નહોતા અને ભયનું વાતાવરણ હતું. આવી અસમાન સ્થિતિમાં જે પરિણામ આવ્યું એ તમારી સામે છે. જો ચૂંટણી એક સમાન સ્થિતિમાં લડાઈ હોત તો બી.જે.પી.ને હજુ સો સીટ ઓછી આવી હોત. જગતના સંસદીય ઇતિહાસમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે સાવજ અને સસલાની લડાઈમાં સાવજનો પરાજય થયો, કારણ કે લોકોને વાસ્તવિકતા સમજાઈ ગઈ અને તેમણે ચૂંટણી પોતાના હાથમાં લઈ લીધી.
સમજદાર અને આંખ ઉઘડેલા ભારતીયો (મુખ્યત્વે હિંદુઓ) વિરુદ્ધ નરેન્દ્ર મોદી વચ્ચેની આ લડાઈ હતી જેમાં નરેન્દ્ર મોદીનો પરાજય થયો છે. જયવિજયને તેમણે પોતે જ વ્યક્તિગત કરી નાખ્યો હતો, એટલે એન.ડી.એ. નામનો મોરચો સરકાર રચી શકે એમ છે કે પછી ભા.જ.પ. સૌથી મોટો પક્ષ છે એ ગૌણ છે, મુખ્ય છે નરેન્દ્ર મોદીનો પરાજય. જો ૨૦૧૯માં મળેલી ૩૦૩ બેઠકોનો શ્રેય તેમને જતો હોય તો ૬૩ બેઠકો ગુમાવવાનો અપયશ પણ તેમને જ મળવો જોઈએ. આખો પ્રચાર મોદીના નામે અને મોદી માટે કરવામાં આવ્યો હતો. “મોદી કી ગેરંટી.” વ્યક્તિગત રીતે વારાણસીમાં તેમને માત્ર દોઢ લાખ મતોની સરસાઈ મળી છે જે રાહુલ ગાંધી તો છોડો અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને હરાવનાર કિશોરીલાલ શર્મા કરતાં અડધી છે. એક સમયે તો તેઓ કાઁગ્રેસના ઉમેદવારથી પાછળ પણ હતા. તેઓ ૨૦૧૯માં ૪,૭૯,૫૦૫ મતોથી જીત્યા હતા. આ વખતે વારાણસીમાં કુલ ૧૧ લાખ ત્રીસ હજાર મત પડ્યા હતા અને અમેઠીમાં નવ લાખ ૭૬ હજાર.
નરેન્દ્ર મોદી(સાથે અમિત શાહ)ના અભિમાનનો પરાજય થયો છે, તુમાખીનો પરાજય થયો છે, તેમણે અપનાવેલી રાજકીય શૈલીનો પરાજય થયો છે. જો લાજશરમ જેવી કોઈ ચીજ હોય તો તેમણે પોતે જ વડા પ્રધાનપદ માટે દાવેદારી ન કરવી જોઈએ.