રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ત્રણ મહિનામાં ત્રીજી વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના ટીકા કરી છે. અભિમાન પતનનું કારણ છે, સેવક નમ્ર હોવો જોઈએ, મણિપુર માટે કશુંક કરવું જોઈએ, શાસક સંવેદનશીલ હોવો જોઈએ, જાહેરજીવનમાં ગરિમા જાળવી રાખવી જોઈએ, વિરોધ પક્ષો વિરોધી નથી પણ પ્રતિપક્ષ છે અને હવે કહ્યું છે કે આપણે આપણા મુખે દૈવીસંતાન હોવાનો દાવો ન કરવો જોઈએ. લોકો નક્કી કરવા દો કે આપણે દૈવીસંતાન છીએ કે નહીં, સંઘમાં સંઘ (સામૂહિકતા) મહત્ત્વની છે વ્યક્તિ નહીં વગેરે વગેરે. આ બધું જ નરેન્દ્ર મોદીને લાગુ પડે છે એની કોણ ના કહી શકશે?
આ સિવાય સંઘે પખવાડિયા પહેલાં કેરળમાં સંઘપરિવારની સમન્વય સમિતિની બેઠક બોલાવી હતી જેમાં ભા.જ.પ.ના અધ્યક્ષને બોલાવવામાં આવ્યા હતા. બેઠક પછી સંઘ વતી ભા.જ.પ. સાથે સમન્વય કરનારા અશોક આંબેકરે મીડિયા સમક્ષ કબૂલ કર્યું હતું કે સંઘ અને ભા.જ.પ. વચ્ચે મતભેદ છે જેને ઉકેલી લેવામાં આવશે. એ પહેલાં કેન્દ્રના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના ઘરે ભા.જ.પ.ના નેતાઓની સંઘના નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં અમિત શાહ અને જે. પી. નદ્દા હાજર રહ્યા હતા. યાદ રહે, બેઠક રાજનાથ સિંહના ઘરે બોલાવવામાં આવી હતી. સંઘના બી.જે.પી.માં મોકલવામાં આવેલા નેતા રામ માધવને ફરી પાછા પક્ષમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. દેખીતી રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઈચ્છા વિરુદ્ધ. સંઘે હવે પોતાની ઉપસ્થિતિ બતાવવાનું શરૂ કરી દીધું છે.
ભારતીય જનતા પક્ષ અને તે પહેલાં ભારતીય જન સંઘ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વણઇચ્છ્યું સંતાન છે. જી હા, વણઇચ્છ્યું સંતાન છે. સંઘ પોતાનો પક્ષ સ્થાપીને સત્તાના રાજકારણથી પોતાને દૂર રાખવા માગતો હતો. એનાં બે કારણો હતાં. એક તો એ કે જો સંઘનો પોતાનો રાજકીય પક્ષ હોય તો સંઘ બીજા પક્ષોનો અને એ પક્ષના અનુકૂળ નેતાઓનો પોતાના ઉદ્દેશ માટે ઉપયોગ ન કરી શકે. કાઁગ્રેસના અનેક નેતાઓનો સંઘે ઉપયોગ કર્યો હતો અને તેઓ મદદ કરતા પણ હતા. સંઘ રાજકીય નહીં, સાંસ્કૃતિક સગઠન છે એવું ત્યારે કહેવામાં આવતું હતું કે જેથી મળે તેનો સાથ લઈ શકાય. પોતાનો પક્ષ નહીં સ્થાપવા પાછળનું બીજું વધારે મહત્ત્વનું કારણ એ હતું કે સત્તાનો સ્વભાવ જ વિઘટનકારી હોય છે. સત્તા મેળવવા માટે વિચાર અને નિષ્ઠા સાથે સમાધાનો કરવામાં આવે, ધીરે ધીરે ચારિત્ર્ય શિથીલ થવા લાગે, પૈસો એમાં મુખ્ય ભૂમિકા ભજવવા લાગે, સત્તાની લાલચમાં કોઈ વ્યક્તિ પોતાનું પ્રભુત્વ સ્થાપવા પયત્ન કરે અને એવું પણ બને કે પક્ષમાં એક ટોળકી રચાય જે પક્ષને હાઈજેક કરી જાય. સત્તા બહુ ખરાબ ચીજ છે. સંઘના એ સમયના સરસંઘચાલક ગોલવળકર ગુરુજી પક્ષની સ્થાપનાના સખત વિરોધી હતા. એક દિવસ સત્તા સંઘને અને સંઘના ઉદ્દેશને ખમત કરી નાખશે અને સંઘ તેનો ભોગ બનશે એવો તેમને ડર હતો.
પણ બન્યું એવું કે ગાંધીજીની હત્યા પછી હત્યામાં સંઘનો હાથ હતો એમ કહીને સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અલબત્ત સંઘ પરનો પ્રતિબંધ હટે એ માટે કાઁગ્રેસના કેટલાક નેતાઓએ ઘણી મદદ કરી હતી, પણ સંઘના કેટલાક નેતાઓને એમ લાગવા માંડ્યું કે દિલ્હીમાં આપણી વાત સાંભળનારા જ નહીં, કહેનારા પણ હોવા જોઈએ અને આગળ જતા કરનારા પણ હોવા જોઈએ. અન્યથા સંઘ શાસકોની દયા પર નભશે અને એ સ્થિતિમાં દેશમાં હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવાની મંજિલે નહીં પહોંચાય. ઘણાં મનોમંથન પછી સંઘે પક્ષ સ્થાપવાનો નિર્ણય લીધો હતો. ગુરુજી કમને સંમત થયા હતા. સત્તાના વિઘટનકારી સ્વભાવ વિષે તેમના મનમાં જે ડર હતો એ કાયમ રહ્યો હતો.
બીજા પક્ષોના અનુકૂળ નેતાઓનો સહયોગ મળી રહે એ માટે અને રાજકીય પક્ષ સંઘના ઉદ્દેશને હાનિ ન પહોંચાડે એ સારુ એક ખાસ પ્રકારની રચના કરવામાં આવી હતી. પક્ષનો અધ્યક્ષ કે બીજા પદાધિકારીઓ સંઘના હોય કે ન હોય, મહામંત્રી સંઘનો જ સ્વયંસેવક હોવો જોઈએ. પક્ષમાં ખરી સત્તા મહામંત્રીને આપવામાં આવી હતી. સંઘના સંસ્કાર ધરાવતો મહામંત્રી પક્ષને સંઘની પરિભ્રમણકક્ષાની બહાર નહીં જવા દે. આવી વ્યવસ્થા માત્ર રાષ્ટ્રીય સ્તરે નહોતી કરવામાં આવી, પ્રદેશ એકમોમાં પણ કરવામાં આવી હતી. આજે પણ દરેક જગ્યાએ મહામંત્રી સંઘનો જ હોય છે. સંઘ પોતાનાં સ્વયંસેવકોમાંથી કેટલાકને પક્ષનું કામકાજ કરવા માટે નિયુક્ત કરશે અને માત્ર એ નિયુક્ત કરેલા લોકો જ રાજકીય પ્રવૃત્તિ કરશે, બીજા નહીં. પક્ષને તેની રાજકીય પ્રવૃત્તિ કરવાની અને નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપી હતી, પરંતુ સંઘે એ સાથે પક્ષ અને સંઘ વચ્ચે એક સમન્વયકની ભૂમિકા રચી હતી જે સંઘની લાગણી પક્ષ સુધી પહોંચાડે. કોઈ બાબતે અસંમતી હોય તો સંઘ સમન્વયક દ્વારા પોતાનો મત પક્ષ સુધી પહોંચાડી શકે. ટૂંકમાં નિયમન સાથેની સ્વતંત્રતા અને જરૂર પડ્યે નિયંત્રણ પણ.
૧૯૫૧માં ભારતીય જન સંઘની સ્થાપના થઈ ત્યારથી એકંદરે આ વ્યવસ્થા ઠીકઠીક ચાલતી હતી, જેમાં પહેલીવાર ૧૯૯૫ના સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં ઝટકો લાગ્યો. સંઘના એક સ્વયંસેવક શંકરસિંહ વાઘેલાએ સત્તા ખાતર પક્ષમાં બળવો કર્યો અને પક્ષના ગુજરાત એકમમાં વિભાજન થયું. સંઘનો સ્વયંસેવક સત્તાના મોહનો શિકાર થયો અને બળવો કરવા સુધી આગળ વધ્યો એ સંઘ માટે આઘાતજનક ઘટના હતી. એ સિવાય બીજાં રાજ્યોમાં પણ સંઘે પક્ષમાં મોકલેલા નેતાઓ વચ્ચે સત્તાની સાઠમારી શરૂ થઈ ગઈ હતી. સત્તાના સ્વભાવ વિષે ગોલવળકર ગુરુજીને જે ભય હતો એ સાચો પડવા લાગ્યો.
એ પછી નરેન્દ્ર મોદીનો ઉદય થયો. તેઓ સત્તા પોતાની મૂઠીમાં રાખવામાં માને છે અને એ સારુ પક્ષ પોતાની મૂઠીમાં હોવો જોઈએ. પક્ષમાં સંઘે મોકલેલા નેતાઓ પોતાની મૂઠીમાં હોવા જોઈએ, એટલું જ નહીં સંઘે નિયુક્ત કરેલો સમન્વયક પણ મૂઠીમાં હોવો જોઈએ. તમારે રોટલા સાથે કામ છે કે ટપટપ સાથે? તમારો એજન્ડા હું લાગુ કરી દઈશ. તમારે બીજું શું જોઈએ? બસ વચ્ચે નહીં આવવાનું. આ સિવાય દેશની પ્રજા સાથે નરેન્દ્ર મોદીનો સીધો તાર સંધાઈ ગયો તે એટલે સુધી કે સંઘના નેટવર્કની તેમને જરૂર જ ન રહી. ઊલટું સંઘનું નીચેથી મિડલ લેવલ સુધીનું નેટવર્ક નરેન્દ્ર મોદી માટે કામ કરવા લાગ્યું. તેમનું બની ગયું. સંઘના સ્વયંસેવકો સરસંઘચાલકની જગ્યાએ નરેન્દ્ર મોદીને તેમના નેતા કહેવા લાગ્યા. ગોલવળકર ગુરુજીને જે વાતનો ડર હતો એ સાચો પડવા લાગ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે કે પક્ષના અને સંઘના અનેક સ્વયંસેવકો નરેન્દ્ર મોદીની જાહેરમાં ટીકા કરવા માટે મોહન ભાગવતની આલોચના કરે છે અને નરેન્દ્ર મોદીનો બચાવ કરે છે.
અમર્યાદિત સત્તા, સંપત્તિ અને ભયનો શિકાર માત્ર વિરોધ પક્ષોના નેતાઓ અને લોકતાંત્રિક સંસ્થાઓ જ નથી થઈ રહ્યાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ થઈ રહ્યો છે. ભીંસ સંઘ પણ અનુભવતો હતો. કલિયુગમાં સંઘશક્તિ સર્વોપરી હશે એ તત્ત્વજ્ઞાન જ ખોટું પડતું નજરે પડવા લાગ્યું. ભીંસ બેવડી હતી. એક વ્યક્તિ પક્ષને સંઘની ભ્રમણકક્ષાની બહાર લઈ જઈ રહી હતી એટલું જ નહીં, સંઘની ભ્રમણકક્ષા ટૂંકી થવા લાગી. બીજા શબ્દોમાં કહીએ તો પક્ષ પરિઘની બહાર જવા લાગ્યો અને પરિઘ નાનો થવા લાગ્યો. સંઘના ઇતિહાસમાં પહેલીવાર અને એ પણ શાતાબ્દી ટાણે સંઘ સામે અસ્તિત્વનું અને નિષ્ઠાનું સંકટ પેદા થયું. નરેન્દ્ર મોદી મોહન ભાગવતને પણ ગણકારતા નહોતા.
એની વચ્ચે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી યોજાઈ અને એમાં સાબિત થયું કે નરેન્દ્ર મોદીનું તેજ ઘટી રહ્યું છે. ઘટી રહ્યું છે નહીં, ઘટી ગયું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને થયેલું નુકસાન સુધારવાની એમાં તક દેખાય છે. મોહન ભાગવત પોતાની થયેલી ઉપેક્ષાથી પીડિત છે અને મોકો મળ્યે વેર વાળી રહ્યા છે એવું નથી. સંઘના નેતાઓમાં અપમાન અને વિપરીત સંજોગોને પચાવવાની અને મૂંગા રહેવાની ગજબની તાકાત હોય છે. સંઘ હજુ વધુ આક્રમક થશે, કારણ કે અંગ્રેજી શબ્દ વાપરું તો કરેકશન્સ કરવાં પડે એમ છે. આગળ કહ્યું એમ ૧૯૫૦-૫૧માં ગોલવળકર ગુરુજીએ બતાવેલો ભય માથા પર ઝળુંબે છે. સત્તા ભલભલાને ભસ્મ કરી નાખનારી પ્રચંડ વિનાશક શક્તિ છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 સપ્ટેમ્બર 2024